Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ:‘મૈં સમય હૂં’ ના અવાજ પાછળ છે માંડવીના હરીશ ભીમાણીની સંઘર્ષગાથા

    2 days ago

    “મેં સમય હૂં...” – 1988માં જ્યારે બી.આર. ચોપરાની ‘મહાભારત’ સીરિયલમાં આ ગંભીર અને દાર્શનિક અવાજ ગુંજ્યો, ત્યારે ભારતીય ટેલિવિઝનનો ઇતિહાસ બદલાઈ ગયો. આ અવાજના સ્વામી એટલે કચ્છના માંડવીનું ગૌરવ હરીશ ભીમાણી. તાજેતરમાં ભુજની મુલાકાતે આવેલા હરીશભાઈએ દિવ્ય ભાસ્કર સાથેના ઇન્ટરવ્યુમાં પોતાના જીવનના સંઘર્ષ અને વતન માટેના સપનાઓ વિશે વિસ્તૃત વાતચીત કરી હતી. હરીશ ભીમાણીનો જન્મ મુંબઈમાં થયો હતો, પરંતુ તેમનું હૃદય હંમેશા કચ્છના માંડવીમાં જ ધબકતું રહ્યું છે. માંડવીના શાક માર્કેટ પાસે આવેલ ઐતિહાસિક ‘ભીમાણી ટાવર’ તેમના દાદા કરસનદાસ જેઠાભાઈ ભીમાણીએ બંધાવ્યો હતો. એક શિસ્તબદ્ધ પરિવારમાં ઉછરેલા હરીશભાઈ માટે રેડિયો કે ફિલ્મોમાં જવું એ સમયના હિસાબે ઘણું અઘરું હતું. પરિવાર ઈચ્છતો હતો કે તેઓ ભણી-ગણીને એન્જિનિયર બને. પિતાની જીદને માન આપી તેમણે કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો અને કચ્છની ‘’એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ’’’’માં દોઢ વર્ષ નોકરી પણ કરી. ત્યાર બાદ હરીશભાઈએ મુંબઈની વિખ્યાત બજાજ ઇન્સ્ટિટ્યૂટમાં મેનેજમેન્ટનો અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે તેમના પિતાએ સ્પષ્ટ ના કહી દીધી અને ફી ભરવાની પણ મનાઈ કરી. પરંતુ જેમના અવાજમાં આત્મવિશ્વાસ હતો, તેમના ઈરાદા પણ મક્કમ હતા. કોલેજની ફી ભરવા તેમણે મેગેઝીન માટે આર્ટિકલ લખવાનું અને ઓલ ઇન્ડિયા રેડિયોમાં નાના-મોટા પ્રોગ્રામ્સ કરવાનું શરૂ કર્યું. તે સમયે તેમની પાસે કેમેરો નહોતો, તેથી તેઓ તેમના તત્કાલીન મિત્ર અને હાલના પત્ની રેખા ભીમાણીનો કેમેરો માંગીને સેમિનારમાં ફોટોગ્રાફી કરતા અને તે ફોટા વેચીને પોતાની ફીના પૈસા ભેગા કરતા હતા. અવાજની દુનિયામાં તેમનો પ્રવેશ ત્યારે થયો જ્યારે તેમણે દિગ્ગજ અમીન સયાની પાસે ઓડિશન આપ્યું. અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘સોદાગર’’ માટે વોઈસ-ઓવર કરવા માટે તેમને 150 રૂપિયા મળ્યા હતા, જે 1976ના સમયમાં ખૂબ મોટી રકમ હતી. ત્યારબાદ દૂરદર્શનમાં 1600 લોકોના ઓડિશનમાંથી તેમની ન્યૂઝ એન્કર તરીકે પસંદગી થઈ. તેમની પ્રતિભા જોઈને લતા મંગેશકરે તેમને બોલાવ્યા. લતાજી સાથે તેમણે 21 દેશોમાં 123 થી વધુ કોન્સર્ટ્સમાં કામ કર્યું અને એક એન્કર તરીકે વિશ્વસ્તરે નામના મેળવી. 22 હજારથી વધુ કોમર્શિયલ જાહેરાતોમાં અવાજ આપ્યો હરીશ ભીમાણીએ 22 હજારથી વધુ કોમર્શિયલ જાહેરાતોમાં અવાજ આપીને રેકોર્ડ સર્જ્યો છે. હિન્દી, અંગ્રેજી, ગુજરાતી અને ઉર્દૂ ભાષા પર સમાન પ્રભુત્વ ધરાવતા આ દિગ્ગજ કલાકારે અસંખ્ય ડોક્યુમેન્ટ્રી, શોર્ટ ફિલ્મ્સ અને ફિલ્મી ટ્રેલર્સને પોતાની આગવી શૈલીમાં જીવંત બનાવ્યા છે. અવાજની દુનિયાના શહેનશાહ ગણાતા ભીમાણીએ બહુમુખી પ્રતિભા દ્વારા માત્ર ભારત જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વોઈસ-ઓવર ક્ષેત્રે પોતાની વિશિષ્ટ ઓળખ ઊભી કરી છે. તેમને વર્ષ 2016માં વોઈસ-ઓવર ક્ષેત્રે તેમના યોગદાન બદલ નેશનલ એવોર્ડ એનાયત થયો છે. આજે પણ તેઓ સતત કાર્યરત છે. હાલમાં તેઓ લતાજીના જીવન પરના પુસ્તક ‘’ઇન સર્ચ ઓફ લતા મંગેશકર’’ની ત્રીજી આવૃત્તિ પર કામ કરી રહ્યા છે, જે 28 સપ્ટેમ્બર 2026 ના રોજ લોન્ચ થશે. વતન માંડવી માટેનું સપનું: ભીમાણી ટાવરનો જીર્ણોદ્ધાર ભુજ મુલાકાત દરમિયાન તેમણે પોતાની એક ખાસ ઈચ્છા વ્યક્ત કરી છે કે, તેઓ માંડવીના ભીમાણી ટાવરનું રિનોવેશન કરાવવા માંગે છે અને ત્યાંની 4 ઘડિયાળોમાંથી ૩ બંધ હાલતમાં છે. તેને શરૂ કરવા અને ઘડિયાળ પાસે “મેં સમય હૂં” લખાવવા માંગે છે, જેથી આવનારી પેઢી જાણી શકે કે આ અવાજનું મૂળ ક્યાં છે. પરિવારની ઈચ્છા વિરુદ્ધ જઈને પણ પોતાની પ્રતિભા પર વિશ્વાસ રાખીને હરીશ ભીમાણીએ સાબિત કરી દીધું કે, જો તમારામાં સાચો ‘સુર’ હોય તો આખું વિશ્વ તેને સાંભળવા માટે મજબૂર થઈ જાય છે.
    Click here to Read More
    Previous Article
    આગ લાગવાને લીધે મચી દોડધામ:કચ્છમાં ગરમી વચ્ચે આગની ઘટના વધી, 6 બનાવ સામે આવ્યા
    Next Article
    મતગણતરીને લઈને જાહેરનામું:ભુજ એન્જિનિયરિંગ કોલેજ તરફના માર્ગો વાહનવ્યવહાર માટે બંધ, ડાયવર્ઝન જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment