Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એકબીજાને ગમતાં રહીએ:બોગસ યુનિવર્સિટીઃ શિક્ષણનું સ્કેમ

    3 days ago

    એક મધ્યમવર્ગીય માતા-પિતા પોતાના સંતાન માટે સારી યુનિવર્સિટી શોધી રહ્યા છે. અચાનક એમની નજર એક ‘ગ્લોબલ’ યુનિવર્સિટીની વેબસાઈટ ઉપર પડે છે. મોટી સ્કોલરશિપ અને જાતજાતના પ્લેસમેન્ટના વચનો આપતી આ યુનિવર્સિટીની વેબસાઈટ આકર્ષક અને લોભામણી છે. પૂરી તપાસ કર્યા વગર માતા-પિતા એમાં ફસાઈ જાય છે. ધીરે ધીરે કરતાં ચાર લાખ રૂપિયા ભરવા પડે છે. માતા-પિતા માને છે કે હવે એક વાર એડમિશન લીધા પછી અડધેથી છોડવું બરાબર નથી, જેમ તેમ કરીને પૈસા ભર્યા પછી જ્યારે એક વર્ષે એમનું સંતાન ડિગ્રી સર્ટિફિકેટ લઈને નોકરી માટે જાય છે ત્યારે એની ડિગ્રી જોઈને એને કહેવામાં આવે છે કે, એની યુનિવર્સિટી માન્યતા પ્રાપ્ત નથી. બોગસ છે... ભારતમાં ગયા વર્ષે આવા બે હજારથી વધુ કેસ નોંધાયા છે. દેશભરમાં આવી 32થી વધારે યુનિવર્સિટીઝ છે. જે યુજીસીની માન્યતા ધરાવતી નથી. ભારતમાં જ નહીં, બલ્કે વિદેશમાં આવી યુનિવર્સિટીઝની બોલબાલા છે. સાવ નાનકડી ઓફિસ હોય એવી યુનિવર્સિટીઝ સ્ટુડન્ટ વિઝા અપાવવાની ગેરંટી આપે છે. ત્યાં કોઈ શિક્ષણનું કાર્ય થતું નથી, બલ્કે સ્ટુડન્ટ વિઝા લઈને આવનાર ભારતીય વ્યક્તિનું શોષણ કરવામાં આવે છે. ઓછા ભાવે ગેરકાયદેસર નોકરી કરવી પડે, એ લોકો રાખે ત્યાં, આઠ-દસ જણ એક રૂમમાં હોય એવી જગ્યાએ રહેવું પડે. ખાવાના ઠેકાણા ન હોય અને અંતે જે સર્ટિફિકેટ મળે એનું કોઈ મૂલ્ય ન હોય! ગેરકાયદેસર રીતે વિદેશમાં રોકાઈ જવા માગતા લોકો આવી યુનિવર્સિટીઝનો ઉપયોગ કરે છે. એમાંથી કેટલાક સફળ પણ થાય છે. એમને વિદેશમાં ગેરકાયદે કે અંતે કાયદેસર રીતે રહેવાની ગોઠવણ થઈ પણ જાય, પરંતુ જે લોકોને ખરેખર ભણવું છે એવા ઘણા મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ ઓછી ફી, સ્કોલરશિપ, પ્લેસમેન્ટની સાથે સાથે કેમ્પસ રેસિડેન્સ જેવી તદ્દન ખોટી જાહેરાત વાંચીને સપડાય છે. કેટલીકવાર સ્ટુડન્ટ વિઝા લઈને ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ કે સિંગાપોર, થાઈલેન્ડ, મલેશિયા જેવા દેશોમાં પહોંચે ત્યારે ખબર પડે કે એમણે ભરેલા પૈસા હજમ થઈ ગયા છે. આવા 50-100 લોકોના પૈસા લઈને યુનિવર્સિટીના નામે ભાડે રાખેલી ઓફિસ ખાલી કરી દેવામાં આવી છે અને જે બેન્ક એકાઉન્ટમાં પૈસા ભરવામાં આવ્યા હતા એ બેન્ક એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે... આવી પરિસ્થિતિમાં ભારતથી ગયેલો મધ્યમવર્ગનો બિનઅનુભવી છોકરો કે છોકરી પૂરી રીતે ફસાઈ જાય છે. શિક્ષણ તો મળતું નથી, પરંતુ વિદેશમાં બે દિવસ રહેવાની પણ જગ્યા ક્યારેક ન મળે-માતાપિતાએ મહેનત કરીને બચાવેલા, લોન લઈને આપેલા ફીના પૈસા આવી બોગસ યુનિવર્સિટીમાં ખવાઈ જાય છે. એવું માનવામાં આવે છે કે ભારત કરતાં આવી યુનિવર્સિટી વિદેશોમાં વધુ છે અને ભારતથી જનારા કેટલાય સ્ટુડન્ટ્સ આવી બોગસ યુનિવર્સિટીની લાલચમાં ફસાઈને ભારત પાછા ફરે છે અથવા વિદેશમાં ગેરકાયદેસર મજૂરી કરીને હેરાન થાય છે! આવી યુનિવર્સિટીઝ શરૂઆતમાં સાવ નોમિનલ ફીની જાહેરાત કરે છે. 50 હજાર કે લાખ રૂપિયામાં બે વર્ષનું શિક્ષણ મળતું હોય તો શું ખોટું? એમ વિચારીને મધ્યમવર્ગીય માતા-પિતા ફસાય છે. એ સ્કોલરશિપની ખોટી જાહેરાતને સાચી માની લે છે... એક વાર લાખ રૂપિયા ભર્યા પછી કેમ્પસ સ્ટેના નામે 50, વિઝિટિંગ ફેકલ્ટી ફીના નામે 50, વિઝા ફી અને પ્રોસેસિંગ ફીના નામે 50... આનો ક્યાંય અંત આવતો નથી. ડિજિટલ અરેસ્ટની જેમ એક નાનકડી ભૂલમાં ફસાયેલા લોકો એમાંથી નીકળવા માટે વધુને વધુ ભૂલો કરતા જાય છે, ફસાતા જાય છે. ચાર, સાડા ચાર લાખ રૂપિયા ભરી દીધા પછી એમાંથી બહાર નીકળવું શક્ય નથી હોતું, એટલે માતા-પિતા અને ડિગ્રી ઈચ્છતા સંતાનો પણ આવી યુનિવર્સિટીઝમાં જોડાઈ જવાનું ઓપ્શન પસંદ કરે છે. હૈદરાબાદ, દિલ્હી, કેરાલા કે ઉત્તર પ્રદેશના કોઈ શહેરમાં પહોંચ્યા પછી ખબર પડે છે કે, ત્યાં એક વીસ બાય વીસની ઓફિસ છે... બીજું કશું નથી! ઘેરથી નીકળેલી વ્યક્તિ સગાં અને સમાજને શું મોં બતાવવું, એ વિચારથી ત્યાં જ રહેવાનું પસંદ કરે છે. શિક્ષણના નામે સાવ ધતીંગ ચાલે છે અને ડિગ્રીના નામે એક બોગસ સર્ટિફિકેટ પકડાવવામાં આવે છે જેના પર નોકરી તો નથી જ મળતી, પરંતુ ક્યારેક ફ્રોડના કેસમાં જેલ પણ થઈ શકે! આવી યુનિવર્સિટીની પોલીસ ફરિયાદ ન થઈ શકે? થઈ જ શકે, પરંતુ એમણે આપેલા બ્રોસર કે વેબસાઈટ ઉપર ઝીણી ઝીણી ફૂદડી કરીને કેટલીક શરતો લખી હોય છે. ઉત્સાહ અને ઉતાવળમાં આપણે આવું કંઈ વાંચતા નથી. હજી ભારતીય માનસિકતામાં પૂરી માહિતી મેળવવી અને પ્રશ્નો પૂછવાની ઝીણવટ રાખતાં આપણે શીખ્યા નથી. ‘સસ્તું’ આપણને આકર્ષે છે. આજે પણ સોશિયલ મીડિયા પર જાહેરાત વાંચીને અભિનય કે સ્ક્રીપ્ટ લેખન માટે બોલિવુડમાં ચાન્સ મળશે એવું માનનારા લોકોની સંખ્યા ઓછી નથી... ‘એક વર્ષમાં ગ્રેજ્યુએશન...’ ‘એક્ઝામ વગર એક્સપિરિયન્સ બેઝ ડિગ્રી’ સહિત ઈન્ટરનેશનલ યુનિવર્સિટી, ઓપન ગ્લોબલ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ હાયર એજ્યુકેશન જેવાં ફેન્સી નામો ધરાવતી આ ખોટી યુનિવર્સિટીઝ લોકોને મૂર્ખ બનાવવાનું કામ કરે છે. આપણે જાણતા નથી, પરંતુ બંધારણ કહે છે કે ભારતમાં ‘યુનિવર્સિટી’ શબ્દનો ઉપયોગ કોઈપણ ઈન્સ્ટિટ્યૂટ મન ફાવે તેમ કરી શકતો નથી. સાચી યુનિવર્સિટી ત્રણ રીતે બની શકે. પાર્લામેન્ટ એક્ટ, સ્ટેટ ગવર્નમેન્ટનો એક્ટ અને ડિમ્ડ યુનિવર્સિટી સ્ટેટ્સ. ફ્લેશી અથવા ફેન્સી વેબસાઈટથી લોભાવાને બદલે ગુગલ મેપ પર લોકેશન ચેક કરવું, યુજીસીની માન્યતા ચેક કરવી અને સૌથી ઈમ્પોર્ટન્ટ માર્કશીટ વગર, ક્વોલિફિકેશન વગર કે એન્ટ્રન્સ ટેસ્ટ વગર એડમિશન આપતી યુનિવર્સિટીમાં સામાન્ય રીતે કંઈને કંઈ ગડબડ હોવી જોઈએ. મોટાભાગની યુનિવર્સિટીઝ સો ટકા પ્લેસમેન્ટની જાહેરાત કરે છે. આ મોટાભાગના લોકો માટે સૌથી લોભામણી બાબત બની રહે છે. મોટી કંપનીના ફેઈક લોગો અને પ્લેસમેન્ટ મળ્યું હોય એવા લોકોના ફોટા જોઈને ક્યારેય ફસાવું નહીં. હવે આની તપાસ કઈ રીતે થઈ શકે? યુજીસીની વેબસાઈટ પર જઈને યુનિવર્સિટીનું નામ ચેક કરી જોવું, ત્યાં અપ્રુવ્ડ યુનિવર્સિટીનું લિસ્ટ હોય છે. આપણે જે યુનિવર્સિટીની તપાસ કરી રહ્યા છીએ એનું નામ જો યુજીસીની ઓફિશિયલ વેબસાઈટ પર ન હોય તો માની લેવું કે આ મોટાભાગે ફેઈક છે. માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાં જ સંતાનનું એડમિશન લેવાનો કે શિક્ષણ લેવાનો આગ્રહ રાખવો. ફી સ્ટ્રક્ચર, યુજીસીની માન્યતા, સ્ટેટ કે પાર્લામેન્ટના એક્ટની વિગતો પૂરેપૂરી ચકાસવી ને છેલ્લે, પ્લેસમેન્ટની જાહેરાતથી લોભાવું નહીં!
    Click here to Read More
    Previous Article
    મૂડ માઇન્ડ:મનની માયાજાળ
    Next Article
    રોકાણ:મ્યુચ્યુઅલ ફંડ અને ગૃહિણી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment