Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના આંગણે દિલ્હીના કર્તવ્ય પથ જેવી ભવ્યતા:કચ્છી પોશાકમાં તલવારબાજી-સાધુના વેશમાં સ્ટંટ; ગુજરાત ગૌરવ દિવસની પોલીસ પરેડ-ટેબ્લોનું રિહર્સલ

    14 hours ago

    સુરતમાં આગામી 1લી મે 'ગુજરાત સ્થાપના દિવસ'ની રાજ્ય કક્ષાની ઉજવણી થવા જઈ રહી છે. આ અવસરે પ્રથમવાર સુરતીઓને 26 જાન્યુઆરીએ દિલ્હીના રાજપથ પર જોવા મળતા પોલીસ જવાનોના દિલધડક બાઈક સ્ટંટ જોવા મળશે. વાય જંકશન ખાતે યોજાનારા આ શાનદાર આયોજનમાં શૌર્ય અને સંસ્કૃતિનો અદભૂત સમન્વય સર્જાશે. સુરતમાં દિલ્હીની પરેડ જેવી ભવ્યતા જોવા મળશે સુરત શહેરના ઇતિહાસમાં પ્રથમવાર 1લી મે 'ગુજરાત ગૌરવ દિવસ' નિમિત્તે દિલ્હીની પરેડ જેવી ભવ્યતા જોવા મળશે. સામાન્ય રીતે 26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં પોલીસ અને સંરક્ષણ દળો દ્વારા જે રીતે બાઈક પર દિલધડક કરતબો બતાવવામાં આવે છે, તેવો જ નઝારો હવે સુરતના વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીના માર્ગ પર જોવા મળશે. સુરત પોલીસના જવાનો આ માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. આ પરેડમાં માત્ર શક્તિ પ્રદર્શન જ નહીં, પરંતુ સુરતની જનતાને શૌર્ય અને શિસ્તના દર્શન કરાવવાનો મુખ્ય હેતુ છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ જવાનોએ ફાઈનલ રિહર્સલ પૂર્ણ કર્યું છે. કચ્છના પોશાકમાં તલવારબાજી અને સાધુના વેશમાં આશ્ચર્યજનક સ્ટંટ આ પરેડની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ભારતની ભાતીગળ સંસ્કૃતિને વણી લેવામાં આવી છે. પોલીસ જવાનો પરંપરાગત કચ્છી પહેરવેશ ધારણ કરી, ચાલતી બાઈક પર સવાર થઈને હાથમાં તલવાર વીંઝતા જોવા મળશે. આ દ્રશ્ય જોઈને લોકોને ઇતિહાસના શૂરવીરોની યાદ તાજી થઈ જશે. એટલું જ નહીં, આધ્યાત્મિકતાનો સંદેશ આપવા માટે પોલીસ જવાન સાધુના વેશમાં પણ જોવા મળશે. નવાઈની વાત એ છે કે, આ જવાન ચાલતી બાઈક પર કોઈપણ આધાર વગર ઉભા રહીને સંતુલન જાળવશે. આ પ્રકારના કરતબો સામાન્ય રીતે પ્રોફેશનલ સ્ટંટમેન કરતા હોય છે, પરંતુ સુરત પોલીસના જવાનોએ જે રીતે આત્મવિશ્વાસ સાથે રિહર્સલ કર્યું છે તે કાબિલે તારીફ છે. ‘હ્યુમન પિરામિડ’ સ્ટંટ થશે પોલીસ જવાનોના શારીરિક કૌશલ્ય અને એકાગ્રતાના દર્શન કરાવવા માટે બાઈક પર જ વિભિન્ન યોગાસનો પ્રસ્તુત કરવામાં આવશે. ચાલતી બાઈક પર જવાન પદ્માસન અને અન્ય કઠિન આસનો કરીને યોગનું મહત્વ સમજાવશે. આ આકર્ષણનું કેન્દ્ર ‘હ્યુમન પિરામિડ’ જેવો સ્ટંટ પણ રહેશે, જેમાં એક જ બાઈક પર પોલીસના 6 જવાનો અદભૂત તાલમેલ સાથે સવાર થઈને બેલેન્સ જાળવતા જોવા મળશે. આ સ્ટંટ ટીમ વર્ક અને એકતાનું પ્રતીક છે. જવાનોની આ હિંમત અને એકાગ્રતા જોઈને પ્રેક્ષકો ચોક્કસપણે આશ્ચર્યચકિત થઈ જશે. આ પ્રકારનું પ્રદર્શન સુરતમાં અગાઉ ક્યારેય આ સ્તરે યોજાયું નથી. સાડીમાં સજ્જ મહિલા પોલીસના સાહસિક કરતબો નારી શક્તિના સન્માન અને મહિલા સશક્તિકરણના સંદેશ સાથે આ પરેડમાં મહિલા પોલીસ જવાનો પણ જોડાઈ છે. સામાન્ય રીતે સાડી પહેરીને વાહન ચલાવવું પણ મુશ્કેલ માનવામાં આવે છે, પરંતુ અહીં સુરતની મહિલા પોલીસ સાડી પહેરીને બાઈક પર અત્યંત જોખમી અને રોમાંચક સ્ટંટ કરતી નજરે પડશે. આ દ્રશ્ય સ્ત્રીઓની શક્તિ અને સાહસનો પરિચય કરાવશે. સાડી જેવા પરંપરાગત પહેરવેશમાં આટલી સરળતાથી સ્ટંટ કરવા તે શારીરિક ક્ષમતા અને લાંબા સમયની પ્રેક્ટિસનું પરિણામ છે. આ પ્રદર્શન દ્વારા સંદેશ આપવામાં આવશે કે ભારતીય નારી પરંપરા અને આધુનિક સાહસ બંનેમાં સક્ષમ છે. 2 બાઈક વચ્ચેના રોડ પર જવાનોનો જાદુ સાહસની પરાકાષ્ઠા સમાન એક સ્ટંટમાં 2 બાઈક સમાંતર ચાલતી હશે અને તેની વચ્ચે લગાવાયેલા એક સાંકડા રોડ (લોખંડના સળિયા) પર પોલીસ જવાન કરતબો બતાવશે. આ સ્ટંટમાં સેકન્ડોનું પણ અંતર કે સંતુલન બગડે તો અકસ્માતનો ભય રહે છે, પરંતુ સુરતના આ જવાનોએ લોખંડના સમાન મનોબળ સાથે આ જોખમ સ્વીકાર્યું છે. સુરતીઓ માટે આ સૌથી આકર્ષક અને રુંવાડા ઉભા કરી દે તેવું પ્રદર્શન સાબિત થશે. પરેડમાં સામેલ દરેક જવાનનું મનોબળ વધારવા માટે ઉચ્ચ અધિકારીઓ પણ સતત પ્રોત્સાહન આપી રહ્યા છે. આ દ્રશ્યો કેમેરામાં કેદ કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંસ્કૃતિક વિરાસત અને ગૌરવશાળી ઇતિહાસની ઝલક 'ગુજરાત ગૌરવ દિવસ'ની આ ઉજવણી માત્ર સ્ટંટ પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં ભારતીય સંસ્કૃતિના વિવિધ રંગો પણ જોવા મળશે. વિવિધ ટેબ્લો (ઝાંખીઓ) દ્વારા ગુજરાતના વિકાસની ગાથા અને સુરતના ગૌરવવંતા ઇતિહાસને પ્રદર્શિત કરવામાં આવશે. પોલીસ પરેડની સાથે સાથે આ ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બનશે. રાજ્યની અસ્મિતાને ઉજાગર કરતા આ કાર્યક્રમમાં સુરતની કલા અને સંસ્કૃતિને પણ સ્થાન આપવામાં આવ્યું છે. 1લી મેની સાંજે સુરતના રસ્તાઓ દેશભક્તિના રંગે રંગાશે અને હજારોની મેદની આ ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનશે. વાય જંકશનને સજાવાયું આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે સુરત જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ છેલ્લા ઘણા દિવસોથી તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. જિલ્લા પ્રભારી સચિવ શાલિની અગ્રવાલ અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોતે રસ્તાઓની સુરક્ષા અને બેઠક વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું છે. ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધીએ પણ આ કાર્યક્રમને આખરી ઓપ આપ્યો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાય જંકશન વિસ્તારને સજાવવામાં આવ્યો છે અને આખા રૂટ પર સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરી દેવામાં આવી છે. સુરતીઓને આમંત્રણ અપાયું સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ શહેરીજનોને 1લી મેના રોજ સાંજે 5 વાગ્યે વાય જંકશન ખાતે ઉમટી પડવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સુરતવાસીઓ માટે આ એક લ્હાવો છે કે તેઓ પોતાના જ શહેરના રસ્તાઓ પર દિલ્હી જેવી પરેડ અને દિલધડક સ્ટંટ લાઈવ નિહાળી શકે. વહીવટીતંત્રએ અપીલ કરી છે કે નાગરિકો મોટી સંખ્યામાં આવીને જવાનોનો ઉત્સાહ વધારે અને ગુજરાતના સ્થાપના દિવસની ગૌરવભેર ઉજવણી કરે.
    Click here to Read More
    Previous Article
    ડોનાલ્ડ ટ્રમ્પનું મગજ ઠેકાણે છે?:અમેરિકી મહિલા સાંસદે રાષ્ટ્રપતિની માનસિક સ્થિતિ પર ઉઠાવ્યા સવાલ, રક્ષામંત્રીએ કહ્યું- બાઈડનને કેમ આ નહોતું પૂછ્યું
    Next Article
    આરોપીઓને વાનમાં બેસાડવા પોલીસને પરસેવો છૂટી ગયો, VIDEO:રોષે ભરાયેલા લોકોએ ગેટ બંધ કરી દેતા અફરાતફરી, સુરતમાં યુવકના હાથમાં 6 ઇંચનો છરો માર્યો'તો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment