Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમયાંતર:અમેરિકાએ શરૂ કરેલાં, પણ પૂરાં ન કરી શકેલાં યુદ્ધો

    7 hours ago

    લલિત ખંભાયતા 1993ની વાત છે. જ્યાં-ત્યાં હુમલા કરવાની ટેવ ધરાવતા ખમતીધર અમરિકાએ સાવ નાના દેશ પર હુમલો કર્યો. દેશની વસ્તી ત્યારે માંડ 65 લાખ હતી. વિસ્તાર તો 6.37 લાખ ચોરસ કિલોમીટર એટલે અમેરિકા કરતાં સાડા પંદરગણો નાનો એ દેશ. અમેરિકી સૈન્ય તો મિસાઈલ, હેલિકોપ્ટર, ગોળા-બારુદ, હથિયારોથી સજ્જ હતું. સામે પક્ષે એકે-47થી મોટું કોઈ આયુધ ન હતું. એવા દેશ સામે વિજય મેળવવામાં આમ તો અમેરિકાને અમુક કલાકો જ લાગે. 1992ના ડિસેમ્બરમાં અમેરિકાએ સૈન્ય ઉતારવાની શરૂઆત કરી. 1993માં સંઘર્ષ શરૂ થયો. 1994માં અમેરિકાએ સૈન્ય પાછું ખેંચી લીધું. સમજાયું કે આ દેશમાં આપણી પાલી ચાલે એમ નથી. અમેરિકાના 18 સૈનિકો મૃત્યુ પામ્યા હતા અને બે એવાં હેલિકોપ્ટર તોડી પડાયાં હતાં જેના પર અમેરિકાને બહુ ગુમાન હતું. અમેરિકાને હરાવનારો એ દેશ સોમાલિયા. વાંદરો સિંહને લાફો મારે એવી વાર્તા વાસ્તવમાં પણ બને છે. અમેરિકા નામના સિંહે આવા અનેક લાફા ખાધા છે. સોમાલિયામાં આંતરિક યુદ્ધ ચાલતું હતું. લશ્કરી જનરલ અદીદીની સેના રાષ્ટ્રસંઘ વગેરે દ્વારા આવતી મદદ સામાન્ય નાગરિકો સુધી પહોંચવા દેતી ન હતી. અમેરિકાને થયું કે બહારથી જે મદદ સોમાલિયામાં આવે એ સામાન્ય નાગરિકો સુધી સરખી રીતે પહોંચવી જોઈએ. એ કામગીરીમાં કોઈ આડો પગ ન કરે એટલે અમેરિકાએ સૈન્ય મોકલ્યું. અદીદીના સમર્થકો સ્વાભાવિક અમેરિકાને દુશ્મન માનીને લડત આપવા લાગ્યા. એમાં જ સોમાલિયાના પાટનગર મોગાદિશુમાં બ્લેક હૉક ડૉન પ્રકારના બે હેલિકોપ્ટર તોડી પાડ્યાં. અમેરિકા માટે એ નાક કપાવા જેવું હતું. ચાર દિવસ પછી પ્રમુખ બિલ ક્લિન્ટને કહ્યું કે સોમાલિયાને પડતું મૂકો, આપણા ઘરે પાછા આવતા રહો. સોમાલિયા જેવા બે બદામના ગણાતા દેશે અમેરિકાને શીખવ્યું કે બે બદામનું ખરેખર કોણ છે. *** ઇરાનમાં અઢી મહિના પછી પણ અમેરિકાને સાંધાનીય હળ સૂઝતી નથી. ટ્રમ્પ રોજે રોજ શાંતિ લંબાય એ માટે એક યા બીજાં બહાનાં આગળ ધપાવે છે. અમેરિકાને ચો-તરફથી મોટા પાયે નુકસાન થઈ ચૂક્યું છે. ટ્રમ્પને એમ હતું કે ઇરાનમાં ઊતરી બ્રિટન, ઇટાલી, જર્મની, ફ્રાન્સ વગેરે સાથીદાર દેશોને શોલેના જેલરની માફક કહેશે કે અડધા ઇરાનમાં ઊતરો, અડધા હોર્મુઝમાં મદદ કરો. પણ કોઈ દેશ અમેરિકાની સાથે આવવા તૈયાર ન થયા. મધ્ય-પૂર્વમાં અમેરિકાનાં લશ્કરી મથકો હતાં એ ઇરાને તોડી પાડીને ખંડેરમાં ફેરવી દીધાં એટલે અમેરિકી સૈન્યએ ત્યાંથી ઉચાળા ભરવા પડ્યા. અમેરિકાનાં વિમાનો તૂટ્યાં, ડ્રોન ભાંગ્યાં અને સૈનિકો પણ મરાયા. અમેરિકાને હતુ કે આપણે ઇરાન પર હુમલો કરીશું એટલે થોડી કલાકોમાં તો ઇરાનની નેતાગીરી માઇ-બાપ ત્રાહિમામ્ કરતી સામે આવશે. એવું થયું નથી. ફસાયું કોઈ હોય તો એ અમેરિકા છે. ઇરાનને બેશક નુકસાન થયું છે, થઇ રહ્યું છે પણ તેની પાસે ગુમાવવાનુંય ઓછું છે. ઇતિહાસમાં એવાં એકાધિક ઉદાહરણો છે જ્યારે અમેરિકાએ મોટા પાયે હુમલો કર્યો હોય અને ધોયેલા મૂળાની જેમ ઘરભેગા થવું પડ્યું હોય. આપણે ત્યાં પ્રવાસીઓ વિએટનામ જવાનું સપનું જોતાં હોય છે, અમેરિકનો માટે વિએટનામ દુ:સ્વપ્ન છે. ભારતથી પૂર્વમાં, ચીનના દક્ષિણ છેડે આવેલા વાંકાચૂકા દેશમાં અમેરિકાએ 1956માં પ્રવેશ કર્યો અને 1975માં નામોશી સાથે બહાર નીકળવું પડ્યું. 1945માં બીજા વિશ્વ યુદ્ધ પછી ઉત્તર અને દક્ષિણ એમ બે વિએટનામ થયા. ઉત્તરમાં રશિયા જેવા સામ્યવાદી દેશનો ટેકો હતો. આખું વિએટનામ સામ્યવાદી થાય એ પહેલાં અમેરિકાનો અંતરઆત્મા જાગી ઊઠ્યો. હો ચી મિન્હ નામના નેતાની આગેવાનીમાં લડનારા સૌ કોઈને મારી હટાવી અમેરિકા વિએટનામના નાગરિકોને સ્વતંત્રતા અપાવવા આવી પહોંચ્યું. અલબત્ત, ભૂલ એ કરી કે વિએટનામના નાગરિકોને સ્વતંત્રતા જોઈએ છે કે કેમ એ પૂછવાનું રહી ગયું હતું. માંડ દોઢ લાખ ચોરસ કિલોમીટરના દેશમાં અમેરિકી સેના ઊતરી પડી. વિએટનામને ખાસ ફરક ન પડ્યો એટલે શસ્ત્રોનો ખડકલો કરી દીધો. એટલેથીય ફરક ન પડ્યો તો પછી અવિરત બોમ્બમારો, ‘એજન્ટ ઓરેન્જ’ જેવા ઝેરી કેમિકલનો છંટકાવ, ચો-તરફથી સૈન્ય આક્રમણ વગેરે રસ્તાઓ અજમાવ્યા. અમેરિકામાં એક પછી એક પ્રમુખ બદલતાં જતા હતા. વિએટનામને ફરક પડતો ન હતો. એટલું જ નહીં, 1964માં તો અમેરિકાનું એ વખતે બહુ મોટું ગણાતું 2200 ટનનું યુદ્ધ જહાજ વિએટનામે ડુબાડી દીધું. છેક બે દાયકે 1975માં અમેરિકાને ખબર પડી કે આ ધંધો કરવા જેવો નથી. 58 હજાર સૈનિકો માર્યા ગયા પછી અમેરિકાએ વિએટનામ ખાલી કરી દીધું. ગુજરાતી ભજન કરેલા ‘કરમના બદલા’માં પંક્તિ છે, ‘રાહુને જોઈને (સૂર્ય-ચંદ્રના) મોઢાં કાળાં પડે છે’... એમ વિએટનામને જોઈને આજેય અમેરિકાનાં મોઢાં કાળાં પડે છે. 2001ના આતંકી હુમલા પછી અમેરિકાએ અલ-કાયદાને ખતમ કરવા અફઘાનિસ્તાનમાં હુમલા શરૂ કર્યા. અલ-કાયદાનો ગઢ અફઘાનિસ્તાન હતું, પણ આખો દેશ અમેરિકાનો દુશ્મન ન હતો. અમેરિકાએ સફળતા મેળવી અને દાયકા પછી 2011માં લાદેનને ખતમ કરી દીધો. ઉદ્દેશ પૂરો થયા પછી ત્યાંથી નીકળી જવાને બદલે અમેરિકાએ ત્યાં જ પડ્યાપાથર્યા રહેવાનું પસંદ કર્યું. અફઘાનિસ્તાનમાં લોકશાહી સ્થાપવાનું સપનું પૂરું ન થયું. અમેરિકાને બે લાખ કરોડ ડૉલરનું નુકસાન થયું અને અમેરિકાએ 2021માં દેશ છોડ્યો એ સાથે તાલિબાનોએ ફરીથી સત્તા મેળવી જેમને હટાવવા તો અમેરિકાએ ત્યાં એન્ટ્રી મારી હતી. અલબત્ત, એન્ટ્રી મારતી વખતે અમેરિકા એ વાત ભૂલી ગયું હતું કે ભૂતકાળમાં બે મહાસત્તાઓ નામે બ્રિટન અને રશિયાએ પણ અફઘાનિસ્તાનમાં આ રીતે ઘૂળ ફાંકવી પડી હતી. અફઘાનિસ્તાન મહાસત્તાઓનું કબ્રસ્તાન હતું એ વાત વધુ એક વખત 2021માં સાબિત કરી. વિએટનામની માફક કોરિયામાં પણ બીજા વિશ્વયુદ્ધ પછી સામ્યવાદ કે મૂડીવાદ એવો સંઘર્ષ શરૂ થયો. 1949માં રશિયાએ ત્યાં સામ્યવાદનો ડોઝ આપવાની શરૂઆત કરી. જો અમેરિકા ત્વરા ન દાખવે તો આખું કોરિયા સામ્યવાદી થાય. કોઈ દેશ લોકશાહી અપનાવે, કોઈ દેશ રાજાશાહી અપનાવે, કોઈ દેશ સરમુખત્યારશાહી અપનાવે કે કોઈ દેશ હિટલરશાહી-ફાસીવાદ અપનાવે…… એ બધું અમેરિકા ચલાવી લે, પણ કોઈ દેશ સામ્યવાદનું નામ લે એટલે અમેરિકા તરત જ ત્યાં પહોંચી જાય. કોરિયાના દક્ષિણ ભાગેથી અમેરિકાએ સૈન્ય રવાના કર્યું. ઉત્તર અને દક્ષિણ કોરિયા એવા બે ભાગ લડતા હતા એમાં ઉત્તરમાં રહેલા સામય્વાદીઓને હરાવવા અને રશિયાને હાંકી કાઢવું એ અમેરિકાનો ઈરાદો હતો. 1953 સુધી લડત ચાલ્યાં પછી બંને દેશો હતા ત્યાંના ત્યાં રહ્યા. ઉત્તરમાં સામ્યવાદ જળવાયો, દક્ષિણમાં મૂડીવાદ. વચ્ચે ‘38 પેરેલલ’ નામની ચાર કિલોમીટર પહોળી સરહદ બની જે જગતની સૌથી વધુ લશ્કરી ખડકલો ધરાવતી સરહદમાં સ્થાન ધરાવે છે. અમેરિકાને આંશિક સફળતા મળી કેમ કે સામ્યવાદ ઉત્તર પૂરતો મર્યાદિત રહ્યો. પણ ઉત્તર પૂરતોય સામ્યવાદ ન રહે એ અમેરિકાની ઈચ્છા પૂરી ન થઈ. વધારે નુકસાન એ વાતે પણ ગણવું પડે કે અમેરિકાના 37 હજારથી વધારે સૈનિકો માર્યા ગયા. 8 હજારથી વધારે ગુમ થયા. વાયુસેનાએ પોણા ત્રણ હજાર વિમાનો ગુમાવી દીધાં. એ બધું ઓછું હોય એમ આજેય ‘કિમ જોંગ ઉન’ નામનો ઢીંગલો ટ્રમ્પ સામે સામ્યવાદના લાલ વાવટા ફરકાવતો રહે છે. આજે ઇરાન છે, અગાઉ ઇરાક સાથે અમેરિકાને દુશ્મની થઇ હતી. સદ્દામ હુસૈન કહ્યામાં નથી, તેની પાસે સંહારક શસ્ત્રો છે, ઇરાકની પ્રજા તેનાથી આઝાદી ઝંખે છે વગેરે જેવાં કારણો આગળ ધરી બુશે ઇરાક પર હુમલો કરી દીધો. માર્ચ, 2003માં હુમલો કર્યો. થોડો વખતમાં સદામને પકડી લીધો. 2006માં ફાંસીએ પણ ચડાવી દીધો. એ પછી ઇરાકમાં પોતાની ઈચ્છા મુજબની લોકશાહી સ્થપાશે એવી અમેરિકાની ઈચ્છા પૂરી ન થઈ. ઇરાકમાં ગૃહ યુદ્ધ શરૂ થયું, અશાંતિ વધી. અમેરિકાએ દેશ 2011માં ખાલી કર્યો પછી ત્યાં નવું આતંકી સંગઠન પેદા થયું. ‘આઈસિસ’ નામના એ સંગઠને પણ હાહાકાર મચાવ્યો એટલે અમેરિકાએ વળી તેની સામે હુમલા શરૂ કરવા પડ્યા. સદ્દામ માર્યો ગયો એટલી અમેરિકાને સફળતા મળી, પરંતુ ઇરાકમાં શાંતિ કે સ્થિર સરકાર ન બની શકી. આતંકીઓ વધ્યા, અમેરિકાના 4500થી વધારે સૈનિકો પણ માર્યા ગયા. અમેરિકાને આજેય સમજાતું નથી કે ત્યાં હુમલો કરીને કાંદો શું કાઢી લીધો? એવી જ રીતે 2011માં લિબિયા પર હુમલો કરી અમેરિકાએ ગદ્દાફીને ખતમ કરી દીધો પણ દેશ આખો ગૃહ યુદ્ધમાં ધકેલાઈ ગયો. અમેરિકાને આર્થિક નુકસાન થયું, પણ કોઈ સૈનિકો મરાયા નહીં કેમ કે હુમલો માત્ર આકાશમાંથી જ થયો હતો. 2014માં સીરિયામાં પણ હુમલો કરી સત્તા બદલો કરી દીધો અને દેશને ગૃહ યુદ્ધમાં હોમી દીધો. 1812માં અમેરિકાએ બ્રિટન સામે યુદ્ધ જાહેર કર્યુ હતું. 1815 સુધી ચાલ્યું. કેનેડા બ્રિટિશ તાબામાં હતું એટલે ત્યાં હુમલો કરી દીધો. આવા કિસ્સા ઘણા છે. અમેરિકા જ્યાં-ત્યાં હુમલા કરવા કૂદી પડે છે. ઇરાક, સીરિયા, અફઘાનિસ્તાને ભૂલ કરી એવી ઇરાને નથી કરી. એટલે અઢી મહિનેય અમેરિકા ફાંફાં મારી રહ્યું છે. બીજી તરફ સોમાલિયા કે વિએટનામમાં જે ફાંકો હતો એવો શસ્ત્રોથી યુદ્ધ જીતી શકવાનો ભ્રમ અમેરિકાનો હજુય ભાંગ્યો નથી. એટલે ઇરાનમાં આધુનિક શસ્ત્રો ઉતાર્યાં અને ઇરાને મિસાઈલ-ડ્રોન વડે એમને ભંગારમાં ફેરવી દીધાં. અમેરિકી મીડિયા ત્યાંની સરકારને પૂછે છે કે શું આપણે જીતવાનું ભૂલી ગયા છીએ. દુનિયા અમેરિકાને એમ પૂછે છે કે જીતવાની ત્રેવડ ન હોય તો યુદ્ધ શરૂ શું કામ કરો છો?! }
    Click here to Read More
    Previous Article
    Charlie Kirk Succession Controversy: Candace Owens Demands Proof Of Claims That Charlie Chose Wife Erika As Successor
    Next Article
    Uttarkashi Earthquake News: 2.4ની તિવ્રતાના ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું ઉત્તરકાશી | Uttarakhand News

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment