Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સોનુ ન ખરીદો', મોદીની અપીલ બાદ ગુજરાતમાં કેવો માહોલ?:જ્વેલર્સમાં ફફડાટ, ગ્રાહકોના શ્વાસ અદ્ધર; સોની વેપારીઓએ સરકારને વચલો રસ્તો દેખાડ્યો

    7 hours ago

    ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે દુનિયાના તમામ દેશો મુશ્કેલી અનુભવી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ડોલર સાથે રૂપિયો ઘસાઈ રહ્યો છે. જેના કારણે ભારતના વિદેશી હૂંડીયામણ પર અસર પડી રહી છે. દેશ સામે ઉભી થઈ રહેલી મુશ્કેલીનો સામનો કરવા પીએમ મોદીએ લોકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા અને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડવા અપીલ કરી છે. આ અપીલના કારણે જ્વેલર્સમાં ફફડાટ ફેલાયો છે. સોનાના ભાવમાં રોકેટ ગતિએ થયેલા વધારાના કારણે જ્વેલરી ઉદ્યોગ ડચકા ખાઈ રહ્યો છે તેની વચ્ચે જ જો પીએમની અપીલ બાદ લોકો સોનું ખરીદવાનું બંધ કરે તો મુશ્કેલી બેવડાઈ જવાનો ખતરો છે. PMની અપીલની જ્વેલરી ઉદ્યોગ પર કેવી અસર થઈ શકે તે જાણવા માટે દિવ્ય ભાસ્કરે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના સોની વેપારીઓ અને જ્વેલર્સ એસોસિએશનના હોદેદારો સાથે વાતચીત કરી હતી. PMની ચિંતા વાજબી છે પણ લાખો લોકોની રોજગારીનો પણ પ્રશ્ન છે- દીપક ચોક્સી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના હિતમાં અને ઈમ્પોર્ટ ડ્યુટી તેમજ ફોરેન રિઝર્વની ખાધને પહોંચી વળવા માટે નાગરિકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા અપીલ કરવામાં આવી છે. આ અપીલને પગલે સુરતના હીરા અને ઝવેરી બજારમાં ભારે ચર્ચા જાગી છે. સુરતના જાણીતા જ્વેલર દીપક ચોકસીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની ચિંતા વ્યાજબી છે અને અમે તેમની મુહિમ સાથે સહમત છીએ, પરંતુ આ નિર્ણયની સીધી અસર ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો પરિવારો પર પડી શકે તેમ છે. ખાસ કરીને સોનાના વધતા ભાવ અને ટેરિફને કારણે પહેલેથી જ મંદીનો સામનો કરી રહેલા ઝવેરીઓ માટે આ નવો પડકાર સાબિત થશે. ટર્નઓવરમાં 80% સુધીના તોતિંગ ઘટાડાની ભીતિ જ્વેલરી ઉદ્યોગના ટર્નઓવર અંગે ચોંકાવનારી વિગતો આપતા દીપક ચોકસીએ જણાવ્યું કે, સોનાના ભાવમાં આવેલા ઉછાળાને કારણે અત્યારે જ જ્વેલર્સનું ટર્નઓવર 40% જેટલું ઘટી ગયું છે. જો વડાપ્રધાનની અપીલ બાદ ગ્રાહકો સોનું ખરીદવાનું બંધ કરશે તો ટર્નઓવરમાં વધુ 40%નું ગાબડું પડી શકે છે. આમ, જ્વેલરી માર્કેટ માત્ર 20% ટર્નઓવર પર આવી જવાની ભીતિ સેવાઈ રહી છે. આર્થિક રીતે આટલો મોટો ઘટાડો જ્વેલરી ક્ષેત્ર માટે અસ્તિત્વનો પ્રશ્ન ઊભો કરી શકે છે, જેની સીધી અસર વેપારીઓની કાર્યકારી મૂડી પર પડશે. 6 લાખ કારીગરોની રોજીરોટી પર સંકટ સુરતમાં અંદાજે 2000થી 2500 જેટલી જ્વેલરી પેઢીઓ આવેલી છે, જેની સાથે 5 થી 6 લાખ કારીગરો સીધી રીતે સંકળાયેલા છે. ભારતીય સંસ્કૃતિમાં જન્મથી મરણ સુધીના પ્રસંગોમાં સોનું વણાયેલું હોવાથી આ ઉદ્યોગ મોટો રોજગાર પૂરો પાડે છે. જ્વેલર્સે માંગ કરી છે કે સરકાર 'ગોલ્ડ મોનેટાઈઝેશન' જેવી કોઈ અસરકારક સ્કીમ લાવે, જેથી લોકો પાસે પડેલું સોનું માર્કેટમાં ફરીથી ફરતું થાય. જો સરકાર કોઈ મધ્યમ માર્ગ કાઢશે તો જ હસ્તકલા અને કારીગરી સાથે જોડાયેલા લાખો લોકોની રોજીરોટી બચાવી શકાશે અને ઉદ્યોગને વેગ મળશે. લોકોએ જૂનું સોનામાંથી નવા દાગીના બનાવવા જોઇએ- જીગર સોની અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ જીગર સોનીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશને જે અપીલ કરવામાં આવી રહી છે તેમાં તથ્ય જોવા મળી રહ્યું છે. ઈરાન, અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે અત્યારે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે. જેના કારણે ભવિષ્યમાં અનેક વસ્તુઓમાં સંકટ પેદા થઈ શકે તેવું લાગી રહ્યું છે. બહારથી જે પણ વસ્તુની આયાત કરવામાં આવે છે તેના માટે વિદેશી મુદ્રાનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી નરેન્દ્ર મોદીએ ઘણી બધી વસ્તુઓમાં કાપ મુકવા માટે લોકોને અપીલ કરી છે. પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરવો જોઈએ અને સોનુ એક વર્ષ સુધી ન ખરીદવું જોઈએ તેવી અપીલ કરી છે. વધુમાં જીગર સોનીએ જણાવ્યું હતું કે, લોકો પાસે અત્યારે ઘણું બધું સોનુ એવું છે કે જે લોકરમાં અથવા ઘરે પડી રહ્યું છે. જેથી લોકોએ લગ્ન પ્રસંગમાં નવું સોનુ ખરીદવાના બદલે જુના સોનાને એક્સચેન્જ કરાવીને નવું સોનુ ખરીદવું જોઈએ. જેથી બહારના દેશમાંથી સોનુ મંગાવવું ન પડે. ઘરમાં જે સોનુ બંધ પડ્યું છે તેનો ઉપયોગ કરી શકીએ અને દેશની વિનિમય ક્ષમતાને વધારી શકીએ તે માટે અપીલ કરી છે. રોજગારીને કોઈપણ પ્રકારની અસર પડવાની નથી. કારણ કે આપણે બહારથી સોનુ મંગાવવાનું ટાળીશું. પરંતુ જ્યારે આપણે આપણા પાસે પડેલા સોનામાંથી નવો દાગીનો બનાવતા હોઈએ ત્યારે સ્થાનિક કારીગરોને રોજગારી મળવાની છે. બહારથી સોનુ ન મંગાવવું પડે અને ઘરમાં રહેલા સોનાનો ઉપયોગ થાય તે માટે અપીલ કરવામાં આવી છે. ફિઝિકલ ગોલ્ડમાં રોકાણના બદલે ETF કે EGR માધ્યમમાં કરવું જોઈએ- કેતન ચોક્સી વડોદરા જ્વેલર્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ કેતન ચોકસીએ જણાવ્યું હતું કે, તરીકે હું માનું છું કે ઇન્ડસ્ટ્રી હંમેશા દેશની સાથે રહી છે અને રહેશે. અમારા માટે વ્યવસાય ગૌણ છે, પણ દેશ હિત પ્રથમ છે. એટલે વડાપ્રધાનની જે અપીલ છે કે લોકો સોનાનો વપરાશ ઘટાડે, તેને અમે ચોક્કસ સમર્થન આપીએ છીએ. જોકે આના બે પાસા છે. એક તરફ જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર દેશની જીડીપી, એક્સપોર્ટ અને રોજગારીમાં બહુ મોટું યોગદાન આપે છે. બીજી તરફ, જે ગ્રાહકો ફક્ત 'બુલિયન' (સોનાના સિક્કા કે લગડી) સ્વરૂપે રોકાણ કરે છે, તેના કારણે દેશનું ઈમ્પોર્ટ વધે છે. જો લોકો ઈટીએફ (ETFs) કે ઈજીઆર (EGR) જેવા માધ્યમો તરફ વળે અને ફિઝિકલ ગોલ્ડનું ઈમ્પોર્ટ થોડું નિયંત્રિત થાય, તો દેશને જે ફોરેન ફિસ્કલ ડેફિસિટની તકલીફ પડે છે, તેમાં મોટી રાહત મળી શકે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જ્વેલરી સેક્ટર ઘણું મોટું છે. તે જીડીપી અને એક્સપોર્ટમાં આશરે 7.5% યોગદાન આપે છે અને લગભગ 7 થી 7.5 કરોડ લોકો આ વ્યવસાય સાથે જોડાયેલા છે. જો લોકો સાવ સોનું ખરીદવાનું બંધ કરી દે, તો ઇન્ડસ્ટ્રી, રોજગારી અને સરકારની રેવન્યુ પર મોટી અસર પડી શકે છે. ભારત દર વર્ષે સરેરાશ 800 ટન સોનું આયાત કરે છે. તેના પર 6% ઈમ્પોર્ટ ડ્યુટી અને 3% જીએસટી ગણીએ, તો કુલ 9% જેટલી સીધી આવક સરકારને થાય છે. આ સિવાય ઇન્કમ ટેક્સ અને અન્ય વેરાઓ અલગ. એટલે આ ઇન્ડસ્ટ્રી સરકારને બહુ મોટી રેવન્યુ આપે છે. તેઓએ કહ્યું કે, મારો સુઝાવ છે કે એક 'સ્ટ્રાઈક બેલેન્સ' જળવાવું જોઈએ. લોકો જ્વેલરી ખરીદે જેનાથી રોજગારી જળવાઈ રહે, પરંતુ બુલિયન કે રોકાણ માટેના સોનામાં થોડો સ્વયં સંયમ રાખે. જો લોકોમાં આ જાગૃતિ આવે, તો ઇન્ડસ્ટ્રીને પણ નુકસાન નહીં થાય અને દેશનું અર્થતંત્ર પણ મજબૂત થશે. કારીગરોની રોજગારી પર માઠી અસર થવાની ભીતિ- ભાયાભાઈ સોની રાજકોટ ગોલ્ડ ડીલર એસોસિએશનના પ્રમુખ ભાયાભાઇ સોનીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક વર્ષ સુધી સોનુ ખરીદ ન કરવા અંગે જે નિવેદન આપ્યું તે દેશ હિતમાં આપેલું છે. આપણા દેશનું હૂંડિયામણ વિદેશમાં ન જાય તેના માટે આ નિવેદન કરવામાં આવ્યું છે. લોકોએ મોદી સાહેબના આ અપીલ કરતા નિવેદનને અનુસરવું જોઈએ. આ નિવેદનથી સોનાના ભાવમાં કોઈ ફેરફાર ન થઇ શકે કારણ કે સોનાના ભાવ હમેશા ઇન્ટરનેશનલ બજારને આધારિત હોય છે. પરંતુ આનાથી આપણું હૂંડીયામણ વિદેશમાં ન જાય એ માટે જ તેમને નિવેદન કર્યું છે. હાલ સોનાનો ભાવ આસમાન પર છે એના કારણે સોની બજારમાં આજની સ્થિતિ મોટા વેપારીઓનો ધંધો 30% ચાલુ છે. જયારે નાના વેપારીઓનો ધંધો 20થી 25% જ ચાલી રહ્યો છે. એટલે કે ભાવના ઉથલ પાથલથી 70% ધંધો ઓલરેડી ઠપ્પ થઇ ગયેલો છે અને હવે પીએમની અપીલ પછી હજુ પણ 10% જેટલી અસર આવે તો 80% ઠપ્પ થઇ જાય અને સોની વેપારીઓ કારીગરોની હાલત કફોડી થઇ શકે છે. આજે રાજકોટમાં 20% નાના વેપારીઓએ તો સોનાનો ધંધો બદલાવી અન્ય ધંધો શરૂ કરી દીધો છે. વર્ષ 1963-64 આસપાસ મોરારજી દેસાઈ દ્વારા સુવર્ણ ધારો લાગુ કરવામાં આવ્યો હતો. આ સમયે સોની વેપારીઓની હાલત કફોડી બની હતી. ત્યારે આજે વડાપ્રધાન દ્વારા સુવર્ણ ધારો લાદવામાં નથી આવ્યો માત્ર એક વર્ષ સોનુ ન ખરીદવા અપીલ કરી છે જે દેશહિતનો નિર્ણય છે. આ સાથે તેમને જણાવ્યું હતું કે પેટ્રોલ ડીઝલ પર અંકુશ લાવવાની તાકીદે જરૂર છે. પેટ્રોલ ડીઝલ ગ્રે માર્કેટથી નહિ આવી શકે સોનુ તો ગ્રે માર્કેટથી પણ આવી શકે છે. સુવર્ણધારો લાગ્યો ત્યારે થોડા સમય બાદ ગ્રે માર્કેટમાં સોનુ આવવાની શરૂઆત થઇ ચુકી હતી. પેટ્રોલ ડીઝલમાં આજના યુવાનો ખુબ બગાડ કરી રહ્યા છે દેશમાં 25% લોકો એવા છે જે ખોટી રીતે બિનજરૂરી પેટ્રોલ ડીઝલનો વેડફાટ કરી રહ્યા છે સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી તેને હજુ સસ્તું બનાવી વધુ સબસિડી આપવી જોઈએ તો લોકો વધુ ઇલેક્ટ્રિક વાહન ઉપયોગ કરી શકે તેમ છે.
    Click here to Read More
    Previous Article
    થોડીવારમાં PM મોદી વડોદરા પહોંચશે:સરદાર ધામ 3ના લોકાર્પણ કાર્યક્રમમાં હકડેઠઠ જનમેદની, રોડ શોના રૂટ પર લોકોનું આગમન
    Next Article
    PM મોદીના 'જય સોમનાથ':સમાજના દીકરાઓને લાયક બનાવવા અનાર પટેલની ટકોર, મનાલીમાં ભાવનગરનો સિંધી પરિવાર કાળનો કોળિયો બન્યો, ત્રણ દિવસ અગનગોળા વરસશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment