Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદની મ્યુનિ. શાળાઓમાં હવે સૂર સંગીતના સ્વર ગૂંજશે:શિક્ષકોની સંગીતની આંતરરાષ્ટ્રી કક્ષાની અપાશે તાલીમ, જાપાનથી ટ્રેનિંગ આપવા આવશે ખાસ ટીમ

    2 days ago

    અમદાવાદની મ્યુનિસિપલ શાળાઓમાં હવે આંતરરાષ્ટ્રીય સ્તરના સૂર-સંગીતના સ્વર ગૂંજશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ અને ભાર વિનાના ભણતરના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જાપાનની જાણીતી કંપની યામાહા મ્યુઝિક ઇન્ડિયા વચ્ચે એક ઐતિહાસિક MOU કરવામાં આવ્યા છે. આ નવતર પહેલ અંતર્ગત જુલાઈ 2026થી જાપાનની ખાસ ટીમ મ્યુનિ. શાળાઓના શિક્ષકોને વિશેષ તાલીમ આપશે, જેનાથી વિદ્યાર્થીઓને નિ:શુલ્ક સંગીત સાધનો સાથે વૈશ્વિક કક્ષાનું સંગીત શિક્ષણ મળશે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ કળાના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની કારકિર્દી બનાવી શકે તે માટે અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડનું આ એક પ્રશંસનીય અને ઐતિહાસિક પગલું છે. વાલીઓમાં ખાનગી શાળાઓનો ક્રેઝ છે. જ્યાં જોઈએ ત્યાં વાલીઓ પોતાના બાળ કને ખાનગી શાળામાં ભણાવવાનો આગ્રહ રાખતા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સ્થિતિ બદલાતી જાય છે અને ખાનગી શાળાઓમાંથી વાલીઓ પોતાના બાળકોને મ્યુનિ. શાળામાં પ્રવેશ અપાવવા લાગ્યા છે. તેની પાછળના કારણો જોઈએ તો મ્યુનિ. શાળામાં તાલીમબદ્ધ શિક્ષકો, વિનામૂલ્યે અભ્યાસ અને ઇતર પ્રવૃત્તિઓ મુખ્ય પરિબળો છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પ્રવર્તમાન સ્થિતિમાં તાલ મિલાવવા માટે અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ શરૂ કરી છે. તબક્કાવાર તેમાં વધારો થયો છે, ત્યાં સુધી કે આ શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે પડાપડી થાય છે, જેના કારણે મ્યુનિ. કાઉન્સિલરોથી માંડીને સરકારી ઉચ્ચ અધિકારીઓની ભલામણો પણ આવતી હોય છે. સંગીત ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય તાલીમનું સ્તુત્ય પગલું શિક્ષણ ઉપરાંત રમતગમત, ગુણોત્સવ વગેરે સ્પર્ધાઓમાં મ્યુનિ. શાળાના વિદ્યાર્થીઓ અગ્રેસર થવા લાગ્યા છે. આ શાળાના બાળકોનો વિકાસ થાય તે હેતુસર આ બાળકોને સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાયન્સ સિટીથી લઈને કાંકરિયા વગેરે સ્થળોએ પ્રવાસ કરાવવામાં આવે છે. આમ, મ્યુનિ. શાળા તરફ વિદ્યાર્થીઓનો ઝોક વધી રહ્યો છે.ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પોતાના હસ્તકની મ્યુનિ. શાળાઓના વિદ્યાર્થીઓને હવે ગુણવત્તાયુક્ત ટેકનોલોજી શિક્ષણની સાથે સંગીત ક્ષેત્રે પણ આંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમ મળી રહે તે દિશામાં વધુ એક સ્તુત્ય પગલું ભર્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ મ્યુનિ. શાળાઓના વિદ્યાર્થીઓ પોતાની રસ અને રુચિ અનુસાર સંગીતમાં પણ કારકિર્દી બનાવી શકે તે માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનો તાલીમ અનુભવ પૂરો પાડવાનો છે. બે વર્ષ માટે 24 શાળાના 1692 વિદ્યાર્થીઓને મળશે લાભ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અંતર્ગત બાળકોનો સર્વાંગી વિકાસ, જોયફૂલ લર્નિંગ અને લર્નિંગ વિથાઉટ બર્ડનના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ યામાહા મ્યુઝિક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટિડ, જાપાન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ વચ્ચે ઐતિહાસિક MOU કરવામાં આવ્યા હતા.આ MOU અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ તરીકે વર્ષ 2026-27 થી 2027-28 ના બે વર્ષ માટે મ્યુનિ. સ્કૂલ બોર્ડની 24 શાળાના ધોરણ-5 ના 1692 વિદ્યાર્થીઓને સંગીતની ખાસ તાલીમનો લાભ મળશે. આ માટે પ્રથમ તબક્કામાં 24 શાળાના 48 શિક્ષકોને યામાહા મ્યુઝિક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટિડ, જાપાનના તજજ્ઞો દ્વારા જુલાઈ-2026 માસમાં વિશેષ તાલીમ આપવામાં આવશે. દરેક વિદ્યાર્થીને બુક-સેટ અને શાળાઓને કી-બોર્ડ ફાળવાશે તાલીમ બાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડની 24 શાળાના ધોરણ-5 ના પ્રત્યેક 1692 વિદ્યાર્થીઓને 1 રેકોર્ડર તથા સંગીતની બુકનો સેટ નિ:શુલ્ક આપવામાં આવશે. ઉપરાંત તમામ 24 મ્યુનિ. શાળાઓમાં શાળા દીઠ 1 કી-બોર્ડ પણ ફાળવવામાં આવશે. વિદ્યાર્થીઓના સમયપત્રકમાં દરેક સપ્તાહમાં સંગીત માટે ખાસ તાસ ફાળવીને તેમાં સંગીતના વિવિધ કૌશલ્યો વિકસાવવામાં આવશે. પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ અન્ય શાળાઓમાં પણ કાર્યક્રમનું વિસ્તરણ કરાશે બે વર્ષના પાયલોટ પ્રોજેક્ટને અંતે તેની સમીક્ષા કરવામાં આવશે અને સફળતાના આધારે બાકીની શાળાઓ માટે પણ આ કાર્યક્રમનું વિસ્તરણ કરવા વિચારણા હાથ ધરાશે. જાપાનની કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર કેન્નાઇ સકાઇ સાથે અમારે જે વિસ્તૃત ચર્ચા થઈ છે અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો જે બે વર્ષનો પ્રાયોગિક પ્રોજેક્ટ છે, તેની સમીક્ષા કરવામાં આવશે. સમીક્ષાના અંતે આગળના સમયમાં વધુ વિદ્યાર્થીઓને આનો લાભ મળે તે માટેનો નિર્ણય કરવામાં આવશે. યામાહાના MDએ ગુજરાત સરકારના શિક્ષણના પ્રયાસોની સરાહના કરી યામાહાના MD કેન્નાઇ સાકાઇએ ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણમાં બાળકોના હોલિસ્ટિક ડેવલપમેન્ટ અને સ્કીલ ડેવલપમેન્ટ માટે કરેલા પ્રયાસોની સરાહના કરી. તેમણે મ્યુનિ. સ્કૂલ બોર્ડ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે થતી કામગીરીની વિસ્તૃત જાણકારી મેળવી અને આ નવતર પહેલ માટે ખાસ પ્રશંસા વ્યક્ત કરી. જાપાનની ટીમ અને મ્યુનિ. સ્કૂલ બોર્ડના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા આ ઐતિહાસિક એમ.ઓ.યુ. યામાહા મ્યુઝિક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, જાપાનના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી કેન્નાઇ સકાઇ, સેલ્સ યુનિટ હેડ શ્રી ર્યોજી મારુયામા, માર્કેટિંગ મેનેજર શ્રી કાઝુકી વાતાનાબે, ડેપ્યુટી મેનેજર શ્રી અશ્વાની કુમાર અને એકેડેમિક ઇન-ચાર્જ- વેસ્ટ શ્રી ગૌરવ ત્રિપાઠી તથા મ્યુનિ. સ્કૂલ બોર્ડ, અમદાવાદના ચેરમેનશ્રી ડૉ. સુજયભાઈ મહેતા, વાઇસ ચેરમેન શ્રી વિપુલભાઈ સેવક, શાસનાધિકારીશ્રી ડૉ. એલ.ડી. દેસાઈની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ અંગે દિવ્ય ભાસ્કરે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ડૉ. એલ.ડી. દેસાઈ સાથે ખાસ વાતચીત કરી હતી. ડૉ. એલ.ડી. દેસાઈએ જણાવ્યું હતું કે, મ્યુનિ. સ્કૂલ બોર્ડ-અમદાવાદ અને યામાહા મ્યુઝિક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, જાપાન વચ્ચે 14 મે 2026ના રોજ જાપાનના મેનેજિંગ ડાયરેક્ટર કેન્નાઇ સકાઇ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ડૉ. સુજય મહેતા, વાઇસ ચેરમેન વિપુલ સેવક અને મારી ઉપસ્થિતિમાં એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. એના માટે 1લી જુલાઈથી વિધિવત રીતે 48 શિક્ષકોને પહેલાં આ મ્યુઝિકની તાલીમ આપવામાં આવનાર છે. ત્યારબાદ 1692 વિદ્યાર્થીઓને આ તાલીમનો લાભ મળે એ પ્રકારે બે વર્ષ માટે પ્રાયોગિક ધોરણે આ આખો પ્રોજેક્ટ અમલ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને ભાર વિનાના ભણતર સાથે મનોરંજન મળશે તેમણે વધુમાં જણાવ્યું કે, ખાસ કરીને ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર જોયફૂલ લર્નિંગ અને લર્નિંગ વિધાઉટ બર્ડન બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને અભ્યાસક્રમની સાથે સાથે હળવું મનોરંજન મળે તે હેતુ છે. હાલના તબક્કે 21મી સદીમાં મ્યુઝિકની અંદર વિવિધ સ્કોપ વિદ્યાર્થીઓ માટે છે. તે અંતર્ગત એમની કારકિર્દી બને અને આંતરરાષ્ટ્રીય કક્ષાની કારકિર્દી બને તે માટેનો સમગ્ર પ્રોજેક્ટ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ અમે આગળ વધારવાના છીએ. વિદ્યાર્થીઓ માટે જાપાનની કંપની સામેથી સંપર્કમાં આવી એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, આખા પ્રોજેક્ટ માટે જાપાનની મ્યુઝિક કંપનીના લોકો મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીને મળ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાનું સંગીત શિક્ષણનો લાભ મળે અને અત્યારે સંગીતમાં જે વિવિધ તકો છે તેનાથી વિદ્યાર્થીઓની કારકિર્દી બને તે માટે કમિશનર બંછાનિધિ પાનીના માધ્યમથી અમારા સંપર્કમાં આવ્યા હતા. આ 1692 વિદ્યાર્થીઓમાંથી જે બેસ્ટ વિદ્યાર્થીઓ હશે તેમને આવા આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે તકો છે, કોચ છે તેમની મદદથી તેમને તાલીમ આપવામાં આવશે અને સંગીત સાથે સંકળાયેલ તજજ્ઞો અને ડાયરેક્ટરોનો સીધો, ફિલ્મ જગતના ડાયરેક્ટરનો તેમજ અભ્યાસક્રમ સાથે સંકળાયેલા લોકોનો તેમને લાભ મળે તે માટે તેમનો સંપર્ક કરીને વિશેષ કોચિંગની વ્યવસ્થા કરવામાં આવશે. તાલીમ બાદ આંતરરાષ્ટ્રીય કક્ષાનો મ્યુઝિક અભ્યાસક્રમ ચલાવાશે તેમણે કહ્યું કે જાપાનની કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર કેન્નાઇ સકાઇ અને તેમની આખી ટીમ અને તેમના જે તજજ્ઞો છે તે 1લી જુલાઈ - 2026ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 24 શાળાના 48 શિક્ષકો એટલે કે દરેક શાળાના બે-બે શિક્ષકોને વિધિવત રીતે તે લોકો ત્રણ દિવસની તાલીમ આપશે. આ તાલીમ લીધા પછી બે વર્ષ સુધી અઠવાડિયામાં એક દિવસ એક કલાક અમારા જે 24 શાળાના ધો. 5ના તમામ વિદ્યાર્થીઓને તેમના તજજ્ઞોની ટીમ અને અમારી તજજ્ઞોની ટીમ સાથે રહીને આંતરરાષ્ટ્રીય કક્ષાનો મ્યુઝિકનો અભ્યાસક્રમ નક્કી કરશે. તે પ્રમાણે અમે આગળ વધીશું. પ્રોજેક્ટના અંતે જાહેર પ્લેટફોર્મ પર એન્યુઅલ ફંક્શન અને સર્ટિફિકેટ અપાશે તેઓ કહે છે કે આ બે વર્ષનો પ્રાયોગિક પ્રોજેક્ટ છે. બે વર્ષના અંતે એન્યુઅલ ફંક્શન કરવામાં આવશે જેમાં દરેક વિદ્યાર્થીને આમંત્રણ આપવામાં આવશે. બે વર્ષમાં જે લોકો મ્યુઝિક શિક્ષણ શીખ્યા છે, તે જાહેર પ્લેટફોર્મ પર પ્રસ્તુત કરે, આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્લેટફોર્મ પર રજૂ કરી શકે તે માટેનું અમે વિચારવાના છીએ. બે વર્ષ દરમિયાન જે વિદ્યાર્થીઓએ તાલીમ લીધી છે તેમને ચોક્કસ બંને સંસ્થાઓ વચ્ચે પ્રમાણપત્ર આપવાના છીએ. ટેન્ડર પ્રક્રિયા કરી શાળાઓને સાધનો પૂરા પાડવામાં આવશે એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, જાપાનથી તે લોકો સાધનો લઈને આવવાના છે તેની આખી કીટ સ્પેસિફિકેશન સાથેની વિગતો આપશે એટલે નીતિ-નિયમો મુજબ ટેન્ડર પ્રક્રિયા કરીને અમે 24 શાળામાં સંગીતના સાધનો પૂરા પાડીશું. બે વર્ષની સંગીતની સફળતાપૂર્વકની તાલીમ લીધી છે આવા વિદ્યાર્થીઓ સંગીત વિશારદ બને, સંગીતના ક્ષેત્રમાં આગળ વધે અને આંતર રાજ્યોમાં જે ડિમાન્ડ આવી રહી છે, જુદા જુદા પ્લેટફોર્મની અંદર રાજ્ય સરકારની પણ જુદી જુદી સંસ્થાઓ છે, સ્કોલરશિપ યોજનાઓ છે તેનો વિદ્યાર્થીઓને લાભ મળે અને તજજ્ઞોનો લાભ મળે તે માટે વ્યવસ્થા કરવાના છીએ.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં પત્નીની સામે યુવકની હત્યાનો કેસ:ચાકુના ઘા ઝીંકી હત્યા કરનાર આરોપી દર્શન મારવાડીની ધરપકડ, હત્યા કરીને મુંબઈ ભાગી ગયો હતો, વડોદરા પાછો આવતા પોલીસે દબોચ્યો, બીજો આરોપી હજુ ફરાર
    Next Article
    Amazon Founder Calls AI Pessimism Wrong, Blames "Smart" People

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment