Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનમ વાંગચૂકનાં સમર્થનમાં રાજકોટના યુવાનો મેદાને:બહુમાળી ચોકમાં ધરણા, યુવકોએ કહ્યું- 'જો વૈજ્ઞાનિકોની જ કદર ન હોય તો સામાન્ય માણસની શું કિંમત?'

    4 days ago

    લદ્દાખના પર્યાવરણવિદ્ અને જાણીતા વૈજ્ઞાનિક સોનમ વાંગચૂકના સમર્થનમાં હવે ગુજરાતના યુવાનો પણ આગળ આવ્યા છે. રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે મોટી સંખ્યામાં એકઠા થયેલા યુવાનોએ પ્રતીક ધરણા શરૂ કરીને સોનમ વાંગચૂકની માગણીઓને વાચા આપી છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન યુવાનોએ દેશની વર્તમાન એજ્યુકેશન સિસ્ટમ (શિક્ષણ વ્યવસ્થા) સામે તીખા સવાલો ઉઠાવ્યા હતા. અને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો આપણા દેશના મહાન વૈજ્ઞાનિકોની જ કોઈ કદર ન થતી હોય, તો પછી સામાન્ય નાગરિકની કદર કોણ કરશે? દેશનું ભવિષ્ય સુધારવા માટે દરેક નાગરિકે ઘરમાંથી બહાર નીકળીને આ આંદોલનને સમર્થન આપવું જોઈએ. 'દેશમાં શિક્ષણને માત્રને માત્ર પૈસા કમાવવાનું એક સાધન બનાવી દેવાયું' દિવ્યભાસ્કર સાથે વાતચીત કરતા સફુરા મકવાણાએ વર્તમાન શિક્ષણ પ્રણાલી પર પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, આજે દેશમાં શિક્ષણને માત્રને માત્ર પૈસા કમાવવાનું એક સાધન બનાવી દેવામાં આવ્યું છે. ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓ અને વાલીઓ પાસેથી બેફામ ફી વસૂલે છે, પરંતુ તેની સામે યોગ્ય અને ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં આવતું નથી. બીજી તરફ, સરકારી શાળાઓની સ્થિતિ એવી છે કે ત્યાં પાયાની સુવિધાઓ કે યોગ્ય વ્યવસ્થા જ ઉપલબ્ધ નથી. જો દેશના બાળકોને સારું શિક્ષણ જ નહીં મળે, તો તેમનું ભવિષ્ય કેવી રીતે ઉજ્જવળ બનશે? આ વ્યવસ્થા સામે અવાજ ઉઠાવવાનો આ યોગ્ય સમય છે. વિદેશમાં તકો હોવા છતાં દેશ માટે લડતા વૈજ્ઞાનિકને કેમ ન્યાય નહીં? સોનમ વાંગચૂક અંગે વાત કરતા જણાવ્યું કે, તેઓ જેવા મહાન વૈજ્ઞાનિક પાસે વિશ્વનાં 5 દેશના વિઝા ઉપલબ્ધ છે. તેઓ ધારે તો વિદેશ જઈને આરામદાયક જીવન જીવી શકે છે. તેમ છતાં, તેઓ પોતાના દેશ માટે, લદ્દાખની ભૂમિ અને પર્યાવરણના રક્ષણ માટે ભૂખ હડતાલ પર બેઠા છે. જો આવા નિઃસ્વાર્થ વ્યક્તિ માટે પણ દેશની સરકાર અને તંત્ર આંખ આડા કાન કરતું હોય, તો તે અત્યંત શરમજનક બાબત છે. આપણા દેશના વડાપ્રધાન સુધી આ અવાજ પહોંચવો જોઈએ કે દેશનો યુવા વર્ગ હવે જાગૃત થઈ ગયો છે. ‘હિંસા કરવા, લોહી વહેવડાવવા કે કોઈનું ખૂન કરવા નથી બેઠા’ સરકાર અને વહીવટી તંત્ર દ્વારા આંદોલનોને દબાવવાના પ્રયાસો સામે સવાલો કરતા તેણીએ જણાવ્યું કે, અમે અહીં કોઈ હિંસા કરવા, લોહી વહેવડાવવા કે કોઈનું ખૂન કરવા નથી બેઠા. અમે શાંતિપૂર્વક અમારા બંધારણીય હકો માટે અને દેશના ભવિષ્ય માટે પ્રતીક ધરણા પર બેઠા છીએ. જે લોકો ખુલ્લેઆમ ડ્રગ્સ કે દારૂ વેચે છે, તેમની સામે તંત્ર કોઈ કડક પગલાં નથી ભરી શકતું, તો પછી પોતાના હક માટે અવાજ ઉઠાવતા સામાન્ય યુવાનોને પોલીસનો ડર કેમ બતાવવામાં આવે છે? પોલીસ કે પ્રશાસને અમારા આ શાંતિપૂર્ણ આંદોલનમાં કોઈ અવરોધ ઊભો કરવો જોઈએ નહીં. ‘જ્યાં સુધી સરકાર યોગ્ય નિર્ણય નહીં લે, ત્યાં સુધી વિરોધ પ્રદર્શનો યથાવત’ વધુમાં તેમણે જણાવ્યું કે, શહેરના અન્ય નાગરિકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ સોનમ વાંગચૂકના સમર્થનમાં આગળ આવવું જોઈએ, માત્ર ઘરમાં બેસી રહેવાથી કે સોશિયલ મીડિયા પર વાતો કરવાથી કંઈ બદલાવ આવવાનો નથી. જો આજે આપણે આપણા બાળકોના ભવિષ્ય અને દેશના વૈજ્ઞાનિકોના સમર્થનમાં રસ્તા પર નહીં આવીએ, તો આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે. જ્યાં સુધી સરકાર આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લે, ત્યાં સુધી આ પ્રતીક ધરણા અને ભૂખ હડતાલ જેવા વિરોધ પ્રદર્શનો યથાવત રાખવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. સોનમ વાંગચુકના સમર્થનમાં 24 કલાક પ્રતીક ભૂખ હડતાળ પ્રતીક ધરણા પર બેઠેલા વિપ્લવ પરમારે જણાવ્યું હતું કે, સોનમ વાંગચુકના સમર્થનમાં આજે અમારા દ્વારા ભૂખ હડતાળ શરૂ કરવામાં આવી છે. દિલ્હીના જંતર-મંતર ખાતે છેલ્લા 21 દિવસથી અન્નત્યાગ કરીને વિરોધ પ્રદર્શન કરી રહેલા સોનમ વાંગચુકની દિલ્હી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ કાર્યવાહીના વિરોધમાં અને તેમના સમર્થનમાં પ્રતીક ભૂખ હડતાળ શરૂ કરવામાં આવી છે. જે 24 કલાક કરીશું. જો સરકાર દ્વારા તેમની ન્યાયિક માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો આગામી મોન્સૂન સત્ર દરમિયાન પાર્લામેન્ટમાં પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવશે. ‘શિક્ષણ મંત્રી તાત્કાલિક ધોરણે રાજીનામું આપે’ ઉલ્લેખનીય છે કે, યુવાનોની મુખ્ય માંગ દેશની શિક્ષણ પ્રણાલીમાં ધરખમ સુધારો કરવાની અને વર્તમાન શિક્ષણ મંત્રી તાત્કાલિક ધોરણે રાજીનામું આપે તેવી છે. જો આગામી સમયમાં આ અંગે કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવાય, તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવીને આગળ પણ ચાલુ રાખવાની ચીમકી આપવામાં આવી છે. અને ગઈકાલે સોનમ વાંગચૂકને પોલીસ દ્વારા જે રીતે લઈ જવામાં આવ્યા તેને લઈને પણ યુવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આવનારા સમયમાં રાજકોટમાં પણ આંદોલન ઉગ્ર બને તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    મોતીતળાવ વિસ્તારમાંથી પાયલોટિંગ કરતી સ્વિફ્ટ કાર સાથે દારૂ ભરેલો ટ્રકઝડપાયો:ક્રાઇમ બ્રાન્ચે દારૂ, ટ્રક-કાર સહિત રૂ.13.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, સિહોર અને ટાણા ગામના શખ્સની ધરપકડ
    Next Article
    "From Illegal Detention": Sonam Wangchuk's Message Ahead Of Parliament March

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment