Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં સદનસીબે મોટી દુર્ઘટના ટળી:કાલાવડ રોડ પરના ફન બ્લાસ્ટ ગેમઝોનમાં સ્પાર્ક થતા અફરાતફરી, સ્મોક ડિટેક્ટર એક્ટિવ થતા હૂટર વાગવા લાગ્યા હોવાની સંચાલકની સ્પષ્ટતા

    12 hours ago

    રાજકોટમાં અગાઉ બનેલી TRP ગેમ ઝોનની ભયાનક દુર્ઘટના હજુ લોકોના માનસપટ પરથી ભૂંસાઈ નથી, ત્યા આજે કાલાવડ રોડ પરના ફનબ્લાસ્ટ ગેમઝોનમાં સ્પાર્ક થતા રવિવારની રજામાં પરિવાર અને બાળકોની સાથે આવેલા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક થયેલા સ્પાર્કનાં ડરથી લોકો બહારની બાજુએ ભાગવા લાગતા આ સમયે હાજર લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. બનાવની જાણ થતાં જ ફાયર અને 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે કોઈ કારણે સ્મોક ડિટેક્ટર એક્ટિવ થતા હૂટર વાગવા લાગ્યા હોવાની સ્પષ્ટતા સંચાલક દ્વારા કરવામાં આવી હતી. છતાં ફાયર વિભાગ દ્વારા ડે. કમિશ્નર નંદાણીની દેખરેખમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. ઘટના સમયે ગેમ ઝોનમાં હાજર રહેલા સોહન નામના યુવકે દિવ્યભાસ્કરને પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે, તે પોતાની નાની દીકરી સાથે અંદર ગેમ્સ રમી રહ્યો હતો. તે સમયે અચાનક ટ્રેમ્પોલીન પાસે આગ લાગી હોવાની બૂમો સંભળાઈ હતી. ટ્રેમ્પોલીન સેક્શનમાં આગ ફેલાતા જ આખા પરિસરમાં નાસભાગ મચી ગઈ હતી. સોહને જણાવ્યું કે, અમે અંદર મશીન ગેમ્સ રમી રહ્યા હતા ત્યારે જ ધુમાડો દેખાવા માંડ્યો અને લોકો ભાગવા લાગ્યા. મેં તરત જ મારી દીકરીને તેડી લીધી અને અમે સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. સદનસીબે, ત્યાં હાજર કર્મચારીઓએ સમયસૂચકતા વાપરીને CO_2 ના બાટલા વડે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે આગ વધુ પ્રસરે તે પહેલા જ તેને નિયંત્રિત કરી શકાઈ હતી. ફનબ્લાસ્ટ ગેમ ઝોનના પ્રતિનિધિ જયદીપ સિંહ પરમારે ઘટના અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ગેમ ઝોનમાં લગાવેલા સ્મોક ડિટેક્ટર એક્ટિવ થઈ ગયા હતા અને હૂટર વાગવા લાગ્યા હતા. તેમણે ભારપૂર્વક કહ્યું કે, કોઈ મોટી દુર્ઘટના બની નથી પરંતુ સેફ્ટી પ્રોટોકોલના ભાગરૂપે તમામ ગ્રાહકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. બીજી તરફ, ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે સ્પાર્ક થયો હતો. ગેમ ઝોન પાસે ફાયર વિભાગની NOC અને નવા નિયમો મુજબની તમામ મંજૂરીઓ હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. રાજકોટ મહાપાલિકાનાં ડે. કમિશ્નર સી. કે. નંદાણીએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, ફનબ્લાસ્ટ ગેમઝોનમાં કોઈ સ્પાર્ક થવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. સ્મોક ડિટેક્ટર દ્વારા એલર્ટ મળતા જ ગેમઝોનની ઇન્ટરનલ ફાયર સિસ્ટમ કાર્યરત થઈ ગઈ હતી અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે આ ગેમઝોન પાસે ફાયર NOC અને જરૂરી તમામ મંજૂરીઓ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. છતાં સમગ્ર પરિસ્થિતિની ખાતરી કર્યા બાદ જ ગેમઝોનને ફરી શરૂ કરવા માટેની સૂચના આપવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, સદનસીબે આ કિસ્સામાં જાનહાનિના કોઈ સમાચાર નથી, પરંતુ રવિવારના દિવસે જો આગે વિકરાળ સ્વરૂપ લીધું હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. વેકેશનના સમયમાં ગેમ ઝોનમાં ભીડ વધુ રહેતી હોવાથી સુરક્ષાના સાધનો અને ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન થાય તે અત્યંત અનિવાર્ય બન્યું છે. હાલમાં ફાયર વિભાગ દ્વારા સમગ્ર ગેમ ઝોનની સુરક્ષા વ્યવસ્થા અંગેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના બાદ અન્ય ગેમ ઝોનનાં સંચાલકોને પણ ફાયર સેફ્ટી સિસ્ટમ રી-ચેક કરવા માટે સૂચના અપાય તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    મતદાનમાં હાર્ટ એટેકથી 3ના મોત:જામનગર મનપામાં AAPના ઉમેદવારનું નિધન; ગરમી 44 ડિગ્રી મતદાન 57%
    Next Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ:નવસારી જિલ્લામાં સરેરાશ 69.60 ટકા મતદાન નોંધાયું, ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ, 28 એપ્રિલે મતગણતરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment