Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ​સાંતલપુર ગેરકાયદે ખનન અને અકસ્માત મામલે કલેક્ટરને આવેદનપત્ર:​ડમ્પરની અડફેટે મહિલાના મોત બાદ સાંતલપુરના ગ્રામજનો રોષે ભરાયા; જૂનાગઢ કલેક્ટરને રસ્તો બદલવા અને ચોખ્ખો કરવા ઉગ્ર રજૂઆત કરાઈ

    7 hours ago

    જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના સાંતલપુર ગામે ગેરકાયદેસર રીતે થતા રેતી ખનન અને ભૂમાફિયાઓના ત્રાસથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. ભારે વાહનોની અવિરત અને બેફામ અવરજવરને કારણે રસ્તાઓ અત્યંત બિસ્માર બન્યા છે, જેના કારણે ગામમાં સતત અકસ્માતનો ભય રહે છે. થોડા દિવસો પહેલાં જ સાંતલપુર ગામ નજીક એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં આંબાના બગીચામાં પોતાનું દૈનિક કામ પતાવીને ઘરે પરત ફરી રહેલા એક સ્થાનિક મહિલાને ગેરકાયદેસર રેતી ભરેલા ડમ્પરે અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. ​આ અકસ્માત બાદ ઉશ્કેરાયેલા ગ્રામજનોએ એકઠા થઈને ગેરકાયદેસર ખનન કરતા તત્વો સામે તાત્કાલિક પગલાં ભરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગ્રામજનો મૃતક મહિલાના દેહને સાથે રાખીને વંથલી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ત્યાં જવાબદાર અધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી હતી. તે સમયે પોલીસ તંત્ર દ્વારા ગ્રામજનોને શાંત પાડવા માટે એવું ખાતરીપૂર્વક આશ્વાસન આપવામાં આવ્યું હતું કે હવે પછી ગામના મુખ્ય માર્ગ પરથી કોઈપણ સંજોગોમાં આવા ભારે ખટારાઓ પસાર થવા દેવામાં નહીં આવે. જો કે, વહીવટી તંત્રની આ ખાતરી માત્ર કાગળ પર જ રહી હોય તેમ, આશ્વાસન મળ્યાના ૨૪ કલાકની અંદર જ ફરીથી એ જ માર્ગ પર ગેરકાયદેસર રેતી ભરેલા ડમ્પરો અને ખટારાઓની અવરજવર ધમધમતી ચાલુ થઈ ગઈ હતી. તંત્રની આ ઉદાસીનતા અને વચનભંગના કારણે ગામ લોકોમાં ફરીથી રોષ વ્યાપી ગયો હતો, જેના પગલે આજે મોટી સંખ્યામાં મહિલાઓ અને ગ્રામજનો ન્યાયની માંગ સાથે એક આખી બસ ભરીને જૂનાગઢ કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ​સાંતલપુર ગામના સરપંચ વિપુલ કાપડિયાએ જણાવ્યું હતું કે, તેઓ આજે જૂનાગઢ કલેક્ટરને આવેદનપત્ર આપીને ગામમાંથી પસાર થતી રેતીની લીઝોના ખટારાઓનો રૂટ તાત્કાલિક અસરથી ફેરવવાની માંગ કરવા આવ્યા છે. ગામની મુખ્ય તકલીફ એ છે કે બે દિવસ પહેલાં જ ગામની એક મહિલા ખટારાના પાછળના જોટામાં આવી જતાં કાળનો કોળિયો બની ગઈ હતી. આ ઘટના બાદ આખું ગામ મૃતદેહ સાથે વંથલી પોલીસ સ્ટેશને ન્યાય માંગવા ગયું હતું. ત્યાંથી લેખિત કે મૌખિક આશ્વાસન મળ્યું હતું કે હવે ગામમાંથી આ વાહનો પસાર નહીં થાય, પરંતુ તેના ૨૪ કલાક પણ પૂરા ન થયા અને ખટારાઓ પાછા બેફામ દોડવા લાગ્યા છે. ગામમાં રોડ-રસ્તા જેવું કંઈ બચ્યું જ નથી, રસ્તાઓ સાવ ગાયબ થઈ ગયા છે. આ બાબતે અગાઉ પણ તંત્રને અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે અને ગ્રામ પંચાયતના રાજીનામા આપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે, પરંતુ તંત્ર તરફથી માત્ર ઠાલા આશ્વાસનો સિવાય કંઈ જ મળ્યું નથી. જો કલેક્ટર દ્વારા આ બાબતે તાત્કાલિક યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ગ્રામજનો ન્યાય મેળવવા માટે ગાંધીનગર સુધી લડત લંબાવશે. ભવિષ્યમાં જો આવી લીઝોના ખટારાને કારણે ગામના કોઈ નાગરિકનો અકસ્માત થશે, તો આખું ગામ ગાંધીજીના અહિંસક માર્ગે આંદોલન પર ઉતરશે અને જ્યાં સુધી લીઝનો રસ્તો ગામની પાછળના ભાગમાંથી અલગથી કાઢવામાં નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે. ​ગામના મહિલા અગ્રણી હર્ષાબેને જણાવ્યું હતું કે તેઓ સાંતલપુર ગામના વતની તરીકે આજે કલેક્ટર ઓફિસે ન્યાયની આશા સાથે આવ્યા છે. શનિવારે બનેલી અકસ્માતની કમનસીબ ઘટના બાદ ગામ લોકો ખૂબ જ ચિંતિત અને રોષે ભરાયેલા છે. વંથલી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કર્યા બાદ ગઈકાલે ગામમાં એક ખાસ ગ્રામસભા બોલાવવામાં આવી હતી. આ ગ્રામસભામાં તમામ વડીલો અને ગ્રામજનોએ ભેગા મળીને નક્કી કર્યું કે તંત્રને વધુ એક મોકો આપીને કલેક્ટરને રૂબરૂ મળીને અરજી આપવી જોઈએ. દર વખતે ગામના સેંકડો લોકોને અહીં સુધી આવવું અનુકૂળ ન હોવાથી, આજે ગામની મહિલાઓ, સરપંચ અને ઉપસરપંચ સહિતના લોકો ખાસ બસ ભાડે કરીને જૂનાગઢ આવ્યા છે. ગામ લોકોને કોઈ વ્યક્તિ, વેપારી કે લીઝ માલિક સાથે કોઈ વ્યક્તિગત વેર કે દુશ્મની નથી, તેમજ તેઓ કોઈના ધંધા-રોજગારને નુકસાન પહોંચાડવા માંગતા નથી. રેતીનું ખનન ભલે નિયમ મુજબ ચાલતું રહે અને ડમ્પરો પણ ભલે ચાલે, પરંતુ ગામનો ધાર સુધીનો જે આશરે ૧ થી ૩ કિલોમીટરનો મુખ્ય રસ્તો છે, તે રસ્તો ગ્રામજનો માટે એકદમ સુરક્ષિત અને ચોખ્ખો રાખવામાં આવે તે જ તેમની એકમાત્ર માંગ છે. ડમ્પરોની ભારે અવરજવરને કારણે રસ્તો સાવ બિસ્માર અને ખાડાવાળો થઈ ગયો છે. ચોમાસાની ઋતુમાં આ માર્ગ પર સ્થિતિ વધુ ભયજનક બની જાય છે, કારણ કે રસ્તા પર ગડબડિયા પથ્થરો કીચડમાં છુપાયેલા રહે છે. જ્યારે ગામના લોકો કે મહિલાઓ પોતાના ટુ-વ્હીલર લઈને ગારા અને કીચડ વાળા રસ્તા પરથી પસાર થાય છે, ત્યારે ગાડી સ્લીપ થઈ જવાની ઘટનાઓ રોજબરોજ બને છે. આવા સમયે જો સામેથી રેતી ભરેલું કોઈ મોટું ડમ્પર કે વાહન આવી જાય, તો ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે અને કોઈનો જીવ પણ જઈ શકે છે. આ ગંભીર જોખમને કારણે ગામના લોકોના મનમાં હંમેશાં એક અજાણ્યો ભય અને બીક રહે છે. આથી, તમામ ગ્રામજનો અને મહિલાઓની કલેક્ટરને નમ્ર અપીલ છે કે આ જોખમી રસ્તા પરથી ભારે વાહનો બંધ કરાવી, ખનન માટે લીઝનો નવો રસ્તો ગામની પાછળથી કાઢી આપવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ માસૂમનો જીવ ન જાય.
    Click here to Read More
    Previous Article
    5 જૂને દ.ગુજરાતના ઔદ્યોગિક વિકાસને ગતિ મળશે:PM મોદી ભરૂચના 6 અને વલસાડ જિલ્લાના 2 પ્રોજેક્ટ્સ સહિત ₹18777 કરોડના વિકાસકામોનું ખાતમૂહુર્ત કરશે
    Next Article
    Asad के मोहल्ले वालों ने बताई सील हुए मदरसे की सच्चाई! Ghaziabad Surya Case | Asad Encounter

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment