Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંગરોળમાં કરોડોની સરકારી શૈક્ષણિક જમીન પર ભૂમાફિયાઓનો કબજો:નાળિયેરીના બગીચા બનાવી લાખોની કમાણી ને તંત્રની બેદરકારીનો આક્ષેપ, નવી કોલેજનું નિર્માણ કરવા માગ

    1 day ago

    ​જૂનાગઢના માંગરોળ તાલુકામાંથી શૈક્ષણિક જમીન પચાવી પાડવાનો અને સરકારી તંત્રની ઘોર બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જે કિંમતી જમીન ભવિષ્યના શિક્ષકો તૈયાર કરવાના ઉમદા હેતુ માટે ફાળવવામાં આવી હતી, તે જમીન પર આજે ભૂમાફિયાઓએ ગેરકાયદેસર રીતે કબ્જો જમાવી દીધો છે. આ શૈક્ષણિક ભૂમિ પર ભૂમાફિયાઓ દ્વારા નાળિયેરીના બગીચા બનાવી દેવામાં આવ્યા હોવાના જાગૃત નાગરિક અને ધારાસભ્ય દ્વારા આક્ષેપો કરાયા છે. દર વર્ષે લાખો રૂપિયાની કાળી કમાણી કરવામાં આવી રહી છે, છતાં સ્થાનિક વહીવટી તંત્ર મૌન સાધીને બેઠું છે. સરકારે 1967માં જમીન ફાળવી હતી ​માંગરોળના હાર્દ સમો વિસ્તારન જ્યાં સરસ્વતીના આ પવિત્ર ધામને ભૂમાફિયાઓનું આશ્રયસ્થાન બનાવી દેવામાં આવ્યું છે. વર્ષ 1967માં રાજ્ય સરકાર દ્વારા માંગરોળ તાલુકાના શૈક્ષણિક ઉત્કર્ષ અને વિકાસ માટે કેળવણી વિભાગને 'દાતાર મંઝીલ' બંગલા સહિત આશરે 36 વીઘા જેટલી અત્યંત કિંમતી જમીન સોંપવામાં આવી હતી. બંને કોલેજો એક પછી એક બંધ ને મિલકત ભગવાન ભરોસે આ ફાળવણી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે અહીં બી.એડ. સમકક્ષ જી.બી.ટી.સી. અને ત્યારબાદ સીપીએડ જેવી રોજગારલક્ષી કોલેજો શરૂ થાય, જેથી સ્થાનિક ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે. પરંતુ સરકારી બાબુઓની ઉદાસીનતા, બેદરકારી અને સ્થાનિક નેતૃત્વની નબળાઈને કારણે આ બંને મહત્વપૂર્ણ કોલેજો એક પછી એક બંધ થઈ ગઈ હતી અને આ કિંમતી સરકારી મિલકત સંપૂર્ણપણે ભગવાન ભરોસે મુકાઈ ગઈ હતી. ભૂમાફિયાઓએ શૈક્ષણિક કેમ્પસ પર બેફામ દબાણો કર્યા ​કોલેજો બંધ થતાંની સાથે જ જમીન હડપ કરવા ટાંપીને બેઠેલા સ્થાનિક ભૂમાફિયાઓએ આ આખા શૈક્ષણિક કેમ્પસ પર બેફામ દબાણો શરૂ કરી દીધાના ગંભીર આક્ષેપો કરાયા છે. જે જમીન પર ક્યારેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને સરસ્વતીના શ્લોકો ગૂંજતા હતા, ત્યાં આજે ગેરકાયદેસર નાળિયેરીના બગીચાઓ લહેરાઈ રહ્યા છે. આ સરકારી મિલકતનો ઉપયોગ કરીને ભૂમાફિયાઓ પોતાના અંગત સ્વાર્થ માટે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. સરકારી વિભાગોનો એક બીજાને ખો....ખો...! આ મામલે જૂનાગઢ DLR કચેરી દ્વારા જમીન માપણીની ફી ભરવા માટે માંગરોળ મામલતદારને ક્યારનોય પત્ર લખી દેવામાં આવ્યો હોવા છતાં, સ્થાનિક તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં રહ્યું અને કાગળો ધૂળ ખાતા પડ્યા રહ્યા. હવે મામલતદાર કચેરીએ પોતાની નબળાઈ છુપાવવા માટે આ જમીન કેળવણી વિભાગ પાસેથી પરત લઈને સરકાર હસ્તક કરવા માટે, એટલે કે 'શરત ભંગ'ની કાર્યવાહી કરવા કલેક્ટરને દરખાસ્ત મોકલી દીધી છે. તંત્રની આ નીતિ સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ છે કારણ કે ભૂમાફિયાઓ સામે કડક પગલાં લેવાના બદલે આખેઆખી શૈક્ષણિક જમીન જ સરકાર ભેગી કરી દેવાનો કારસો રચાઈ રહ્યો છે. જો આ જમીન સરકાર હસ્તક ચાલી જશે, તો માંગરોળ વિસ્તારમાં શિક્ષણના દરવાજા કાયમ માટે બંધ થઈ જશે. કિંમતી ફર્નિચર ચોરાઈ ગયું, ઇમારતો સંપૂર્ણપણે પડી ગઈ ​આ મામલે મકતુપુર ગામના રહીશ મહાવીરસિંહ ચુડાસમાએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, માંગરોળની બાજુમાં કેશોદ રોડ ઉપર દાતાર મંઝિલ નામની એક મોટી સંસ્થા આવેલી છે, જ્યાં વર્ષો પહેલાં સીપીએડ કોલેજ ધમધમતી હતી. આ સીપીએડ કોલેજ કોઈ પણ યોગ્ય કારણ વગર બંધ કરી દેવામાં આવી છે. કોલેજ બંધ થતાં જ ત્યાં રાખવામાં આવેલું કિંમતી ફર્નિચર ચોરાઈ ગયું છે, સરકારી મકાનો અને સીપીએડ કોલેજની ઇમારતો સંપૂર્ણપણે પડી ગઈ છે. શૈક્ષણિક હેતુ માટે આજુબાજુની જે જમીનો ફાળવવામાં આવી હતી, તે તમામ જમીન પર વ્યાપક પેશકદમી થઈ ચૂકી છે. 'ત્યાં ફરીથી નવી કોલેજનું નિર્માણ કરવામાં આવે' ચુડાસમાએ કહ્યું કે, હાલમાં આ જમીનને સરકાર હસ્તક લેવા માટેની વહીવટી કાર્યવાહી ચાલી રહી છે, ત્યારે સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ જમીનનો હેતુ ફેર કરવામાં ન આવે. આ જમીન શૈક્ષણિક સંસ્થા માટે જ અનામત રાખવામાં આવે અને ત્યાં ફરીથી નવી કોલેજનું નિર્માણ કરવામાં આવે. સમગ્ર માંગરોળ તાલુકામાં હાલ કોઈ બીએડ કે સીપીએડ કોલેજ કાર્યરત નથી. 'સંસ્થાઓ બંધ કરી દીધી અને આજે જમીનો પર દબાણો થયા' તેને વધુમાં કહ્યું કે, ભૂતકાળમાં આ સીપીએડ કોલેજ પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થીઓ સીધા જ શિક્ષક તરીકે ભરતી થતા હતા, જે સરકારની એક ઉત્તમ યોજના હતી. સરકારે વગર કારણે આ સંસ્થાઓ બંધ કરી દીધી અને આજે જમીનો પર દબાણો થઈ ગયા છે. આ બાબતે મેં મુખ્યમંત્રી, સચિવ, તમામ તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ અને નગરપાલિકા પ્રમુખ સહિતના હોદ્દેદારોને અસંખ્ય પત્રો લખીને રજૂઆત કરી છે કે આ કિંમતી જમીન કાયમી માટે શૈક્ષણિક હેતુ માટે જ જળવાઈ રહે. 'જમીન 15 વર્ષના લાંબા ગાળાના ભાડા પટ્ટે સરકારે આપી હતી' માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, માંગરોળ ખાતે આવેલી દાતાર મંજિલ નામની જગ્યા મૂળ સરકારી માલિકીની જ છે. વર્ષો પહેલા એટલે કે 1989ની સાલમાં શારદાગ્રામ સંસ્થા દ્વારા આ જગ્યા પર બી.આર.એસ. કોલેજ ચલાવવા માટે ભાડાની માંગણી કરવામાં આવી હતી, જેથી સરકારે તે સમયે આ જગ્યા એક વર્ષના કરાર પર ભાડે આપી હતી. ત્યારબાદ શારદાગ્રામ મુકામે કોલેજનું નવું મકાન તૈયાર થઈ જતાં, આ જગ્યા સી.પી.એડ. કોલેજ ચલાવવા માટે 15 વર્ષના લાંબા ગાળાના ભાડા પટ્ટે માંગવામાં આવી હતી અને સરકારે તે આપી હતી. આ ભાડા પટ્ટો પૂર્ણ થતાં અને સી.પી.એડ. કોલેજ પણ બંધ થઈ જતાં, નિયમ મુજબ આ જગ્યા સંસ્થા દ્વારા સરકારને પરત સોંપી દેવામાં આવી હતી. 'હવે માત્ર કાગળ પર જ આ જગ્યા અસ્તિત્વ ધરાવે છે' ધારાસભ્યએ વધુમાં કહ્યું કે, હાલમાં આ જગ્યા સત્તાવાર રીતે સરકાર હસ્તક જ છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ એ છે કે ત્યાં પૂરેપૂરી જગ્યા ઉપર ગેરકાયદેસર પેશકદમી કરી લેવામાં આવી છે. ત્યાં જે સરકારી મકાનો અને ઇમારતો ઊભી હતી તેને પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં કોઈ જ માલસામાન બચ્યો નથી. હવે માત્ર કાગળ પર જ આ જગ્યા અસ્તિત્વ ધરાવે છે. આ સમગ્ર બાબત મારા ધ્યાને આવતા જ મેં તાત્કાલિક અસરથી જિલ્લા ફરિયાદ સંકલન સમિતિમાં આ પ્રશ્ન મૂક્યો છે અને મારી સ્પષ્ટ માંગણી છે કે વહેલામાં વહેલી તકે આ કિંમતી જગ્યાને ભૂમાફિયાઓથી મુક્ત કરાવીને કાયદેસર રીતે સરકાર પોતાના હસ્તક લે. 'ધારાસભ્યની ફરિયાદના આધારે તપાસ ચાલુ' ​આ મામલે માંગરોળના મામલતદાર વી. ડી. મોરીએ જણાવ્યું હતું કે, આ જમીન પર થયેલા દબાણો અંગેની ફરિયાદ સ્થાનિક ધારાસભ્ય ભગવાનજીભાઈ મારફત જિલ્લા સંકલન સમિતિમાં વહીવટી તંત્રને મળી છે. આ ફરિયાદ અન્વયે મામલતદાર કચેરી દ્વારા સંબંધિત તમામ વિભાગોને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે. સરકારી જમીન પર જે પણ દબાણકર્તાઓએ કબ્જો કર્યો છે, તેમની સામે કાયદાની જોગવાઈઓ મુજબ ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ સમગ્ર પ્રકરણની તપાસ ચાલુ હોવાથી ખૂબ જ ટૂંક સમયમાં વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે અને સંબંધિત વિભાગો દ્વારા તમામ ગેરકાયદેસર દબાણો ખુલ્લા કરાવવામાં આવશે. '20 વર્ષથી પણ વધારે સમયથી આ શૈક્ષણિક સંસ્થા બંધ પડી' વધુમાં કહ્યું કે, પ્રાથમિક તપાસ દરમિયાન એવું બહાર આવ્યું છે કે આ માંગરોળ તાલુકામાં આવેલી સીપીએડ કોલેજની જમીન છે, જે ભૂતકાળમાં ધમધમતી હતી. હાલમાં આ કોલેજ સંપૂર્ણપણે પડતર હાલતમાં છે અને તેની તમામ બિલ્ડીંગો જર્જરિત થઈ ગઈ છે. આશરે 20 વર્ષથી પણ વધારે સમયથી આ શૈક્ષણિક સંસ્થા બંધ પડી હોવાનું તંત્રના ધ્યાને આવ્યું છે. 'તમામ દબાણો તોડી પાડીને જમીન ખાલી કરાવાશે' આગામી સમયમાં દબાણ શાખા, શિક્ષણ વિભાગ અને અન્ય વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે આ જગ્યાનું ચોક્કસ આઇડેન્ટીફીકેશન કરવામાં આવશે કે ત્યાં વાસ્તવમાં શું દબાણ થયું છે, કોના દ્વારા કરવામાં આવ્યું છે અને કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે. આ તમામ વિગતો સ્પષ્ટ થયા બાદ તંત્ર દ્વારા તમામ દબાણો તોડી પાડીને જમીન ખાલી કરાવાશે.
    Click here to Read More
    Previous Article
    મહાવીર સ્વામીની રાજાને શીખ:ધન, પદ અને સુવિધાઓ અસ્થાયી છે; તેનો ઘમંડ ન કરો, ગયા પછી આત્મવિશ્વાસ પણ રહેતો નથી
    Next Article
    ચોમાસા પૂર્વે 74 તાલુકામાં વરસાદ, હાલોલમાં 4.57 ઈંચ ખાબક્યો:સવારથી છોટાઉદેપુર, નર્મદા, મહીસાગર સહિતમાં ધીમીધારે વરસાદ; ચોમાસું અટક્યું, 19 રાજ્યો વરસાદ માટે તરસ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment