Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિંહે શિકાર છોડી બાળકી પાછળ દોટ મૂકી:ગીરની સરહદે રતાંગમાં વનરાજની મિજબાની વચ્ચે મચી અફરાતફરી: સિંહને જોવા ગામ લોકો થયા એકઠા, સિંહને દોટ મુકતા માસૂમ બાળકીનો આબાદ બચાવ

    12 hours ago

    ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના સરહદી ગામડાઓમાં વનરાજોનું રહેણાંક વિસ્તારમાં આવવું હવે સામાન્ય ઘટના બની ગઈ છે, પરંતુ વિસાવદર તાલુકાના રતાંગ ગામે બનેલી એક ઘટનાએ સમગ્ર પંથકમાં ફાળ પાડી દીધી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા હચમચાવી દે તેવા દ્રશ્યોમાં જોવા મળે છે કે એક ડાલામથ્થો સિંહ ગામની શેરીમાં પશુનો શિકાર કરી મિજબાની માણી રહ્યો હતો. આ દ્રશ્યો જોવા માટે ગામ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને લોકો પોતાના જીવના જોખમે મોબાઈલમાં સિંહના વીડિયો ઉતારવામાં મશગૂલ હતા. વનરાજ જ્યારે શાંતિથી પોતાનો ખોરાક આરોગી રહ્યો હતો ત્યારે લોકો દ્વારા સતત મોબાઈલની ફ્લેશ લાઈટ અને અવાજોને કારણે સિંહ વિચલિત થયો હતો. વીડિયોમાં જોવા મળતી સૌથી ભયાનક ક્ષણ ત્યારે આવે છે જ્યારે ત્રાડ પાડતો સિંહ અચાનક પોતાના શિકાર પરથી ઊભો થઈ જાય છે અને નજીકથી પસાર થઈ રહેલી એક નાની બાળકી પાછળ જોરદાર દોટ મૂકે છે. સિંહને પોતાની તરફ ધસી આવતો જોઈને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને ચીસાચીસના અવાજોથી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું. સદનસીબે સિંહે બાળકીને શિકાર બનાવ્યા પહેલા જ લોકોના દેકારાને કારણે તે ફરી પાછો વળી ગયો હતો, પરંતુ આ ઘટનાએ વન્યજીવ પ્રેમીઓ અને તંત્ર સામે અનેક સવાલો ઊભા કર્યા છે. લોકો સિંહ દર્શનના મોહમાં એ ભૂલી જાય છે કે વનરાજ ગમે ત્યારે હિંસક બની શકે છે અને આવી લાપરવાહી કોઈનો જીવ પણ લઈ શકે છે. વિસાવદર પંથક ગીરની બોર્ડર પર આવેલું હોવાથી અહીં અવારનવાર સિંહો શિકારની શોધમાં રેવન્યુ અને રહેણાંક વિસ્તારોમાં આવી ચડે છે. રતાંગ ગામના આ દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે સિંહ લોકોની ભીડથી પરેશાન થયો હતો. ગામના રસ્તા પર પશુનું મારણ કર્યા બાદ સિંહ ત્યાં બેસી રહ્યો હતો, પરંતુ મોબાઈલની લાઈટના પ્રકાશ અને લોકોની નિકટતાએ તેને આક્રમક બનાવી દીધો હતો. આ મામલે રતાંગ ગામની સ્થિતિ પર નજર કરીએ તો છેલ્લા ત્રણ વર્ષથી ગામમાં ચૂંટણી યોજાઈ નથી અને વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. ગામની સુરક્ષા અને વ્યવસ્થા અંગે જ્યારે વહીવટદાર સાથે વાત કરવામાં આવી ત્યારે તંત્રની ઉદાસીનતા પણ સામે આવી છે. ગામના વહીવટદાર ચિરાગ ઠુમ્મરે આ ગંભીર ઘટના અંગે અજાણ હોવાનું જણાવ્યું હતું. તેમણે સ્વીકાર્યું કે આ ગીર સરહદી વિસ્તારનું ગામ હોવાથી સિંહોની અવરજવર રહેતી હોય છે અને વન વિભાગ અવારનવાર મીટિંગો પણ કરે છે, પરંતુ ગઈકાલ રાત્રિની આ ચોંકાવનારી ઘટના કે જેમાં સિંહ બાળકી પાછળ દોડ્યો હતો તે અંગે તેમને કોઈ સત્તાવાર જાણકારી મળી નથી. આ નિવેદન દર્શાવે છે કે સ્થાનિક તંત્ર અને વન વિભાગ વચ્ચે સંકલનનો અભાવ છે. એકબાજુ સિંહો માનવ વસ્તીમાં ઘૂસી રહ્યા છે અને બીજી બાજુ લોકો પણ ભય વગર સિંહની નજીક જઈ રહ્યા છે, જે ભવિષ્યમાં મોટી હોનારત નોતરી શકે છે. ગીરના વનરાજો અને માનવીઓ વચ્ચેના સંઘર્ષની આ ઘટના લાલબત્તી સમાન છે. વન વિભાગ દ્વારા વારંવાર સૂચનાઓ આપવામાં આવતી હોવા છતાં સિંહને શિકાર વખતે ખલેલ પહોંચાડવાનું બંધ કરતા નથી. રતાંગ ગામનો આ વીડિયો સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જંગલ છોડીને શેરીઓમાં પશુઓના મારણ કરતા સિંહો હવે લોકો માટે કુતૂહલ અને ડરનો વિષય બન્યા છે, પણ આ કુતૂહલ ક્યારેક શોકમાં ન ફેરવાય તે માટે સાવચેતી રાખવી અનિવાર્ય છે. સિંહોની પ્રકૃતિ શાંત હોય છે પણ જ્યારે તેમને ઘેરી લેવામાં આવે કે પરેશાન કરવામાં આવે ત્યારે તેઓ રક્ષણાત્મક રીતે હુમલો કરતા હોય છે, જેનો ભોગ આ માસૂમ બાળકી બનતા રહી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    શુક્રવારનું રાશિફળ:મેષ અને સિંહ રાશિની મહિલાઓ માટે ભાગ્યશાળી દિવસ; તુલા, વૃશ્ચિક અને મકર જાતકોના પ્રેમ સંબંધોને પરિવારની મંજૂરી મળશે
    Next Article
    School van overturns on Gandhinagar Gift City Road | ગાંધીનગર ગિફ્ટ સિટી રોડ પર સ્કૂલવાન પલટી | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment