Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસમાં ફંડ મામલે આંતરિક વિવાદ અને આક્ષેપોની લડાઈ.:જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં ફંડ મામલે ભારે ભડકો: ઉમેદવારો અને હોદ્દેદારોએ પ્રમુખ સામે લગાવ્યા નાણાકીય ગેરરીતિના ગંભીર આક્ષેપો, પ્રમુખે આક્ષેપો નકાર્યા.

    8 hours ago

    ​સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિવાદ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ પક્ષના ઉમેદવારો અને સંગઠનના વિવિધ હોદ્દેદારો વચ્ચે ફંડની વહેંચણીને લઈને મોટો ડખો સામે આવ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ અને વંથલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગિરીશભાઈ આરદેસણા સામે પક્ષ તરફથી મળવાપાત્ર ચૂંટણી ફંડ ન આપવાના તેમજ કાર્યકર્તાઓ પાસેથી ખોટી રીતે નાણાં ઉઘરાવવાના ગંભીર આક્ષેપો પક્ષના જ નેતાઓ દ્વારા કરવામાં આવ્યા છે. આ વિવાદને કારણે કોંગ્રેસ સંગઠનમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને અસંતુષ્ટ નેતાઓએ આ અંગે પ્રદેશ પ્રમુખ સુધી લેખિતમાં રજૂઆતો પણ પહોંચાડી છે. મેંદરડા તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધીરુભાઈ કુંભાણીએ પક્ષના સંગઠન માળખા સામે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, છેલ્લી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ગ્રામ્ય બેઠકો માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી તમામ શહેર અને તાલુકા પ્રમુખોને ખર્ચ પેટે પચીસ-પચીસ હજાર રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. આ તમામ રકમ સીધી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખના ખાતામાં જમા થઈ હતી અને તે જે-તે સંગઠનના પ્રમુખોને ચૂકવવાની જવાબદારી જિલ્લા પ્રમુખની હતી. ધીરુભાઈના જણાવ્યા અનુસાર તેમને આ રકમ મળી નથી, તેમજ અન્ય ચાર-પાંચ તાલુકા અને શહેર પ્રમુખોને પણ આવી કોઈ રકમ ચૂકવાઈ નથી. તેમણે આ બાબતે જિલ્લા પ્રમુખ સાથે ટેલિફોનિક ચર્ચા કરીને આ નાણાં ફરી પ્રદેશ સમિતિમાં જમા કરાવી દેવા અથવા જૂનાગઢ કાર્યાલયમાં જમા કરાવવા જણાવ્યું છે. ધીરુભાઈએ સ્પષ્ટ કર્યું કે તેમને આવી કોઈ રકમની વ્યક્તિગત જરૂર નથી અને તેમણે કોઈ ઉમેદવાર પાસેથી ક્યારેય પૈસા લીધા નથી. પક્ષના કાર્યકરોમાં વિશ્વાસ જળવાઈ રહે તે માટે તેમણે પ્રદેશ પ્રમુખ પાસે રૂબરૂ મુલાકાત માંગી છે જેથી તેઓ સમગ્ર જિલ્લાની સાચી પરિસ્થિતિ રજૂ કરી શકે. ​બીજી તરફ, કણઝા બેઠક પરથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડેલા કોંગ્રેસના ઉમેદવાર ભીમસિંહભાઈ ભેટારિયાએ પણ પ્રમુખોની કામગીરી સામે આક્રોશ ઠાલવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે વંથલી તાલુકા પ્રમુખ ગિરીશભાઈ આરદેસણાને પક્ષ વિરોધી કામ કરતા કાર્યકરો અંગે વારંવાર મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી, જેના કારણે પ્રમુખ પોતે જ આ પ્રવૃત્તિમાં સામેલ હોવાની શંકા દ્રઢ બને છે. વધુમાં, જિલ્લા પ્રમુખ અમિત પટેલે પક્ષ તરફથી આવેલું ચૂંટણી ફંડ તેમને સમયસર આપવાને બદલે ખૂબ જ મોડું અને બે કટકે પચાસ-પચાસ હજાર રૂપિયા કરીને આપ્યું હતું, જેમાંથી છેલ્લો ચેક બાર તારીખે આપવામાં આવ્યો હતો. ભીમસિંહભાઈએ કટાક્ષ કરતા જણાવ્યું કે આ નેતાઓએ વિવાહનો માલ વરસીમાં કામ આવે તેવી રીતે સાવ છેલ્લી ઘડીએ પૈસા આપ્યા હતા અને ઉપરથી ઉમેદવારો પાસે જ ચૂંટણી ખર્ચના ફંડની માંગણી કરતા હતા. તેમણે વંથલી કોંગ્રેસ કાર્યાલય બંધ હોવા સામે સવાલ ઉઠાવતા કહ્યું કે, ભાડું ચૂકવવા માટે તેમણે પોતે પાંચ હજાર રૂપિયા આપ્યા હતા અને અન્ય કાર્યકરો પાસેથી પણ ફંડ લેવાયું હતું, છતાં કાર્યાલય બંધ છે, જે દર્શાવે છે કે આ નેતાઓ લોકોના કામ માટે નહીં પરંતુ માત્ર ફંડ મેળવવા ચૂંટણી લડતા હતા. ​જૂનાગઢ ગ્રામ્યના તાલુકા પ્રમુખ અને વડાલ તેમજ મજેવડી જિલ્લા પંચાયત બેઠકના જવાબદાર મહેશભાઈ વઘાસિયાએ પણ જિલ્લા નેતૃત્વ સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. મહેશભાઈએ જણાવ્યું કે તેમણે પોતાના ધંધા-રોજગાર અને ખેતી બંધ રાખીને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તનતોડ મહેનત કરી હતી, પરંતુ પક્ષ તરફથી જે ફંડ આવ્યું હતું તે તેમને મળ્યું જ નથી. આ અંગે પ્રદેશ કક્ષાએ અને અન્ય આગેવાનોને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી. તેમણે જિલ્લા પ્રમુખ અમિત પટેલ ઠુમ્મર પર સીધો પ્રહાર કરતા આક્ષેપ કર્યો કે અમિત પટેલ પક્ષનું ફંડ પોતાના ઘરના વહીવટ માટે વાપરી રહ્યા છે અને તેઓ પૈસાના લાલચુ છે. મહેશભાઈએ ઉમેર્યું કે કેશોદના ભરતભાઈ લાડાણી, વિસાવદરના કરસનભાઈ રીબડિયા અને વાડોદરિયા સહિતના અન્ય સંગઠનના પ્રમુખોને પણ ફંડ મળ્યું નથી. જો તેમને ફંડના પૈસા આપી ન્યાય આપવામાં નહીં આવે તો તેઓ કોંગ્રેસનું કામ બંધ કરી દેશે અને આગામી સમયમાં પક્ષ પલટો કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આપી છે. ​આ તમામ ગંભીર આક્ષેપો અંગે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે પોતાનો પક્ષ રાખતા તમામ આરોપોને પાયાવિહોણા અને ખોટા ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે પક્ષના નિયમ મુજબ તમામ હોદ્દેદારોના ખાતામાં ફંડની રકમ યોગ્ય રીતે જમા કરાવી દેવામાં આવી છે અને નાણાકીય વ્યવહારમાં કોઈ ગેરરીતિ થઈ નથી. વધુમાં તેમણે ધીરુભાઈ કુંભાણીના આક્ષેપોનો જવાબ આપતા જણાવ્યું કે, ધીરુભાઈ કુંભાણી હાલમાં મેંદરડા તાલુકા કોંગ્રેસના પ્રમુખ પદ પર છે જ નહીં, કારણ કે પક્ષ દ્વારા થોડો સમય પહેલા જ મેંદરડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે જ્વલિત બુસાની સત્તાવાર નિમણૂક કરી દેવામાં આવી છે. જિલ્લા પ્રમુખે તમામ આક્ષેપોને નકારીને સંગઠનમાં બધું બરાબર હોવાનો દાવો કર્યો છે, પરંતુ સામે પક્ષે અસંતુષ્ટોનો રોષ જોતા જૂનાગઢ કોંગ્રેસની આ આંતરિક લડાઈ પ્રદેશ હાઈકમાન્ડ સુધી પહોંચે તેવા પૂરેપૂરા એંધાણ દેખાઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Who is Santy Sharma | Salman Khan के Show Bigg Boss 20 में नजर आएंगे CJP पर निशाना साधने वाले Rapper
    Next Article
    Ahmedabad Property Price Hike | અમદાવાદમાં ઘર ખરીદવું વધુ મોંઘું બનશે | Real Estate | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment