Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી, મહીસાગરમાં વૃક્ષો ધરાશાયી:સુરત, અમદાવાદ, અરવલ્લી, સાબરકાંઠામાં ભારે પવન સાથે વરસાદ, આજે રાજ્યમાં ધોધમારની ચેતવણી

    21 hours ago

    હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર આગાહી વચ્ચે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. 31 મેની મધરાતે 12 વાગ્યા બાદ મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ગીર સોમનાથ અને અમદાવાદ સહિતના જિલ્લાઓમાં ભારે પવન, તીવ્ર વાવાઝોડું અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે રાજ્યમાં આ પ્રી-મોન્સૂન સિસ્ટમ ઊભી થઈ છે. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલી જનતાને તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાતા મોટી રાહત મળી છે, પરંતુ તોફાની પવનના કારણે અનેક શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ જતાં અંધારપટ છવાયો હતો. સવારે સુરતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદને કારણે રોડ પર પાણી વહેતાં થયા હતાં. ઘણા સમયથી થતી અસહ્ય ગરમી અને અકળામણથી લોકોને રાહત મળી છે. આ ઉપરાંત જૂનાગઢના દાતાર પર્વત ઉપર વરસાદી માહોલમાં પ્રવાસીઓએ આનંદ માણતા જોવા મળ્યાં હતાં. આગામી ત્રણ કલાક ભારે પવન અને ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાત્રે આગામી ત્રણ કલાક એટલે કે 10 વાગ્યા સુધી દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પ્રતિકલાક 40 કિલોમીટરથી ઓછી ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સાથે જ હળવો વરસાદ અને સામાન્ય ગાજવીજ થવાની સંભાવના સેવાઈ રહી છે. હવામાન વિભાગે ખાસ કરીને સુરેન્દ્રનગર, બોટાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને ભાવનગર જિલ્લાના છૂટાછવાયા વિસ્તારો માટે 'યેલો એલર્ટ' જાહેર કરી છે. અમદાવાદમાં સાંજે અને રાત્રિના સમયે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન આશરે 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. જોકે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થયા બાદ સાંજ અને રાત્રિના સમયે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની શક્યતા છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી શકે છે. આ સાથે જ રાજ્યમાં પવનની ગતિમાં પણ વધારો જોવા મળી શકે છે. આગામી 3 દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં પવનની ગતિ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદના દિવસોમાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક વચ્ચે રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશને અડીને આવેલા વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. મહીસાગરમાં મધરાતે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, માર્ગો પર વૃક્ષો ધરાશાયી મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેર ઉપરાંત ખાનપુર, સંતરામપુર, ગોધર અને કડાણા સહિતના તમામ તાલુકા વિસ્તારોમાં મધરાત બાદ તોફાની વરસાદ વરસ્યો હતો. ભારે પવનના કારણે કડાણા થી લીંબોડા ગામ વચ્ચેના માર્ગ પર એક વિશાળ ઝાડ રસ્તાની વચ્ચોવચ ધરાશાયી થતાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે અટકી પડ્યો હતો. બીજી તરફ, મલેકપુર-કડાણા હાઈવે માર્ગ પર પણ એક વિશાળ વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતાં જ મહીસાગર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમ તુરંત એક્શનમાં આવી હતી. SOG પીઆઈ વી.ડી. ધોરડા અને તેમના સ્ટાફે જેસીબીની રાહ જોયા વિના, જાતે જ ભારે જહેમત ઉઠાવીને રસ્તા પરથી વૃક્ષના તૂટેલા ભાગોને હટાવ્યા હતા. પોલીસની આ ઝડપી અને પ્રશંસનીય કામગીરીને કારણે હાઇવે પર વાહન વ્યવહાર ટૂંક સમયમાં ફરી કાર્યરત થઈ શક્યો હતો, જેને સ્થાનિકોએ ભારે બિરદાવી હતી. રાજ્યમાં ભારે પવન સાથે પડેલાં વરસાદની તસવીરો… અમદાવાદમાં હાઈવોલ્ટેજ IPL ફાઇનલ પર મેઘરાજાનું જોખમ આ આકાશી આફતની સૌથી મોટી અસર રમત જગત પર પડવાની આશંકા છે. આજે (31 મે) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત અને બેંગલુરુ વચ્ચે IPLની મહાફાઇનલ મેચ યોજાવા જઈ રહી છે. જોકે, હવામાન વિભાગે મેચના દિવસે અમદાવાદમાં તેજ પવન અને થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જો મેચ દરમિયાન વરસાદ વિઘ્ન બનશે તો કરોડો ક્રિકેટ રસિયાઓની મજા બગડી શકે છે. હવામાન વિભાગ દ્વારા 4 જૂન સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલની જાહેરાત કરાઈ હોવાથી સ્ટેડિયમ સત્તાધીશો પણ એલર્ટ મોડ પર છે. સુરક્ષાના ભાગરૂપે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના અપાઈ છે. ⇒ પ્રદેશ વાઇઝ વરસાદના સત્તાવાર આંકડા (છેલ્લા 24 કલાક) 1. અરવલ્લી જિલ્લો (સાર્વત્રિક તોફાની વરસાદ) અરવલ્લીના માલપુર, મોડાસા, મેઘરજ, બાયડ, ધનસુરા, ભિલોડા, શામળાજી અને સાઠંબા પંથકમાં વરસાદની તોફાની ઇનિંગ જોવા મળી હતી. અહીં સાઠંબામાં સૌથી વધુ 70 mm વરસાદ ખાબક્યો હતો. 2. સાબરકાંઠા જિલ્લો સાબરકાંઠાના 8માંથી 5 તાલુકામાં રાત્રિ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદનો બીજો રાઉન્ડ વરસ્યો હતો, જેમાં વડાલી પંથક મોખરે રહ્યો હતો. 3. સૌરાષ્ટ્ર અને ગીર પંથક સતત બીજા દિવસે તાપમાનમાં 1થી 4 ડિગ્રીનો ઘટાડો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો નોંધપાત્ર રીતે ગગડ્યો છે, જેનાથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે. સૌથી મોટો અને મુખ્ય ફેરફાર ગાંધીનગરમાં જોવા મળ્યો છે, જ્યાં તાપમાન 42.7°Cથી એકઝાટકે 3.2°C ઘટીને 39.5°C નોંધાયું છે. આ ઉપરાંત, અન્ય અતિશય ગરમ રહેતા શહેરો, જેવા કે અમદાવાદમાં 3.1°Cનો મોટો ઘટાડો (43.1°Cથી 40.0°C) અને ભાવનગરમાં 2.7°Cનો ઘટાડો (42.7°C થી 40.0°C) નોંધાયો છે. સાથે જ સુરેન્દ્રનગરમાં 0.2°Cનો સામાન્ય ઘટાડો (41.5°Cથી 41.3°C) અને વડોદરામાં 0.2°Cનો ઘટાડો (39.6°C થી 39.4°C) થયો છે, જ્યારે રાજકોટમાં તાપમાન 39.9°C સાથે સ્થિર રહ્યું છે. ⇒ વરસાદ અને વાવાઝોડાની આગાહી રાજ્યમાં આગામી દિવસોમાં 50થી 60 કિમી/કલાકની ઝડપે ફૂંકાતા પવન અને વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાાહી છે, જેમાં ખાસ કરીને કરાં પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે. ⇒ મહત્તમ તાપમાન અંગેની આગાહી આગામી 5 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 3થી 5°Cનો ક્રમિક ઘટાડો થવાની સંભાવના છે. આગામી 2 દિવસ દરમિયાન રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40°C કે તેથી વધુ નોંધાઈ શકે છે, ત્યારબાદ ગરમીનું જોર ઘટશે. અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે અને મહત્તમ તાપમાન 40°Cની આસપાસ રહેવાની શક્યતા છે. ⇒ ચોમાસા અંગે અપડેટ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. તે અરબી સમુદ્રના દક્ષિણ ભાગો, લક્ષદ્વીપ અને બંગાળની ખાડીના મોટાભાગના વિસ્તારોમાં પહોંચી ગયું છે. આગામી 4થી 5 દિવસમાં ચોમાસું કેરળ અને તમિલનાડુ તરફ આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. આ પણ વાંચો... રાજસ્થાનના જેસલમેર-જયપુરમાં રેતીના તોફાનનું એલર્ટ, વાવાઝોડા-વરસાદથી MP-UP સહિત 7 રાજ્યોમાં ગરમી ઓછી થઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, છત્તીસગઢ, બિહાર અને ઓડિશામાં છેલ્લા 15 દિવસથી ચાલી રહેલી ભીષણ ગરમીથી રાહત મળી છે. આ રાજ્યોમાં પારો 40°Cથી નીચે પહોંચી ગયો છે. જોકે, મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં પારો હજુ પણ 44°C થી વધુ ચાલી રહ્યો છે. શનિવારે ચંદ્રપુર (ચાંદા) દેશમાં સૌથી ગરમ રહ્યું. અહીં પારો 44.8°C નોંધાયો હતો. આ ઉપરાંત, બ્રહ્મપુરી અને ગોંદિયામાં પણ પારો 44°Cથી વધુ રહ્યો. આ તરફ, શનિવારે રાજસ્થાનના 5 જિલ્લા શ્રીગંગાનગર, બીકાનેર, ચુરુ, હનુમાનગઢ અને સીકરમાં શનિવારે બપોરે 3 વાગ્યે રેતીનું તોફાન આવ્યું. તેની અસર લગભગ 200 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં રહી. હવામાન નિષ્ણાતોના મતે, આ રેતીના તોફાનની શરૂઆત હનુમાનગઢ અને શ્રીગંગાનગરથી થઈ હતી. વાવાઝોડાને પાકિસ્તાન તરફથી ઉઠેલી તેજ ધૂળભરી હવાઓએ ગતિ આપી હતી. આ દરમિયાન 56 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું ફૂંકાયું. રેતીના તોફાનને કારણે દિવસ દરમિયાન અંધારું છવાઈ ગયું. હવા સાથે આવેલી રેતી ઘરોમાં ભરાઈ ગઈ. IMDએ આજે પણ જેસલમેર અને જયપુરમાં રેતીના તોફાનનું એલર્ટ જાહેર કર્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર શું ફક્ત તડકામાં રહેવાથી જ લૂ લાગે છે?, કોને જોખમ વધુ હોય છે? 10 સંકેતો દેખાય તો તરત જ ડૉક્ટરને બતાવો; બચાવ માટે કરો 14 ઉપાય નવતપામાં ગરમી તેની ચરમસીમા પર છે. ભારતના ઘણા શહેરોમાં તાપમાન 45°C ને પાર કરી ગયું છે. તીવ્ર તડકા સાથે ફૂંકાતી ગરમ હવાઓથી લૂનું જોખમ વધી ગયું છે. લૂ લાગવા પર 'બોડી કૂલિંગ સિસ્ટમ' બરાબર કામ કરી શકતી નથી. સમયસર સારવાર ન મળે તો આ સ્થિતિ જીવલેણ બની શકે છે. આવી સ્થિતિમાં બાળકો, વૃદ્ધો અને બહાર કામ કરતા લોકો માટે નવતપા વધુ ખતરનાક બની શકે છે. જોકે, દૈનિક દિનચર્યામાં કેટલાક જરૂરી ફેરફારો કરીને લૂ ના જોખમથી મોટાભાગે બચી શકાય છે. તેથી 'કામના સમાચાર' માં આજે નવતપામાં લૂ ના જોખમો સમજીશું. સાથે જ જાણીશું કે, લૂ લાગવાના શું લક્ષણો છે?, કયા લોકોને લૂ લાગવાનું જોખમ વધુ હોય છે? અને તેનાથી બચવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે? વાંચે સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    IPLમાં અમદાવાદમાં RCB vs GTની ફાઈનલ:બેંગલુરુએ ટૉસ જીતીને બોલિંગ લીધી, ગુજરાતે સાઈ કિશોરની જગ્યાએ અરશદ ખાનને તક આપી
    Next Article
    12 સિંહોનાં મોતની વાત PM સુધી પહોંચી:વરસાદની આશંકા વચ્ચે IPL ફાઇનલનો મહાજંગ, જમવામાં કીડી નીકળતા મિત્રની ઘાતકી હત્યા; આવતીકાલથી વસતી ગણતરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment