Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભવિષ્યનું અર્થતંત્ર નક્કી કરશે આ નાનકડી ચિપ:સ્માર્ટફોનથી માંડીને હ્યુમનોઇડ રોબોટ સુધી, બધુ જ નિર્ભર રહેશે નાનકડી સેમિકન્ડક્ટર ચિપ પર

    एक दिन पहले

    1967માં ખૂબ લોકપ્રિય થયેલી અને ડસ્ટિન હોફમેન અભિનીત હોલીવુડ ફિલ્મ 'ધ ગ્રેજ્યુએટ'માં એક સંવાદ આવે છે, કે આર્થિક ભવિષ્ય પ્લાસ્ટિકમાં છે, માટે પ્લાસ્ટિકમાં રોકાણ કરો. હવે અત્યારે 'ધ ગ્રેજ્યુએટ' ફરી બને તો પ્લાસ્ટિકનું સ્થાન ચોક્કસ 'ચિપ' લઇ લે! રોજે રોજ નવી નવી શોધ થઇ રહી છે આ વાત 1967ની છે જયારે અમેરિકા અને વિશ્વના વિકસિત દેશો માટે આર્થિક પ્રગતિ અને નવી નવી ટેકનોલોજીની શોધ અને એના ઉપયોગના દિવસો હતા. આ વાત ને વહાણાં વાઈ ગયા અને ત્યાર પછી, તો કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી હવે આ ત્રણેમાં વપરાતી નાનકડી ચિપ સુધી આપણે જે ઝડપે પહોંચ્યા છે એ ગણતરી કરવાનો પણ સમય નથી અને મતલબ નથી. કારણ કે વર્ષોની ગણતરી કરવા બેસીએ ત્યાં બીજી બે નવી શોધો થઇ જશે. હવે તેલ નહીં, પણ સેમિકન્ડક્ટર ચિપ દુનિયા ચલાવશે અત્યાર સુધી કહેવાતું કે જે દેશ પાસે તેલના ભંડારો, વધારે હશે એનું ભવિષ્ય કાયમ માટે સુરક્ષિત હશે. હવે આ વાતમાં ફેરફાર કરીને કહેવું પડે છે કે જે દેશ સેમિકન્ડક્ટર ચિપ બનાવવામાં રોકાણ કરશે એનું ભવિષ્ય સુરક્ષિત હશે. અને આ માનવું પડે એમ છે કારણ કે, આપણા હાથમાં રહેલો સ્માર્ટફોન, ઘરમાં ચાલતું સ્માર્ટ ટીવી, ઇલેક્ટ્રિક કાર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), સુપર કમ્પ્યુટર અને અવકાશયાન આ બધાના હૃદયમાં એક નાનકડી વસ્તુ ધબકે છે. અને તે છે 'સેમિકન્ડક્ટર ચિપ'. આજે વિશ્વમાં તેલ પછી જો કોઈ વસ્તુ સૌથી વધુ વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે, તો તે સેમિકન્ડક્ટર છે. આ કારણે અમેરિકા, દક્ષિણ કોરિયા, તાઇવાન, જાપાન અને ચીન વચ્ચે ટેકનોલોજીની નવી હરીફાઈ શરૂ થઈ છે. સિલિકોનના જોરે જ દુનિયાની મોટી ટેક કંપનીઓ ઉભી થઈ અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલું 'સિલિકોન વેલી' કે જ્યાં દુનિયા પર રાજ કરતી કંપનીઝ જેવી કે સન માઇક્રો સિસ્ટમ, સિસ્કો, આઇબીએમ, ઓરેકલથી શરુ કરીને અત્યારે ગૂગલ, માઈક્રોસોફ્ટ, એપલ અને મેટા આવેલી છે એના વિશે દુનિયાનું બચ્ચે બચ્ચું જાણે છે. અને આ સિલિકોન વેલી નામ જ ત્યાં મળી આવેલ સિલિકોન નામની અત્યારની કોઈ પણ ટેકનોલોજી માટે મહત્વની એવી પ્રોડક્ટને કારણે પડ્યું. AI ના આગમનથી અતિ ઝડપી મેમરી ચિપ અનિવાર્ય બની થોડાં વર્ષો પહેલાં સુધી મેમરી ચિપ એ એક ઇલેક્ટ્રોનિક સેમિકન્ડક્ટર ચિપ હતી. એનો ઉપયોગ મુખ્યત્વે કમ્પ્યુટર અને સ્માર્ટફોનમાં થતો હતો. પરંતુ ChatGPT જેવી જનરેટિવ AI ટેકનોલોજીના આગમન પછી દુનિયા બદલાઈ ગઈ. હવે AI મોડેલને તાલીમ આપવા માટે લાખો કરોડો ડેટા ઝડપથી વાંચવા અને લખવાની જરૂર પડે છે. આ માટે અતિ ઝડપી મેમરી અનિવાર્ય બની ગઈ છે. સેમસંગ, માઇક્રોન અને SK Hynix વચ્ચે ચિપ બનાવવાનું યુદ્ધ શરૂ થયું છે આજે વિશ્વના સૌથી શક્તિશાળી AI સર્વરમાં હજારો મેમરી ચિપ્સ એક સાથે કામ કરે છે. એટલે AI જેટલો વિકસે, તેટલી મેમરી ચિપ્સની માંગ વધતી જશે. અને માટે આ ચિપ વોર એટલે કે મેમરી ચિપ્સ ઉત્પાદનનું યુદ્ધ વિશ્વની ત્રણ કંપની વચ્ચે ચાલી રહ્યું છે. Micron Technology, SK Hynix, Samsung Semiconductor અને ઉત્પાદનમાં અગ્રણી TSMC. આગામી દાયકામાં આ કંપનીઓ માત્ર કમાણી નહીં કરે, પરંતુ સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા અને ટેકનોલોજીનું ભવિષ્ય નક્કી કરશે. સેમસંગ માત્ર ફોન નહીં, ચિપ ક્ષેત્રે પણ વિશ્વમાં આગળ છે Samsungનું નામ સાંભળતાં મોટાભાગના લોકોને સ્માર્ટફોન કે ટીવી યાદ આવે છે, પરંતુ કંપનીની સૌથી મોટી આવક લાંબા સમયથી સેમિકન્ડક્ટર વિભાગમાંથી આવતી રહી છે. ભવિષ્યના ચિપ વોરમાં પોતાની સ્થિતિ મજબૂત રાખવા અત્યારથી જ Samsung, AI, 2-નેનોમીટર ટેકનોલોજી અને અદ્યતન પેકેજીંગમાં વિશાળ રોકાણ કરી રહ્યું છે. અને Samsungની વિશેષતા એ છે કે તે ડિઝાઇનથી લઈને ઉત્પાદન સુધી લગભગ સંપૂર્ણ પ્રક્રિયા પોતાના નિયંત્રણમાં રાખી શકે છે. આ મોડેલ તેને અન્ય સ્પર્ધકો સામે અલગ બનાવે છે. SK Hynix એ AI મેમરીના દમ પર કર્મચારીઓને પણ અમીર બનાવ્યા આ મેમરી ચીપની માંગે જે કંપની તરફ ટેક્નોલોજીના નિષ્ણાતોનું ધ્યાન દોર્યું છે એ છે SK Hynix. થોડાં વર્ષો પહેલાં બહુ ઓછા લોકો સાઉથ કોરિયાની આ કંપની SK Hynix વિશે જાણતા હતા. પરંતુ આજે AI ઉદ્યોગમાં તે સૌથી મહત્વપૂર્ણ કંપનીઓમાંની એક બની ગઈ છે. કહેવાય છે કે SK Hynix કંપનીમાં લાંબા સમયથી કામ કરતા પટાવાળા, સફાઈ કર્મચારીઓ પણ લાખોપતિ/કરોડોપતિ છે કારણ કે કંપનીએ એમના દરેક લેવલના એમ્પ્લોયીઝને કંપનીની પ્રગતિ અને આવકમાં શેર આપીને ભાગ આપ્યો છે જે શેરના ભાવ માપવા હવે આસમાન પણ ટૂંકું પડે એવી હાલત છે. અમેરિકાની માઇક્રોને ઝડપી મેમરી બનાવીને કોરિયન કંપનીઓને ટક્કર આપી સાઉથ કોરિયાની આ બંને કંપની સેમસંગ સેમિકન્ડક્ટર અને SK Hynix ન અમેરિકાનો જવાબ છે Micron Technology જે લાંબા સમયથી DRAM જેવી મેમરી બનાવે છે. એક સમય એવો હતો જ્યારે કંપની દક્ષિણ કોરિયન કંપનીઓની પાછળ ગણાતી હતી. પરંતુ છેલ્લા થોડા વર્ષોમાં Micron એ ઝડપી મેમરી ટેક્નોલોજીમાં નોંધપાત્ર પ્રગતિ કરીને AI બજારમાં મજબૂત સ્થાન મેળવ્યું છે. માઇક્રોન હવે AI ડેટા સેન્ટર અને અમેરિકાની આત્મનિર્ભરતાની તાકાત છે Micron આજે માત્ર ચિપ બનાવતી કંપની નથી રહી. તે અમેરિકાના ટેકનોલોજી આત્મનિર્ભરતા અભિયાનનો મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. અને હવે કંપનીનું સૌથી મોટું લક્ષ્ય AI ડેટા સેન્ટર માટે અત્યાધુનિક મેમરી બનાવવાનું છે. જો AIનો વિકાસ આજની ગતિએ આગળ વધશે તો Micron માટે આગામી દસ વર્ષ સૌથી મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. કાર, રોબોટ્સ અને ડેટા સેન્ટર્સ માટે હવે ચિપ જ પ્રાણ છે તાજેતરમાં અમેરિકાના પૂર્વ ભાગમાં આવેલા એક રાજ્યમાં ખૂબ ઉર્જા વાપરતા અને ગરમી વધારતા ડેટા સેન્ટર બનાવવાની મંજૂરી રદ થઇ એવા સમાચાર છે. આમ છતાં પણ વિશ્વભરમાં હજારો નવા ડેટા સેન્ટર ઉભા થઈ રહ્યા છે. દરેક ડેટા સેન્ટર ને અબજો ટ્રાન્ઝિસ્ટર ધરાવતી ચિપ્સ અને વિશાળ મેમરીની જરૂર પડશે. અને ફક્ત ડેટાસેન્ટર્સ જ નહિ પણ તમે નામ લો એ દરેક પ્રોડક્ટ પછી એ ઇલેક્ટ્રિક કાર, હ્યુમનોઈડ રોબોટ અને ભવિષ્યના બુદ્ધિશાળી રોબોટ્સ માટે અત્યંત ઝડપી પ્રોસેસિંગ અને મેમરી અનિવાર્ય બનશે. પડકારો છતાં, આ નાનકડી ચિપ જ દુનિયાનું ભવિષ્ય લખી રહી છે અત્યારે કુશળ એન્જિનિયરોની અછત, અબજો ડોલરનું રોકાણ અને સેમિકન્ડક્ટર ફેક્ટરી સ્થાપવા વિશાળ જમીન મેળવવી જેવા પડકારોનો સામનો કરી રહેલી આ ચિપ ઇન્ડસ્ટ્રી AI ક્રાંતિના પાયાના પથ્થર છે. જેના વગર ગમે કે ના ગમે પણ આજ અને આવતીકાલની દુનિયાને ચાલવાનું નથી. અને માટે જ સિલિકોનની આ નાનકડી દુનિયા આવતીકાલના વિશ્વનું ભવિષ્ય લખી રહી છે.
    Click here to Read More
    Previous Article
    બાંગ્લાદેશમાં ક્રિકેટર શાકિબ અલ-હસનના ઘર પર હુમલો:પથ્થર-પેટ્રોલ બોમ્બ ફેંક્યા; કટ્ટરપંથીઓ શેખ હસીનાના કાર્યક્રમમાં સામેલ થવાથી નારાજ હતા
    Next Article
    લોકસભામાં ફાળા સંબંધિત બિલ પર ચર્ચા શક્ય:અમિત શાહ જવાબ આપી શકે છે; વિપક્ષનો NEET પેપર લીક અને દાન ચોરી પર હોબાળો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment