Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આ આફત માટે જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓને સ્ટીલના કીડા પડે':સુરતમાં પૂરના પાણી ઓસરતા જ લોકો-વેપારીના આંસુ છલકાયા, મત માગવા આવતા નેતાઓ ન ફરકતા રોષ

    7 hours ago

    સુરતમાં 6 અને 7 જુલાઈએ વરસેલા 18 ઈંચ વરસાદના કારણે શહેરના મોટાભાગના વિસ્તારો મંગળવારે જળમગ્ન બન્યા હતા. આજે વરસાદે વિરામ લીધો હોય મોટાભાગના વિસ્તારમાં પાણી ઓસરવાનું શરૂ થયું છે. તો બીજી તરફ પૂરના પાણીના કારણે લોકો અને વેપારીઓના લાખો રૂપિયાના માલનું નુકસાન થતા આંસુઓ છલકાવા લાગ્યા છે. ભાસ્કર રિપોર્ટસે આજે સવારથી જ શહેરના પૂરગ્રસ્ત અલગ અલગ વિસ્તારમાં પહોંચી લોકો અને વેપારીઓની સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો. મોટાભાગના વેપારીઓ કહેતા સંભળાયા કે 'હવે કંઈ બચ્યું નથી.' મોટાભાગના વેપારીઓ આ સમસ્યા માટે સુરત મહાનગરપાલિકાને જવાબદારી ગણાવી રહ્યા છે. શહેરમાં આડેધડ કરવામાં આવેલા ખોદાણ અને મેટ્રોની કામગીરીના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હોવાનું કહી રહ્યા છે. દુકાનની અંદર પાણી ભરાયા બાદ જ્યારે ફ્લડ કંટ્રોલ રૂમનો સંપર્ક કરાયો ત્યારે કંટ્રોલ રૂમ તરફથી વેપારીઓને જાતે જ પાણી કાઢવા માટે કહી દેવાયું હોવાનો આક્ષેપ પણ કરાયો છે. ભ્રષ્ટ અધિકારીઓ અને એમના પરિવારને સ્ટીલના કીડા પડે- મહેશ ગઢિયા વેપારી ગઢિયા મહેશે જણાવ્યું હતું કે, હું વરાછા રોડ, યશ પ્લાઝા કોમ્પ્લેક્સનો એક નાનો વેપારી છું.અમારા કોમ્પ્લેક્સમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને સીટકો કંપનીની ઘોર બેદરકારીથી અમે લોકો અત્યારે સંપૂર્ણ પાયમાલ થઈ ગયા છીએ અને કરોડો રૂપિયાનો આંકડો બોલી ન શકાય એટલો મોટો આંકડો છે. આ આંકડો આવવાનું કારણ અહીંયા મોટાભાગની જે દુકાનો છે તે કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા, સ્પેરપાર્ટ્સની હોલસેલની બધી દુકાનો છે. બધા ડિસ્ટ્રિબ્યુટરો અને સ્ટોકિસ્ટ પાર્ટનરો છે, એમના હિસાબે લોકો પાસે મોટી માત્રામાં સ્ટોક હોય છે. સીટકો કંપનીને અમે છેલ્લા ત્રણ મહિનાથી, જોકે આમ તો છ મહિનાથી સીટકો અને એસએમસીને અમે મૌખિક રજૂઆત કરેલી છે. એ લોકોને અહીંયા રૂબરૂ બોલાવીએ તો એ ભ્રષ્ટ અધિકારીઓ આવી જતા રૂબરૂ અને અમારી વાતને અલ્લાહ-અલ્લાહ કરીને કે 'સીટકો કરશે', સીટકો એમ કહે કે 'એસએમસી કરશે' એવી રીતે કરીને આ ચોમાસું આવી ગયું, પરંતુ એ ભ્રષ્ટ અધિકારીઓના પેટનું પાણી હલ્યું નથી. મારી સુરત શહેરના તમામ નાના-મોટા વેપારીઓને નમ્ર અરજ છે કે આ ભ્રષ્ટ અધિકારીઓ અને એમના પરિવારને સ્ટીલના કીડા પડે એવી તમે લોકો ઘરે પ્રાર્થના કરજો, જેથી કરીને એ લોકો ઝડપથી મરી જાય અને બીજા લોકોને આવું ભવિષ્યમાં નુકસાન ન થાય. '10 મિનિટમાં એટલું પાણી આવી ગયું કે શટર બંધ કરવાનો સમય ન મળ્યો' સુરતના વરાછા વિસ્તારમાં આવેલા પોદાર આક્રેડમાં મોબાઈલનું મોટું માર્કેટ આવેલું છે. આ માર્કેટમાં દુકાન ધરાવતા વેપારીઓની હાલત હાલ કફોડી બની ગઈ છે. બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી દુકાનોમાં પાણી ઘૂસી જતા લાખો રૂપિયાના મોબાઈલ અને મોબાઈલ એસેસિરિઝ પલળી ગયા છે. મોબાઈલના એક વેપારીઓ ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, બપોરે અમે જ્યારે દુકાન પર હતા ત્યારે 10 મિનિટમાં અચાનક એટલું પાણી આવી ગયું કે, માલ કાઢવાનો અને દુકાનનું શટર બંધ કરવાનો પણ સમય ન મળ્યો. આ જે સમસ્યા સર્જાઈ છે તે સુરત મહાનગરપાલિકા અને મેટ્રોની કામગીરીના કારણે સર્જાઈ છે. અમે ફ્લડ કંટ્રોલ રૂમમાં ફોન કરીએ છીએ તો કહે છે કે, આ અમારામાં ન આવે. તો શું અમારે ખાલી વેરો જ આપવાનો છે. અમારા કોમ્પલેક્સમાં 200 દુકાનોમાં પાણીના કારણે નુકસાન થયુ છે. વરાછા ઝોનમાં ફોન કર્યો તો કહ્યું- 'પાણી કાઢવાનું અમારામાં ન આવે, તમારે જાતે કાઢવું પડે' વિજયભાઈ નામના વેપારીએ કહ્યું કે, મંગળારે બપોરના સમયે અમારી દુકાનોમાં પાણી ભરાઈ ગયા બાદ અમે ફ્લડ કંટ્રોલરૂમમાં ફોન કર્યો તો બે કલાકે ફોન લાગ્યો હતો. ત્યાંથી અમને કહેવામાં આવ્યું કે, વરાછા ઝોનમામં ફોન કરો. અમે વરાછા ઝોનમાં ફોન કર્યો તો કહ્યું- આ અમારામાં ન આવે પાણી તમારે જાતે કાઢવું પડે. 'બધુ ઝીરો થઈ ગયું છે, જાણે મરવાનો દિવસ આવી ગયો હોય'- વેપારી કાળુભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, માત્ર 20 મિનિટમાં જ અચાનક એટલું પાણી ભરાઈ ગયું કે બધું જ તબાહ થઈ ગયું. અગાઉથી કોઈ જ પ્રકારની ચેતવણી કે સૂચના તંત્ર દ્વારા આપવામાં આવી નહોતી. જો અગાઉથી જાણ કરવામાં આવી હોત, તો અમે માલ-સામાન બચાવવા માટે કંઈક વ્યવસ્થા કરી શક્યા હોત. અમારો વેપાર ઉધાર પર ચાલતો હતો—માલ ઉધાર પર આવતો અને આગળ પણ ઉધારમાં જતો. અત્યારે સ્થિતિ એવી છે કે બધું જ ધોવાઈ ગયું છે અને હાથમાં કંઈ જ બચ્યું નથી, બધું 'ઝીરો' થઈ ગયું છે. અત્યારની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે જાણે મરવાનો દિવસ આવી ગયો હોય. દુકાનમાં કામ કરતા મજૂરોને પગાર કઈ રીતે આપવો અને ઘર કઈ રીતે ચલાવવું તેની મોટી ચિંતા છે.આ પરિસ્થિતિ માટે સંપૂર્ણપણે મ્યુનિસિપાલિટી જવાબદાર છે. પ્રી-મોન્સૂનની કોઈ કામગીરી વ્યવસ્થિત થઈ નથી. ચારેય બાજુ ખોદકામ કરીને મૂકી દીધું છે, પરંતુ પાણીના નિકાલ માટેની કોઈ જ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. ભૂતકાળમાં ક્યારેય પણ આ વિસ્તારમાં આવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું નથી. આ માત્ર ને માત્ર વહીવટી તંત્રના નબળા આયોજનનું પરિણામ છે. તંત્ર દ્વારા કરવામાં આવેલા આડેધડ ખોદકામને કારણે પાણી ભરાવવાની આ ગંભીર સમસ્યા સર્જાઈ છે, જેના લીધે નિર્દોષ વેપારીઓ રોડ પર આવી ગયા છે. બરોડા પ્રિસ્ટેજ માર્કેટની 500 દુકાનમાં પાણી ઘૂસી જતા કરોડોનું નુકસાન શહેરના સૌથી મોટા હોલસેલ માર્કેટ પૈકીના એક એવા વરાછાના 'બરોડા પ્રિસ્ટેજ' માર્કેટમાં વરસાદી પાણી ઘૂસી જતાં આખું માર્કેટ જાણે દરિયામાં ફેરવાઈ ગયું છે. પ્રાથમિક અહેવાલો મુજબ, 500થી વધુ દુકાનોમાં પાણી ફરી વળતાં વેપારીઓનો લાખો-કરોડો રૂપિયાનો માલ પલળીને બરબાદ થઈ ગયો છે. સુથારી કામ અને હોલસેલ ખરીદી માટે જાણીતું આ હબ આજે ટાપુ જેવું દેખાઈ રહ્યું છે. ભારે વરસાદના કારણે સમગ્ર વેપાર-ધંધા ઠપ્પ થઈ ગયા છે અને વેપારીઓ જાતે જ દુકાનોમાંથી પાણી બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ પરિસ્થિતિએ ફરી એકવાર સુરત મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને ડ્રેનેજ સિસ્ટમની પોલ ખોલી નાંખી છે. આશિષ આચાર્ય (મહાલક્ષ્મી હેન્ડલૂમ નામની દુકાન માલિક) એ જણાવ્યું હતું કે, ગતરોજ બપોરે આશરે 1 વાગ્યા પછી અચાનક જ અનરાધાર અને ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો. વરસાદ એટલો વધારે હતો કે, જોતજોતામાં ચારેય બાજુ અનહદ પાણી ભરાઈ ગયા હતા અને આ વરસાદી પાણી અમારી દુકાનની અંદર પણ ઘૂસવા લાગ્યા હતા. જોતજોતામાં જ દુકાનની અંદર અંદાજે એક થી દોઢ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે આખી દુકાન પાણીથી ગરકાવ થઈ ગઈ હતી. માલસામાનનું નુકસાન અને અંદાજિત આંકડો દુકાનમાં પાણી ભરાઈ જવાના કારણે નીચેના ખાનાઓમાં (રેકમાં) રાખેલો કપડાંનો ઓલમોસ્ટ બધો જ માલસામાન પાણીમાં ડૂબી ગયો હતો અને સંપૂર્ણપણે પલળી ગયો છે. અત્યારની પરિસ્થિતિ જોતા નુકસાનીનો ચોક્કસ આંકડો તાત્કાલિક જાહેર કરવો થોડો અઘરો છે, કારણ કે હજુ ઘણો ખરો માલ પલળેલી હાલતમાં જ પડ્યો છે. તેમ છતાં, પ્રાથમિક અંદાજ લગાવવામાં આવે તો આશરે ૪ થી ૫ લાખ રૂપિયાનો કપડાંનો સ્ટોક પલળી જવાથી ભારે આર્થિક નુકસાન થયું છે. 24 કલાક પાણીમાં પસાર કરનારી મહિલાના આંસુ છલકાઈ આવ્યા ભાસ્કર રિપોર્ટર જ્યારે શહેરના ઈન્દ્રાનગર વિસ્તારમાં પહોંચ્યા ત્યારે રેખાબેન નામના મહિલા પર નજર પડી. કાચા મકાનમાં રહેતા રેખાબેન પર ખાડી પૂરના કારણે આભ તૂટી પડ્યું છે. પતિ છોડીને ચાલ્યા ગયા હોવાથી બે બાળકોના ઉછેર અને ઘરની તમામ જવાબદારી રેખાબેન પર છે, જેઓ અન્યના ઘરોમાં કામકાજ કરીને માંડ-માંડ પૂરું કરે છે. આ પૂરની વિકટ પરિસ્થિતિમાં તેમના કાચા મકાનમાં પાણી ઘૂસી જતાં ટીવી, ફ્રિજ સહિતની આખી જિંદગીની કમાણી જેવી તમામ ઘરવખરી સંપૂર્ણપણે નાશ પામી છે. પૂરના પ્રકોપે સર્જેલી આ ભયાવહ સ્થિતિમાં પોતાની આજીવિકાનું સાધન અને આશરો છીનવાઈ જતાં રેખાબેનની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે, અને પોતાની લાચારી પર તેમની આંખોમાંથી અશ્રુ વહી પડ્યા હતા. 'ચૂંટણી ટાણે નેતાઓ મત લેવા આવે છે પણ અત્યારે કોઈ ફરકતા નથી' નાગસેનનગર વિસ્તારની મુલાકાત સમયે કલ્પનાબેન નામના માહિલાએ ભાસ્કરને આપવીતી જણાવતા કહ્યું કે,રાતથી જ તેમના ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે બાળકો સહિત આખો પરિવાર રાતભર ઊભો રહેવા મજબૂર બન્યો છે. ઘરમાં પાણી ભરાવાને કારણે અનાજ,ગાદલાં અને અન્ય તમામ ઘરવખરી પલળી ગઈ છે અને બાળકો માટે ખાવા-પીવાની પણ કોઈ સુવિધા રહી નથી. આ કપરી પરિસ્થિતિમાં હજુ સુધી કોઈ નેતા કે વહીવટી તંત્રના અધિકારીઓ તેમની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે આવ્યા નથી, જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચૂંટણી સમયે પગે પડીને મોટા-મોટા વાયદા કરનારા નેતાઓ આપત્તિના સમયે ગાયબ થઈ જતાં મહિલાએ સવાલ ઉઠાવ્યો હતો કે, આવી પરિસ્થિતિમાં વોટ આપવાનો શું ફાયદો અને અમારા આ નુકસાનની ભરપાઈ કોણ કરશે? પૂર આવતા સ્થાનિક કોર્પોરેટરો ભૂગર્ભમાં ઉતરી ગયા- ડાહ્યાભાઈ સુરતમાં પૂરની ભયાવહ સ્થિતિ વચ્ચે જનપ્રતિનિધિઓની નિષ્ક્રિયતા સામે આવી છે.56 વર્ષીય સ્થાનિક રહીશ ડાહ્યાભાઈએ ભારે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, વર્ષ 1994,1996 અને 1998ના પૂર કરતાં પણ આજના પૂરની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. આટલી મોટી આફત આવી હોવા છતાં, માત્ર 50 મીટરના અંતરે રહેતા સ્થાનિક કોર્પોરેટર સહિત વિસ્તારના ચારેય કોર્પોરેટરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને જનતાની વહારે કોઈ આવ્યું નથી.પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતાં સ્થાનિક લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. લોકો પાણીમાં હતા અને લાખોનો પગાર લેતા અધિકારીઓ ગાયબ- દિલીપભાઈ સુરતમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ વચ્ચે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે,જેને પગલે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પાંડેસરા વિસ્તારના સ્થાનિક નાગરિક દિલીપભાઈ સોલંકીએ વહીવટી તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે કોર્પોરેશનના ઇજનેરો લાખો રૂપિયાનો મોટો પગાર લેતા હોવા છતાં આ વિસ્તારમાં એક પણ વાર સફાઈ કરવા માટે આવ્યા નથી. પૂરના કારણે લોકોના ઘરોમાં અને રૂમોમાં દોઢ-દોઢ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે અને મુશ્કેલીના સમયે રાત્રે ફોન કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ફોન ઉઠાવવામાં આવ્યો નથી કે કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. સ્થાનિક કોર્પોરેટર પંકજ જાદવ સહિતના કોઈ પણ જનપ્રતિનિધિ કે અધિકારી મુલાકાતે ન આવતા આખી સોસાયટીના લોકોમાં વહીવટી તંત્ર પ્રત્યે ભારે ગુસ્સો અને નારાજગી વ્યાપેલી છે. આ સમાચાર પણ વાંચોઃ સુરત શહેરમાં પૂર બાદની સ્થિતિનું પળેપળનું LIVE અપડેટ અંતિમયાત્રામાં જતો પરિવાર પાણીમાં ફસાયો:સુરતમાં ખાડી પૂરમાં ફસાયેલી 15 દિવસની બાળકી અને માતાનું રેસ્ક્યુ, 3 ખાડી ભયજનક સપાટીની ઉપર (સંપૂર્ણ સમાચાર વાંચો) વરાછાથી લઈ વેસુ સુધી જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર, ડૂબેલા શહેરની 20 તસવીરો ગત 6 અને 7 જુલાઈએ વરસેલા 18 ઈંચ વરસાદથી સુરત ડાયમંડ સિટીમાંથી ફ્લડ સિટી બની ગયું છે. વરાછાથી લઈ વેસૂ સુધી જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ હતી. વરસાદી પાણી દુકાનો અને ઘરમાં ઘૂસી જતા પરિસ્થિતિ વણસી છે. 7 જુલાઈના વરસાદની 20 તસવીરો આખા શહેરની હાલત ચાડી ખાય છે. જો કે ખાખી સુરતીઓ માટે સહારો બની હતી અને અનેક લોકોની ખભે બેસાડી પૂરમાંથી બહાર કાઢ્યા હતા. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    રામ મંદિરમાં ચોરી: SITને ટ્રસ્ટની ખોટી રસીદો મળી:ત્રણ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે; એક ઝવેરીને ત્યાં પોલીસની તપાસ
    Next Article
    Sam Altman will save the World or Destroy it? | Elon Musk

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment