Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિરનાર બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટ સામે ઉદ્યોગકારોમાં ભારે વિરોધ:જૂનાગઢ જીઆઈડીસીમાં બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટથી ફેલાતા પ્રદૂષણ સામે ઉદ્યોગકારોનો રોષ, જ્યારે જીપીસીબી અધિકારી એ કહ્યું પ્લાન્ટ નિયમોનુસાર ચાલે છે.

    9 hours ago

    ​જૂનાગઢ જીઆઈડીસી-2 માં આવેલી ગિરનાર બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટને લઈને સ્થાનિક કારખાનેદારો, ઉદ્યોગકારો અને કામદારોમાં ભારે અસંતોષ તેમજ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. જીઆઈડીસી આસપાસના ફેક્ટરી માલિકો અને શ્રમિકો ધુમાડા તથા પ્રદૂષણના કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. કારખાનેદારોનો આક્ષેપ છે કે પ્લાન્ટમાંથી સતત કાળો ધુમાડો અને દુર્ગંધ છોડવામાં આવે છે, જેનાથી પર્યાવરણને મોટું નુકસાન પહોંચી રહ્યું છે. બીજી તરફ સમગ્ર મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડએ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે અને જણાવ્યું છે કે પ્લાન્ટ સરકારના તમામ નિયમો અને ધોરણોનું પાલન કરીને કાર્યરત છે. ​જીઆઈડીસી ફેક્ટરી ઓનર્સ એશોસિએશનના પ્રમુખ પરેશ ચોવટીયાએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગિરનાર બાયોમેડિકલ વેસ્ટ એ જૂનાગઢ જિલ્લાના 800 થી વધારે તબીબોની યુનિટીથી બનેલી એક રાસાયણિક ફેક્ટરી છે. તેમણે ઉમેર્યું હતું કે આ પ્લાન્ટમાં ઓપરેશન દરમિયાન નીકળતા હાડકાં અને ભારે દુર્ગંધ ફેલાવતા માનવ કે તબીબી કચરાને બાળવામાં આવે છે, જે આજુબાજુના વિસ્તાર તથા સમગ્ર જીઆઈડીસી માટે અત્યંત ખતરનાક અને જોખમી સાબિત થઈ રહ્યો છે. ​તેમણે વધુમાં વિગતો આપતા જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષથી તત્કાલીન કલેક્ટર રાણાવસિયા સહિત વહીવટી તંત્રને વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ ગંભીર સમસ્યાનો કોઈ શાશ્વત ઉકેલ આવ્યો નથી. તેમણે દાવો કર્યો હતો કે કલેક્ટર દ્વારા જીપીસીબીને તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, પરંતુ તંત્રની મિલીભગતને કારણે આ એકમ સામે કોઈ કડક પગલાં લેવાયા નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે જીપીસીબીના અધિકારીઓ જ્યારે પ્લાન્ટ કે મશીનરી બંધ હોય ત્યારે તપાસ માટે આવતા હોય છે અને આવી તપાસ વખતે એસોસિએશન કે આસપાસના કારખાનેદારોને ક્યારેય સાથે રાખવામાં આવતા નથી. તેમની અંતિમ માંગણી છે કે વહીવટી તંત્ર અને જીપીસીબી દ્વારા યોગ્ય તથા કડક કાર્યવાહી કરવામાં આવે. ​આ પ્રદૂષણથી પીડિત અને જીઆઈડીસીમાં આવેલી પ્લાસ્ટિક ફેક્ટરીમાં કામ કરતા શ્રમિક રસીદભાઈ સોઢાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે તેમની ફેક્ટરીની બિલકુલ બાજુમાં આવેલ આ પ્લાન્ટમાં હોસ્પિટલોમાંથી આવતો ખરાબ અને દૂષિત કચરો સળગાવવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે આ કચરો સળગવાથી નીકળતા કેમિકલયુક્ત ધુમાડાના કારણે તેમના શેડ અને પતરાં સડી ગયા છે, જેથી ચોમાસા દરમિયાન વરસાદી પાણી ગોડાઉનમાં પડે છે અને મિલકતને મોટું આર્થિક નુકસાન થાય છે. ​ આ પ્રદૂષણ શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ હાનિકારક છે. ફેક્ટરીમાં કામ કરતા મજૂરોને રાત્રિના સમયે શ્વાસ લેવામાં ભારે તકલીફ પડે છે, જેના કારણે કામદારો અહીં કામ કરવા માટે તૈયાર થતા નથી. આ ઉપરાંત જીઆઈડીસી નજીક ફોરેસ્ટ વિભાગની જમીન આવેલી હોવાથી ત્યાં રહેલા કુદરતી પક્ષીઓ, વનસ્પતિ અને વૃક્ષોને પણ ભારે નુકસાન પહોંચી રહ્યું છે. તેમણે સરકારને ખાસ વિનંતી કરતા જણાવ્યું હતું કે આ કચરો રહેણાંક કે ઉદ્યોગ ધરાવતા જીઆઈડીસી વિસ્તારમાં સળગાવવો જોઈએ નહીં, જેથી આ ફેક્ટરીને અહીંથી દૂર અન્યત્ર ખસેડવામાં આવે અથવા તેને બોયકોટ કરવામાં આવે. ​સામે પક્ષે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ના પ્રાદેશિક અધિકારી એમ.ઓ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ 'કોમન બાયોમેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલીટી' (CBWTF) છે, જે વર્ષ ૨૦૦૫ થી જીઆઈડીસી ફેઝ-૨ માં કાયદેસરની મંજૂરીઓ સાથે ચાલુ છે. તેમણે વિગત આપતા જણાવ્યું હતું કે આ એકમની મુખ્ય જવાબદારી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના સભ્ય હોય તેવા તમામ હોસ્પિટલો, ક્લિનિકો, પીએચસી અને સીએચસી સેન્ટરોમાંથી બાયોમેડિકલ કચરો એકઠો કરીને 48 કલાકની અંદર તેને સુરક્ષિત રીતે બાળવાની છે. ​અધિકારી એમ.ઓ. ત્રિવેદીએ ટેકનિકલ પ્રક્રિયા સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે આ પ્લાન્ટમાં બે ચેમ્બરવાળું ઇન્સિનરેટર આવેલું છે. જેમાં પ્રાથમિક ચેમ્બરમાં આશરે 800°C અને સેકન્ડરી ચેમ્બરમાં 1150°C જેટલું ઊંચું તાપમાન જાળવવું પડે છે, જેથી કચરાનો સંપૂર્ણ નાશ થઈ શકે. તેમણે ઉમેર્યું હતું કે આ તાપમાન સતત જાળવી રાખવું જરૂરી હોવાથી ઇન્સિનેરેટરને ચાલુ રાખવું પડે છે. તેને અચાનક બંધ કે ચાલુ કરી શકાતું નથી કારણ કે યોગ્ય તાપમાન ગરમ થવામાં સમય લાગે છે.છેલ્લા કેટલાક મહિનાઓમાં ફરિયાદો મળ્યા બાદ બોર્ડ દ્વારા 8 નવેમ્બર 2025, 10 ડિસેમ્બર 2025 અને 21 એપ્રિલ 2026 ના રોજ પ્લાન્ટ સ્થળે જઈને તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પ્રોટોકોલ મુજબ એર પોલ્યુશન એમિશન સાધનો દ્વારા 24 કલાકનું એમ્બિયંત એર ક્વોલિટી નું સેમ્પલિંગ લેવામાં આવ્યું હતું. કલેક્ટર દ્વારા ગઠિત કરાયેલી કમિટીની હાજરીમાં કરાયેલી ચકાસણીમાં હવા અને ચીમનીના તમામ સેમ્પલ સામાન્ય અને નિયત ધોરણોની અંદર માલૂમ પડ્યા છે. ​તેમણે વધુમાં જણાવ્યું હતું કે આક્ષેપ કરવાનો નાગરિકોનો હક છે પરંતુ તપાસમાં કોઈ અનિયમિતતા મળી નથી. આ ફેસિલીટી બંધ કરવી કે નહીં તે એક સરકારી નીતિગત બાબત છે. ઈટીપીના દૂષિત પાણી અંગે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે પ્લાન્ટની અંદર જ પાણીને બાષ્પીભવન કરીને રિસાયકલ કરવામાં આવે છે અને તેને બહાર છોડવામાં આવતું નથી. વન્યજીવોના નુકસાન અંગે વન વિભાગ પાસેથી માહિતી મેળવી શકાય છે. જૂનાગઢ ક્ષેત્રમાં ભારે ઉદ્યોગો ઓછા હોવાથી અહીંની હવાની ગુણવત્તા સામાન્ય રીતે 50 થી 60 ની વચ્ચે જ રહે છે. ​ત્યારે એક તરફ ઉદ્યોગકારો અને મજૂરો પ્રદૂષણ, આર્થિક નુકસાન અને શ્વાસની બીમારીઓથી ત્રસ્ત થઈને પ્લાન્ટ ખસેડવાની માંગ કરી રહ્યા છે, જ્યારે જીપીસીબી તમામ તપાસમાં પ્લાન્ટને ક્લીન ચિટ આપી રહ્યું છે. હવે આ મામલે વહીવટી તંત્ર આગળ શું પગલાં ભરે છે તેના પર સૌની નજર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    નિનામાનીવાવ પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી:ગુરુના મહત્વ અને સનાતન સંસ્કૃતિ પર વિશેષ કાર્યક્રમ યોજાયો
    Next Article
    Human head found near Bengaluru playground; police link it to railway death

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment