Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૉક્ટરની ડાયરી:છે ચમત્કારોનો સાચો અર્થ એ જઈશ્વરે ભૂલો સુધારી હોય છે

    14 hours ago

    રાતનો સમય. અમદાવાદની પોળમાં રહેતા એક મધ્યમ વર્ગીય પરિવારનો બાર વર્ષનો દીકરો સતીષ ભરઊંઘમાંથી ચીસ પાડીને જાગી ગયો. મમ્મી જાગૃતિ પણ ઊઠી ગઈ. જીગરના ટુકડાને પથારીમાં ઊછળતો, આળોટતો અને પેટ દબાવીને ચીસો પાડતો જોઈને મા ગભરાઈ ગઈ, ‘બેટા, શું થાય છે?’ ‘મને પેટમાં દુઃખે છે…’ આટલું બોલતામાં તો સતીષ બાથરૂમની દિશામાં દોડી ગયો, પણ વોશ બેઝિન સુધી પહોંચી ન શક્યો, બાથરૂમની બહાર જ એને જોરદાર ઊલટી થઈ ગઈ. આટલી વારમાં સતીષના પપ્પા મનોજભાઈ પણ બેઠા થઈ ગયા. ઊલટીની ખાટી, એસિડિક દુર્ગંધથી બેડરૂમ ગંધાઈ ઊઠ્યો. ફર્શ પર પથરાયેલા ખાટા પ્રવાહીમાં રાત્રે જમેલા, અર્ધ-પચેલા ખીચડીના દાણા તરવરતા હતા. મનોજભાઈ ખાનગી કંપનીમાં સાધારણ પગારવાળી નોકરી કરતા હતા પણ એમની સામાન્ય સમજણ વિકસિત હતી. એ સમજણે એમને એટલું સમજાવ્યું કે આ સ્થિતિમાં ફેમિલી ડૉક્ટરને ઘરે બોલાવીને સમય વેડફવા જેવો નથી, કારણ કે ફેમિલી ડૉક્ટર જો સારા હશે તો આ જ સલાહ આપવાના છે, ‘દીકરાને તાત્કાલિક કોઈ મોટી, સારી હોસ્પિટલમાં લઈ જાઓ. મને આ કેસ ગંભીર પ્રકારનો લાગે છે.’ મનોજભાઈ પાસે કાર ન હતી, સ્કૂટર પર બેસાડી શકાય તેવી દીકરાની સ્થિતિ ન હતી. પાંચમા બારણે રહેતા પાડોશી સુનિલભાઈને જગાડીને વિનંતી કરી. વાત જાણીને તરત સુનિલભાઈએ કાર ‘સ્ટાર્ટ’ કરી, સતીષને પાછળની સીટ પર સૂવડાવ્યો. મનોજભાઈ આગળની સીટ પર બેઠા. કાર સીધી મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલના પરિસરમાં જઈ ઊભી. ફરજ પરના મેડિકલ ઓફિસરે સતીષને તપાસીને જનરલ સર્જન ડૉ. ભટ્ટને ફોન કર્યો, ‘સર, એક બાર વર્ષનો છોકરો સીરિયસ કન્ડિશનમાં આવ્યો છે. મને કોઈ કોમ્પ્લિકેટેડ બીમારી લાગે છે. કદાચ આંતરડાની તકલીફ હોઈ શકે. તમારે આવવું જરૂરી છે.’ ‘હું નીકળું છું. ત્યાં પહોંચું એટલા સમયમાં તમે એના પેટનો એક્સ-રે કરાવી લેજો’ ડૉ. ભટ્ટે સૂચના આપી. (તે સમયે સોનોગ્રાફીની સુવિધા ન હતી.) જ્યારે સર્જન ડૉ. ભટ્ટ હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે સતીષનો એક્સ-રે રિપોર્ટ તૈયાર હતો. કેઝ્યુઅલ્ટી વિભાગમાં ટ્રોલી પર સૂવડાવેલો સતીષ સહી ન જાય તેવી દર્દનાક ચીસો પાડી રહ્યો હતો. ઊલટીઓ ચાલુ હતી. પેટ ફૂલી ગયું હતું. ડૉ. ભટ્ટે સતીષના પેટ ઉપર હાથ મૂક્યો, પછી સ્ટેથોસ્કોપ મૂક્યો, એક્સ-રે જોયો અને પછી મનોજભાઈને કહ્યું, ‘સતીષનું નાનું આંતરડું એક સ્થાન પર અવરોધાઈ ગયું છે. હોજરીમાંથી આંતરડામાં ઠલવાતો ખોરાક અને પ્રવાહી એ ચોક્કસ બિંદુ પાસેથી આગળ વધી શકતાં નથી. આ કારણસર એને ઊલટીઓ થઈ રહી છે અને પેટ ફૂલતું જાય છે. જો તાત્કાલિક ઓપરેશન કરવામાં નહીં આવે તો દીકરો…’ કયો બાપ આવું સાંભળીને સ્વસ્થ રહી શકે? મનોજભાઈએ સંમતિપત્ર ઉપર સહી કરી આપી. હોસ્પિટલના એનેસ્થેટિસ્ટને તાત્કાલિક બોલાવી લેવામાં આવ્યા. સતીષને ઇમરજન્સી ઓ.ટી.માં લઈ જવામાં આવ્યો, એનેસ્થેસિયા આપવામાં આવ્યું. ડૉ. ભટ્ટ સાહેબે સર્જરી શરૂ કરી. બહાર મનોજભાઈ ચિંતાતુર બનીને ઊભા હતા, જાગૃતિબેન તથા આઠ-દસ પાડોશીઓ પણ આવી પહોંચ્યાં હતાં. ઓપરેશન થિયેટરની હાલત ખરેખર ચિંતા કરાવે તેવી હતી. ઓપરેશન તો સારી રીતે આગળ ધપી રહ્યું હતું પણ એનેસ્થેસિયાના મામલે અણધારી ઉપાધિઓ નડી રહી હતી. એનેસ્થેટિસ્ટે અચાનક કહ્યું, ‘ડૉ. ભટ્ટ, પેશન્ટને કાર્ડિયાક એરેસ્ટ થયો છે. કન્ડિશન ઇઝ ક્રિટિકલ. હું મારાથી બનતી કોશિશ કરું છું.’ ડૉ. ભટ્ટ સાવધ થઈ ગયા. હૃદયના ધબકારા બંધ થઈ જાય તે સ્થિતિ જો થોડીક જ ક્ષણો સુધી ચાલુ રહે તો પેશન્ટનો જીવ બચાવવો અશક્ય થઈ જાય. એનેસ્થેટિસ્ટે કાર્ડિયાક મસાજ આપ્યો, બીજી જરૂરી સારવાર આપી, હૃદય પુનઃ ધબકવા લાગ્યું. થોડી વાર પછી ફરીથી આવું થયું. સર્જરી લાંબી ચાલે તેવી હતી. એમાં ખોટી ઉતાવળ થાય તેવું ન હતું. અઢી કલાકના ઓપરેશન દરમિયાન સતીષનું હૃદય ત્રણ વાર બંધ પડી ગયું. સતીષ હવે નહીં જ બચે તેવી હાલતમાંથી ફરી ફરીને એ પાછો જીવંત થયો. ડૉ. ભટ્ટે એક વાર એનેસ્થેટિસ્ટને પૂછ્યું પણ ખરું, ‘ડૉક્ટર, આવું કેમ થાય છે? ઇન્જેક્શનોનો ડોઝ તો બરાબર આપ્યો છે ને?’ ‘યસ, સર.’ એનેસ્થેટિસ્ટે જવાબ આપ્યો, ‘મને પણ એ સમજાતું નથી કે આવું કેમ થઈ રહ્યું છે! હું પૂરેપૂરો સજાગ અને સાવધ છું. એક્ચ્યુઅલી, મારી કોશિશના કારણે જ સતીષ બચી શક્યો છે. બસ હવે એક જ પ્રાર્થના છે કે ઓપરેશન જલ્દી પૂરું થઈ જાય અને સતીષનું હૃદય ત્યાં સુધી ધબકતું રહે. પછી તો હું એને એનેસ્થેસિયામાંથી બહાર લઈ આવીશ એટલે ચિંતાનું કારણ નહીં રહે.’ આખરે ઓપરેશન પૂરું થયું. સતીષ યમરાજના દ્વાર પર ‘થપ્પો’ કરીને પૃથ્વીલોકમાં પાછો ફર્યો. એને વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો. મનોજભાઈ અને જાગૃતિબેનના શ્વાસો હેઠે બેઠા. ડૉ. ભટ્ટ એ બંનેની સાથે ‘ઓપરેશનમાં શું બન્યું હતું’ એ વિષે ચર્ચા કરી રહ્યા હતા ત્યાં અચાનક પાસેના વોર્ડમાંથી રડવા-કકળવાનો સામૂહિક અવાજ એમના કાનમાં પડ્યો. આ ખલેલથી પરેશાન થયેલા ડૉ. ભટ્ટે સિસ્ટરને પૂછ્યું, ‘શું થયું, સિસ્ટર? આ કોના રડવાનો અવાજ છે? કોઈ પેશન્ટ એક્સપાયર થયું છે?’ ‘હા, સર.’ નર્સે માહિતી આપી, ‘બાજુના જનરલ વોર્ડમાં એક પેશન્ટ છે જેનું ચાર દિવસ પહેલાં મેજર ઓપરેશન કરવામાં આવ્યું હતું. એ પેશન્ટને તો સાવ સારું છે પણ...” નર્સ બોલતાં અટકી ગઈ. એને સમજાતું ન હતું કે જે થયું છે તેને કેવી રીતે સમજાવવું, ‘સર, એ પેશન્ટને જોવા, મળવા, એની તબિયતના ખબર પૂછવા રોજ ઘણા માણસો આવતા રહે છે. આજે પણ પાંચેક ઓળખીતાઓ આવ્યા છે. એમાંથી એક પાંસઠ વર્ષના કાકાને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો અને એ ઢળી પડ્યા. ફરજ પરના ડૉક્ટરોએ એમને સી.પી.આર. આપીને હાર્ટ ચાલુ કરવાના ભરપૂર પ્રયાસો કર્યા પણ સફળતા ન મળી. એ કાકા થોડી વાર પહેલાં જ મૃત્યુ પામ્યા.’ ડૉ. ભટ્ટ બોલ્યા, ‘નો સરપ્રાઈઝ. આવું બની શકે. સડન કાર્ડિયાક એરેસ્ટ થઈ શકે.’ ‘હા, સર. હું પણ જાણું છું.’ નર્સે કહ્યું, ‘એ કાકાનું મૃત્યુ થયું એ બાબતનું મને જરા પણ આશ્ચર્ય નથી થયું પણ…’ ‘પણ શું? સિસ્ટર, ડેથ મીન્સ ડેથ. એમાં આશ્ચર્ય પામવા જેવું શું છે?’ ડૉ. ભટ્ટે સહેજ અકળાઈને પૂછ્યું. ‘સર, એ કાકાનું નામ પણ સતીષભાઈ હતું. અને એ તે ક્ષણે મૃત્યુ પામ્યા જ્યારે ઓ.ટી.ની અંદર આપણા એનેસ્થેટિસ્ટ ટેબલ પર સૂતેલા સતીષના હૃદયને ફરીથી ચાલુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.’ નર્સના જવાબે સહુને ખામોશ કરી દીધા. બધાંનાં મનમાં એક જ સવાલ ઘૂમરાઈ રહ્યો હતો: ‘શું એ સમયે યમરાજના દૂત આ હોસ્પિટલમાં સતીષ નામધારી વ્યક્તિના પ્રાણ લઈ જવા માટે આવ્યા હતા? એક સરખાં નામ હોવાના કારણે એ થાપ ખાઈ ગયા હશે? કે પછી આ બે ઘટનાને લેશમાત્ર લાગતું-વળગતું નહીં હોય?’ - શીર્ષકપંક્તિ: આદિત્ય જામનગરી
    Click here to Read More
    Previous Article
    વસુંધરાના વહાલાં દવલાં:વન્યજીવ બજાર: જ્યાં પ્રાણીઓ વેચાય છે અને સાથે બીમારીઓ ફ્રી મળે છે!
    Next Article
    મેંદી રંગ લાગ્યો:વડતાળે ફૂલવાડી હિંડોળો આંબાની ડાળ…

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment