Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યાજખોરના ત્રાસથી રીક્ષાચાલકનો આપઘાત, પરિવારનું આક્રંદ:પુત્રવધૂએ કહ્યું 'હું સરકારને કહેવા માંગું છું કે, અમને ન્યાય આપો, કોઈ મોટો માણસ મર્યો હોત તો આરોપી જેલમાં હોત'

    16 hours ago

    વડોદરાના અટલાદરા વિસ્તારમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને ગત 17 જૂને 55 વર્ષીય રિક્ષાચાલક રાજુભાઈ ઠાકોરે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સારવાર દરમિયાન 20 જૂને ગોત્રી હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું. આ ઘટનાને 12 દિવસ વીતી ગયા હોવા છતાં આરોપીઓની ધરપકડ ન થતાં મૃતકના પરિવારે બારમાના દિવસે ન્યાય માટે આક્રંદ કર્યું હતું. પરિવારનો આક્ષેપ છે કે, આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપનાર સામે હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. વ્યાજખોરના ત્રાસથી કંટાળી જિંદગી ટૂંકાવ્યાનો આક્ષેપ વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસથી રિક્ષાચાલકે જીવન ટૂંકાવ્યાનો ગંભીર મામલો સામે આવ્યો હતો. જોકે ઘટનાને 12 દિવસ વીતી ગયા છતાં પોલીસ આરોપીઓને ઝડપી શકી નથી. મૃતકના બારમાના દિવસે પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કરી આરોપીઓને તાત્કાલિક પકડી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પરિવારનું કહેવું છે કે ન્યાય માટે અનેક રજૂઆતો છતાં હજુ સુધી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. પરિવારના આક્ષેપ મુજબ, માંજલપુર વિસ્તારમાં રહેતા વ્યક્તિ પાસેથી વ્યાજે 20 હજાર રૂપિયા ઉછીના લીધા હતા, જેના કારણે તેમને સતત ત્રાસ આપવામાં આવતો હતો. આ ત્રાસથી કંટાળીને રાજુભાઇએ આપઘાત કર્યો હોવાનું પરિવારે જણાવ્યું હતું. મૃતકના પુત્ર સહિત પરિવારના સભ્યોએ પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. તેમનો આક્ષેપ છે કે, આત્મહત્યા માટે દુષ્પ્રેરણા જેવા ગંભીર ગુનામાં પણ પોલીસ નિષ્ક્રિય રહી છે અને આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. હવે પરિવાર આરોપીઓની વહેલી તકે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી થાય અને તેમને ન્યાય મળે તેવી માંગ સાથે પોલીસ વિભાગને અપીલ કરી રહ્યો છે. 'અમે પૈસા ચૂકવી દીધા હોવા છતા અમારા ઘરે આવી દાદાગીરી કરે છે' મૃતકના પુત્રવધુ અંજલિબેન ઠાકોરે જણાવ્યું હતું કે, સાહેબ અમે બસ એ જ કહેવા માંગીએ છીએ કે અમને ન્યાય જોઈએ. આ તદ્દન ખોટી ગુંડાગર્દી છે, અમે ગરીબ લોકો છીએ. વ્યાજે પૈસા લીધા હતા, જે અમે ચૂકવી પણ દીધા છે અને વ્યાજ પણ ચૂકવી દીધું છે. તે છતાં પણ એ વ્યક્તિ અમારા ઘરમાં આવે છે, દાદાગીરી કરે છે, મારે છે અને જાહેરમાં રસ્તા વચ્ચે અમારી ઇજ્જત કાઢે છે. આજે મારા સસરાને આ વાતનો કેટલો આઘાત લાગ્યો હશે? તેમને કેટલું દુઃખ થયું હશે કે તેમણે આત્મહત્યા કરવી પડી. તેમણે દવા પીને પોતાનો જીવ ટૂંકાવવો પડ્યો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે આખા કુટુંબ તરફથી એ જ ઈચ્છીએ છીએ કે તે વ્યક્તિને સજા મળવી જોઈએ અને તે આજે જેલના સળિયા પાછળ હોવો જોઈએ. અમને ન્યાય જોઈએ છે. જો પોલીસથી ન થતું હોય, તો અમને કહી દે, અમે આગળ જઈશું અને આગળ વધીને બીજી કાનૂની કાર્યવાહી કરીશું. આજે 12 દિવસ થઈ ગયા છે સાહેબ, પણ હજી સુધી કોઈએ અમારો કોન્ટેક્ટ કર્યો નથી કે, ના અમને કોઈ જવાબ આપ્યો છે. તેઓ બસ એટલું જ કહે છે કે 'અમે શોધીએ છીએ'. આવી રીતે ના હોય ને. જો મૃતક કોઈ મોટો માણસ હોત, તો તે ક્યારનોય જેલની પાછળ હોત. આજે અમે લોકો નિરાધાર છીએ, અમારી પાસે પૈસા નથી. અમારી પાછળ ઊભો રહેનારો કોઈ મોટો માણસ નથી. અમે તો મજૂરી કરીને કમાઈને ખાવા વાળા માણસો છીએ. આજે અમારી સાથે આ પ્રકારનો વ્યવહાર કરવામાં આવે છે. મૃતકના પુત્રવધૂએ કહ્યું- 'અમને ન્યાય જોઈએ' તેઓએ ઉમેર્યું હતું કે, હું સત્તાને, સરકારને અને બધાને કહેવા માંગું છું કે અમને ન્યાય મળવો જોઈએ. જો તમે ન્યાય નહીં આપી શકો તો અમે આગળ જઈશું અને બીજી કાનૂની કાર્યવાહી કરીશું. મારા સસરા જ એકમાત્ર હતા, જે અમારું ઘર ચલાવતા હતા. અમારું ગુજરાન ચલાવતા હતા અને તેઓ રિક્ષા ચલાવતા હતા. આજે અમારો કોનો સહારો? અમારો બાપ ગયો છે, સસરા ગયા છે, અમારા ઘરનો કમાવનારો માણસ ચાલ્યો ગયો છે સાહેબ. હવે અમારું ગુજરાન અને અમારું ભરણપોષણ કોણ કરશે? આની જવાબદારી કોણ લેશે? આવી ગુંડાગર્દી તો કેટલીય થતી હશે! હું બધાને એ કહેવા માંગું છું કે, તમે વ્યાજખોરી માટે સખત કાયદો બનાવો, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ માણસને આ પ્રકારનો અત્યાચાર ન સહન કરવો પડે. આ તેમની ખોટી દાદાગીરી છે. તમે વ્યાજે પૈસા આપો છો, તેનું વ્યાજ પણ લો છો અને મુદ્દલ પૈસા પણ લો છો, તે છતાં તમે મારીને જાવ છો અને બ્લેકમેલ કરો છો! આ ખોટી વાત છે ને? અને જો તેમને પૈસાની આટલી જ પડી હતી, તો ઘરમાં બીજા ફેમિલી મેમ્બર્સ પણ હતા, તેમની સાથે આવીને વાત કરવી જોઈતી હતી. કોઈને કોઈ તો આપી જ દેત ને. અમને ન્યાય જોઈએ છે. એ માણસ ગમે ત્યાં હોય, તમે તેને શોધો અને જેલના સળિયા પાછળ નાખો. જ્યાં સુધી એ વ્યક્તિ જેલમાં નહીં જાય, ત્યાં સુધી મારા સસરાને ન્યાય નહીં મળે અને તેમની આત્માને શાંતિ નહીં મળે. જો મને ન્યાય નહીં મળે, તો હું અને મારા ફેમિલી મેમ્બર્સ છેક ઉપર સુધી જઈશું, જ્યાં સુધી અમારાથી જવાશે ત્યાં સુધી જઈશું, પણ અમે પાછા હટવાના નથી. આરોપીને પોલીસ 12 દિવસે પણ પકડી શકી નથી- મૃતકના પુત્ર મૃતકના પુત્ર સાગર ઠાકોરે જણાવ્યું હતું કે, અત્યારે હાલની પરિસ્થિતિ એ છે કે, મારા પપ્પાને ગુજરી ગયાને 12 દિવસ થઈ ગયા છે. આજે તેમનું 12મું-13મું બધું પતી ગયું છે. અમે સામે મયુર નામના વ્યક્તિ પર કેસ કર્યો છે, પરંતુ હજી સુધી પોલીસ દ્વારા કોઈ કડક પગલાં લેવાયા નથી. તે હજી સુધી પકડાયો નથી અને તેની શોધખોળ પૂરી થઈ નથી. પોલીસ આટલા સમયથી શું કરી રહી છે? જો અહીં સ્થાનિક પોલીસ દ્વારા કંઈ નહીં થાય, તો અમે આગળ જઈશું. અમે કમિશનર ઓફિસ જઈશું, ત્યાંથી નહીં થાય તો ગાંધીનગર જઈશું અને જો ત્યાંથી પણ કંઈ નહીં થાય તો અમે દિલ્હી સુધી પણ જઈશું.
    Click here to Read More
    Previous Article
    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- વોલેટિલિટી વચ્ચે બુલ્સનું પ્રભુત્વ, બજાર નવી ઊંચાઈ તરફ:બુધવારે ભારતીય શેરબજારમાં દિવસભર સકારાત્મક વલણ જોવા મળ્યું
    Next Article
    Harry Kane breaks Congo resistance with sublime brace as England enter last 16

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment