Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ રાજકોટિયન્સને મતદાનની અપીલ કરી:મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ, હેલ્પીંગ બૂથની મનાઈ, ચૂંટણી સબંધિત ફરિયાદ માટે કંટ્રોલરૂમના નંબર જાહેર

    12 hours ago

    રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે એક જ દિવસ બાકી છે ત્યારે IPL ના વ્યસ્ત શેડ્યુલ વચ્ચે પણ ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ રાજકોટિયન્સને મતદાનની અપીલ કરી હતી. આ સાથે જ વહીવટી તંત્ર અને પોલીસ કમિશનર દ્વારા ચૂંટણી સંબંધીત જાહેરનામાઓ બહાર પાડવામાં આવ્યા છે. જેમાં મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો મતદાન મથકની આસપાસ 200 મીટરના વિસ્તારમાં હેલ્પીંગ બૂથની મનાઈ છે તો ચૂંટણી સબંધિત ફરિયાદ માટે કંટ્રોલ રૂમના નંબર જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટના વતની જાણીતા ક્રિકેટર અને રાજ્ય ચૂંટણીપંચના બ્રાન્ડ એમ્બેસેડર ચેતેશ્વર પુજારાએ રાજકોટિયન્સને 26મી એપ્રિલ ને રવિવારે ચૂંટણીમાં મતદાન કરવા ખાસ અપીલ કરી છે. IPLના અતિ વ્યસ્ત શિડ્યૂલ વચ્ચે ચૂંટણીમાં મતદાનની અપીલ કરતા ચેતેશ્વર પુજારાએ એક વીડિયો સંદેશમાં જણાવ્યું છે કે, તા.26મી એપ્રિલ, 2026 ને રવિવારના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીમાં આપનો કિંમતી અને પવિત્ર મત આપજો અને લોકશાહીના પર્વને સફળ બનાવજો. મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા પર મનાઈ રાજકોટ શહેરમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણી સમયે કાયદો-વ્યવસ્થા જાળવવા શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા મતદાન મથકો તેમજ આસપાસના 100 મીટરના વિસ્તારમાં વિવિધ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ ફરમાવાયો છે. જેમાં મોબાઈલ સહિતના સંદેશા વ્યવહારના વીજાણુ માધ્યમો મતદાન મથકમાં લઈ જવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. આ અંગે જારી કરાયેલા જાહેરનામામાં જણાવ્યું છે કે, રાજકોટ શહેર પોલીસ કમિશનરેટ વિસ્તારમાં તા.26 મી એપ્રિલના રોજ મતદાન મથક તેમજ તેની 100 મીટરની ત્રિજ્યામાં કોઈ પણ રાજકીય પક્ષના ઉમેદવાર કે તેમના એજન્ટો દ્વારા મત માટે પ્રચાર કરી શકાશે નહીં. મતદારોને ધાકધમકી આપી, રંજાડીને મતદાન કરતા અટકાવવા કે મત આપવા આગ્રહપૂર્વક વિનંતી કરવી, અમુક ચોક્કસ વ્યક્તિને મત આપવા કે ન આપવા માટે સમજાવવા જેવા કૃત્યો કરી શકાશે નહીં. મતદાન મથકની મર્યાદામાં સેલ્યુલર ફોન, મોબાઈલ, કોર્ડલેસ ફોન કે વાયરલેસ સેટ જેવા સંદેશાવ્યવહારના સાધનો લઈ જવા પર પ્રતિબંધ રહેશે. વધુમાં, અશક્ત કે દિવ્યાંગ વ્યક્તિઓ સિવાયના લોકો માટે વાહનો સાથે લાવવા પર પણ રોક લગાવવામાં આવી છે. ચૂંટણીને લગતી કોઈ પણ નોટિસ કે નિશાની પ્રદર્શિત કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. મતદાન મથકના 200 મીટરના વિસ્તારમાં ચૂંટણી માટે હેલ્પીંગ બુથ ઊભા કરી શકાશે નહીં રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ માટે તા.26 એપ્રિલના મતદાન અને તા.28 એપ્રિલના રોજ મત ગણતરી થશે. મતદારો નિર્ભયતાથી અને શાંતિપુર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ, રાજકોટ ડો.ઓમ પ્રકાશ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે, રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં તા.26 એપ્રિલના સવારના 7 કલાકથી રાત્રીના 12 કલાક સુધી તથા જો પુનઃમતદાનનો પ્રશ્ન ઉપસ્થિત થાય એવા કિસ્સામાં તા.27 એપ્રિલના સવારના 7 કલાક થી રાત્રીના 12 કલાક સુધી કેટલાક પ્રતિબંધાત્મક આદેશો અમલી રહેશે. જેમાં ચૂંટણી માટેના ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ કે અન્ય કોઈપણ વ્યકિત મતદાન મથકના 200 મીટરના વિસ્તારમાં ચૂંટણી માટે હેલ્પીંગ બુથ ઉભા કરી શકશે નહીં અને એક જ મંડપ બાંધી શકાશે તેમજ તેમાં એક ટેબલ અને બે ખુરશી જ રાખી શકાશે. તડકાથી/વરસાદથી રક્ષણ માટે છત્રી અથવા તાડપત્રીનો ટુકડો માથાના ભાગે રાખી શકાશે પરંતુ મંડપની ફરતે કંતાન કે પછેડી જેવી આડશ લગાવી શકાશે નહીં. કોઈપણ વ્યકિત મતદાન મથક તેમજ તેની આસપાસના 100 મીટરના વિસ્તારમાં સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જશે નહીં કે તેનો ઉપયોગ કરી શકશે નહીં.આ હુકમમાંથી ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ સોંપવામાં આવેલ છે તે તમામ અધિકારી/કર્મચારીઓને, ફરજ ૫૨ના પોલીસ/એસઆરપી-હોમગાર્ડ/પેરામીલટ્રી ફોર્સના અધિકારી તથા જવાનોને મુક્તિ આપવામાં આવેલ છે. ચૂંટણી સંબંધિત ફરિયાદ માટે 25 તથા 26મી એપ્રિલના રોજ ચૂંટણી પંચનો કંટ્રોલરૂમ કાર્યરત રહેશે રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ આગામી 26 એપ્રિલના રોજ યોજાનાર છે. આ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને નાગરિકો પોતાની રજૂઆતો કરી શકે તે માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર ખાતે ખાસ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ માટે 079 23255951, 079 23255953 તેમજ 079 23257381 અને 079 23257383 નંબર જાહેર કરવામાં આવ્યા છે. જે 25 તથા 26મી એપ્રિલના રોજ કાર્યરત રહેશે. ચૂંટણી સંબંધિત કોઈપણ ફરિયાદ અથવા પ્રશ્નો હોય તો નાગરિકો આ ફોન નંબર પર સંપર્ક કરીને પોતાની રજૂઆત નોંધાવી શકશે. વોર્ડ નં.7,8,9ના મતદારો માટે તા.26મીએ કંટ્રોલ રૂમ કાર્યરત કરાશે ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ અંતર્ગત તા.26 એપ્રિલ,2026ના રોજ મતદાનનું આયોજન કરાયું છે. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા સામાન્ય ચૂંટણી અન્વયે વોર્ડ નં.7, 8 તથા 9 માટે નિયત થયેલા મતદાન મથકો ખાતે સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી મતદાન થનારુ છે. જે માટે તા.26ના રોજ સવારે 6 કલાકથી સાંજે 7 કલાક સુધી કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. લોકો જરૂર પડ્યે કંટ્રોલ રૂમના ટેલિફોન નંબર 0281- 2990048 અથવા dso.rjt@gmail.com પર સંપર્ક કરી શકશે. ભાવિ મતદાર વિદ્યાર્થીઓએ ચુનાવ પાઠશાળા, શપથવિધિ, જૂથચર્ચા, મોકપોલ કર્યુ ગુજરાતના ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલા SVAP (State Voter's Awareness Program) અંતર્ગત રાજકોટ જિલ્લામાં મતદાન જાગૃતિની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ છે. રાજકોટની સરોજિની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા સ્વામી વિવેકાનંદ શાળા વિકાસ સંકુલ અંતર્ગત ‘ચુનાવ પાઠશાળા’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થિનીઓએ લોકશાહીના શપથ ગ્રહણ કર્યા હતા. સેમિનારમાં વિદ્યાર્થિનીઓએ મતદાનની પ્રક્રિયા વિશે માહિતી મેળવી હતી. તેમજ વિદ્યાર્થીનીઓએ પોસ્ટર સ્પર્ધા અને સ્લોગન સ્પર્ધામાં પોતાની સર્જનાત્મકતા પ્રદર્શિત કરી ‘મતદાન એ જ મહાદાન’નો સંદેશો પાઠવ્યો હતો. આ ઉપરાંત, કડવીબાઇ વિરાણી કન્યા વિદ્યાલય ખાતે મતદાન જાગૃતિ સંદર્ભે વિદ્યાર્થિનીઓ માટે જૂથચર્ચા યોજાઈ હતી, જેમાં યુવા મતદારોની ભૂમિકા વિશે ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે મતદાન જાગૃતિ અભિયાનમાં પી. એન્ડ ટી. વી. શેઠ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ‘હર ઘર સંપર્ક’ કાર્યક્રમ કરીને પત્રિકા વિતરણ કર્યું હતું અને 26 એપ્રિલ, રવિવારે અચૂક મતદાન કરવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત ગોંડલની મોંઘીબા સ્કૂલ ખાતે પણ વિવિધ પ્રવૃત્તિઓ સાથે ‘મોક પોલ’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ મતદાનની પ્રત્યક્ષ પ્રક્રિયાનો અનુભવ મેળવ્યો હતો. મતદાન પૂર્વે 48 કલાકથી સરકારી વિશ્રામગૃહોમાં મહાનુભાવોને રૂમ ફાળવણી પર પ્રતિબંધ રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને તા.30 એપ્રિલ સુધી કોઈ પણ રાજકીય પક્ષના હોદ્દેદારો, ઉમેદવારો કે તેમના એજન્ટો સરકારી આરામગૃહો, ડાકબંગલાઓ કે સરકારી રહેણાંકો કે તેના આંગણનો ઉપયોગ ચૂંટણી પ્રચાર કે મીટિંગ માટે કરી શકશે નહીં. આ સ્થળો પર રાજકીય પક્ષોના સભ્યોની મિટિંગ પણ યોજી નહીં શકાય કે રાજકીય હેતુસર ચૂંટણી પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા વાહનો પણ પાર્કિંગ નહીં કરી શકાય. મતદાન પૂર્વેના 48 કલાક દરમિયાન કોઈ પણ મહાનુભાવોને આ સ્થળોએ રૂમ ફાળવવા પર પણ પ્રતિબંધ રહેશે. માત્ર 'ઝેડ' કક્ષાની સુરક્ષા ધરાવતા પદાધિકારીઓને જ અમુક શરતોને આધીન છૂટછાટ આપવામાં આવશે. જો કે તેઓ આ સ્થળોએ રાજકીય પ્રવૃત્તિઓ કરી શકશે નહીં. ચૂંટણી અન્વયે રાજકોટ જિલ્લામાં સભા-સરઘસબંધી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી અન્વયે રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.ઓમ પ્રકાશે તા.30 એપ્રિલ સુધી ચાર કરતા વધારે માણસોના ભેગા થવા પર, કોઇ સભા બોલાવવા કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. સરકારી અથવા અર્ધસરકારી નોકરી પર કે અન્ય સરકારી ફરજ પર હોય તેમને તથા સ્મશાનયાત્રા અને વરઘોડાને આ પ્રતિબંધાત્મક હુકમ લાગુ પડશે નહિ. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે. મતગણતરી કેન્દ્રના સમગ્ર પરિસરમાં હથિયાર તેમજ સંદેશાવ્યવહારના તમામ ડિવાઈસીસ પર પ્રતિબંધ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણીઓ સંદર્ભે, રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ ડો.ઓમ પ્રકાશ દ્વારા આદેશ કરવામાં આવ્યા છે કે, રાજકોટ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં તા.28 એપ્રિલનાના સવારના 7 કલાકથી મતગણતરી પૂર્ણ થાય ત્યાં સુધી કોઈપણ વ્યક્તિ કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યકિત મતગણતરી હોલમાં કે મતગણતરી કેન્દ્રની કમ્પાઉન્ડ વોલ સહિતના પ્રીમાઈસીસમાં કોઈ પણ પ્રકારનું હથિયાર, સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકરણો સાથે લઈ જઈ શકશે નહીં કે તેનો ઉપયોગ કરી શકશે નહીં. કોઈપણ વ્યક્તિ સક્ષમ અધિકારી તરફથી ઈસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થઈ શકશે નહીં તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરવાના રહેશે.મતગણતરી કેન્દ્રની આસપાસના 200 મીટરના વિસ્તારમાં સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતા વધુ વ્યક્તિઓ એકત્રીત થઈ શકશે નહીં અથવા કોઈ સભા ભરી શકશે નહીં કે સરઘસ કાઢી શકશે નહીં. મતગણતરી અંગેની ફરજ પર રહેલા અધિકારી/કર્મચારીઓને ખાસ કિસ્સામાં મુકિત મળેલ હોય તો તેમને આ આદેશોમાંથી મુક્તિ આપવામાં આવે છે. મતદાન મથકની 200 મીટરની હદની બહાર મતદાર કાપલી વિતરણનો એક જ કેમ્પ રાખી શકાશે રાજકોટ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આદર્શ આચારસંહિતાનું ચુસ્તપણે પાલન થાય તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા મતદાન મથકોની 200 મીટરની ત્રિજ્યામાં વિવિધ પ્રતિબંધો લાદતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ જાહેરનામામાં ફરમાવ્યું છે કે,26મી એપ્રિલે મતદાનના દિવસે કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવાર, તેમના એજન્ટો કે તેમના સમર્થકો મતદાન મથકની 200 મીટરની હદની અંદર મતદારોને મતદાર યાદીનો ક્રમ કાઢી આપવા કે કાપલી લખી આપવા માટેના કેમ્પ ઊભા કરી શકશે નહીં. આ મર્યાદાની બહાર દરેક ઉમેદવાર દીઠ માત્ર એક જ કેમ્પ રાખી શકાશે, જેમાં એક ટેબલ, બે ખુરશી અને તડકાથી બચવા માટે છત્રી કે તાડપત્રીનો ઉપયોગ કરી શકાશે.આ કેમ્પ ઊભા કરવા માટે ઉમેદવારે સંબંધિત ચૂંટણી અધિકારીને જ્યાં કેમ્પ રાખવાના હોય તે મતદાન મથકોની યાદી આપીને સ્થાનિક સત્તા મંડળની લેખિત પરવાનગી મેળવવાની રહેશે. કેમ્પમાં વપરાતી કાપલી પર ઉમેદવારનું નામ, પ્રતીક કે પક્ષનું નામ હોવું જોઈએ નહીં. ઉમેદવારોના કેમ્પ સાદા હોવા જોઈએ અને ત્યાં કોઈ પણ પ્રકારના પોસ્ટર, વાવટા કે પ્રચાર સામગ્રીનું પ્રદર્શન કરી શકાશે નહીં. કેમ્પ પર ભીડ એકઠી કરવા કે ખાદ્ય સામગ્રીના વિતરણ પર પણ સખત મનાઈ ફરમાવવામાં આવી છે. મતદાન મથકની 100 મીટરની હદમાં સેલ્યુલર ફોન, કોર્ડલેસ ફોન કે વાયરલેસ સેટ લઈ જવા પર પ્રતિબંધ રહેશે. મતદાન માટે શ્રમયોગીઓ-કર્મચારીઓને સવેતન રજા આપવા હુકમ રાજ્યમાં 26મી એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી માટે મતદાન થનાર છે. આ ચૂંટણીમાં દરેક મતદાર પોતાની પવિત્ર મતદાનની ફરજ અદા કરી શકે તે માટે રાજ્યના શ્રમ નિયામકશ્રી દ્વારા શ્રમયોગીઓ, કર્મચારીઓને સવેતન રજા આપવા હુકમ કરવામાં આવ્યો છે. જે મુજબ, મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યક્તિ કોઈ દુકાન, સંસ્થામાં નોકરી કરતી હોય અને 26મી એપ્રિલે સાપ્તાહિક રજા ન આવતી હોય તો એવા કર્મચારી, કામદારોને ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિસમેન્ટ(રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ડીશન્સ ઓફ સર્વિસ)-એક્ટ 2019 હેઠળ મતદાન માટે વારાફરતી ત્રણ કલાકની ખાસ રજા આપવાની રહેશે. જે દિવસે અઠવાડિક રજા હોય તે દિવસે સંસ્થાઓ-દુકાન ચાલુ રાખીને અવેજી કે બદલીમાં મતદાનના દિવસે રજા આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવાની રહેશે. જ્યાં મતદાર કર્મચારી કે કામદારની ગેરહાજરીના કારણે ભયજનક સ્થિતિ ઊભી થાય તેમ હોય અથવા તેની ગેરહાજરીના કારણે વ્યાપક નુકસાન થાય તેમ હોય ત્યાં આ નિયમ લાગુ નહીં પડે.
    Click here to Read More
    Previous Article
    પેટીએમ પેમેન્ટ્સ બેંક લાઇસન્સ RBIએ રદ કર્યું:કહ્યું- તેની બેંકિંગ સુરક્ષિત નથી, ગ્રાહકોને પૂરતા પૈસા પરત મળશે; UPI એપ કામ કરતી રહેશે
    Next Article
    થાળી-વેલણ અને ઢોલ વગાડીને વિરોધ:બજરંગવાડીમાં પ્રાથમિક સુવિધાનાં અભાવે સ્થાનિકોમાં ભારે રોષ, વોર્ડમાં ત્રણ કોર્પોરેટરો પાસે મહત્વના હોદ્દાઓ હોવા છતાં વિકાસ ન થયાનો આરોપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment