Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઐયાશ રાજાની લાશ ચિતા પરથી ગાયબ થઈ:બાર વર્ષે નાગા સાધુ બનીને પાછો આવ્યો! શું રાજાનો પુનર્જન્મ થયો હતો કે તે કોઈ બહુરૂપિયો હતો?

    7 hours ago

    8 મે, 1909 દાર્જીલિંગ રાતના દસ વાગ્યા હતા. આખું આકાશ ભરી દે અને ધરતી ધ્રુજાવી દે તેવા વીજળીના ચમકારા ને હાકલા-પડકારા વચ્ચે પ્રસિદ્ધ ટુરિસ્ટ પ્લેસ દાર્જીલિંગના પહાડો પર આવેલા ‘સ્ટેપ અસાઇડ’ નામના આલિશાન બંગલામાં સ્મશાનવત્ શાંતિ પથરાયેલી હતી. અત્યારના બાંગ્લાદેશ અને તે વખતના બ્રિટિશ ઇન્ડિયામાં આવેલા ભવાલ નામના રજવાડાનો 25 વર્ષીય રાજકુમાર રમેન્દ્ર નારાયણ રોય પથારીમાં બેશુદ્ધ હાલતમાં પડ્યો હતો. ડૉક્ટરે એમની નાડી, હૃદયના ધબકારા, આંખની કીકી વગેરે ચેક કરીને નકારમાં માથું ધુણાવ્યું અને ચાદર માથા પર ઢાંકીને ધીમા અવાજે કહ્યું, ‘આઈ એમ સોરી, હી ઇઝ નો મોર.’ ઓરડામાં હાજર એમની પત્ની વિભાવતી દેવીએ મરણપોક મૂકી. તેમના સાળા સત્યેન્દ્રનાથે બહેનને સંભાળવાની કોશિશ કરી. નોકર-ચાકર પણ રડુંરડું થઈ પડ્યા. જેના શિરે આખું રાજ્ય સંભાળવાની જવાબદારી આવવાની હતી, તે રમેન્દ્ર નારાયણ રોય ઉર્ફે ‘મેજોકુમાર’ મૃત્યુ પામ્યા હતા (બંગાળીમાં બીજા નંબરના પુત્રને ‘મેજોકુમાર’ કહે છે). લાશ લઇને સ્મશાનમાં ગયા ને અચાનક તોફાની વરસાદ શરૂ થયો જેમ તેમ કરીને રાત વીતી અને જેવું સૂર્યોદય પહેલાંનું અજવાળું થયું, કે તરત જ રમેન્દ્ર નારાયણ રોયના પાર્થિવ શરીરને દાર્જીલિંગના નવા સ્મશાનમાં લઈ જવાયો. નોકરોએ ભીની આંખે ચિતા તૈયાર કરી. ત્યાં જ આકાશમાં કુદરતે રૌદ્ર રૂપ બતાવ્યું. ચારેકોર વીજળીના કડાકા-ભડાકા સાથે આંધી અને મસમોટા કરા સાથે વરસાદ ત્રાટક્યો. માહોલ એવો ખોફનાક હતો કે અંતિમ વિધિ માટે આવેલા ડાઘુઓ રમેન્દ્રના પાર્થિવ દેહને ચિતા પર જ રહેવા દઇને ક્યાંક આશરો લેવા દોડી ગયા. ચિતા પરથી લાશ ગાયબ હતી! જ્યારે તોફાન શમ્યું અને વાતાવરણ કંઇક શાંત થયું ત્યારે ડાઘુઓ ફરી પાછા અંતિમવિધિ પૂરી કરવા માટે ચિતા પાસે આવ્યા. ત્યાં એમની આંખો પહોળી થઈ ગઈ. ચિતા પર ભીનાં લાકડાં હતાં, પરંતુ રમેન્દ્ર નારાયણનો મૃતદેહ ગાયબ હતો! નોકર-ચાકરોએ બેબાકળા થઇને આજુબાજુનો એકેએક ખૂણો શોધી કાઢ્યો, પરંતુ રમેન્દ્ર નારાયણ રોયનો મૃતદેહ સ્મશાનમાંથી ભેદી રીતે ગાયબ થઈ ગયો હતો. ત્યાં હાજર રહેલા લોકોએ માન્યું કે કોઈ જંગલી પ્રાણી મૃતદેહ ઊંચકી ગયું હશે. *** ભવાલ સંન્યાસી કેસઃ હત્યા, પુનર્જન્મ કે કુદરતનો ચમત્કાર? આ મૃતદેહ ગાયબ થવાની સાથે જ શરૂ થઈ કોઈપણ ફિલ્મને આંટે એવી જબરદસ્ત સસ્પેન્સ, થ્રિલર અને કંઇક અંશે લોજિકથી સમજાવી ન શકાય તેવી ઘટનાઓની દાસ્તાન. આ અભૂતપૂર્વ ઘટનાક્રમ એવો ચગ્યો કે કોર્ટમાં 16 વર્ષ સુધી તેનો કેસ લડાતો રહ્યો. પહેલાં ઢાકાથી કલકત્તા, અને પછી કલકત્તાથી લંડન સુધી ચાલેલા આ કેસમાં 1548 સાક્ષીઓ હાજર થયા. આજની તારીખે પણ આ વિશ્વનો સૌથી મોટો દીવાની મુકદ્દમો ગણાય છે. આ વખતના ‘ખાખી કવર’માં વાત કરીએ એક સૈકાથી ચર્ચાનું કેન્દ્ર બનેલા ‘ભવાલ સંન્યાસી કેસ’ની. કરોડોનો ખજાનો, જેના પર અંગ્રેજોનો પણ ડોળો હતો ઢાકા એ વખતે બાંગ્લાદેશની રાજધાની તરીકે નહીં, બલકે સુંવાળા મલમલ માટે પ્રખ્યાત હતું. ઢાકાથી બહુ દૂર હાલના ગાઝીપુર જિલ્લામાં આવેલી ભવાલ રિયાસતનો વિકાસ થયો. 579 ચોરસ માઇલ અથવા તો 4.59 લાખ એકરમાં પથરાયેલું આ રજવાડું 19મી સદીના બંગાળનાં સૌથી સમૃદ્ધ રજવાડાં પૈકીનું એક હતું. જયદેવપુરમાં 'રાજબિલાસ' નામનો 15 એકરનો મહેલ, લાઇનબંધ ઊભેલા સેંકડો હાથીઓની કતારો અને વાર્ષિક 10 લાખ રૂપિયાની જંગી આવક (જેની આજના સમય પ્રમાણે ગણતરી કરીએ તો કરોડો રૂપિયામાં થવા જાય), ભવાલના શાહી ખજાનામાં ક્યારેય તળિયું દેખાતું નહીં. આથી ગમે તેમ કરીને આ રિયાસતને ખાલસા કરીને તેની સંપત્તિ ઘરભેગી કરવામાં અંગ્રેજોને પણ ખાસ રસ હતો. આ રજવાડાના નવમા અને છેલ્લા જમીનદાર રાજા રાજેન્દ્રનારાયણ રાયચૌધરી હતા. એક ન્યાયી શાસક, જેમણે 1889 માં કાલીગંજમાં એક શાળાની સ્થાપના કરી (જે આજે 'RRN પાયલટ સરકારી ઉચ્ચ શાળા' તરીકે ઓળખાય છે) અને આધ્યાત્મિક ગુરુ સંત લોકનાથ બ્રહ્મચારીનો દુર્લભ ફોટોગ્રાફ પડાવ્યો, જે પણ દરેક ભક્તના ઘરમાં લટકતો દેખાય છે. રાજા રાજેન્દ્રનારાયણનું 1901 માં 44 વર્ષની વયે અવસાન થયું. તેઓ પોતાની પાછળ ત્રણ પુત્રો અને ત્રણ પુત્રીઓ છોડી ગયા. સૌથી મોટા પુત્ર કુમાર રણેન્દ્રનારાયણ, મેજોકુમાર રમેન્દ્રનારાયણ, અને નાના પુત્ર, કુમાર રવીન્દ્રનારાયણ. રમેન્દ્ર નારાયણ રોયઃ ઐયાશીમાં ડૂબેલા રાજકુમાર મેજોકુમાર રમેન્દ્રનારાયણ આ વાર્તાના હીરો અને પીડિત બંને છે. નાનપણથી જ તેને અભ્યાસમાં કોઈ રસ નહોતો, પણ તે શિકાર અને રમતગમતમાં પારંગત હતો. તેણે મહેલમાં એક નાનું પ્રાણી સંગ્રહાલય બનાવ્યું હતું. તે વાઘ અને રીંછનો શિકાર કરવા માટે ગાઢ જંગલોમાં જતો હતો. તેણે બ્રિટિશ આર્મીના કમાન્ડર-ઇન-ચીફ લોર્ડ કિચનર સાથે એક રોયલ બંગાળ વાઘનો પણ શિકાર કર્યો હતો. તે વાઘના મૃતદેહ પર પગ રાખીને તેણે ટિપિકલ શિકારી સ્ટાઇલમાં પોતાનો ફોટો પણ પડાવ્યો હતો. એકેય વેશ્યાલય નહોતું, જેનાં પગથિયાં ન ચડ્યાં હોય! આ રાજકુમારની પર્સનાલિટીનું બીજું એક પાસું હતું ઐયાશી અને ભોગવિલાસ. બેફામ વ્યભિચાર અને ઉડાઉપણામાં તેમણે કોઈ તમા રાખી નહોતી. વેશ્યાઓ માટે બદનામ બેગમબજારની બાઇજી એલોકેશી નામની એક ગણિકા તેની પ્રેમિકા હતી. ઢાકાનું એકેય વેશ્યાલય એવું નહોતું જ્યાંનાં પગથિયાં એણે ન ચડ્યાં હોય. 1902માં 18 વર્ષની ઉંમરે રમેન્દ્રનારાયણનાં લગ્ન 13 વર્ષની વિભાવતી બેનર્જી સાથે થયાં. લગ્ન થયાં પરંતુ ઐયાશી ન છૂટી. બેફામ સેક્સથી રાજાને સિફિલિસ નામનો ગુપ્તરોગ થયો પરિણામ? 1905 ના અંત સુધીમાં રમેન્દ્રનારાયણને ‘સિફિલિસ’ નામનો સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ થઈ ગયો. બેફામપણે અસુરક્ષિત સેક્સ કરવાથી થતો આ બેક્ટેરિયાજન્ય રોગ જીવલેણ પણ નીવડી શકે છે. રમેન્દ્રનારાયણનાં ગુપ્તાંગ, હાથ-પગ અને શરીર પર લાલ લાલ ફોલ્લીઓ અને ચકામાં પડી ગયાં. 1908માં તેઓ સારવાર માટે કલકત્તા ગયા અને પોતાની સાથે 65 લોકોનો રસાલો પણ સાથે લેતા ગયા. થોડા સ્વસ્થ થયા પછી કલકત્તાના ડોક્ટરોએ તેમને કોઈ ઠંડી પર્વતીય જગ્યા પર જઇને આરામ કરવાની સલાહ આપી. દાર્જીલિંગ ટ્રિપઃ પહાડો પર ખેલાયું મોતનું તાંડવ 18 એપ્રિલ 1909ના રોજ રમેન્દ્રનારાયણ તેમની પત્ની વિભાવતી, સાળા સત્યેન્દ્રનાથ, ડૉ. આશુતોષ અને 24 સાથી પ્રવાસીઓના રસાલા સાથે દાર્જીલિંગ જવા રવાના થયા. 20 એપ્રિલના રોજ તેઓ 'સ્ટેપ અસાઈડ' ગેસ્ટહાઉસમાં રોકાયા. શરૂઆતમાં, બધું બરાબર ચાલ્યુંઃ રેસ્ટોરાંમાં ગંજીફાની રમતોનો દોર, ઘોડેસવારી, શિકાર વગેરે. પરંતુ 5 મેના રોજ અચાનક રમેન્દ્રનાથની તબિયત બગડી. બીજા દિવસે તેમને પેટમાં અસહ્ય દુખાવો ઊપડ્યો. સ્થાનિક સિવિલ સર્જન લેફ્ટનન્ટ કર્નલ જોન ટેલ્ફર કેલ્વર્ટે દવા લખી આપી. 7 મેના રોજ ડૉ. આશુતોષે પીડાથી કણસી રહેલા રમેન્દ્રનારાયણને પોતાનું તૈયાર કરેલું મિશ્રણ પીવડાવ્યું. પરંતુ આ મેજોકુમારની સ્થિતિ સતત બગડતી જ ગઈ. 8 મેના રોજ સાંજે સાતથી આઠ વાગ્યાની વચ્ચે ડૉ. આશુતોષે રમેન્દ્ર નારાયણને મૃત જાહેર કર્યા. પરંતુ અંતિમ વિધિ વખતે ભયાનક કરા સાથે વરસાદ ત્રાટક્યો અને તેમાં જ રમેન્દ્ર નારાયણની લાશ ક્યાંક ગુમ થઈ ગઈ! *** ઢાકામાં આવેલો એ નાગા સંન્યાસી કોણ હતો? ડિસેમ્બર 1920 ઢાકાનું ફુલબારિયા રેલવે સ્ટેશન. રમેન્દ્ર નારાયણ રોયના મૃત્યુને લગભગ બાર વર્ષ જેટલો સમય વીતી ગયો હતો. ત્યારપછીની એક અડધી રાતનો સમય હતો. છૂટાછવાયાં લોકો પોતાની ટ્રેનની રાહ જોતાં સામાન સાચવીને અને કડકડતી ઠંડીમાં ધાબળાં-શૉલથી ઢબૂરાઇને ઝોકાં ખાતાં હતાં. અમુક ખુદાબક્ષો જગ્યા શોધીને સૂઈ ગયા હતા. ત્યાં એક ટ્રેન પ્લેટફોર્મ પર એન્ટર થઈ અને તેમાંથી એક લાંબી-જાડી જટા ધરાવતા સાધુ ઊતર્યા. શરીરે પોશાકના નામે માત્ર એક લંગોટ, આખા શરીરે ચોળેલી રાખ અને લાંબી દાઢી. બીજા દિવસે તેણે ઢાકામાંથી વહેતી બુઢીગંગા તરીકે ઓળખાતી નદી પર આવેલા બકલેન્ડ ડેમના કિનારે અડ્ડો જમાવ્યો. આ એ જ ડેમ હતો જેને બનાવવામાં ભવાલ રિયાસતના રાજા અને રમેન્દ્ર નારાયણના દાદા રાજા કાલિનારાયણે દાન આપ્યું હતું. સાધુએ મૌન સાધના આરંભી. સતત ચાર મહિના સુધી આ સાધુ ત્યાં જ બેઠો રહ્યો. ‘આ સાધુ તો આપણા સ્વર્ગસ્થ રાજકુમાર જેવા લાગે છે!’ આ અજાણ્યા સાધુને આ રીતે આવેલા જોઇને ત્યાં રહેતા લોકોને કુતૂહલ થયું અને તેઓ સાધુનાં દર્શન માટે આવવા લાગ્યા. પરંતુ ભવાલ રિયાસતના મૂળ રહેવાસીઓએ સાધુનો ચહેરો અને તેમના શરીરનું ધ્યાનથી અવલોકન કર્યું અને ગણગણાટ શરૂ થયો, ‘એય જે, એ આમાદેર મેજોકુમાર!’ (અરે, આ તો આપણા મેજોકુમાર છે!) ચોમેર ચર્ચાવા લાગ્યું કે ભવાલના રાજકુમાર રમેન્દ્ર નારાયણ રોય બાર વર્ષે એક સાધુના વેશમાં પાછા ફર્યા છે! એ જ ઊંચાઈ, કદ-કાઠી, ચહેરો, હાથ પર સિફિલિસના જૂના ડાઘ… વાત વધતી ગઈ. કાસિમપુરના મકાનમાલિક અતુલ પ્રસાદ રોયચૌધરી આ સાધુને લઇને પોતાના ઘરે આવ્યા. પછી કોર્ટ ઓફ વોર્ડ્સના સેક્રેટરી અને મેજોકુમારના બાળપણના મિત્ર યોગેન્દ્રનાથ બેનર્જીએ તેમને જોયા અને તેઓ ચોંકી ગયા. 12 એપ્રિલ, 1921 ના રોજ તેઓ આ સંન્યાસીને હાથી પર બેસાડીને જયદેવપુર લઈ ગયા. ‘હા, હું જ તમારો મૃત્યુ પામેલો ભાઈ છું’ જયદેવપુર મહેલમાં જ્યારે રમેન્દ્ર નારાયણની બહેનો (જ્યોતિર્મયી, ઇન્દુમતી અને તરીનમયી)એ આ સાધુને ધ્યાનથી જોયો તો તેને પણ લાગ્યું કે આ તેનો ‘મૃત્યુ’ પામેલો ભાઈ જ છે. છતાં ખરાઈ કરવા તેમણે આ સાધુને બાળપણની નાની નાની વાતો પૂછી, જે તે સાધુએ યથાતથ કહી આપી. એણે પોતાની દાયણ અને સ્તનપાન કરાવનારી (વેટ નર્સ) ‘આલોકા’ હતી તે પણ કહી આપ્યું, જે પરિવારની ચાર દીવાલોની બહાર કોઇ જાણતું ન હોય. ખાસ્સી પૂછપરછ પછી સાધુ ચોધાર આંસુએ રડી પડ્યો અને કહ્યું કે હું જ મેજોકુમાર રમેન્દ્ર નારાયણ છું. ઇશ્વરનો ચમત્કાર કે રમેન્દ્ર નારાયણનો પુનર્જન્મ? પછી તો જયદેવપુરમાં ઓળખ પરેડ શરૂ થઈ. એક પછી એક લોકો આવતા ગયા અને આ સાધુને ધ્યાનથી જોવા લાગ્યા. રમેન્દ્રનારાયણની બહેનો ઉપરાંત તેમની વૃદ્ધ નોકરાણી, તેની પ્રેમિકા એલોકેશી, નગરજનો… બધાએ એક અવાજે કહ્યું: 'હા, આ જ આપણા મેજોકુમાર છે!' સૌ એવું માની રહ્યા હતા કે આ ઇશ્વરનો ચમત્કાર છે, કોઇક રીતે રમેન્દ્ર નારાયણનો પુનર્જન્મ થયો છે યા તો તેઓ મર્યા પછી પાછા જીવતા થયા છે! ચમત્કાર જોવા હજારો લોકો આવ્યા, ખાસ ટ્રેનો દોડાવવી પડી! પણ આવું શી રીતે બને? સાચુકલા રમેન્દ્ર નારાયણ તો મૃત્યુ પામ્યા હતા, તો પછી આ સાધુ કોઈ બહુરૂપિયો હોવો જોઇએ, જે સત્તા અને સંપત્તિની લાલચમાં અહીં આવી ચડ્યો છે. 15 મે, 1921 ના રોજ ભવાલના રાજમહેલની સામેના મેદાનમાં એક વિશાળ જાહેર સભા યોજાઈ. એક લાખથી પણ વધુ લોકો દૂર દૂરથી આ ચમત્કાર જોવા આવી ચડ્યા. એટલે સુધી કે રેલવે કંપનીને સ્પેશિયલ ટ્રેનો ચલાવવી પડી! ઝાલમુડીની કિંમત એક આનાથી વધીને એક રૂપિયા થઈ ગઈ. જાહેર સભામાં ગગનભેદી અવાજે જાહેરાત કરાઈઃ આ સંન્યાસી છે ભવાલના મેજોકુમાર રમેન્દ્ર નારાયણ રાય. શરૂ થઈ ઇતિહાસની સૌથી મોટી કોર્ટરૂમ ટ્રાયલ જોકે ખુદ તેની પોતાની પત્ની વિભાવતી દેવીએ આ સાધુને પોતાનો પતિ માનવાનો સાફ ઇનકાર કરી દીધો. તેણ કહ્યું કે આ કોઈ બહુરૂપિયો, હમશકલ છે, જે સંપત્તિની લાલચમાં આવી ચડ્યો છે. જે તે સમયે ભવાલ એસ્ટેટનું સંચાલન કરતા બ્રિટિશ સરકારના ‘બોર્ડ ઑફ રેવન્યૂ’એ પણ આ સાધુને રમેન્દ્ર કુમાર માનવાનો ઇનકાર કરીને તેને ‘ઇમ્પોસ્ટર’ (બહુરૂપિયો) કહી દીધું. આખરે તે સાધુએ વ્યક્તિગત રીતે જિલ્લા મેજિસ્ટ્રેટને અપીલ કરી. વહીવટીતંત્રે 1927માં ઔપચારિક રીતે તેમની અરજી ફગાવી દીધી. પત્નીએ કહ્યું, ‘આ મારો પતિ નથી, કોઈ બહુરૂપિયો છે’ પરંતુ તે સાધુ હાર માનવા તૈયાર નહોતા. તે કલકત્તા ગયા અને પ્રખ્યાત બેરિસ્ટર બી.સી. ચેટર્જીને મળ્યા. બી.સી. ચેટર્જીએ તેમની આખી વાત સાંભળી અને કેસ લડવા સંમત થયા. 24 એપ્રિલ 1930 ના રોજ ઢાકાની પ્રથમ સબ-જજ કોર્ટમાં કેસ દાખલ થયો ‘સિવિલ કેસ નં. 70/1930.’ આ દાવામાં સાધુએ માગ કરી હતી કે તેમને ભવાલના મેજોકુમાર જાહેર કરવામાં આવે અને ભવાલની મિલકતના ત્રીજા ભાગનો કબજો આપવામાં આવે. તેમનો વિરોધ કરવામાં સૌથી આગળ હતી ખુદ રમેન્દ્ર નારાયણ રોયની પત્ની વિભાવતી દેવી, જેણે આ સાધુને પોતાના પતિ તરીકે ઓળખવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધેલો. કલકત્તા હાઇકોર્ટના અનુભવી બેરિસ્ટર એ.એન. ચૌધરી (અમિયાનાથ ચૌધરી)એ વિભાવતીનું પ્રતિનિધિત્વ કર્યું. કોર્ટ ઓફ વોર્ડ્સની સરકારી તિજોરી તેમનો ખર્ચો ઉઠાવી રહી હતી. આ ખરેખર એક ઐતિહાસિક કોર્ટરૂમ બેટલ હતી. કોર્ટમાં 1548 સાક્ષીઓની જુબાની આ કેસ 27 નવેમ્બર, 1933 ના રોજ શરૂ થયો હતો. ન્યાયાધીશ પન્નાલાલ બાસુ હતા, એક નિષ્પક્ષ ન્યાયાધીશ જેમને ફરીદપુરથી ઢાકા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. બંને પક્ષોની જુબાની 28 મહિના સુધી ચાલતી રહી. સાધુના પક્ષે 1069 સાક્ષીઓ રજૂ કર્યા. જ્યારે ડિફેન્સે (એટલે કે સાધુને મેજોકુમાર માનવાનો ઇનકાર કરનારના પક્ષે) 479 સાક્ષીઓ રજૂ કર્યા. સાક્ષીઓનો કુલ ટોટલ થયો 1548! આજે એક સૈકાથી પણ વધુ સમય પછીયે કોઇપણ સિવિલ ટ્રાયલમાં સૌથી વધુ સાક્ષીઓનો રેકોર્ડ આ કેસના નામે જ બોલે છે. આ કેસનો સમગ્ર રેકોર્ડ લંડનની પ્રિવી કાઉન્સિલ સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં જુબાનીઓ, પુરાવા અને અન્ય દસ્તાવેજો મળીને કુલ 11 હજારથી પણ વધુ પાનાંમાં પથરાયેલા 26 દળદાર ગ્રંથો એકઠા થયા હતા! તસવીરો, શરીરનો એકેએક ડાઘ, હસ્તાક્ષરો મેચ કરાયા 19 શારીરિક નિશાન રમેન્દ્ર નારાયણની તસવીરો સાથે મેચ કરવામાં આવ્યાં. એ વખતે DNA ટેસ્ટિંગની ટેક્નિક અસ્તિત્વમાં નહોતી. આ કેસ 1930ના અરસામાં લડાઈ રહ્યો હતો અને DNA ટેસ્ટિંગ છેક 1984માં શરૂ થવાનું હતું. આથી વ્યક્તિની ઓળખ ઓર કપરી બની ગઈ હતી. રાજકુમાર અને આ સંન્યાસીના હસ્તાક્ષરો મેચ કરવા માટે આંતરરાષ્ટ્રીય હેન્ડરાઇટિંગ એક્સપર્ટ્સને પણ બોલાવવામાં આવ્યા હતા. રાજકુમાર મૃત્યુ પામેલો કે માત્ર બેભાન હતો? ટ્રાયલનો મુખ્ય પ્રશ્ન હતો: શું મેજોકુમાર 8 મે, 1909 ની રાત્રે મૃત્યુ પામ્યા હતા, કે પછી તેઓ માત્ર બેભાન હતા? ફરિયાદીનો દાવો હતો કે, રમેન્દ્ર નારાયણ રોયનું મૃત્યુ થયું નહોતું, બલકે તેમને અપાયેલી ઝેરી દવાના કારણે તેઓ બેભાન થઈ ગયા હતા. રાત્રે 9 વાગ્યે તેમને સ્મશાનમાં લઈ જવામાં આવ્યા. જબરદસ્ત વરસાદી તોફાનમાં તેમનો દેહ ગાયબ થઈ ગયો. તેમણે 1905માં રમેન્દ્ર નારાયણ માટે ખરીદવામાં આવેલા ઇન્શ્યોરન્સની પોલિસીની નકલ રજૂ કરી, જેમાં તેમના શરીર પરનાં નિશાનનો પણ ઉલ્લેખ હતો, જે આ સંન્યાસીના શરીર સાથે અદ્દલ મેચ ખાતાં હતાં. ‘આ રાજકુમાર નહીં, પંજાબનો શીખ યુવાન છે’ જ્યારે ડિફેન્સની દલીલ હતી કેઃ રાત્રે 11:45 વાગ્યે રમેન્દ્ર નારાયણનું મૃત્યુ થયું. બીજા દિવસે સવારે તેમના યથાયોગ્ય રીતે અગ્નિસંસ્કાર કરી દેવાયા હતા. એ રાત્રે કોઈ વરસાદી તોફાન નહોતું આવ્યું. પરંતુ ડિફેન્સે રજૂ કરેલા દસ્તાવેજો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે 8 મેની રાત્રે દાર્જીલિંગમાં કોઈ વરસાદ પડ્યો ન હતો, તે પાછળથી બનાવટી સાબિત થયા! ડિફેન્સની મુખ્ય દલીલ હતી કે આ સંન્યાસી રમેન્દ્ર નારાયણ રોય નહીં, બલકે પંજાબના ઔજલા ગામનો શીખ યુવક ‘માલ સિંહ છે, જેને રાજકુમારની બહેનોએ સંપત્તિની લાલચમાં ઊભો કર્યો છે. વેશ્યાને 50 રૂપિયાની લાંચ આપવામાં આવી કોર્ટ ઓફ વોર્ડ્સે સાક્ષીઓને ડરાવવા માટે તમામ પ્રયાસો કર્યા. બાઇજી એલોકેશી એટલે કે ઢાકાની ગણિકા અને રમેન્દ્ર નારાયણની જૂની પ્રેમિકાને પણ ઢાકાના કોતવાલી પોલીસ સ્ટેશનના સ્પેશિયલ ઓફિસરે બોલાવી અને ધમકી આપી કે: ‘આ કેસ સરકાર વિરુદ્ધ છે; જો તમે જુબાની આપશો, તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ જશો.’ તેને 50 રૂપિયાની લાંચ પણ ઓફર કરવામાં આવી હતી. ડરેલી એલોકેશીએ શરૂઆતમાં તો કોર્ટમાં જુબાની આપવા જવાનો ઇનકાર કર્યો, પરંતુ પછીથી તે હિંમત એકઠી કરીને કોર્ટમાં આવી અને તે સાધુને મેજોકુમાર રમેન્દ્ર નારાયણ રોય તરીકે ઓળખી બતાવ્યા. ચુકાદાનો તે ઐતિહાસિક દિવસ 24 ઓગસ્ટ, 1936. સવારે 11 વાગ્યે. ઢાકાની શાંખરી પટ્ટીથી વિક્ટોરિયા પાર્ક સુધીના એક કિલોમીટરના એરિયામાં એક સોય ફેંકો તો પણ જમીન પર ન પડે તેટલી જનમેદની એકઠી થઈ હતી. લોકો કોર્ટની દીવાલો, ઝાડની ડાળીઓ, દુકાનોના ઓટલા, મકાનોના ઝરૂખા, અગાશીઓ… જ્યાં જગ્યા મળી ત્યાં ગોઠવાઈ ગયા હતા. તે જ્હોન્સન્સ રોડ પરની દુકાનો પણ ખૂલી શકી નહીં. ચુકાદાને પગલે તે રોડને ગાડીઓ અને ઘોડા, ઘોડાગાડીઓ વગેરે માટે બંધ કરી દેવો પડ્યો હતો. જજ પન્નાલાલ બસુએ ૩ મહિનાની અથાક મહેનત પછી 532 પાનાંનો ચુકાદો આપ્યો. તેઓ પોતાની જજની ખુરશી પર આવીને બેઠા. તેમણે શાંત, ધીર-ગંભીર અવાજમાં કહ્યું: 'આ ચુકાદો ખૂબ લાંબો છે, હું તેને આખો વાંચીશ નહીં, હું ફક્ત નિષ્કર્ષ વાંચીશ.’ અને પછી તેણે વાંચવાની શરૂઆત કરી: 'આ દ્વારા જાહેર કરવામાં આવે છે કે ફરિયાદી સ્વર્ગસ્થ રાજા રાજેન્દ્ર નારાયણ રોયનો બીજો પુત્ર રમેન્દ્ર નારાયણ રોય જ છે, અને તેમને ચુકાદા સાથેના કોષ્ટકમાં વર્ણવેલી મિલકતના ત્રીજા ભાગનો કબજો સોંપવામાં આવે.' સુભાષ ચંદ્ર બોઝને પણ આ કેસમાં રસ પડ્યો! આ ચુકાદો આવતાંની સાથે જ ઢાકાની ચારેય દિશાઓ ગુંજી ઊઠીઃ ‘મેજોકુમારનો વિજય! ભવાલ કુમારનો વિજય!’ તે સાંજે ‘આનંદ બજાર પત્રિકા’ અને ‘બાસુમતી’ જેવા અખબારોએ ખાસ આવૃત્તિઓ પ્રકાશિત કરી. બંગાળી પત્રકારત્વના ઇતિહાસમાં વધારો બહાર પાડવાની આ પ્રથમ ઘટના હતી. નેતાજી સુભાષચંદ્ર બોઝ પોતે તે સમયે કુર્સિઓંગ જેલમાં કેદ હતા. તેમણે પોતાની ઑસ્ટ્રિયન મિત્ર એમિલી શિંકેલ (જે પાછળથી તેમની પત્ની બની)ને પત્ર લખીને તેને અખબારની ક્લિપિંગ્સ મોકલીને આ કેસ પર એક લેખ લખવાનું કહ્યું. તેમણે લખ્યું: 'આ કેસનાં તથ્યો એટલાં અદભુત છે કે કોઈ પણ વ્યક્તિ એ જ કહે કે ટ્રુથ ઇઝ સ્ટ્રેન્જર ધેન ફિક્શન, સત્ય એ કલ્પના કરતાં પણ વિચિત્ર હોય છે.’ ખટલો છેક લંડનની અદાલતમાં પહોંચ્યો આ ચુકાદાથી વિભાવતી અને તેના ભાઈ સત્યેન્દ્રનાથને ભારે આઘાત લાગ્યો. તેમણે આ ચુકાદાને કલકત્તા હાઈકોર્ટમાં પડકાર્યો, જ્યાં પણ તેને ત્રણ જજની બેંચે 2-1ના બહુમતથી બરકરાર રાખ્યો. આખરે આ કેસ લંડનની ‘પ્રીવી કાઉન્સિલ’ સુધી પહોંચ્યો, જે તે સમયની સુપ્રીમ કોર્ટ ગણાતી હતી. 16 વર્ષ લાંબા કાનૂની જંગ પછી 30 જુલાઈ 1946ના રોજ લંડનની પ્રીવી કાઉન્સિલની ત્રણ જજની બેંચે પણ સર્વાનુમતે એ જ ચુકાદો આપતાં જણાવ્યું કે આ સંન્યાસી જ ભવાલનો રાજકુમાર રમેન્દ્ર નારાયણ રોય છે, એટલે તે સંપત્તિનો કાયદેસરનો વારસદાર પણ ઠરે છે. ચમત્કાર કે કાવતરું? સ્મશાનમાંથી લાશ ક્યાં ગાયબ થઈ ગઈ? સૌથી મોટો સવાલ એ છે કે તે રાત્રે ખરેખર શું થયું હતું? રમેન્દ્ર નારાયણ રોયની લાશ ક્યાં ગાયબ થઈ ગઈ હતી? તેની પાછળનું સિક્રેટ કંઇક આવું હતું. દરઅસલ, રમેન્દ્રનારાયણની પત્ની વિભાવતીનો ભાઈ સત્યેન્દ્રનાથ બેનર્જી ઉર્ફે 'અલ્લાપદ' એક મહત્ત્વાકાંક્ષી યુવાન હતો. તેણે કાયદાનો અભ્યાસ કર્યો હતો પણ નોકરી શોધી શક્યો ન હતો. તેની નજર ભવાલ એસ્ટેટની સંપત્તિ પર હતી. તેણે ફેમિલી ડૉક્ટર આશુતોષ દાસગુપ્તા સાથે સાંઠગાંઠ કરી અને કુમારને દાર્જીલિંગ લઈ જવાનું કાવતરું ઘડ્યું. દાર્જીલિંગની હોસ્પિટલમાંથી લાશ ખરીદવામાં આવી! 8 મે 1909ની રાત્રે જ્યારે રમેન્દ્ર નારાયણની તબિયત બગડી (અથવા તો બગાડવામાં આવી) ત્યારે તેમના ફેમિલી ડૉક્ટર આશુતોષ દાસગુપ્તાએ તેમને ભળતી દવા આપીને બેભાન કરી દીધા હતા અને તે હાલતમાં જ તેમને મૃત જાહેર કરી દીધા હતા. આઇડિયા એવો હતો કે ત્યારે ને ત્યારે જ તેમનો અંતિમ સંસ્કાર કરી નાખવામાં આવે. પરંતુ રાત્રે 10 વાગ્યાની આસપાસ અચાનક ત્રાટકેલા તોફાની વરસાદે તેમની બાજી ઊંધી વાળી દીધી. વરસાદ શમ્યો ત્યારે રમેન્દ્ર નારાયણનો ‘મૃતદેહ’ ચિતા પરથી ગાયબ થઇ ગયો હતો. હવે કરવું શું? ભવાલ જઇને શું મોં બતાવવું? એટલે તેમણે એક રસ્તો કાઢ્યો. (વિભાવતીના ભાઈ) સત્યેન્દ્રનાથે દાર્જીલિંગની વિક્ટોરિયા મેમોરિયલ હોસ્પિટલમાંથી એક લેપ્ચા આદિવાસીનો મૃતદેહ ખરીદ્યો અને બીજા દિવસે સવારે તેનો અગ્નિસંસ્કાર કર્યો, અને દાવો કર્યો કે તે રમેન્દ્ર નારાયણનો મૃતદેહ છે. તેનો અંતિમ સંસ્કાર કરીને તેનાં અસ્થિ ભવાલ લઇ ગયા. ત્યાં જાહેર કરી દીધું કે મેજોકુમાર રમેન્દ્ર નારાયણ રોયનું દુઃખદ અવસાન થયું છે. ભવાલમાં દિવસો સુધી રાજકીય શોક મનાવાયો અને ધીમે ધીમે આ ઘટના પર સમયની ધૂળ જામતી ગઈ. પરંતુ 9 મેની એ રાત્રે કુદરતે કોઇક બીજો જ ચમત્કાર કરવાનું વિચાર્યું હતું. ચાર નાગા સાધુઓની રહસ્યમયી એન્ટ્રી જે રાત્રે રમેન્દ્ર નારાયણ રોય કથિત રીતે મૃત્યુ પામ્યા અને તેમને દાર્જીલિંગના નવા સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યા, તે રાત્રે ચાર નાગા તપસ્વીઓ ધર્મદાસ, પ્રીતમદાસ, લોકનાથદાસ અને દર્શનદાસ ઉત્તર ભારતનાં તીર્થ સ્થળોમાંથી પસાર થઈને મહાકાલ મંદિર તરફ જઈ રહ્યા હતા. તોફાનથી બચવા માટે, તેઓ નવા સ્મશાનગૃહ પાસેની ગુફામાં રોકાઈ ગયા. સ્મશાનમાંથી કોનો અવાજ આવી રહ્યો હતો? તોફાન શમી ગયા પછી દર્શનદાસ ગુફામાંથી બહાર આવ્યા. સ્મશાનભૂમિમાંથી એમને એક વિચિત્ર અવાજ આવી રહ્યો હોવાનું સંભળાયું. જાણે કોઈ માણસ ઉંહકારા કરી રહ્યો હતો. લોકનાથદાસને પોતાની સાથે લઈને, તે આગળ વધ્યા અને જોયું તો ચિતા પર એક માણસ પડ્યો હતો, પરંતુ તેના શ્વાસ ધીમા ધીમા ચાલી રહ્યા હતા! મેજોકુમાર ‘મૃત્યુ’ પામ્યા, સાધુ સુંદરદાસનો ‘જન્મ’ થયો! સાધુઓ તે માણસને ઉપાડીને ગુફામાં લાવ્યા. ત્રણ દિવસ પછી તે માણસ ભાનમાં આવ્યો, પણ તેની યાદશક્તિ સંપૂર્ણપણે જતી રહી હતી. સાધુઓએ લગભગ 15 દિવસ સુધી તેની સંભાળ રાખી અને પછી તેને પોતાની સાથે સિલીગુડી, બનારસ, કાશ્મીર અને નેપાળ લઈ ગયા. કાશ્મીરના અમરનાથ ખાતે તે યુવકે ઔપચારિક રીતે ધરમદાસ નાગાનું શિષ્યત્વ સ્વીકાર્યું અને તેને એક નવું નામ આપવામાં આવ્યું ‘સુંદરદાસ’. ‘હું કોણ છું?’ બાર વર્ષ... બાર વર્ષ સુધી તે ભારતનાં પવિત્ર સ્થળોએ ભટકતો રહ્યો. કુદરતનું કરવું અને ધીમે ધીમે તેની યાદશક્તિ પાછી આવવા લાગીઃ ‘ઢાકા... ભવાલ... હું કોણ છું? હું નાગા સાધુ સુંદરદાસ નથી, બલકે ભવાલનો મેજોકુમાર રમેન્દ્ર નારાયણ રોય છું!’ ચુકાદો જીત્યા, પણ કુદરતનો કોપ ઊતર્યો? 31 જુલાઈ, 1946 ના રોજ મેજોકુમાર રમેન્દ્ર નારાયણ રોયને ટેલિગ્રામ દ્વારા ચુકાદાના સમાચાર મળ્યા. બધેથી તેમના પર અભિનંદનનો વરસાદ વરસ્યો. જયદેવપુરમાં મીઠાઈઓનું વિતરણ કરવામાં આવ્યું. મેજોકુમારે પહેલાં ભગવાનનો આભાર માનવાનું નક્કી કર્યું. 1 ઓગસ્ટ, 1946 ના રોજ તેઓ કલકત્તાના થંથાનિયા કાલી મંદિરમાં પૂજા કરવા ગયા. પૂજા પૂર્ણ કરીને જેવા તે પરત ફરી રહ્યા હતા ત્યાં જ તેમને એક ભયંકર બ્રેઇન સ્ટ્રોક આવ્યો અને તેઓ મંદિરની બહાર જ ફસડાઈ પડ્યા. તેના સાથીઓ તેને ધર્મતલા સ્ટ્રીટ પર ઘરે લઈ ગયા. તે બે દિવસ સુધી જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતા રહ્યા અને આખરે 3 ઓગસ્ટ, 1946 ના રોજ 63 વર્ષની ઉંમરે મેજોકુમાર રમેન્દ્ર નારાયણ રોયનું અવસાન થયું. આ વખતે તેઓ ‘ખરેખર’ મૃત્યુ પામ્યા હતા. શું ખરેખર ઇશ્વર તેમને સજા આપવા માગતી હતી? તે ઓગસ્ટના મધ્યમાં પોતાની મિલકતનો કબજો લેવા જયદેવપુર જવા માગતો હતો. પરંતુ ભાગ્યને એ મંજૂર નહોતું. જે મિલકત લેવા માટે તેમણે 16 વર્ષ સુધી કાનૂની લડાઈ લડી, 1909માં મૃત્યુના મુખમાંથી પાછા ફર્યા બાદ 37 વર્ષ સુધી ક્યારેક જીવન સાથે તો ક્યારેક પોતાના જ પરિવાર અને કોર્ટ સામે લડતા રહ્યા, તે મિલકત આખરે એમને ભોગવવા ન મળી તે ન જ મળી. તેમના મૃત્યુ પછી ઘણા લોકોએ એવું પણ કહ્યું કે તે ખરેખર કોઇ બહુરૂપિયો જ હતો, અને કુદરત તેમને આ સંપત્તિ ભોગવવા દેવા માગતી નહોતી, એટલે જ ચુકાદા પછી તરત જ તેમનું મૃત્યુ થઈ ગયું. બાકીનાં પાત્રોનો કરુણ અંત આ સમગ્ર ઘટનાક્રમનો મુખ્ય ખલનાયક સત્યેન્દ્રનાથ બેનર્જી 1941ની શરૂઆતમાં, હાઈકોર્ટના ચુકાદાના થોડા મહિના પછી અવસાન પામ્યો. જનતાએ તેમના અને વિભાવતી વિશે સેંકડો વ્યંગાત્મક કવિતાઓ લખી. મેજોકુમારના મૃત્યુ પછી વિભાવતી દેવી 20 વર્ષ જીવ્યાં. તેમણે તેમના જીવનના છેલ્લા દિવસ સુધી સાધુને મેજકુમાર તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો. તેમના મતે તે સંન્યાસી એક બહુરૂપિયો જ હતો, જેને મિલકતમાં જ રસ હતો. મેજોકુમારએ 1943માં ધારા મુખર્જી નામની યુવતી સાથે કાશીમાં લગ્ન કર્યાં, પરંતુ તેનું નામ ઇતિહાસમાં જાણીતું નથી. મોટી રાણી સૂર્યબાલા દેવી, જેમણે મેજકુમારના મુકદ્દમાનો બધો ખર્ચ ઉઠાવ્યો હતો અને તેમને ટેકો આપ્યો હતો, તેનું નામ ઇતિહાસમાં એક નિઃસ્વાર્થ યોદ્ધા તરીકે નોંધાયેલું છે. એક રહસ્ય, જે આજે પણ ઉકેલાયું નથી 1548 સાક્ષીઓ, 532 પાનાંનો ચુકાદો, ત્રણ અદાલતો, અને પછી લંડનમાં ખટલો, આ બધા છતાં, ઇતિહાસકાર પાર્થ ચેટર્જીએ તેમના રિસર્ચથી ભરપુર પુસ્તક 'અ પ્રિન્સલી ઇમ્પોસ્ટર?'માં, પ્રશ્ન ખુલ્લો છોડી દીધો: શું તે સંન્યાસી ખરેખર મેજોકુમાર હતો? ધારો કે તે કોઈ બીજી વ્યક્તિ હોય તો પણ તેણે મેજોકુમારની ઓળખ, તેનો શારીરિક દેખાવ, તેની યાદો-કિસ્સાઓ અને સામાજિક સંબંધોનું એવું પર્ફેક્ટ સાતત્ય સ્થાપિત કર્યું હતું કે છેક લંડન સુધીની અદાલતો તથા સમાજ-પરિવારે પણ તેને સ્વીકારવું પડ્યું. શું ખરેખર રમેન્દ્ર નારાયણ રોય ફરીથી જીવતો થયો હતો કે પછી તે એક પર્ફેક્ટ બહુરૂપિયો હતો? આ રહસ્ય ક્યારેય ઉકેલાશે નહીં. ભવલ સંન્યાસી કેસના મૂળ ચુકાદા અને સંપૂર્ણ દસ્તાવેજો આજે બાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટ મ્યુઝિયમમાં સચવાયેલા છે. વિવાદના કેન્દ્રમાં રહેલા ‘રાજબિલાસ પેલેસ’માં અત્યારે ગાઝીપુર ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની ઑફિસ બેસે છે. અદભુત રિયલ સ્ટોરી પરથી બની ફિલ્મો, લખાયાં પુસ્તકો આ કેસ પરથી ઉત્તમ કુમાર અભિનીત ફિલ્મ 'સંન્યાસી રાજા' (1975) અને 2018માં શ્રીજીત મુખર્જીએ ‘એક જે છિલો રાજા’ નામની ફિલ્મ બનાવી હતી. આ કેસ પરથી બાંગ્લાદેશમાં પણ એક ફિલ્મ બની ચૂકી છે. પાર્થ ચેટર્જીનું પુસ્તક, 'એ પ્રિન્સલી ઈમ્પોસ્ટર?' (2002), અમિતાવ ઘોષ સહિત ઘણા વિદ્વાનો દ્વારા દક્ષિણ એશિયાઈ ઇતિહાસનું ક્લાસિક માનવામાં આવે છે. આ પુસ્તક બંગાળીમાં 'ધ પ્રિન્સ એન્ડ ધ સંન્યાસી' શીર્ષક હેઠળ પણ ઉપલબ્ધ છે. સોનિયા ચેટર્જી નામનાં લેખિકાએ પણ ‘ધ સંન્યાસી હુ બિકેમ અ કિંગ’ નામનું રિસર્ચ આધારિત પુસ્તક લખ્યું છે.
    Click here to Read More
    Previous Article
    58 અશ્લીલ વીડિયો, અનેક મહિલાઓ સાથે સંબંધ બાંધ્યા:કેપ્ટન બાબાએ કહ્યું- બધું દૈવી શક્તિએ કરાવ્યું, 56 લોકોના 100 બેંક એકાઉન્ટ; બધામાં નોમિની ખરાત
    Next Article
    India’s informal sector becoming less indebted, also investing less

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment