Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણમાં ખીલ્યું ગુલાબ:દિલ ધડકને કા સબબ યાદ આયા, વો તેરી યાદ થી અબ યાદ આયા

    6 days ago

    બંગલાના પ્રવેશદ્વારની પાસેના પિલ્લર પર માલિકના નામની તકતી લગાવેલી હતી. બ્લેક ગ્રેનાઇટની લંબચોરસ તકતીમાં ગોલ્ડન કલરમાં નામ વંચાતું હતું: શેઠ નવનીતલાલ મહેતા. કારમાંથી ઊતરીને આ નામ વાંચતામાં જ વનલતાબહેન ભડક્યાં. પતિને પૂછી બેઠા: આ તો નવનીતલાલનો બંગલો છે! તમે કહ્યું નહીં. તમે તો ક્યારના ‘એન. જે. મહેતા… એન. જે. મહેતા’ એવું જ બોલ્યા કરો છો!’ વનલતાબહેનના પતિ વિષ્ણુભાઇ પત્નીની અકળામણને સમજી શક્યા નહીં, ‘તે હું સાચું જ બોલતો હતોને! નવનીતલાલ જયસુખલાલ મહેતા એટલે એન. જે. મહેતા જ થયા કે નહીં? આ બે વચ્ચે શું તફાવત છે? તું જ કહે.’ વનલતાબહેન શું બોલે? આટલું બોલી ગયા એ પણ બોલવા જેવું ન હતું એ એમને બોલ્યાં પછી સમજાયું. જો પતિ બુદ્ધિશાળી અને ચાલાક હોત તો અવશ્ય એના મનમાં સંશય ઉત્પન્ન થઇ જાત. એ પૂછી બેઠા હોત, ‘તું કેમ ‘નવનીતલાલ’ વાંચીને ભડકી ગઇ? તું એમને ઓળખે છે? આ અગાઉ ક્યારેય તું એમને મળી છે? તમારા બે વચ્ચે કંઇ…?’ હાશ, આવું કંઇ ન થયું? વિષ્ણુભાઇ બિચારા સાવ ભોળાભટ્ટાક માણસ હતા. એમણે કોઇ પૂછપરછ કરી નહીં, વનલતાબહેને જાતને સંભાળી લીધી. સાથે એમની યુવાન દીકરી શ્રીયા પણ હતી. અહીં આવવાનું કારણ શ્રીયા જ હતી. એના માટે છોકરો જોવાનો હતો. છોકરાનું નામ શાંતનુ નવનીતલાલ મહેતા. એટલે જ વનલતાના મોતિયા મરી ગયા. હતા. આ સંબંધ તો કેવી રીતે ગોઠવાઇ શકે? શ્રીયા અને શાંતનુ તો…! વનલતાબહેન ચૂપ રહીને આગળ ચાલ્યાં. વિશાળ બંગલાનાં ખુલ્લાં દ્વાર વચ્ચે જાજરમાન દેખાતાં નયનાબહેન ઊભાં હતાં. જેવો મીઠો ચહેરો, એવો જ મીઠો આવકરો. બધાં ડ્રોઇંગ રૂમમાં ગોઠવાયા. વનલતાની નજર નવનીતલાલને શોધી રહી હતી. નજરનો જવાબ અનાયાસ મળી ગયો, જ્યારે નયનાબહેને કહ્યું, શાંતનુ ટેનિસ રમીને આવતો જ હશે, એના પપ્પા બાથરૂમમાં છે. બે મિનિટમાં જ…’ નવનીતલાલને આવતા દસેક મિનિટ્સ થઇ ગઇ, તે પહેલાં શાંતનુ આવી ગયો. ‘મમ્મા, ગેસ્ટ્સ આવી ગયા?’ બોલતો એ ડ્રોઇંગરૂમમાં ધસી આવ્યો, પછી સંકોચ પામીને ધીમો પડ્યો. એણે ધાર્યું ન હતું કે છોકરી અને એનાં મમ્મી-પપ્પા ઓલરેડી આવી ગયા હશે. એની સમયની ગણતરી ખોટી પડી. બાથરૂમમાં જઇને ‘શૉવર’ લઇને સ્માર્ટ કપડાંમાં સ્માર્ટ લુક સાથે મહેમાનોની સામે ઉપસ્થિત થવાની એની યોજના હતી, એને બદલે સફેદ ટી-શર્ટ, સફેદ શોર્ટ્સ, પસીનાથી નીતરતું શરીર, વિખરાયેલા વાળ અને હાથમાં રેકેટ. પ્રથમ મુલાકાત માટે આવું પ્રેઝન્ટેશન કોને ગમે? શાંતનુને ખબર ન હતી કે એનું આ જ પ્રેઝન્ટેશન સામેના સોફામાં બેઠેલી એક નવયૌવનાના દિલ ઉપર કામણ પાથરી રહ્યું હતું. શ્રીયાની નજર છ ફીટ ઊંચા, ઘઉંવર્ણા, સ્નાયુબદ્ધ શરીર ઉપર સરકી રહી હતી. કસાયેલા હાથ-પગ અને સિંહ જેવી પાતળી કમર ધરાવતો આ ટેનિસ ખેલાડી એની શરમાતી આંખોનો સરતાજ બની ચૂક્યો હતો. ઘાયલ શાંતનુ પણ ક્યાં નહોતો થયો? ડ્રોઇંગ રૂમની શોભાને ચાર ચાંદ લગાવી દે તેવી સૌંદર્યસામ્રાજ્ઞી જે સોફા પર બિરાજેલી હતી તે સોફા પણ અત્યારે મયૂરાસન જેવો મૂલ્યવાન બની ગયો હતો. શાંતનુ અને શ્રીયાની નજરો આપસમાં બે વિદ્યુતલેખાની જેમ ટકરાઇ, માંડ હોશમાં આવેલા શાંતનુએ દાદરનાં પગથિયાં ચડતાં કહ્યું, ‘હું દસ મિનિટ્સમાં શૉવર લઇને આવું છું.’ ઇટાલિયન માર્બલનાં પગથિયાં ચડી રહેલાં શાંતનુને સૌથી ઉપરના પગથિયા પર નવનીતલાલ મળી ગયા. નવનીતલાલે શાંતનુને મોટા અવાજમાં પૂછી લીધું, ‘કેવી લાગી છોકરી તને? મને તો આટલે દૂરથી પણ સુંદર જ લાગી રહી છે.’ ‘મને શ્રીયા ગમી છે, ડેડી! મારી હા છે એવું સમજીને તમે વાતને આગળ વધારજો. હું આવું છું.’ શાંતનુનો જવાબ પણ ડ્રોઇંગ રૂમમાં બેઠેલા સહુને સંભળાઇ ગયો. પપ્પા વિષ્ણુપ્રસાદે શ્રીયાને ધીમેથી પૂછ્યું, ‘દીકરી, તને શાંતનુકુમાર ગમ્યા?’ જવાબમાં લજામણીના છોડે એની પાંપણો ઝુકાવી દીધી. લજ્જાના શરબતી મૌનમાંથી ‘હા’ સરી પડી. આ બધું ચાલી રહ્યું હતું ત્યારે વનલતાબહેનના મનમાં વિચારોનો વાવંટોળ ઊઠી રહ્યો હતો, ‘અરે, મને તો કોઇ પૂછો! આ છોકરા-છોકરીનાં લગ્ન કોઇ કાળે થઇ શકે તેમ નથી. બંનેની રગોમાં એક જ બાપનું લોહી દોડી રહ્યું છે. આ વાત મારે કોને સમજાવવી? કેવી રીતે સમજાવવી? પેલો નવનીતિયો ક્યાં ગુડાણો છે? એ આવે તો હું ગમે તેમ કરીને એને કહું કે…’ ત્યાં જ ઘેરો, પૌરુષી અવાજ સંભળાયો, ‘પધારો! પધારો! આવી ગયા તમે? માફ કરજો, મને આવવામાં થોડી વાર થઇ.’ નવનીતલાલ ડ્રોઇંગ રૂમમાં આવી ચૂક્યા હતા. મોટેથી હસતા અને મોટા અવાજે વાત કરતા નવનીતલાલે મહેમાનો ઉપર ઝીણી નજર ફેરવી લીધી. વનલતાની સામે પણ જોઇ લીધું, એવી રીતે જોયું જાણે જિંદગીમાં પહેલી વાર મળી રહ્યા હોય! ‘તમારું નામ વિષ્ણુપ્રસાદને?’ એમણે શ્રીયાના પપ્પાને પૂછ્યું, ‘મને તમારા વિશે અશોકભાઇએ વાત કરી હતી કે વિષ્ણુભાઇના ઘરમાં કોહિનૂર જેવી કન્યા છે. પછી શ્રીયા સામે જોઇને બોલ્યા, ‘કોહિનૂર તો આ હીરા સામે પાણી ભરે!’ છેલ્લે વનલતાને ઉદ્દેશીને બોલ્યા, ‘તમે આ છોકરીનાં મમ્મી લાગો છો. શું નામ તમારું?’ વનલતાબહેને હસતું મોં રાખીને જવાબ આપ્યો પણ મનમાં પ્રેશર કૂકર ફાટવાનું હોય એવો ધમધમાટ ચાલી રહ્યો હતો. કેમ ન ચાલે? આ એ જ નવનીતલાલ હતો જેની સાથે લગભગ બે દાયકા પહેલાં…’ ત્યારે વનલતા અને વિષ્ણુનાં લગ્નને આઠેક વર્ષ પૂરાં થયાં હતાં. ડોક્ટરે કહી દીધું હતું, ‘બહેન, તમારા પતિનો રિપોર્ટ શૂન્ય છે. જો તમારે મા બનવું હોય તો સિમેન બેન્કમાંથી સેમ્પલ લાવીને…’ યુવાન વનલતા ઊભી થઇ ગઇ હતી, ‘હું વિચારીને જણાવીશ.’ પછી એણે વિચારી લીધું હતું, ‘જો બીજા પુરુષના સ્પર્મથી જ પ્રેગ્નન્સી રાખવાની હોય તો મારા ભૂતકાળનો પ્રેમી નવનીત શું ખોટો છે? એ મને નિરાશ નહીં જ કરે એની મને ખાતરી છે.’ નવનીતને ખબર પણ ન પડી કે જૂની પ્રેમિકા અચાનક અને મળવા શા માટે આવી હતી? અને એ પછી ફરી ક્યારેય શા માટે ન આવી? સાચી વાતની જાણ વનલતાએ કોઇને થવા દીધી નહીં, ખુદ નવનીતને પણ નહીં. શ્રીયા જન્મી ચૂકી હતી. મનનું પ્રેશર કૂકર ધમધમતું હતું અને ડ્રોઇંગ રૂમમાં હાસ્યના ફુવારાઓ ઊડી રહ્યા હતા. શૉવર પતાવીને, નવાં વસ્ત્રો ધારણ કરીને કામદેવ જેવો સોહતો શાંતનુ પધારી ચૂક્યો હતો. શ્રીયા-શાંતનુની સુંદર જોડી ઉપર વડીલોના આશીર્વાદો વરસી રહ્યા હતા. નવનીતલાલ તો સગાઇ અને લગ્નની શુભ તિથિઓ વિશે ચર્ચા કરી રહ્યા હતા. વનલતાબહેન ઊભાં થયાં, ‘નવનીતલાલ, મારે તમારી સાથે અંગત વાત કરવી છે. ફક્ત એક જ મિનિટ માટે તમે…’ ‘મારી સાથે?’ નવનીતલાલ મોટેથી હસ્યા, ‘હો… હો...! જરૂર વાત કરીએ. એમાં શું? આવોને બાજુના રૂમમાં. હું સમજી ગયો કે તમારે શું પૂછવું છે. અમે દહેજ-બહેજ લેવામાં માનતા નથી. અત્યારે જ કહી દઉં છું. એ જ વાત કરવી છેને? આવો…’ એ ઊભા થયા.બાજુના રૂમમાં ગયા પછી વનલતાબહેને દીવાલો પણ સાંભળી ન શકે એવા ધીમા અવાજમાં કહ્યું, ‘શું ક્યારના હસી રહ્યા છો! કંઇ ભાન-બાન છે કે નહીં? શ્રીયા મારી અને તમારી દીકરી છે. શાંતનુ અને શ્રીયા એક જ બાપનાં સંતાનો છે. ભાઇ-બહેનનાં લગ્ન ન થઇ શકે.’ નવનીતલાલ પહેલી વાર હસ્યા નહીં, મોટેથી બોલ્યા નહીં, એમણે પણ દીવાલોનો ડર સાચવ્યો, ‘તો શાંતનુય ક્યાં મારો દીકરો છે? અમારાં લગ્નનાં પાંચ વર્ષ થયાં એ પછી પણ નયના મા બ બની શકી, ડોક્ટરે કહ્યું કે એની બંને નળીઓ બંધ છે. પછી અમે મારા સાળાના દીકરાને દત્તક લઇ લીધો. શાંતનુમાં મારું બુંદ નથી. ચાલો, હવે હસવાનો સમય શરૂ થાય છે.’ બંને ડ્રોઇંગ રૂમમાં આવ્યા ત્યારે નવનીતલાલની સાથે વનલતાબહેન પણ મોટે-મોટેથી હસી રહ્યાં હતાં. } (શીર્ષક પંક્તિ: નાસીર કાજમી)
    Click here to Read More
    Previous Article
    અમલપિયાલી:કહ્યા વિનાયે સઘળું સમજે એવાં સગપણ ક્યાં છે?
    Next Article
    હિડન ટ્રુથ:સૃષ્ટિ અને ઈશ્વર કે સૃષ્ટિ એ જ ઈશ્વર?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment