Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૉક્ટરની ડાયરી:બેકસૂર કૌન હોતા હૈ ઇસ જમાને મેં? બસ સબકે ગુનાહ પતા નહીં ચલતે

    7 hours ago

    ગવર્મેન્ટ જનરલ હોસ્પિટલના ગાયનેક વિભાગની ઓ.પી.ડી. કોઈ મેળાની જેમ માનવ-ભીડથી ઊભરાઈ રહી હતી. ડૉ. માનુષી મેડમ એક પછી એક દર્દીને તપાસતાં જતાં હતાં. બારણા પાસે ઊભેલી આયાબહેનના હાથમાં કેસપેપર્સનો થોકડો હતો. એ મોટેથી જેનું નામ ઉચ્ચારે તે સ્ત્રી ઓરડામાં દાખલ થાય. સાથે કોઈ પણ એક વ્યક્તિને અંદર આવવાની છૂટ. ડૉ. માનુષી મેડમ પેશન્ટની સાથે વાત કરે, એની હિસ્ટ્રી પૂછે, તકલીફો વિશે માહિતી મેળવે, પછી પેશન્ટને એક્ઝામિનેશન ટેબલ ઉપર લેવડાવે, ક્લિનિકલ એક્ઝામ કરે અને અંતમાં દવાઓ લખી આપે. પેશન્ટને અથવા એની સાથે આવેલા સગાને જો કંઈ પૂછવું હોય તો પૂછે, મેડમ એને સંતોષકારક જવાબ આપે. એ પછી એ પેશન્ટ બહાર જાય. પ્રવેશદ્વાર પર ઊભેલી આયા વારા પ્રમાણે બીજું નામ ઉચ્ચારે, બીજી સ્ત્રી અંદર આવે અને આ ઘટનાક્રમ સવારના દસથી બપોરના દોઢ વાગ્યા સુધી ચાલતો રહે. આયાબહેને નામ ઉચ્ચાર્યું, ‘પ્રત્યાશાબહેન ભૂધરભાઈ.’ નામ સાંભળતાંવેંત ડૉ. માનુષી મેડમના કાન ચમક્યા. આવું થવા માટેનાં બે કારણો હતાં; એક તો સરકારી હોસ્પિટલની ઓ.પી.ડી.માં ‘પ્રત્યાશા’ જેવું આધુનિક નામ ભાગ્યે જ સાંભળવા મળે. આવું નામ ધરાવતી સ્ત્રી પૈસેટકે સુખી ઘરની જ હોય, શિક્ષિત જ હોય, તે ખર્ચ આપવાને બદલે પ્રાઇવેટ નર્સિંગહોમમાં જ જવાનું પસંદ કરે. આવી એક સહજ ધારણા. કાન ચમકવાનું બીજું કારણ પ્રત્યાશાના પતિનું નામ. આમ તો કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ નામ હોઈ શકે, પરંતુ પ્રત્યાશાની બાજુમાં, જોડાજોડ ‘ભૂધર’ નામ ન જ હોઈ શકે. જો હોય તો ન હોવું જોઈએ. પ્રત્યાશા નામધારી સ્ત્રી ભૂધર નામધારી પુરુષ સાથે પરણી જ કેવી રીતે શકે? આ પણ એક સહજ ધારણા. બાકી આવું ન થાય એવો કોઈ કાયદો કે નિયમ નથી. પ્રત્યાશા રૂમમાં પ્રવેશી. હવે ચમકવાનો વારો મેડમની આંખોનો હતો. સુંદર, ગોરી, પ્રેગ્નન્સીના કારણે સભર લાગતી, મોટી કાળી આંખો ધરાવતી પ્રત્યાશા મેડમની ખુરશી પાસે આવી અને બાજુમાં મૂકેલા ચાર પાયાવાળા સ્ટૂલ પર બેસી ગઈ. ડૉ. માનુષીએ કેસપેપરમાં વિગતો ભરી. પ્રત્યાશાને પાંચમો મહિનો જતો હતો. મેડમે એને વહાલભર્યો ઠપકો આપ્યો, ‘કેમ આટલી મોડી આવી? તું તો ભણેલી લાગે છે, તને ખબર હોવી જોઈએ કે પ્રેગ્નન્સીની શરૂઆત થાય ત્યારથી જ ચેકઅપ માટે આવવું જોઈએ.’ પ્રત્યાશાનું મોં પડી ગયું, ‘મેડમ, મને આ વાતની ખબર છે. હું સાયન્સ ગ્રેજ્યુએટ છું. મેં લેબ ટેક્નિશિયનનો કોર્સ પણ કર્યો છે. પણ.... હું લાચાર છું. મારા હસબન્ડ ખાસ કંઈ ભણ્યા નથી અને એ મારી કોઈ વાત માનતા નથી. એ તો આજે પણ મને ના જ પાડતા હતા કે અત્યારથી હોસ્પિટલે જવાની શું જરૂર છે! જ્યારે સુવાવડનો દુ:ખાવો ઊપડે ત્યારે જ જવાનું.’ ડૉ. માનુષીબહેનને આંચકો લાગ્યો. આનો અર્થ તો એ થયો કે પ્રત્યાશા અને ભૂધરની વચ્ચે માત્ર નામની જ વિસંગતિ ન હતી, શિક્ષણની અને સમજણની વિસંગતિ પણ હતી. ડૉ. માનુષીબહેને વધુ પંચાતમાં પડ્યા વગર પ્રત્યાશાનું ચેકઅપ અને સારવારનું કામ પૂરું કર્યું. પ્રત્યાશા ચાલી ગઈ. પછી તો એ નિયમિત સમયાંતરે ચેકઅપ માટે આવતી રહી. દર વિઝિટે મેડમ પ્રત્યાશાની અંગત જિંદગી વિશે કટકે-કટકે, થોડી-થોડી માહિતી મેળવતાં રહ્યાં. નાની નાની મુલાકાતોમાંથી મેડમને પ્રત્યાશાનાં લગ્નજીવન વિશે જે માહિતી જાણવા મળી એ દુઃખદ હતી. પ્રત્યાશા સાયન્સ કોલેજના છેલ્લા વર્ષમાં ભણતી હતી. ભૂધર કોલેજના ગેટની સામે ફાસ્ટફૂડ લારી લઇને ઊભો રહેતો હતો. કોલેજિયન વિદ્યાર્થીઓમાં અને વિશેષ તો વિદ્યાર્થિનીઓમાં ભૂધરે બનાવેલી ચટપટી વાનગીઓનો જબરો ક્રેઝ હતો. પ્રત્યાશા એમાં મોખરે હતી. એક દિવસ પ્રત્યાશાએ ભૂધરને પૂછ્યું, ‘તમે આટલું ટેસ્ટી ફૂડ બનાવતા કોની પાસેથી શીખ્યા? તમારી મા પાસેથી?’ ‘મારી માને તો રોટલા સિવાય બીજું કંઇ બનાવતા આવડતું નથી. હું ગામડેથી શહેરમાં આવ્યો એ પછી ધીમે ધીમે કોઠાસૂઝથી શીખ્યો.’ ભૂધરે જવાબ આપ્યો. પ્રત્યાશાનો બીજો પ્રશ્ન, ‘આવું મારે શીખવું હોય તો?’ ભૂધરે લોલુપ નજરથી પ્રત્યાશાના અબોટ દેહ ઉપર નજર ફેરવી, ‘હું તમને શીખવાડવા માટે તૈયાર છું પણ એ માટે મારા ઘરે આવવું પડે.’ કોઇ પણ સમજદાર યુવતી ભૂધરની વાતને સ્વીકારે જ નહીં. પ્રત્યાશાએ પ્રસ્તાવ સ્વીકારી લીધો. એને ભોળી ગણવી કે મૂર્ખ? ભૂધરનું ઘર એટલે ગીચ, ગરીબ અને ગંદા વિસ્તારમાં આવેલી એક નાની ઓરડી. વાનગી શીખવાના આશયથી પ્રત્યાશા અઠવાડિયામાં બે-ત્રણ દિવસ ભૂધરની ઓરડીમાં જવા લાગી. ભૂધરે વિવિધ ચાટની સાથે એને પ્રેમ-ચાટ ભણાવી દીધી. પ્રત્યાશા ખરેખર બધું ભૂલીને ભૂધરની પાછળ પાગલ થઈ ગઈ. એનાં માતા-પિતા તો બહારગામ રહેતાં હતાં. એમને જ્યારે ખબર પડી કે એમની જુવાન દીકરી કોઇ ફાસ્ટફૂડની લારીવાળાની ઓરડીમાં ઉજાસ પાથરી રહી છે ત્યારે ઘણું મોડું થઇ ગયું હતું. પ્રત્યાશાને ‘મોર્નિંગ સીકનેસ’ ચાલુ થઇ ગઇ હતી. કોલેજની બહેનપણીઓએ પ્રત્યાશાને પૂછ્યું, ‘તેં મોટી ભૂલ તો કરી નાખી છે, પણ હવે આ પ્રેગ્નન્સીનો નિકાલ કરાવી લે.’ પ્રત્યાશા ન માની. એણે તો ભૂધર આગળ હઠ પકડી, ‘હવે આપણે લગ્ન કરી લેવા જેઇએ. આપણાં બાળકનો જન્મ થાય તે પહેલાં.’ ભૂધરે હૈયાધારણ આપી, ‘તું ધરપત રાખ. હું સમાજથી ડરતો નથી. આપણાં લગ્નમાં આપણું બાળક હાજરી આપશે. હું દુનિયાને જવાબ દેનારો બેઠો છું.’ ભૂધરે પ્રત્યાશાથી એ વાત છુપાવી કે એ પરણેલો છે અને ગામડે એની પત્ની એનાં બે બાળકોને ઉછેરી રહી છે. પ્રત્યાશાને આઠમો મહિનો બેઠો ત્યાં સુધીમાં ડોક્ટર માનુષી મેડમ આ બધું જાણી ચૂક્યાં હતાં. એમણે દુનિયા જોઇ હતી. ભૂધરની બદમાશી એ સમજી ગયાં હતાં. ભૂધર બીજાં લગ્ન અને વધારાનાં બાળકની જવાબદારી સ્વીકારવામાંથી છટકવા માટે શું કરશે તે પ્રશ્ન એમને અસ્વસ્થ કરી રહ્યો હતો. મેડમ પ્રત્યાશાને છેલ્લા દિવસોમાં આરામ કરવાની સલાહ આપતાં હતાં. ભૂધર પોતાની રૂપાળી ઘરવાળી પાસે વધુ ને વધુ કામ કરાવતો જતો હતો. લારીમાં વેચવાની લગભગ બધી જ વાનગીઓ હવે ભૂધર પ્રત્યાશા પાસે જ બનાવડાવતો હતો. ડો. માનુષીબહેન પ્રત્યાશાના પૂરા મહિના થાય તેની પ્રતીક્ષા કરતાં હતાં, પરંતુ તે પહેલાં જ એક મધરાતે ઇમરજન્સી વિભાગમાંથી કોલ આવ્યો, ‘મેડમ, જલદી આવો. એક બર્ન્સનો કેસ આવ્યો છે. દર્દી સ્ત્રી છે અને પ્રેગ્નન્ટ છે, માટે તમને બોલાવ્યાં છે. બર્ન્સના નિષ્ણાત ડોક્ટરો હાજર છે. આવો છો ને?’ મેડમ દોડી ગયાં. જઇને જોયું તો એ દર્દી પ્રત્યાશા હતી. શરીરનો લગભગ સિત્તેર ટકા જેટલો ભાગ દાઝી ગયો હતો. ઓળો બનાવવા માટે આગમાં રીંગણાને શેકવાનાં આવે અને રીંગણું જે રીતે ભડથું થઇ જાય એવી જ હાલત પ્રત્યાશાની હતી. એની ગોરી ત્વચા કાળી બનીને પોપડીની જેમ ઊપસી આવી હતી. અસહ્ય વેદનાથી એનો ચહેરો દયનીય બની ગયો હતો. બાજુમાં એક અભણ દેખાતો પુરુષ પોક મૂકીને રડી રહ્યો હતો, ‘એને બચાવી લો. એ નૂડલ્સ બનાવતી હતી ત્યારે આગની ઝાળમાં એણે ઓઢેલો દુપટ્ટો આવી ગયો અને જોતજોતામાં...’ મેડમ સમજી ગયાં કે એ ભૂધર હોવો જોઈએ. એના હાથ પણ સહેજ દાઝી ગયા હતા. કદાચ વહાલી પત્નીને બચાવવાના પ્રયત્નમાં દાઝી ગયા હશે! ડો. માનુષી મેડમે પેશન્ટની હાલત જોઇને પોતાનો અભિપ્રાય જાહેર કર્યો, ‘બાળકના બચવાની કોઇ શક્યતા નથી.’ બચવાની શક્યતા તો પ્રત્યાશાની પણ ક્યાં હતી! પ્રત્યાશાએ મેડમની સામે જોયું અને હોઠ ફફડાવ્યા, ‘હું દાઝી નથી... મારા પતિએ મને કેરોસીન છાંટીને...’ એ સમયે પેશન્ટનું ડાઇંગ ડિક્લેરેશન નોંધવા માટે અધિકારીઓની ટીમ આવી પહોંચી. બધાને બહાર જવાની વિનંતી કરી. મેડમ પ્રત્યાશાના કાન પાસે પોતાનું મોં લઇ જઇને મોટેથી બોલી ગયાં, ‘બેટા, જે બન્યું છે તે સાચું કહી દેજે. કોઇને છોડીશ નહીં.’ થોડા કલાકો બાદ પ્રત્યાશા મૃત્યુ પામી. શરીરનું પોસ્ટમોર્ટમ થઇ ગયું. પોલીસની તપાસ અનુસાર આ ઘટના હત્યાની હોય તેવું લાગતું હતું, પરંતુ પ્રત્યાશાએ પોતાના નિવેદનમાં ભારપૂર્વક આવું લખાવ્યું હતું, ‘અંગત કારણથી મેં આત્મહત્યા કરી છે. એ માટે બીજું કોઇ જવાબદાર નથી.’ એક કપટી અને ઘાતકી પુરુષ બચી ગયો અને એક ભોળી યુવતીનો પ્રેમ મૃત્યુ પામ્યો.
    Click here to Read More
    Previous Article
    પ્રસંગકથા:નરેન્દ્રથી વિવેકાનંદ: માતાએ આપેલા સંસ્કારોની સરવાણી
    Next Article
    US-Israel-Iran War Live News Updates: Trump Suspends Project Freedom; US, Gulf Allies Threaten Iran With Sanctions

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment