Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જગન્નાથ યાત્રામાં હાથીના પગ બાંધ્યા, શિકાર જેટલો ગુનો:મેનકા ગાંધીએ કહ્યું, આમાં ડબલ અત્યાચાર થયો છે; મંદિર સંચાલકો અને મહાવતને સજા થઈ શકે

    1 day ago

    અમદાવાદની 2025ની જગન્નાથ રથયાત્રામાં ત્રણ હાથી બેકાબૂ બન્યા હતા. એ ત્રણ હાથીઓને આ વખતે પગમાં સાંકળ બાંધીને રથયાત્રામાં લાવવામાં આવ્યા. શું હાથી પર આ અત્યાચાર છે? ક્યા કાયદા હેઠળ કેટલી સજાની જોગવાઈ છે? જાણીશું આજના ગુજરાત એક્સપ્લેનરમાં... 27 જૂન 2025ની તસવીર… 16 જુલાઈ, 2026ની તસવીર… 2025માં 27 જૂને જગન્નાથની રથયાત્રા નીકળી હતી. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહી હતી ત્યાં લગભગ સવારે 9.30 વાગ્યાની આસપાસ હાથી ધીમે ધીમે ખાડિયાથી આગળ વધી રહ્યા હતા. અચાનક આગળ ચાલતો હાથી બેકાબૂ થઈ ગયો હતો. તેની પાછળ ચાલતા બેથી ત્રણ હાથી પણ દોડવા લાગ્યા હતા. રથયાત્રામાં નર હાથી બેકાબૂ થતાં બે માદા હાથીએ એને કાબૂ કર્યો હતો. હાથી બેકાબૂ બન્યા હતા તેની પાછળનું સૌથી મોટું કારણ હતું- ડીજેનો ઘોંઘાટ, ઢોલ-નગારાંનો અવાજ. સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડના પૂર્વ મેમ્બર ભૂષણ પંડ્યા કહે છે કે, માણસ કરતાં પ્રાણીઓની સાંભળવાની શક્તિ છ ગણી વઘારે હોય છે. આપણે ડીજેના સ્પીકર પાસે ઊભા રહી શકતા નથી તો હાથીઓની શું સ્થિતિ થઈ હશે તે વિચારો. એટલે ત્યારે હાથી દોડવા લાગ્યા હતા. હાથીને બચાવવા વિશ્વભરમાં અભિયાન ચલાવી રહેલા ડો. જ્યોર્જ વિટમેયર સાથે એ વખતે દિવ્ય ભાસ્કરે વાતચીત કરી હતી. ડો. જ્યોર્જ વિટમેયરે કહ્યું હતું કે જગન્નાથ રથયાત્રામાં સામેલ હાથીઓ ગુસ્સે નહોતા થયા. એ ડરેલા હતા. આસપાસનો કોલાહલ એટલો છે કે ડરેલા હાથી એ વિસ્તારમાંથી શાંત જગ્યાએ ચાલ્યા જવા માગતા હતા. કારણ કે હાથી કોઈને મારતા નથી. કોઈને સૂંઢમાં ઊંચકીને ફંગોળતા નથી. બાકી, દોડી રહેલા હાથી પાસે લોકોને મારવાની પૂરતી તક હોય છે. યાત્રામાં વધારે પડતા અવાજના કારણે તણાવપૂર્ણ માહોલ થાય ત્યારે હાથીઓ એક જગ્યાએ એકબીજા પર નજર રાખવા ભેગા થઈ જાય છે. આ હાથીની એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. પછી તેઓ બંધિયાર વિસ્તારમાંથી બહાર નીકળવા માટે પ્લાન બનાવે છે અને એક ગલીમાંથી નીકળીને ભાગી શકાશે એવો ખ્યાલ આવતાં તેઓ એ ગલી તરફ દોટ મૂકે છે. ત્યારે લોકો ભાગમભાગ કરે છે પણ હાથી લોકોનાં ટોળાં તરફ દોડતા નથી. એનો ઈરાદો કોઈને હર્ટ કરવાનો નહોતો. એને તો બસ અહીંથી નીકળવું હતું. હકીકત એ છે કે આપણે આપણા મનોરંજન માટે શ્રદ્ધાના નામે પ્રાણીઓ પર શારીરિક અને માનસિક અત્યાચાર કરીએ છીએ. પૃથ્વી પરથી લુપ્ત થતી પ્રાણીઓની પ્રજાતિઓના લિસ્ટમાં હાથી પણ છે. ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ (Wildlife Protection Act, 1972) ની જોગવાઈ મુજબ, એશિયાઈ હાથીને શિડ્યુલ-1 (Schedule I) પ્રાણીનો દરજ્જો મળ્યો છે. શિડ્યુલ-1ના પ્રાણીનો શિકાર કરવો, તેમને ઈજા પહોંચાડવી અથવા તેમના અંગોનો વેપાર કરવો એ ગંભીર ગુનો છે. આવા ગુના માટે કડકમાં કડક કેદની સજા અને ભારે દંડની જોગવાઈ છે. ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પ્રાણી અત્યાચારની વિરૂદ્ધમાં કામ કરી રહેલાં મેનકા ગાંધીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, હાથીઓના પગ સાંકળથી બાંધીને આ રીતે ચલાવવા એ સ્પષ્ટપણે એનિમલ ક્રૂઅલ્ટી જ છે. હું તો કહું છું કે સાંકળથી ન પણ બાંધ્યા હોય તો ય તેને ડામરના રસ્તા પર ચલાવવા મોટો અત્યાચાર છે. કારણ કે અમદાવાદ જેવા શહેરમાં સખત ગરમી પડે છે. ડામર ધગધગતા હોય છે અને હાથીના પગની નીચેના ભાગની ચામડી એટલી મુલાયમ હોય છે કે જો તેને તડકામાં ડામર પર ચલાવો તો કોલસાની જેમ પગ બળી જાય છે. મેનકા ગાંધીએ એમ પણ કહ્યું કે, રથયાત્રામાં ભગવાનના રથની આગળ હાથી ચાલે છે એવી પરંપરા હોવી ન જોઈએ. રથયાત્રા જેવા પ્રસંગોમાં હાથીની જરૂર જ નથી. આ ક્રૂઅલ્ટી જ છે અને જવાબદારો સામે કડક પગલાં લેવા જોઈએ. નિવૃત્ત DCF સી.એમ.વરસાણી કહે છે, હાથીને યાત્રામાં સામેલ કરવા અને પગ સાંકળથી બાંધીને ચલાવવા એ અત્યાચાર છે અને તેના માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના બે કાયદા લાગૂ પડે છે. આ કિસ્સામાં બંને કાયદામાં સજા થઈ શકે. સી.એમ.વરસાણીએ જે બે કાયદાની વાત કરી, તેમાં શું જોગવાઈ અને સજા છે તે જાણી લો... 1. પ્રિવેન્શનન ઓફ ક્રૂઅલ્ટી ટુ એનિમલ એક્ટ- 1960 2. વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ- 1972 નિવૃત્ત DCF સી.એમ.વરસાણી કહે છે, આમાં બે અંગલ છે. સજા થાય તો મહાવત અને મંદિર સંચાલકો, બંનેને થાય. કોઈની હત્યા થાય તો ગોળી ચલાવનાર ગુનેગાર છે પણ સૌથી મોટો ગુનેગાર સોપારી આપનાર છે. આમાં એવું છે. મહાવત ગુનેગાર છે પણ સૌથી મોટો વાંક મંદિરના સંચાલકોનો છે. કારણ કે તેમના કહેવાથી મહાવત હાથી લઈને આવ્યો. બીજો એંગલ એ છે કે ગયા વખતે હાથી ભડક્યા હતા, આ વખતે ફરી ભડકે ને મોટી જાનહાનિ કરે તો? એટલે તેના પગે સાંકળ બાંધી. કારણ કે જ્યાંથી રથયાત્રા નીકળે છે તે સાંકડો વિસ્તાર છે. રસ્તા અતિ સાંકડા છે એટલે લોકોને ભાગવાની જગ્યા મળે નહીં. હકીકતે રથયાત્રા હવેથી જૂના અમદાવાદના બદલે નવા અમદાવાદના મોટા રસ્તાઓ પરથી કાઢવી જોઈએ. આ પરંપરા બદલાશે તો હાથીઓને મોકળાશ રહેશે, લોકો નિરાંતે દર્શન કરી શકશે અને હાથીઓ ભડકે તો પણ સરળતાથી કાબૂમાં લઈ શકાશે. આ બાબતે વિચારવું જોઈએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર સંવેદનશીલ સરકાર મનાય છે. જો સંવેદના હશે તો ચોક્કસ ગુજરાત સરકાર અને વન વિભાગ કાર્યવાહી કરશે. કારણ કે આમાં પ્રિવેન્શનન ઓફ ક્રૂઅલ્ટી ટુ એનિમલ એક્ટ- 1960 અને વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ- 1972 બંને કાયદાનો ભંગ તો છે જ. આમાં છટકબારી પણ ઘણી છે. સરકારે માણસોને ફાડી ખાનારા 30 માનવભક્ષી સિંહોને આજીવન પાંજરે પૂર્યા. કારણ કે સિંહ સરકારની નજરમાં ગુનેગાર છે. તો અમદાવાદની રથયાત્રામાં માણસોએ હાથી પર અત્યાચાર કર્યો છે. અહીં માણસ ગુનેગાર છે. હાથીના વજન જેવડો સવાલ એ છે કે સંવેદનશીલ સરકાર આ પ્રકરણમાં સંવેદના બતાવશે કે પછી જય જગન્નાથ...
    Click here to Read More
    Previous Article
    Murshidabad Train Accident Live Updates: Bengal transport minister mourns death of 3 children in Murshidabad
    Next Article
    NEET UGના પરિણામમાં ટોપ 30માં અમદાવાદના 3 વિદ્યાર્થી:બે વિદ્યાર્થીને 700થી વધુ માર્કસ, તહા ભાટિયા EWS કેટેગરીમાં ઓલ ઈન્ડિયા પ્રથમ રેન્ક; જામનગરનો મિહિર પટેલ સૌરાષ્ટ્રમાં પ્રથમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment