Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ચોમાસાની આફત વચ્ચે રાંદેરમાં કાળજું કંપાવનારી ઘટના:વરસાદમાં ન્હાયા બાદ કરંટ લાગતા બે મિત્રોના કમકમાટીભર્યા મોત, મિત્રને બચાવવા જતાં પાડોશી પણ મોતને શરણ

    1 day ago

    સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર બેટિંગ વચ્ચે આજે સાંજે રાંદેર વિસ્તારમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. રાંદેરગામમાં ધોધમાર વરસાદમાં નાહ્યા બાદ એક યુવકને લોખંડની સીડીમાંથી જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. મિત્ર અને પાડોશીને તડફડતો જોઈ તેને બચાવવા દોડેલા અન્ય એક આધેડ વયના મિત્રને પણ કરંટ આંબી ગયો હતો. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બંનેના કરુણ મોત નીપજતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે માતમ છવાઈ ગયો છે. મૃતક યુવકની પત્નીના હૈયાફાટ રુદનથી પથ્થર દિલના માનવીની આંખો પણ ભીની થઈ ગઈ હતી. વરસાદમાં નાહીને સીડી ચઢવા જતાં જ કાળ ભેટ્યો મળતી વિગતો અનુસાર, રાંદેરગામમાં મોટી મસ્જિદ પાસે આવેલી સુઝાતખાન સ્ટ્રીટમાં 28 વર્ષીય આઝમ આલમ અબ્દુલ કમાલ રહેતો હતો અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આજે સાંજે સુરતમાં પડેલા ધોધમાર વરસાદમાં આઝમ ઘરની બહાર વરસાદી પાણીમાં નાહવા માટે ગયો હતો. વરસાદમાં નાહ્યા બાદ તે ભીના કપડે પરત ઘરમાં આવી રહ્યો હતો. આ દરમિયાન ઘરની લોખંડની સીડી ચઢતી વખતે તેમાં ઉતરેલા શોર્ટ સર્કિટના ભારે કરંટની ચપેટમાં આઝમ આવી ગયો હતો. કરંટ એટલો જોરદાર હતો કે આઝમ ત્યાં જ ફસડાઈ પડ્યો હતો અને ચીસાચીસ કરી મૂકી હતી. મિત્રને બચાવવા જતાં પાડોશી પણ મોતને શરણ આઝમને કરંટ લાગ્યો હોવાની અને તે તરફડી રહ્યો હોવાની જાણ પાડોશમાં જ રહેતા તેના મિત્ર 43 વર્ષીય મોહમ્મદ સલમાન મોહમ્મદ ઈરશાદ શેખને થઈ હતી. માનવતા અને મિત્રતાના નાતે સલમાન ક્ષણનો પણ વિલંબ કર્યા વિના આઝમને બચાવવા માટે દોડ્યો હતો. પરંતુ કમનસીબે, જેવો સલમાને આઝમને પકડવાનો કે બચાવવાનો પ્રયાસ કર્યો, તે સાથે જ ભીના શરીરના કારણે હાઈવોલ્ટેજ કરંટ સલમાનના શરીરમાં પણ પસાર થઈ ગયો હતો. જોતજોતામાં બંને મિત્રો કરંટના કારણે ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા. હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બંનેના શ્વાસ તૂટ્યા આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતા. સ્થાનિકોએ ભારે જહેમત બાદ લાઈન બંધ કરાવી બંનેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલના ફરજ પરના તબીબોએ તપાસ ચકાસણી બાદ બંનેને સિવિલ લાવતા પહેલા જ મૃત જાહેર કર્યા હતા. એકસાથે કમાતા-ધમાતા બે મિત્રોના મોતના સમાચાર મળતા જ બંને પરિવારો પર આભ તૂટી પડ્યું હતું. મૃતકની પત્ની અને બાળકોના આક્રંદથી હોસ્પિટલ પરિસર ધ્રુજી ઉઠ્યું હતું. મારી ભાભીને પણ કરંટ લાગ્યો હતો સદનસીબે બચી ગયા મૃતક સલમાનની બહેને જણાવ્યું કે, "સલમાન મારો નાનો ભાઈ છે. તે લિમ્બાયત (લિમ્બડીપુરા) વિસ્તારમાં ભાડેથી રહેતો હતો. તે જે મકાનમાં રહેતો હતો તે આખા ઘરમાં કરંટ આવતો હતો. જેમાં મારી ભાભીને પણ કરંટનો ઝટકો લાગ્યો હતો, પરંતુ સદનસીબે તેમને કંઈ થયું નહીં. અમારી બાજુમાં પણ એક પાડોશી રહે છે. અમારા બંનેના મકાન માલિક એક જ છે, આ તેમનું જ મકાન છે. જ્યારે બાજુવાળા પાડોશીને કરંટ લાગ્યો, ત્યારે તેમણે સલમાન (મારો ભાઈ) ને બૂમ પાડીને બોલાવ્યો કે 'સલમાન મને બચાવ'. મારો ભાઈ તેને બચાવવા માટે ગયો અને તેને પણ કરંટ લાગી ગયો." વધુમાં તેઓએ જણાવ્યું કે, "પાડોશીના ઘરમાં અને મારા ભાઈના ઘરમાં, આખા પરિસરમાં કરંટ દોડતો હતો. આ બાબતે મકાન માલિકને બેથી ત્રણ વાર જઈને ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ તેમણે ક્યારેય આ બાબતને ગંભીરતાથી લીધી નહીં. તેઓ હંમેશા સમયસર આવીને ભાડું લઈને ચાલ્યા જતા હતા, પણ ક્યારેય એ ન પૂછ્યું કે ઘરમાં શું સમસ્યા છે. "આ વીજળીના (કરંટના) કારણે જ મારા ભાઈનું મોત થયું છે. અત્યારે મકાન માલિક એવું બહાનું કાઢે છે કે આકાશમાંથી વીજળી પડી હતી. જો આકાશી વીજળી પડી હોય તો શરીર આખું બળી જાય, જ્યારે મારા ભાઈના શરીર પર એવા કોઈ જ ડાઘ કે બળવાના નિશાન નથી." વીજળી પડી કે કરંટ લાગ્યો? પોલીસ પીએમ રિપોર્ટની રાહ જોશે આ સમગ્ર મામલે રાંદેર પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ આ કરંટ લાગવાની ઘટના હોવાનું સામે આવ્યું છે પરંતુ, સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા ચાલી રહી હતી કે, સાંજે આકાશમાં ભારે કડાકા-ભડાકા થતા હોવાથી કદાચ વીજળી પડવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હશે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બંનેના મોતના સાચા કારણો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. હાલ બંનેના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે હાઈકોર્ટ ચુકાદો આપશે:સેશન્સ કોર્ટે 38 આરોપીઓને ફાંસી અને 11ને આજીવન કેદ ફટકારી હતી; 56 લોકોનાં મોત થયા હતા
    Next Article
    આજે 5 જિલ્લામાં રેડ અને 3માં ઓરેન્જ એલર્ટ:રાજ્ય પર એક સાથે પાંચ સિસ્ટમ સક્રિય, કચ્છના 6 સહિત રાજ્યના 8 તાલુકા હજી પણ કોરાધાકોડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment