Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજ-કાલ:સવાયા જાપાની સુગિહારા યહૂદીઓના મસીહા

    9 hours ago

    યુ દ્ધકાળમાં હિંસા, હરીફનું મોત, અધિકાર, આદેશ અને જીત જ સર્વસ્વ હોય? માનવતા, નૈતિકતા, અનુકંપા, વિવેકબુદ્ધિ કે ફરજનું લેશમાત્ર મહત્ત્વ નહીં? આજે દુનિયામાં ઠેર-ઠેર ચાલતી લડાઈમાં બાળકોની સ્કૂલ અને હોસ્પિટલનો કચ્ચરઘાણ કઢાય છે, ત્યારે આવા સવાલો વધુ પરેશાન કરે છે. આ સમયે જર્મન ઉદ્યોગપતિ ઓસ્કાર સિન્ડલર યાદ આવે. એડોલ્ફ હિટલરની નાઝી પાર્ટી સાથે જોડાયેલા આ માનવીએ ભયંકર કત્લેઆમ દરમિયાન જીવનું જોખમ લઈને 1939થી 1945 વચ્ચે 1100-1200 યહૂદીઓને બચાવ્યા હતા, પરંતુ જર્મનીના ઓસ્કાર સિન્ડલરને બદલે આપણે ઈતિહાસના અજાણ્યા નાયક અને જાપાનના સવાયા સિન્ડલર સમા ચીઉને સુગિહારા (1 જાન્યુઆરી 1900 - 31 જુલાઈ 1986)ની વાત કરીશું. લિથુઆનિયાએ તેમના સન્માનમાં વર્ષ 2020ને ‘ચીઉને સુગિહારાનું વર્ષ’ જાહેર કર્યું હતું, યેરુશલેમમાં તેમના નામે એક રસ્તો સમર્પિત કરાયો અને તેલ-અવીવ જાફામાં પણ ‘સેમ્પો સુગિહારા’ નામનો રસ્તો છે. આટઆટલાં સન્માનના હકદાર ચીઉને સુગિહારાએ જે કર્યું એ અપ્રાપ્ય છે. ચીઉને સુગિહારા જાપાની ડિપ્લોમેટ હતા અને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન લિથુઆનિયાના કાઉનાસમાં જાપાનના વાઇસ-કાઉન્સલ તરીકે ફરજ પર હતા. 1939માં આ હોદ્દો સંભાળ્યો ત્યારે કામગીરી સોવિયેત અને જર્મન સૈનિકોની હલચલ પર નજર રાખવા અને માહિતી આપવાની હતી. 1940માં સોવિયેત સંઘે લિથુઆનિયા કબજે કરી લીધા પછી ઘણા યહૂદી વિઝા મેળવવા પ્રયાસ કરતા હતા. કાઉનાસ કાઉન્સ્યુલેટમાં જામતી ભીડમાં ઘણાં નિર્દોષ સ્ત્રીઓ અને બાળકો હતાં. સુગિહારાએ પોતાની સરકાર પાસે ત્રણ-ત્રણ વાર વિઝા આપવાની મંજૂરી માંગી પણ દરેક વખતે સ્પષ્ટ ભાષામાં જવાબ મળ્યો: ના. સરકારનો આદેશ માનીને ફરજ બજાવવી કે નોકરીના જોખમે નિર્દોષોના જીવ બચાવવા? તેમણે સરકારની અવગણના કરીને અંતરાત્માના અવાજને માન આપ્યું અને યહૂદીઓને ટ્રાન્ઝિટ વિઝા આપીને યુરોપમાંથી ભાગવામાં મદદ કરવાનું પસંદ કર્યું કે જેથી તેઓ જાપાની પ્રદેશમાંથી મુસાફરી કરી શકે. આમાં કારકિર્દી અને પરિવારના જીવનું જોખમ હોવા સાથે જેલવાસનોય ખતરો હતો. ભાગતા યહૂદીઓ જર્મન કબજાવાળા પશ્ચિમ પોલેન્ડ અને સોવિયેત કબજાવાળા પૂર્વ પોલેન્ડમાંથી આવેલા શરણાર્થીઓ હતા, તેમજ લિથુઆનિયાના રહેવાસીઓ હતા. આ અસાધારણ કામ તેમણે એટલા ઝનૂનપૂર્વક કર્યું કે જાણે ખુદનો જીવ બચાવવાનો હોય. રોજ 18-20 કલાક કામ કરીને તેમણે હાથેથી વિઝા લખ્યા. 31 જુલાઈથી 28 ઓગસ્ટ, 1940 સુધી, પત્ની યુકિકોની મદદથી તેઓ અજાણ્યાઓને જીવવાના વિઝા આપતા હતા. વધુ વિઝા લખાય એટલે તેઓ ખાવા માટે પણ રોકાવાનો ઇનકાર કરતા રહ્યા. પત્ની તેમના થાકી ગયેલા હાથોને મસાજ કરતી હતી કે જેથી તેઓ લખતા રહે. કાઉન્સ્યુલેટ બંધ કરવાના આદેશ મળ્યા પછી અને તેમની ટ્રેન સ્ટેશન પરથી નીકળી રહી હતી ત્યારે પણ બેચેન ભીડની આંખોમાં આશા જોઈને તેમણે લખવાનું અને વિઝા આપવાનું ચાલુ રાખ્યું હતું! એક અંદાજ મુજબ તેમના આ મિશન માનવતાએ 6000 નિર્દોષોને બચાવ્યા હતા. જ્યારે અન્યત્ર આ આંકડા કેટલાક મુજબ 3000થી 10,000 વચ્ચેના છે. યુદ્ધ બાદ સુગિહારાને અન્ય સ્થળોએ નિમણૂક મળી. વચ્ચે સોવિયેત સેનાએ તેમને કેદ કર્યા અને 1946માં મુક્તિ બાદ જાપાન પાછા ફર્યા. 1947માં તેમને વિદેશ મંત્રાલયમાંથી રાજીનામું આપવાની ફરજ પડાઈ. પછી તેમણે સામાન્ય નોકરીઓ કરીને પરિવારનું ભરણપોષણ કર્યું. થોડો સમય વેપાર પણ કર્યો. પોતે આટલું મહાન કામ કર્યું, પણ ક્યારેય એક હરફ સુદ્ધાં ન ઉચ્ચાર્યો. 1968માં તેમના દ્વારા બચાવાયેલી એક વ્યક્તિએ તેમને શોધી લીધા. સુગિહારાનાં કાર્યો દાયકાઓ સુધી મોટા ભાગે અજાણ રહ્યાં. છેક 1985માં ઇઝરાયેલે આ સાહસ માટે તેમને ‘રાઇટિયસ અમોંગ ધ નેશન્સ’ તરીકે સન્માનિત કર્યા પછી ચર્ચાની શરૂઆત થઈ અને મૃત્યુ પછી વૈશ્વિક સ્તરે માન્યતા મળી હતી. આજેય અમેરિકાના જાપાની વસ્તીવાળા લોસ એન્જલસના લિટલ ટોક્યોના એક ખૂણે ‘લોકોના જીવ બચાવવું ખોટું નથી’ એવું માનનારા અને એમ કરી બતાવનારા ચીઉનેની પૂર્ણ કદની પ્રતિમા છે, જેમાં તેઓ બેંચ પર બેઠા છે અને હળવા સ્મિત સાથે વિઝા આપતા દેખાય છે. ઓનલાઇન-ઓફલાઇન દુનિયા ખરાબ કામ કરનારાઓ દ્વારા નષ્ટ નહીં થાય, પરંતુ તેઓ દ્વારા થશે જે કંઈ પણ કર્યા વગર માત્ર જોઈ રહ્યા છે. - આલ્બર્ટ આઈન્સ્ટાઈન
    Click here to Read More
    Previous Article
    Kriti Sanon discusses embarking on a calorie-deficit diet for the first time in her life for Cocktail 2 shoot: ‘Imagine being in Italy…’
    Next Article
    રસથાળ:બહારની કુલ્ફી ભૂલી જશો, જ્યારે ઘરે બનાવશો ફ્રૂટ કુલ્ફી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment