Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સાહેબ, આ માજીને મેં બાઇક પર બેસીને જતાં જોયા હતા':ચારેય તરફથી આવેલી પોલીસે ફિલ્મીઢબે યુવાનને પકડ્યો, ખિસ્સામાંથી મોબાઇલ નીકળ્યો ને હેવાનના હોંશ ઊડી ગયા

    4 days ago

    વિશ્વાસઘાત જ્યારે હદ વટાવે ત્યારે આખો સમાજ સ્તબ્ધ થઇ જાય છે. કચ્છમાં આવી જ એક ઘટના ઘટી હતી. જેણે સમાજને સ્તબ્ધ કરવાની સાથોસાથ પોલીસને પણ વિચારતી કરી દીધી હતી. આજથી ત્રણેક વર્ષ પહેલા એક માજી ગુમ થયાની ફરિયાદ નોંધાઇ હતી. 65 વર્ષના વૃદ્ધા દર્શન કરીને ઘરે જવા નીકળ્યા. રસ્તામાં એક અજાણ્યા યુવાને મદદના બહાને લિફ્ટ આપી બાદમાં માજીની લાશ મળી હતી. આ લાશ પોતાની સાથે એક એવી હકીકત લઇને આવી હતી જે માનવામાં ન આવે તેવી હતી. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના આજના એપિસોડમાં વાત કચ્છના એક હેવાનની. 22 ફેબ્રુઆરી, 2023ના રોજ કચ્છના એક નાનકડા ગામના લોકો ભેગા થઇને પ્રાગપર પોલીસ સ્ટેશને ગયા. પોલીસ સ્ટેશનમાં રૂટિન મુજબની કામગીરી ચાલતી હતી. વાતાવરણ શાંત હતું. બહારથી આવી રહેલા ટોળાના અવાજે કામમાં ખલેલ પહોંચાડી. અંદર રહેલા પોલીસકર્મીને ખ્યાલ આવી ગયો કે બહાર શેનો અવાજ આવી રહ્યો છે પણ તેમને કારણ ખબર નહોતી. એમાંથી 3-4 પોલીસકર્મીઓ દરવાજાની બહાર આવ્યા અને પગથિયા પર જ ઊભા રહીને જોયું તો સામે એક મોટું ટોળું ઊભું હતું. પોલીસ પણ આટલા બધા લોકોને એકસાથે જોઇને ચોંકી ગઇ. 'શું થયું?' 'સાહેબ, આ માજી સવારના દર્શન કરવા ગયા હતા પરંતુ હજુ સુધી પરત ફર્યા નથી.' 'સારું' આ સંવાદ પછી પોલીસે જાણવાજોગ ફરિયાદ લઇને માજીની શોધ શરૂ કરી. એ સમયે પ્રાગપર પોલીસ સ્ટેશનના પીઆઇ રજા પર હતા એટલે તેનો ચાર્જ મુંદ્રા પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એસ.ત્રિવેદી પાસે હતો. સ્ટાફે રાત્રે તેમને મેસેજ આપ્યો કે સાહેબ, એક મોટી ઉંમરના મહિલા ગાયબ થયા છે. આપણે જાણવાજોગ ફરિયાદ લઇ લીધી છે. બીજી તરફ માજીનો આખા દિવસનો ઘટનાક્રમ આ પ્રમાણેનો હતો. માજી કચ્છના એક નાનકડા ગામડાંના રહેવાસી હતા.પરિવારમાં પતિ અને 3 દીકરીઓ હતી. બધી દીકરીઓના લગ્ન થઇ ગયા હતા એટલે ઘરમાં પતિ પત્ની બે જ રહેતા હતા. પતિના ભાઇ અને ભાભી એમ બધા સાથે રહેતા હતા. જે દિવસે માજીની લાશ મળી તે દિવસે બીજ હતી. માજી જે ગામે રહેતા હતા ત્યાંથી દસેક કિલોમીટર દૂર એક બીજું ગામ આવેલું છે. જ્યાં રામદેવપીરનું મંદિર છે. મૃતક માજી એ દિવસે આ મંદિરે બીજ ભરવા એટલે કે દર્શન કરવા માટે ગયા હતા પણ મોડી સાંજ સુધી પાછા ફર્યા નહોતા. સાંજ થઇ જવાથી પરિવારને ચિંતા થઇ અને શોધખોળ કરવામાં લાગ્યો પણ કોઇ અત્તોપત્તો ન મળતાં પોલીસની મદદ લેવી પડી હતી. હવે માજીની શોધખોળ શરૂ થઇ. એક તરફ પોલીસ તો બીજી તરફ ગામલોકો માજીને શોધતા હતા. એટલામાં ગામના છોકરાઓ શોધતા શોધતા સીમ નજીક આવ્યા ત્યારે ઝાડીઓમાં કોઇ સ્ત્રીને પડેલી જોઇ. તેની નજીક ગયા એટલે ખબર પડી કે તે સ્ત્રી બીજું કોઇ નહીં પણ ગુમ થયેલા માજી જ હતા. માજીમાં જીવ નહોતો. તેમની લાશ પડી હતી. ગામના યુવાનોએ તરત જ પોલીસને જાણ કરી. જાણ થતાં જ પ્રાગપરના જમાદાર ઘટનાસ્થળે તાત્કાલીક પહોંચી ગયા. એમણે પીઆઇ ત્રિવેદીને જાણ કરી. 'સાહેબ, સાંજે ગુમ થયાની ફરિયાદ લીધી હતી એ માજીની લાશ મળી છે.' આ વાતથી પીઆઇ ત્રિવેદી પણ ચોંક્યા અને તરત ઘટનાસ્થળે પહોંચી ગયા. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે 65 વર્ષના માજીની લાશ ચત્તીપાટ પડી હતી. કપડાં શરીરના ઉપરની ભાગ તરફ થોડાં ચડેલા હતા. તેમણે પહેરેલી સોનાની ચેઇન, કાનના સોનાના કુંડળો અને ચાંદીના ઘરેણાં પણ એમને એમ જ હતા. પ્રથમ દ્રષ્ટિએ શરીર પર ઇજાના કોઇ નિશાન પણ દેખાતા નહોતા. આ બધા પરથી પોલીસને લાગ્યું કે આ કોઇ ચોરી કે લૂંટની ઘટના નથી કેમ કે માજીના દાગીના હેમખેમ હતા. પોલીસે ધાર્યું કે કદાચ માજી પગપાળા ઘરે આવતા હશે અને રસ્તો ભટકી ગયા હશે. ગભરાટમાં પડી ગયા હશે અને મરી ગયા હશે. જો કે પોલીસની આ ધારણા ખોટી પડવાની હતી અને એક ધ્રુણાસ્પદ ખુલાસો થવાનો હતો. લાશ મળ્યા બાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો અને લાશને પોસ્ટ મોર્ટમ માટે મુંદ્રા CHC મોકલી આપી. જ્યાં ડૉ. મંથન ફોફળ અને ડૉ. રતન ગઢવીની પેનલે પોસ્ટ મોર્ટમ કર્યું. પોલીસે ડૉક્ટર્સને વિનંતી કરી હતી કે કોઇ કચાશ ન રહી જાય તે રીતે ચેક કરજો. ડૉક્ટર્સની આ પેનલે સારી મહેનત કરી. ઝીણામાં ઝીણી ડિટેલ ચેક કરી. જેમાં એક એવી વાત સામે આવી જેનાથી ખળભળાટ મચી ગયો. ડૉક્ટર્સે પીઆઇ ત્રિવેદીને બોલાવ્યા. કહ્યું કે સાહેબ, મર્ડર પહેલાં માજી સાથે રેપ થયો છે. એ સમયે માજીના કુટુંબીજનો સહિત આખા ગામના લોકો મુંદ્રા હોસ્પિટલના પ્રાંગણમાં હાજર હતા. પોલીસે કુનેહથી કામ લીધું અને પરિવારને બોલાવી માજી સાથે શું બન્યું હતું તેની જાણ કરી. પોલીસને પણ અંદાજો નહોતો કે આવું જઘન્ય કૃત્ય બન્યું હોઇ શકે કેમ કે દેખીતી રીતે કોઇ ઇજા નહોતી પરંતુ પોસ્ટ મોર્ટમમાં શરીર પણ કુલ 9 બાહ્ય અને આંતરિક ઇજાઓ મળી આવી હતી. આ બધું ચાલતું હતું ત્યાં ગામનો એક યુવાન સામે આવ્યો અને પોલીસને કહ્યું કે, સાહેબ, હું બપોરે મુંદ્રાથી કામ પતાવીને ઘરે જતો હતો ત્યારે આ માજી એક બાઇકવાળા પાછળ બેસીને જતાં હતા. મેં તેમને જોયા હતા કેમ કે બાઇકે મને ઓવરટેક કર્યો હતો. પોલીસને પહેલી કડી સામેથી આ રીતે મળી ગઇ. યુવાન પાસેથી વધુ વિગતો લીધી. આ દરમિયાન ગામ લોકો અને પોલીસની ટીમ CCTV કેમેરા ચેક કરતા હતા. જેમાં યુવાનની વાતને સમર્થન મળ્યું. એક ફૂટેજમાં માજી કોઇ બાઇકચાલક પાછળ બેઠા હોય તેવું દેખાઇ આવ્યું પણ બાઇકનો નંબર દેખાતો નહોતો. CCTVમાં દેખાતું બાઇક પલ્સર હતું અને એની ઉપર વિશિષ્ટ પ્રકારની નિશાનીઓ હતી. પોલીસે અજાણ્યા બાઇકચાલક વિરુદ્ધ રેપ વિથ મર્ડરનો ગુનો દાખલ કર્યો હતો. મુંદ્રા CHCમાં આ રેપ વિથ મર્ડરનો ગુનો લખાઇ રહ્યો હતો, ફરિયાદી બેઠા હતા ત્યારે પીઆઇ ત્રિવેદીના મોંઢેથી અચાનક કુદરતી રીતે જ બોલાઇ ગયું કે 'આને તો ફાંસી થાય એવી તપાસ કરવી છે. તમે ચિંતા ન કરો. આપણે એવી તપાસ કરીશું અને એવા પુરાવા ભેગા કરીશું કે આને ફાંસી જ થાય. કારણ કે આ કૃત્ય ખરાબ છે. 65 વર્ષના માજી સાથે આવું કરતો હોય તો આ આરોપી સમાજ માટે જોખમી માણસ કહેવાય.' આ દૃઢ નિશ્ચય પછી તાત્કાલીક તેમણે મુંદ્રા અને પ્રાગપર એમ બન્ને પોલીસ સ્ટેશનનો સ્ટાફ ભેગો કર્યો. બધાને આ ગુનાની તપાસમાં લગાવી દીધા. ચાર ટીમ બનાવી. બે ટીમ લોકોને મળતી હતી અને એક ટીમ CCTV ચેક કરતી હતી. જ્યારે એક ટીમ આજુબાજુના ગામડાંમાં ફરીને વાહનની તપાસ કરતી હતી. બીજો દિવસ થઇ ગયો હતો પણ બાઇકચાલક વિશે કોઇ કડી મળી નહોતી એટલે પોલીસ ચિંતામાં હતી. પોલીસની આ ચિંતા એક બાતમીથી હળવી થઇ જવાની હતી. હેડ કોન્સ્ટેબલ જયંતી માજીરાણાની ટીમને એક બાતમી મળી કે આ ગુનામાં સંડોવાયેલો બાઇકચાલક એક ચોક્કસ જગ્યાએથી પસાર થવાનો છે. હેડ કોન્સ્ટેબલ માજીરાણાએ તુરંત PIને વાત કરી કે સાહેબ, મને આવી બાતમી મળી છે. પોલીસ જેને શોધતી હતી તે હેવાન હવે હાથવેંતમાં હતો. પોલીસને પણ આશા હતી કે હવે તો તે પકડાઇ જશે. PI ત્રિવેદીએ હેવાનને પકડવાનો પ્લાન બનાવી લીધો. એક ટીમને તૈયાર કરી. તેમાં 2 પંચને પણ સાથે રાખ્યા અને જે જગ્યાએથી બાઇકચાલક પસાર થવાનો હતો ત્યાં પહોંચી ગયા. આ જગ્યા એટલે ફાતળિયા ગામ તરફ જતો રસ્તો. અહીં પહોંચીને બધા પોલીસકર્મીઓ સાદા ડ્રેસમાં અલગ અલગ દિશામાં ગોઠવાઇ ગયા કેમ કે પોલીસને એટલી જ ખબર હતી કે બાઇકચાલક આ રસ્તેથી પસાર થવાનો છે પણ કઇ દિશા તરફથી આવશે અને કઇ દિશા તરફ જશે તેની માહિતી નહોતી. પોલીસ વોચમાં જ હતી, ઘણી રાહ જોઇ પણ કોઇ બાઇકચાલક ન દેખાયો. પોલીસકર્મીઓ નિરાશ ન થયા, થોડી વધુ રાહ જોઇ. એ દરમિયાન દૂરથી એક બાઇક આવતી દેખાઇ. નજીક આવી તો CCTVમાં જે બાઇક દેખાતી હતી એવી જ લાગી. બાઇક જોઇને પોલીસની આંખમાં ચમક આવી ગઇ. પોલીસકર્મીઓએ ફિલ્મીઢબે ઝડપભેર બાઇકને આંતરી અને બાઇકચાલકને પકડ્યો. અચાનક સાદા ડ્રેસમાં રહેલા લોકોએ તેને પકડી લેતાં બાઇકચાલક ગભરાયો. તેને ખબર ન પડી કે આ પોલીસ છે કેમ કે બધા પોલીસકર્મીઓ સાદા ડ્રેસમાં હતા. બાઇકચાલકે પૂછ્યું 'કોણ છો, તમે?' સામેથી વળતો સવાલ આવ્યો 'શું નામ છે તારું?' બાઇકચાલક બોલ્યો 'સચિન.' પોલીસે કહ્યું આખું નામ બોલ બાઇકચાલક બોલ્યો સચિન માવજી હવેનો સવાલ બાઇકચાલકને મૂંઝવી દેવાનો હતો. પોલીસે પૂછ્યું, 'તે કોઇ માજીને બેસાડ્યા હતા?' બાઇકચાલકને ડર લાગ્યો. તેણે અજાણ્યો બનવાનો ડોળ કર્યો અને બોલ્યો- કોણ માજી? મને કંઇ ખબર નથી. પોલીસ બાઇકચાલકના ડરને ઓળખી ગઇ હતી. તેણે કહ્યું- સાચું બોલ. બાઇકચાલક ફરી બોલ્યો- મને કંઇ ખબર નથી. તમે શેની વાત કરો છો? હવે પોલીસે તેની પાસેથી સત્ય કઢાવવા માટે પુરાવો બતાવવાનું નક્કી કર્યું. એક પોલીસકર્મીએ પોતાના ખિસ્સામાંથી મોબાઇલ કાઢ્યો અને સચિનને તેના જ CCTV બતાવ્યા અને પૂછ્યું કે બોલ, આ કોણ છે? બસ આ CCTV જોતાં જ સચિનના હોંશ ઊડી ગયા. તેને ખબર પડી ગઇ કે પોલીસ બધું જાણી ગઇ છે એટલે તેની પાસે સત્ય કબૂલવા સિવાય બીજો કોઇ રસ્તો નહોતો. તેણે પોલીસને કહ્યું- આ હું જ છું, સાહેબ. હવે પોલીસ તેને જે સવાલ કરવાની હતી તેનો જવાબ બધું જ સ્પષ્ટ કરી દેનારો હતો. પોલીસે પૂછ્યું- માજીની હત્યા કોણે કરી? સચિને કહ્યું- મેં સચિને કબૂલી તો લીધું કે તેણે જ માજીની હત્યા કરી હતી પણ શા માટે હત્યા કરી હતી, કેવા સંજોગોમાં હત્યા કરી હતી તે હજુ ખૂલવાનું બાકી હતું. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના બીજા એપિસોડમાં જુઓ આ હેવાને કરેલા સનસનીખેજ ખુલાસા.
    Click here to Read More
    Previous Article
    ટાટા 'કર્વ EV'ની નવી X સિરીઝ લોન્ચ:ભારતની પહેલી કૂપે SUV ફુલ ચાર્જ પર 502km દોડશે, કિંમત ₹16.99 લાખથી શરૂ
    Next Article
    કમલમમાં ઝાલમૂડી અને જલસા:ડુંગળીની વાત વાયા પંચાલ CMથી સંઘવી સુધી પહોંચી, રસગુલ્લો મોઢામાં મુકી પ્રશાંત કોરાટ ઠેબું ખાઈ ગયા, જુઓ VIDEO

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment