Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપા લાંચ કેસનો ફરાર પત્રકાર રિસોર્ટના સ્વિમિંગ પૂલમાંથી ઝડપાયો:સ્વિમવેર પહેરીને વોટર પાર્કના પૂલમાં ઘૂસી ગયા જવાનો, આરોપીને પાણીની અંદર જ દબોચ્યો

    18 hours ago

    સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટ અધિકારી સાથે સંડોવાયેલા અને રૂપિયા 4 લાખની લાંચના કેસમાં લાંબા સમયથી ફરાર આરોપી પત્રકાર મોહમ્મદ ઈસ્લામને પકડવા માટે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા એક ફિલ્મી ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આરોપી પત્રકાર પોલીસની ધરપકડથી સતત બચવા માટે સતત પોતાના ઠેકાણા બદલી રહ્યો હતો, જેમાં તે મુંબઈ અને દિલ્હી જેવા મહાનગરોમાં છુપાયા બાદ છેલ્લે એક વૈભવી રિસોર્ટના વોટર પાર્કમાં જઈને આશરો લીધો હતો. એસીબીની સ્પેશિયલ ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી આ રિસોર્ટના પૂલ એરિયામાં સ્વિમવેર પહેરીને કોઈ પણ જાતના ડર વગર આરામ ફરમાવી રહ્યો છે. જો પોલીસ પોતાના સત્તાવાર યુનિફોર્મ કે સામાન્ય સિવિલ કપડામાં પૂલ એરિયામાં પ્રવેશે તો આરોપી ભીડનો ગેરલાભ ઉઠાવીને ફરી એકવાર ભાગી છૂટે તેમ હતો, જેથી એસીબીના ઉચ્ચ અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પર જ પ્લાન બદલી નાખ્યો હતો. સ્વિમવેર પહેરીને ઓપરેશન પાર પાડ્યું સ્થિતિની ગંભીરતાને સમજીને એસીબીની સ્પેશિયલ ટીમના 4 બહાદુર જવાનોએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના પ્રવાસીઓનો વેશ ધારણ કરી લીધો હતો. આ જવાનો પોતે પણ સ્વિમવેર અને સ્વિમિંગ સૂટ પહેરીને સામાન્ય પર્યટકોની જેમ જ વોટર પાર્કની અંદર ઘૂસી ગયા હતા જેથી કોઈને પણ તેમના પર શંકા ન જાય. પત્રકાર પૂલની અંદર અત્યંત આરામથી પાણીની મજા માણી રહ્યો હતો અને તેને મનમાં એમ જ હતું કે તે હવે પોલીસની પહોંચથી ઘણો દૂર અને સંપૂર્ણ સુરક્ષિત છે. બરાબર એ જ સમયે સ્વિમવેર પહેરેલા એસીબીના જવાનો સામાન્ય લોકોની જેમ જ પૂલની અંદર તેની એકદમ નજીક પહોંચી ગયા હતા અને તેના પર કડક નજર ગોઠવી દીધી હતી. જેવો આરોપી પૂલના કિનારે બહાર નીકળવા તરફ જવા લાગ્યો, કે તરત જ એસીબીના જવાનોએ તેને પાણીની અંદર જ ચારેય તરફથી ઘેરી લીધો અને દબોચી લીધો હતો. આરોપી પત્રકાર એક સેકન્ડ માટે તો સંપૂર્ણપણે અવાક અને સ્તબ્ધ બની ગયો હતો કે તેની બાજુમાં આટલી વારથી સ્વિમવેર પહેરીને ન્હાતા લોકો અસલમાં એસીબીના ઉચ્ચ ઓફિસરો છે. તપાસનો ધમધમાટ શરૂ થયો ફિલ્મી ઢબે પૂલમાંથી ધરપકડ કર્યા બાદ એસીબીની ટીમ આરોપી પત્રકારને સુરત લઈને આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે કોર્ટ સમક્ષ આ ગુનાની ગંભીરતા અને કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. સરકારી વકીલ અને તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં ધારદાર દલીલો રજૂ કરવામાં આવી હતી કે આ માત્ર એક સાદો લાંચનો કેસ નથી પરંતુ પત્રકારત્વના ઓઠા હેઠળ આચરવામાં આવેલું મોટું સંગઠિત ગુનાહિત કાવતરું છે. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અને પોલીસ પાસે રહેલા પ્રાથમિક પુરાવાઓને ધ્યાનમાં રાખીને આરોપી પત્રકારના 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા, જેથી પોલીસ કસ્ટડીમાં રાખીને તેની સઘન પૂછપરછ કરી શકાય. લાંચની રોકડ અને ગુનામાં વપરાયેલા સ્માર્ટફોનની રિકવરી સૌથી મોટો પડકાર પોલીસે કોર્ટ સમક્ષ રિમાન્ડ મેળવવા માટે જે મુખ્ય મુદ્દાઓ રજૂ કર્યા હતા, તેમાં લાંચની રકમની રિકવરી સૌથી મહત્વનો ભાગ છે. આરોપી પત્રકાર ટ્રેપની કાર્યવાહી દરમિયાન જ સુરત મનપાના અધિકારી સાથે મળીને નક્કી થયેલી લાંચના કુલ 15 લાખમાંથી 4 લાખની રોકડ રકમ લઈને નાસી છૂટ્યો હતો. આ મોટી રકમ તેણે કયા ગુપ્ત સ્થળે છુપાવી રાખી છે અથવા તો ફરાર રહેવા દરમિયાન ક્યાં વાપરી નાખી છે તે હજી સુધી રિકવર થઈ શકી નથી. આ ઉપરાંત, ગુનાહિત કાવતરામાં જે મુખ્ય સ્માર્ટફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે પણ હજી સુધી જપ્ત કરવાનો બાકી છે. આ સ્માર્ટફોન પોલીસ માટે અત્યંત મહત્વનો પુરાવો સાબિત થઈ શકે તેમ છે, કારણ કે તેના કોલ લોગ્સ, ડિલીટ કરાયેલા ડેટા અને વોટ્સએપ ચેટ્સ દ્વારા મનપાના ભ્રષ્ટ અધિકારીઓ અને પત્રકાર વચ્ચેના કાળા કારોબારનો મોટો ખુલાસો થવાની પૂરેપૂરી સંભાવના છે. આ સમગ્ર ભ્રષ્ટાચારના કેસને અદાલતમાં મજબૂતાઈથી સાબિત કરવા માટે પોલીસે માત્ર મૌખિક વાતો પર આધાર રાખવાને બદલે વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કરવાની દિશામાં કામ શરૂ કર્યું છે. ગુનાહિત કાવતરાના સચોટ અને વૈજ્ઞાનિક પુરાવા મેળવવા માટે આરોપી પત્રકારને ગાંધીનગર ખાતે આવેલી સ્ટેટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) માં લઈ જવામાં આવશે. ત્યાં તેનું લેયર્ડ વોઈસ એનાલિસિસ (LVA) અને વોઈસ સેમ્પલિંગ (વોઈસ ટેસ્ટ) કરાવવામાં આવશે, જેથી લાંચ માંગતી વખતે રેકોર્ડ થયેલા ઓડિયો ક્લિપ અને આરોપીના અવાજનું સચોટ મિલાન થઈ શકે. ડીજીટલ પુરાવા અને વૈજ્ઞાનિક પદ્ધતિથી કરાયેલી તપાસ કોર્ટમાં આરોપીને સખત સજા અપાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે તેવું તપાસ એજન્સીનું દ્રઢપણે માનવું છે.
    Click here to Read More
    Previous Article
    ઈન્ડિયન બોલર્સ સામે અંગ્રેજો પાણીમાં બેસી ગયા:બુમરાહ, પ્રસિદ્ધ પછી ગરનૂર બરારે વિકેટ ઝડપી; બેન ડકેટ, બેથેલ પછી કેપ્ટન બ્રુક પેવેલિયન ભેગો થયો
    Next Article
    DG Shipping advises firms to avoid deploying Indian seafarers on Strait of Hormuz

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment