Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આશાતાઇ સ્કૂટર પર અમદાવાદ ફર્યા:અમદાવાદીને ગાળો આપવાની ના પાડી,'હાકરનો કટકો...'નો અર્થ સમજ્યા નહીં; 'માડી તારું...' ગાતાં રડી પડ્યાં

    1 week ago

    સાંવરિયો રે મારો સાંવરિયો, હું તો ખોબો માગું ને દઈ દે દરિયો... રામ તમે સીતાજીની તોલે ના આવો.... દૂધે તે ભરી તળાવડી ને.... મુને એકલી મેલીને તું.... તારી વાંકી રે પાઘલડીનું ફૂમતું રે.... છાનું રે છપનું કૈં થાય નહીં.... એક પાટણ શેરની નાર પદમણી.... આ યાદીમાં અઢળક લોકપ્રિય ગુજરાતી ગીતો ઉમેરી શકાય છે... આશા ભોસલેએ ગુજરાતી ભાષામાં 400થી પણ વધું ગીતો-ભજનો ગાયાં છે. 12 એપ્રિલે સૂરોની સામ્રજ્ઞી આશાતાઇનું મલ્ટી ઓર્ગન ફેઇલ્યોરને કારણે 92 વર્ષની ઉંમરે અવસાન થયું. આશાતાઇના હુલામણા નામથી જાણીતા આશા ભોસલેએ લાખો-કરોડો ચાહકોના દિલ પર રાજ કર્યું છે. મુંબઈમાં જ્યારે તેમની અંતિમ યાત્રા નીકળી ત્યારે માત્ર પરિવાર કે બોલિવૂડ જ નહીં, સામાન્ય જનતાની આંખો પણ રડી પડી હતી. શિવાજી પાર્ક બબ્બે મંગેશકર બહેનોને સાચવીને અડીખમ રહ્યો છે. આજથી ચાર વર્ષ પહેલા છ ફેબ્રુઆરીએ મોટી બહેન લતાના ને 13 એપ્રિલે આશાતાઇના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. 'ફિલ્મી ફેમિલી'માં આજે આપણે વાત કરીશું આશાતાઇની... આશાતાઇ ને ગુજરાતી સંગીતકાર અવિનાશ વ્યાસની પહેલી મુલાકાત કેવી રીતે થઈ? અવિનાશ વ્યાસ સિંગરને કયા નામથી બોલાવતા? અમદાવાદ ને અંબાજીમાંથી આશાતાઇએ શું ખરીદી કરી હતી? આશાતાઇની દીકરીએ કેમ લમણે બંદૂક મૂકીને આત્મહત્યા કરી? આશાતાઇ કેમ સુસાઇડ કરવા માગતાં હતાં? આશાતાઇના કયા ગીતો બૅન કરવામાં આવ્યાં હતાં? ધ્રુસકે ને ધ્રુસકે રડનાર આશાતાઇની પૌત્રી જનાઇ શું કરે છે ને 'કાંતારા' ફૅમ રિષભ શેટ્ટી સાથે કઈ ફિલ્મમાં કામ કરી રહી છે? દીકરાના મોતના સમાચાર મળ્યા ત્યારે આશા ભોસલે શું કરતાં હતાં? સિંગરની સાથે સાથે આશાતાઇ બિઝનેસવુમન તરીકે શું કામ કરતાં હતાં? ગુજરાતી પરિવારમાં દીનાનાથના લગ્ન આશા ભોસલેના પિતા પંડિત દીનાનાથ મંગેશકરનો જન્મ ગોવાના મંગેશી ગામમાં ડિસેમ્બર, 1900માં થયો હતો. દીનાનાથ મંગેશકરના પિતા ગણેશ ભાટ ભીકોબા મંગેશી મંદિરમાં પૂજારી હતા અને તેમના દેવદાસી યેશુબાઈ રાણે સાથે સંબંધો હતા. આ બંનેના સંબંધોથી પંડિત દીનાનાથનો જન્મ થયો. દીનાનાથે પોતાના ગામ પરથી 'મંગેશકર' અટક રાખી હતી. પંડિત દીનાનાથને માતા યેશુબાઈ તરફથી સંગીતનો વારસો મળ્યો. પિતાની અટક હાર્ડીકર છે. હાર્ડીકર પરિવાર ગોવાના મંગેશી મંદિરમાં શિવજી પર અભિષેક કરી શકતા હતા અને તેથી જ તેઓ અભિષેકી તરીકે પણ ઓળખાતા. જાણીતા ઇન્ડિયન વૉકાલિસ્ટ પંડિત જિતેન્દ્ર અભિષેકીના પિતા તથા દીનાનાથ બંને સાવકા ભાઈઓ હતા. નાનપણથી જ દીનાનાથને સંગીત પ્રત્યેના અગાઢ લગાવને કારણે તેઓ જ્યાં સંગીત શીખવા જતાં, ત્યાં પ્રતિષ્ઠિત ગુજરાતી વેપારી શેઠ હરિદાસ રામદાસ લાડ પણ અવાર-નવાર આવતા. તેમને દીનાનાથ ગમી ગયાા અને તેમની દીકરી નર્મદા સાથે લગ્ન કરાવ્યા. અલબત્ત, નર્મદાનું નાની ઉંમરમાં અવસાન થતાં શેઠ હરિદાસે બીજી દીકરી શેવંતીના લગ્ન દીનાનાથ સાથે કરાવ્યા. દીકરીના લગ્નમાં માતા જ હાજર રહ્યાં નહોતા. આ લગ્ન 1927માં ઘરમાં જ યોજાયા હતા. આ લગ્નથી તેમને પાંચ સંતાનો, લતા, મીના, આશા, ઉષા એમ ચાર દીકરી અને દીકરો હૃદયનાથ. શેઠ હરિદાસ રામદાસ લાડ તે સમયે બોમ્બે પ્રેસિડેન્સીના થાલનેરના જમીનદાર ને પરિવાર ખાધે-પીધે સુખી સંપન્ન હતો. પિતાનું નાની ઉંમરમાં અવસાન, ઘરની જવાબદારી આવી 8 સપ્ટેમ્બર, 1933માં જન્મેલાં આશાએ નવ વર્ષની ઉંમરમાં પિતા ગુમાવ્યા. શેવંતી પાંચેય સંતાનો સાથે પહેલાં પુણેથી કોલ્હાપુર અને પછી મુંબઈ આવીને વસ્યાં. પરિવારને સપોર્ટ કરવા આશાએ પહેલીવાર 1943માં મરાઠી ફિલ્મ 'મઝા બાલ'માં 'ચલા ચલા નવ બાલ..' ગીત ગાયું હતું. આ ગીત માટે આશાને 100 રૂપિયા મળ્યાં હતાં. આ ફિલ્મનું સંગીત દત્તા દેવજેકરે આપ્યું હતું. 1948માં આશાએ હંસરાજ બહલની ફિલ્મ 'ચુનરિયા'નું ગીત 'સાવન આયા..' ગાયું હતું. 1949માં રિલીઝ થયેલી 'રાત કી રાની'થી આશાએ સોલો સોંગ ગાવાની શરૂઆત કરી હતી. માતા ઇંડાથી પણ દૂર રહે, પિતા નોનવેજ ખાતાં આશા ભોસલેએ એક ઇન્ટરવ્યૂમાં પરિવારના માહોલ અંગે વાત કરતા કહ્યું હતું, 'અમારા ઘરમાં મરાઠી ને ગુજરાતી બંને કલ્ચર જોવા મળતું. મેં નાનીમા ને મામા પાસેથી ગુજરાતી ભજનો હાલરડાં સાંભળ્યાં હતાં. મને ગુજરાતી થોડું ઘણું સમજમાં આવતું. પિતાજી નોનવેજ ખાતાં અને માતાજી ક્યારેય ઇંડાને પણ સ્પર્શ કરવા દેતા નહીં. આથી બાળકો માતા-પિતાની આ જીદને કારણે ફસાઈ જતાં.' ભાગીને લગ્ન, બોલિવૂડમાં ધીમે ધીમે લોકપ્રિય બન્યાં 16 વર્ષીય આશાએ પોતાનાથી 15 વર્ષ મોટા 31 વર્ષીય ગણપતરાવ ભોસલે સાથે ભાગીને લગ્ન કર્યા. ગણપતરાવ ભોસલે આશાની મોટી બહેન લતા મંગેશકરના સેક્રેટરી તરીકે કામ કરતા હતા. પરિવારને જ્યારે આ બંનેના સંબંધોની જાણ થઈ તો તેમણે આશા સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. આશા ભોસલેએ જ્યારે લગ્ન કર્યા ત્યારે તેમના પતિનો પગાર 100 રૂપિયા હતો. આશા ભોસલે પણ બોલિવૂડમાં ગીતો ગાતાં હતાં. તેઓ લગ્ન બાદ કામ કરવા માગતાં નહોતાં, પરંતુ પતિએ જ ગીત ગાવાનું કહ્યું હતું. 50ના દાયકામાં લતા મંગેશકર, શમશાદ બેગમ તથા ગીતા દત્ત જાણીતાં પ્લેબેક સિંગર હતાં. આ ત્રણેયની વચ્ચે પોતાની અલગ ઓળખ બનાવવી આશા માટે મુશ્કેલ જ નહીં, અશક્ય જેવી વાત હતી. એ સમયે આશા આ ત્રણેય સિંગર્સે રિજેક્ટ કરેલાં સોંગ્સ ગાતાં. મોટા ભાગે આ સોંગ્સ વેમ્પ પર પિક્ચરાઇઝ થયાં હોય અથવા તો લૉ બજેટ B કે C ગ્રેડની ફિલ્મ હોય. આશાએ એ સમયે જાણીતા પ્લેબેક સિંગર્સ કરતાં પણ વધારે ગીતો ગાઈ લીધાં હતાં, પરંતુ એમાંથી ભાગ્યે જ કોઈ ગીત હિટ રહ્યું હતું. આ જ કારણે બોલિવૂડમાં આશાની કોઈ આગવી ઓળખ બની નહોતી. 1952માં સજ્જાદ હુસૈને કમ્પોઝ કરેલી ફિલ્મ 'સંગદિલ'માં આશાએ ગીત ગાયું. આ ફિલ્મથી આશા બોલિવૂડમાં થોડાં ઓળખાવા લાગ્યાં. આ દરમિયાન જ બિમલ રૉયની ફિલ્મ 'પરિણીતા' (1953)માં આશાએ ગીતો ગાયાં. ત્યાર બાદ રાજ કપૂરે 1954માં 'બૂટ પોલિશ'માં આશા પાસે 'નન્હે મુન્ને બચ્ચે..' ગીત ગવડાવ્યું અને આ ગીતથી આશાને લોકપ્રિયતા મળી. પતિનો ત્રાસ વધતાં પિયર પાછાં ફર્યાં બોલિવૂડમાં આશાનો સિતારો ધીમે ધીમે ચમકવા લાગ્યો હતો. સંગીતકાર ઓ.પી. નૈયરે 1956માં ફિલ્મ 'CID'નાં ગીતો આશા પાસે ગવડાવ્યાં. બી.આર. ચોપરાની 'નયા દૌર'માં આશાએ પહેલી જ વાર લીડ એક્ટ્રેસનાં તમામ ગીતો ગાયાં અને તેઓ આ ગીતોથી ભારતભરમાં છવાઈ ગયાં. બોલિવૂડમાં ધીમે ધીમે આશાને સફળતા મળતાં જ ગણપતે બધી જ કમાણી લેવાનું શરૂ કર્યું અને આશા વધુ ને વધુ કામ કરે એવા પ્રયાસો કર્યા. આટલું જ નહીં, ગણપત પત્નીને માર મારીને હેરાન કરતો અને ચારિત્ર્ય પર સતત શંકા કરતો. આ બધાથી તંગ આવીને પ્રેગ્નન્ટ આશાએ 1960માં બે બાળક સાથે હંમેશના માટે પતિનું ઘર છોડી દીધું. આશા બંને બાળકો સાથે પિયર આવી ગયાં. પિયરમાં તેમણે દીકરા આનંદને જન્મ આપ્યો. 1966માં ગણપત ભોસલેનું અવસાન થયું. સુસાઇડ કરવાની ઈચ્છા હતી આશાતાઇએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પતિનો સ્વભાવ ગુસ્સાવાળો હતો અને તે સતત હેરાન કરતા. સાસરિયા ઘણાં જ રૂઢિચુસ્ત હોવાથી તેમને સિંગર વહુ પસંદ નહોતી. પતિનો કડક સ્વભાવ પણ બહારની દુનિયામાં એ રીતે રહેતા કે પરિવાર સિવાયની અન્ય કોઈ વ્યક્તિને તેમના સાચા સ્વભવાની ખબર પડે નહીં. પ્રેગ્નન્સીનો ચોથો મહિનો જતો હતો અને તબિયાત સારી ન હોવાને કારણે તેઓ હૉસ્પિટલમાં એડમિટ હતાં. આ સમયે તેમને જીવન નરક કરતાં પણ બદતર લાગતું હતું. તેઓ ઊંઘની દવાની આખી બોટલ લઈને આવ્યાં, પરંતુ પછી બાળકનો વિચાર આવતા તેમણે એ બોટલ બારીની બહાર ફેંકી દીધી હતી. આશા ભોસલેએ 13 હજારથી વધુ ગીતો ગાયાં આશાએ ફિલ્મી ગીતો ઉપરાંત ગરબા, પોપ, ગઝલ, ભજન, ટ્રેડિશનલ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, ફૉક સોંગ્સ, કવ્વાલી ગાઈ હતી. હિંદી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી સહિત 20 જેટલી ભાષાના 13 હજારથી વધુ ગીતો ગાયાં હતાં. 2013માં તેમણે 'માઇ' ફિલ્મથી એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કર્યું હતું. ગુજરાતીમાં 400થી વધુ ગીતો ગાયાં 400થી વધુ ગુજરાતી સોંગ્સ ગાનારાં આશા ભોસલેએ ગુજરાતના જાણીતા સંગીતકાર અવિનાશ વ્યાસના 100થી વધુ ગીતોમાં સ્વર આપ્યો હતો. થોડા દિવસ પહેલા જ ગૌરાંગ વ્યાસે આશાતાઇ સાથેની સુમધુર યાદો અંગે વાત કરતાં કહ્યું હતું કે વર્ષો પહેલાં જ્યારે આશા ભોસલે અમદાવાદ આવ્યાં ત્યારે તેમણે તેમના સ્કૂટર પાછળ બેસીને અમદાવાદ ફરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમને આ વાત થોડી અચરજ ભરેલી લાગી અને તેમણે વિનમ્રતાથી ના પાડી પણ સિંગર વાત માનવા તૈયાર નહોતા. અંતે, ગૌરાંગ વ્યાસ પોતાના સ્કૂટર પાછળ આશા ભોસલને બેસાડીને અમદાવાદ ફેરવ્યાં. ત્યારબાદ તેમણે સાડી પણ ખરીદી હતી. આ ઉપરાંત તેઓ રાતના માણેકચોકના ફૂડ માર્કેટ પણ ગયાં હતાં અને ત્યાં રગડાપેટીસ ને આઇસક્રીમ ખાધો હતો. આ ઉપરાંત અન્ય એક ઇન્ટરવ્યૂમાં ગૌરાંગ વ્યાસે કહ્યું હતું, 'આશા ભોસલે તેમના પિતા અવિનાશ વ્યાસની નૃત્ય નાટિકામાં ગાવાં આવતાં. ઘણીવાર પિતા મને તબલા વગાડવાનું કહેતા પણ આશા ભોસલેથી ગભરાઈને હું ભાગી જતો. પછી મેં ગુજરાતી ફિલ્મ 'લાખો ફુલાણી'માં સ્વતંત્ર સંગીતકાર તરીકે પહેલી જ વાર સંગીત આપ્યું ને તેમાં આશા ભોસલેએ 'એક પાટણ શેરની નાર પદમણી....' ગીત ગાયું હતું. આ ગીત જ્યારે હું દીદીને સમજાવતો ત્યારે તેઓ મારી સામે એકીટશે જોઈ રહ્યા હતા તો મેં એમને પૂછ્યું કે ગીતમાં મજા ના આવી? તો તેમણે હસતાં એવું કહ્યું કે એક સમયે તું મારાથી ડરી જતો અને હવે હું તારી સાથે ગીત ગાઉં છું. પછી તેમના સેક્રેટરીને બોલાવીને એમ કહ્યું કે આ ફિલ્મના પ્રોડ્યુસરને કહી દેજો કે હું આ ગીત માટે એક રૂપિયો પણ લઈશ નહીં.' 'માડી તારું કંકુ ખર્યું..' ગાયાં બાદ આશાતાઇની આંખો ભીની થઈ અવિનાશ વ્યાસે ભક્તિગીત 'માડી તારું કંકુ ભર્યું ને સૂરજ ઊગ્યો...' આશા ભોસલે પાસે ગવડાવ્યું હતું. આ ગીત આજે પણ આંખો ભીની કરાવી દે છે. સ્ટૂડિયોમાં જ્યારે આશાતાઇએ આ સોંગ ગાયું ત્યારે તેમની આંખો પણ ભીંજાઈ હતી. 'ગુજરાત તો મને મોસાળ લાગે છે...' આશાતાઇએ 2016માં 'તાળીમા કંકુ વેરાય' મ્યૂઝિક આલ્બમ લૉન્ચ કર્યો હતો. તે સમયે આશા ભોસલેએ અવિનાશ વ્યાસ સાથેની પહેલી મુલાકાત યાદ કરીને કહ્યું હતું, 'ગુજરાત મને મોસાળ જેવું લાગે છે. તે મને ક્યારેય પારકું લાગતું નથી. હું ચંદુલાલ શાહના રણજીત સ્ટૂડિયોમાં રેકોર્ડિંગ કરવા જતી. એક દિવસ ત્યાં અવિનાશ વ્યાસ આવ્યા હતા તો તેમણે મને જોઈને પૂછ્યું, 'શું નામ છે તમારું? મને ગુજરાતીમાં ખાસ ખબર પડતી નહોતી અને હિંદી પણ એટલું આવડે નહીં ને તો મેં એમને પૂછ્યું, 'ક્યા કહા?' તો તેમણે તરત જ સામે બેસાડીને ગીત ગાવાનું કહ્યું. તેમણે હાર્મોનિયમ લઈને ગાયું ને પછી ગુજરાતી ગીત મરાઠી ભાષામાં લખીને આપ્યું ને મેં 'ઘમમ્મ રે ઘમરિયા લાલ...' ગીત ગાયું. તેમને મારો અવાજ ગમી ગયો. પછી અમે બેથી ત્રણ વાર રિહર્સલ કર્યું ને રેકોર્ડિંગ કર્યું. ત્યારબાદ મેં અવિનાશ વ્યાસની હિંદી ફિલ્મમાં પણ ગીત ગાયું. અવિનાશભાઈએ ભારતીય વિદ્યા ભવનમાં ચાલતા તેમના નાટકોમાં ગાવાની ઑફર કરી ને હું તરત જ તૈયાર થઈ ગઈ. ત્યાં મેં 'કેમ રે વિસરી...ઓ વનના વિહારી.. તારી રાધા દુલારી..' ગાયું હતું. નૃત્યુ નાટિકામાં મારું કામ ઘણાંને ગમતું. હું આની સાથે સાથે ફિલ્મમાં પણ ગાતી.' 'અવિનાશભાઈ મને આશાડી કહીને બોલાવતા વધુમાં આશાતાઇ કહે છે, 'અવિનાશભાઈ મને ઘણું માનતા અને તે હંમેશાં કહેતા, 'આશાડી, તું મેરા ગાના અચ્છા ગાયેંગી. મેરે કો કોઈ ઓર પસંદ નહીં હૈ...' એ આવું કહે તો હું એવો જવાબ આપતી, 'ઐસા મત કહો, દીદી સુન લેંગી....' 'અવિનાશભાઈને લંડન બોલાવ્યા' વધુમાં આશા ભોસલેએ અવિનાશ વ્યાસ સાથેનો એક કિસ્સો યાદ કરતા કહ્યું હતું, 'હું જ્યારે પણ ભારતની બહાર અવિનાશ વ્યાસે રચેલા ગરબા ગાતી ત્યારે દર્શકો ઝૂમી ઉઠતાં. આથી જ એકવાર મેં અવિનાશ વ્યાસને લંડનની ટિકિટ આપીને ત્યાં બોલાવ્યા. પછી હું તેમને કોન્સર્ટમાં લઈ ગઈ. ત્યાં મેં ગુજરાતી ગરબો 'બેડલાં માથે બેડલું ને એના માથે મોર..', 'એ સામે ઊભો સાવરો...'. 'તારી વાંકી રે પાઘલડીનું ફૂમતુ રે મને ગમતું રે....' ગાયું ત્યારે માત્ર દર્શકો જ નહીં, અવિનાશ વ્યાસ પોતે ઊભા થઈને ડાન્સ કરવા લાગ્યા. મને ડર લાગ્યો કે અવિનાશભાઈ ઉંમરલાયક છે અને તેમની તબિયત પણ સારી નથી તો ક્યાંક બીમાર પડી ના જાય. તેમણે આ કોન્સર્ટ મન ભરીને માણી હતી. આટલું જ નહીં, પછી લંડનમાં મારા ઘરે અવિનાશભાઈ માટે મેં ખાસ મારા હાથે જમવાનું બનાવ્યું. મને ખ્યાલ હતો કે તે વૈષ્ણવ છે. તેમના માટે ખીચડી ને શાક બનાવ્યું હતું. તેમને મારા હાથની ખીચડી ઘણી જ ભાવી હતી.' 'અર્થ સમજમાં ના આવે તો અવિનાશભાઈ સમજાવતા...' આશાતાઈને ગુજરાતી બહુ આવડતું નહીં, પરંતુ તેઓ ગુજરાતી ગીતો ગાતાં ત્યારે તેમના ગીતોનાં ઉચ્ચારણો સ્પષ્ટ ને અસ્સલ ગુજરાતી લહેકો જોવા મળતો. તેઓ ગીતનો અર્થ બરોબર સમજતા અને પછી રિહર્સલ કરીને ગાતાં. આ અંગે તેમણે કહ્યું હતું, 'રામ તમે સીતાજીના તોલે ના આવો..' ગીતના ઘણા શબ્દો મને સમજાયાં નહોતાં ત્યારે અવિનાશભાઈએ મને અર્થ સમજાવ્યો હતો. આ ઉપરાંત 'નહીં મેલું રે તારા ફળિયામાં પગ નહીં મેલું...'માં એક જગ્યાએ 'હાકરનો કટકો' શબ્દ આવતો હતો. મને 'હાકરનો કટકો'નો અર્થ ખબર નહોતી. અમારે મરાઠીમાં કટકો એટલે પોતું થાય. તો અવિનાશભાઈ મને કહેવા લાગ્યા, 'અરે મૂરખ હાકર એટલે સાકર ને કટકો એટલે ટુકડો. એટલે કે સાકરનો ટુકડો..' પછી હું હાકરનો કટકો શબ્દ બોલતા શીખી ગઈ. અવિનાશભાઈના ગીતોમાં કાઠિયાવાડી ને ગુજરાતી બોલી બંને આવતી. હું પ્રેક્ટિસ કરતી ને ત્યાંની બોલી પ્રમાણેનો લહેકો મારા ગીતોમાં આવતો.' 'જ્યારે અવિનાશભાઈએ મારી પાસે ગીતમાં ગાળ ગવડાવી...' અવિનાશ વ્યાસ સાથેનો અન્ય એક પ્રસંગ યાદ કરતાં આશાતાઇએ કહ્યું હતું, 'તેમણે ગુજરાતી ફિલ્મ 'સંતુ રંગીલી'ના એક ગીતમાં અમદાવાદીઓને હરામજાદી કહીને ગાળ આપી હતી. ગીત મને ઑફર કરવામાં આવ્યું તો મેં તેમને કહ્યું, 'તમે અમદાવાદના છો તો આવું કેવી રીતે લખી શકો....હું નહીં ગાઉં...' તો તેમણે તરત જ જવાબ આપ્યો હતો, 'અરે હું કહું છું ને ત્યાંનો હોવા છતાં મેં લખ્યું છે.' પછી તો મેં પણ એમ કહ્યું કે મારું કામ તો ગાવાનું છે તો હું ગાઈ લઈશ.' ઉલ્લેખનીય છે કે 'સંતુ રંગીલી'માં અરૂણા ઇરાની તથા ઉપેન્દ્ર ત્રિવેદી લીડ રોલમાં હતાં અને આ ફિલ્મના ગીત ‘મારો મામો મહેણા નો...’ની એક પંક્તિમાં 'અમથા તો અમદાવાદીને કહેતા હરામજાદી...કોઈ લઈ લ્યો મારો ગજરો...' આ રીતની ગાળ આવતી હતી. આ ફિલ્મનું 'એ તો લાલ દરવાજે તંબુ તાણ્યો રે લોલ..' ગીત ઘણું જ લોકપ્રિય થયું હતું. 'અવિનાશભાઈને કારણે જ હું અંબાજી જઈ શકી' 'અવિનાશ વ્યાસે મને અંબાજી દર્શન માટે આવવાનું કહ્યું હતું અને હું મુંબઈથી અમદાવાદ ટ્રેનમાં ને પછી અમે અંબાજી ગયાં હતાં. ત્યાં દર્શનનો લહાવો મળ્યો અને અમે ખાટલામાં બેસીને ગુજરાતી ભોજન જમ્યાં હતાં. હું માત્ર ને માત્ર અવિનાશ વ્યાસને કારણે જ જીવનમાં એકવાર અંબાજીના દર્શન કરી શકી. અંબાજીમાંથી કંકુ ને બંગડીઓ ખરીદી હતી', તેવું આશાતાઇએ ઉમેર્યું હતું. ભાઈને યાદ કરીને રડતાં રડતાં ગીત ગાયું 1963માં આવેલી બિમલ રૉયની ફિલ્મ 'બંદિની'માં ધર્મેન્દ્ર, અશોક કુમાર તથા નૂતન લીડ રોલમાં હતાં. ફિલ્મનું ગીત 'અબ કે બરસ ભેજ ભૈયા કો બાબુલ...' આશા ભોસલેએ ગાયું હતું. સંગીત એસ.ડી. બર્મને આપ્યું હતું. આ ગીતના રેકોર્ડિંગ સમયે આશાતાઇએ પૂરું ગીત રેકોર્ડ કર્યું, પરંતુ એસ.ડી. બર્મનને સહેજ પણ મજા ના આવી. તેઓ ગુસ્સે થઈ ગયા અને આશાતાઇને કહેવા લાગ્યા કે તારે ભાઈ નથી, તું એને રાખડી નથી બાંધતી? તે સમયે આશા ભોસલે પરિવારથી અલગ હતાં અને તેઓ ભાઈને યાદ કરીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં અને પછી તેમણે આ ગીત બીજીવાર એક જ ટેકમાં રેકોર્ડ કર્યું. ગીતને ગંદું ગણાવી ગીતકાર સ્ટૂડિયોની બહાર નીકળી ગયા નાસીર હુસૈનના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'કારવાં' (1971)માં જીતેન્દ્ર તથા આશા પારેખ લીડ રોલમાં હતાં. ફિલ્મનું ગીત 'પિયા તૂ અબ તો આજા.. ' કેબરે ડાન્સર હેલન પર પિક્ચરાઇઝ કરવામાં આવ્યું હતું. તે સમયે આ ગીત સૌથી બોલ્ડ હતું. આ ગીત મઝહૂર સુલતાનપુરીએ લખ્યું હતું. આશા ભોસલે જ્યારે આ ગીતનું રેકોર્ડિંગ કરી રહ્યાં હતાં ત્યારે ગીતકારને તેમને પોતાના લખેલા શબ્દો પર ઘણી જ શરમ આવી ને તેઓ સ્ટૂડિયોની બહાર નીકળી ગયા. તેમણે જતાં જતાં આશાતાઇને એટલું જ કહ્યું, 'દીકરી, મેં બહું જ ગંદું ગીત લખ્યું છે. મારી દીકરીઓ મોટી થઈને આ ગીત ગાશે...' અલબત્ત, આશા ભોસલેએ આ ગીત એટલા માટે રેકોર્ડ કર્યું, કારણે કે તેમણે રાહુલ દેવ બર્મન (આર.ડી બર્મન, પંચમદા)ને પહેલેથી જ વચન આપ્યું હતું કે તેઓ આ ગીત ગાશે. તેમને ખ્યાલ હતો કે આ ગીતનું સંગીત ઘણું જ સારું છે, પરંતુ એ વાતનો સહેજ પણ અંદાજો નહોતો કે આ ગીત આટલું બ્લોકબસ્ટર સાબિત થશે. આશા ભોસલેએ પતિને ફરિયાદ કરી આશા ભોસલેના ત્રણથી ચાર ગીતો બોમ્બે રેડિયો પર બૅન થયાં હતાં. 'પિયા તુ અબ તો આજા'ની જેમ જ 'દમ મારો દમ' ગીત પણ બૅન હતું. દેવ આનંદની ફિલ્મ 'હરે રામા હરે કૃષ્ણા' ફિલ્મનું આ ગીત ઝિનત અમાન પર પિક્ચરાઇઝ થયું હતું. આ ગીતમાં સ્મોકિંગ ને હિપ્પી કલ્ચર બતાવવામાં આવ્યું હતું. તે સમયે અનેકને લાગ્યું કે આ ગીત યુવા પેઢી માટે યોગ્ય નથી. આ જ કારણે ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ગીત બૅન કર્યું ને દૂરદર્શન પર જ્યારે આ ફિલ્મ આવી ત્યારે આ ગીત હટાવી દેવામાં આવ્યું હતું. આશાએ પતિ આર. ડી. બર્મનને ફરિયાદ પણ કરી હતી કે તેમના હિસ્સે જ કેમ બોલ્ડ સોંગ્સ આવે છે, જ્યારે દીદી (લતા મંગેશકર)ને તેઓ સોફ્ટ ને સારા સારા ગીતો આપે છે. પતિએ ત્યારે જવાબ આપ્યો હતો કે તેના આ તમામ ગીતો એક સમય સુપરડુપર હિટ હશે. માત્ર 15 મિનિટમાં 'મેરા કુછ સામાન..'ની ધૂન બની 1987માં આવેલી ગુલઝારની ફિલ્મ 'ઇઝાઝત'નું ગીત 'મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ..' ક્લાસિક સોંગ છે. ગુલઝારે જ આ ગીત લખ્યું હતું અને જ્યારે તે મ્યૂઝિક માટે પંચમદા પાસે આવ્યા ત્યારે તેઓ આ ગીતના શબ્દો વાંચીને ગુસ્સે થઈ ગયા હતા. આક્રોશમાં આવીને તેમણે ગુલઝારને કહ્યું હતું, 'અરે આ શું સામાનનું લિસ્ટ ઉઠાવીને આવી ગયો. આ કેવું ગીત છે ગુલઝાર.. આ તો એવું થયું કે કાલે તું કોઈ ન્યૂઝપેપરની હેડલાઇન લઈને આવી જાય અને મને ધૂન બનાવવાનું કહી દે. આ ગીત નથી પણ કોઈ સામાનનું લિસ્ટ હોય તેમ લાગે છે.' પંચમદા ને ગુલઝાર વચ્ચે આ બાબતે દલીલો ચાલતી હતી. આ સમયે આશા ભોસલે પણ હાજર હતાં. તેમણે આ ગીત વાંચ્યું અને પતિને આ ગીતની ધૂન બનાવવાની વાત કરી. તેમણે એવું કહ્યું કે આ ગીતને બે વ્યક્તિ વચ્ચે વાતચીત થતી હોય તે રીતે ગાવું જોઈએ. આશા ભોસલેની વાત માનીને પંચમદાએ માત્ર 15 મિનિટમાં આ ગીતની ટ્યૂન સેટ કરી દીધી. ત્યારબાદ આ ગીત રેકોર્ડ થયું અને પછી તો આ ગીત માટે આશાતાઈને નેશનલ અવૉર્ડ મળ્યો. અધૂરું રહી ગયું આ ગીત.. આશાતાઇ મ્યૂઝિક કમ્પોઝ શમીર ટંડનના ગીત ‘બોલ જાને દો...જાને દો...’નું રિહર્સલ કરતાં હતાં. પ્રસૂન જોશીએ લખેલા આ ગીતની માત્ર ચાર લાઇન આશાતાઇના અવાજમાં રેકોર્ડ કરવાની બાકી રહી હતી અને અચાનક અવસાન થતાં આ ગીત હવે અધૂરું જ રહી ગયું. નોંધનીય છે કે શમીર ટંડને 'પેજ 3', 'ટ્રાફિક સિગ્નલ', 'બાલ ગણેશ', 'કોર્પોરેટ' જેવી ફિલ્મમાં સંગીત આપ્યું છે. પોતાની રેસ્ટોરાં પણ હતી આશાએ વર્ષ 2002માં દુબઈમાં 'આશાઝ' કરીને પહેલી રેસ્ટોરાં શરૂ કરી હતી. રેસ્ટોરાંમાં નોર્થ વેસ્ટર્ન ઇન્ડિયન ફૂડ મળે છે. આશાને રસોઈ બનાવવી ઘણી જ ગમતી હતી. આશાની રેસ્ટોરાં દુબઈ ઉપરાંત બેંગકોક, લંડન, અબુ ધાબી, ઇજિપ્ત, કતાર, કુવૈત, બહેરીન સહિતના વિવિધ દેશોમાં છે. આશાની આ રેસ્ટોરાં તેમનો દીકરા આનંદ સંભાળે છે. અંગત જીવન પર એક નજર... પરિણીત અને ચાર સંતાનના પિતા ઓ.પી. નૈયર સાથે અફેર હતું આશા તથા સંગીતકાર ઓ.પી.નૈયર વચ્ચેની નિકટતા બી ટાઉનમાં ચર્ચાનું કારણ બની હતી. 1926માં લાહોરમાં જન્મેલા ઓ.પી.નૈયરે 1952માં 'આસમાન' ફિલ્મથી કરિયરની શરૂઆત કરી હતી, પરંતુ તેમને ખરી ઓળખ ગુરુદત્તની ફિલ્મ 'આરપાર', 'મિસ્ટર એન્ડ મિસિસ 55', 'CID', 'તુમ સા નહીં દેખા'થી મળી હતી. ઓ.પી.નૈયરના નિકટના સાથી સિરાજ ખાંએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આશા ભોસલેને આશા ભોસલે બનાવવાનું શ્રેય જો કોઈને જાય છે તો તે માત્ર ને માત્ર ઓ.પી.નૈયરને. તેમણે જ આશાને અલગ અલગ રેન્જનાં સોંગ્સ આપીને અવાજને કર્ણપ્રિય બનાવ્યો. આશા તથા ઓ.પી.નૈયર વચ્ચે શરૂઆતમાં પ્રોફેશનલ સંબંધો હતા, પરંતુ પછી બંને વચ્ચે રોમાન્સ શરૂ થઈ ગયો હતો અને આ સમયે આશાએ પતિનું ઘર છોડ્યું નહોતું. થોડા સમય બાદ આશા પિયર આવી ગયાં હતાં. એ સમય આજના જેટલો આધુનિક નહોતો તો વિચારો કે પરિણીત ને ચાર સંતાનોના પિતા ઓ.પી. નૈયર ત્યક્તા આશા સાથે કારમાં જાહેરમાં ફરતા હતા. આશા તથા ઓ.પી. નૈયર વચ્ચે 1958થી લઈ 1972 સુધી એટલે કે 14 વર્ષ સુધી અફેર રહ્યું. ઓ.પી. નૈયર અને આશા ભોસલે પાંચ ઓગસ્ટ, 1972માં અલગ થયાં હતાં. તેમના અલગ થવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આશા ભોસલે છ વર્ષ નાના રાહુલ દેવ બર્મનના પ્રેમમાં પડ્યાં રાહુલ દેવ બર્મન તથા આશા ભોસલેની પહેલી મુલાકાત 1956માં થઈ હતી. એ સમયે બંને વચ્ચે કોઈ વધારે વાતચીત થઈ નહોતી. આર.ડી.એ માત્ર આશાનો ઓટોગ્રાફ લીધો હતો. 10 વર્ષ બાદ એટલે કે 1966માં આર.ડી બર્મને ફિલ્મ 'તીસરી મંજિલ' માટે આશા ભોસલેનો સંપર્ક કર્યો હતો. પંચમદાએ પહેલા લગ્ન રીટા પટેલ સાથે કર્યા હતા, પરંતુ ડિવોર્સ બાદ તેઓ આશાના પ્રેમમાં પડ્યા. પંચમદાની માતાએ આ લગ્નનો વિરોધ કર્યો એટલે બંનેએ લગ્ન કર્યા નહોતા. અંતે, 1980માં બંનેએ લગ્ન કર્યા. આ લગ્નથી તેમને કોઈ સંતાન નહોતું. 1994માં માત્ર 54 વર્ષની ઉંમરે આર. ડી. બર્મનનું અવસાન થયું. હેમંતે મ્યુઝિક-ડિરેક્ટર બનવા પાઇલટની નોકરી છોડી આશા ભોસલેના સૌથી મોટા દીકરા હેમંતની વાત કરીએ તો આશાએ સિંગર હેમંત મુખ્યોપાધ્યાયના નામ પરથી દીકરાનું નામ રાખ્યું હતું. આશા સિંગર હેમંતને મોટા ભાઈ માનતી હતી. હેમંતે કરિયરની શરૂઆત એર ઇન્ડિયાના પાઇલટથી કરી હતી. તેણે થોડાં વર્ષો પાઇલટ તરીકે નોકરી કરી હતી અને પછી મ્યુઝિક-ડિરેક્ટર બનવા માટે નોકરી છોડી દીધી હતી. હેમંતે 'અનપઢ', 'ધર્મશત્રુ', 'રાજા જોગી', 'દામાદ', 'નઝરાના પ્યાર કા' જેવી કેટલીક ફિલ્મમાં સંગીત આપ્યું હતું. હેમંતે અલકા સાથે લગ્ન કર્યા હતા. તેમને એક દીકરો ચૈતન્ય છે. જોકે લગ્નનાં થોડાં વર્ષો બાદ હેમંતે અલકાને ડિવોર્સ આપી દીધા અને એર હોસ્ટેસ સજીદા સાથે લગ્ન કર્યા હતા. સજીદાએ લગ્ન માટે ધર્મપરિવર્તન કરીને પોતાનું નામ રમા કર્યું હતું. 58 વર્ષીય રમાએ 2010માં કોર્ટમાં પતિ ક્રૂરતા કરતો હોવાને કારણે ડિવોર્સની અરજી કરી હતી. રમાએ કોર્ટમાં કહ્યું હતું કે તેઓ 2002થી અલગ રહે છે. તેનો પતિ છેલ્લાં છ વર્ષથી અન્ય સ્ત્રી સાથે સ્કોટલેન્ડમાં રહે છે. તેમની 26 વર્ષીય દીકરી અનેકા ભોસલે લંડનમાં છે. કોર્ટે હેમંત ભોસલેને મહિને 40 હજાર ભરણપોષણ તરીકે રમાને આપવાના કહ્યા હતા. 28 સપ્ટેમ્બર, 2015ના રોજ સ્કોટલેન્ડમાં હેમંતનું કેન્સરને કારણે અવસાન થયું હતું. હેમંતનું જ્યારે અવસાન થયું ત્યારે આશા ભોસલે સિંગાપોરમાં પાંચ હજારથી પણ વધુ ઑડિયન્સ સામે લાઇવ પરફોર્મન્સ આપતાં હતાં. પરફોમન્સ પૂરું થયા બાદ તેમને દીકરાના મોતના સમાચાર આપવામાં આવ્યા હતા. વહુ રમાને કારણે હેમંત અને આશા વચ્ચેના સંબંધો વણસી ગયા હતા. તેમની વચ્ચે બહુ ઓછી વાતચીત થતી હતી. હેમંતના મોતની અને લતા મંગેશકરના જન્મદિવસની તારીખ 28 સપ્ટેમ્બર હતીે. હેમંતનો દીકરો ચૈતન્ય પાર્ટ ટાઇમ સિંગર છે. 90ના દાયકાના 'બેન્ડ ઑફ બૉય્ઝ'નો તે મેમ્બર હતો. દીકરી વર્ષાએ આત્મહત્યા કરી 1956માં જન્મેલી વર્ષા ભોસલે સિંગર, જર્નાલિસ્ટ તથા રાઇટર હતી. વર્ષાએ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી પૉલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. વર્ષા મુંબઈના જાણીતા મૅગેઝિનમાં કોલમ લખતી હતી. તેણે સ્પોર્ટ્સ રાઇટર તથા પબ્લિક રિલેશન પ્રોફેશનલ હેમંત કેંકરે સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 1998માં બંનેના ડિવોર્સ થયા હતા. ડિવોર્સ બાદ વર્ષા માતા સાથે જ રહેતી. નિકટના ફ્રેન્ડનું અવસાન થયા બાદ વર્ષા ડિપ્રેશનમાં સરી પડી હતી. તેણે સાઇકિયાટ્રિક ટ્રીટમેન્ટ પણ લીધી હતી. સપ્ટેમ્બર, 2008માં વર્ષાએ ઊંઘની દવાઓ લઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તાત્કાલિક તેને જસલોક હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. ઓક્ટોબર, 2012માં વર્ષા પોતાના ઘરના ડ્રૉઇંગ રૂમમાં સોફા પર લોહીથી લથપથ હાલતમાં મળી આવી હતી. આશા ભોસલેના ડ્રાઇવરે વર્ષાને લોહીના ખાબોચિયાંમાં જોઈ હતી. પોલીસ તપાસમાં એ વાત સામે આવી હતી કે વર્ષાએ લાઇસન્સ ગનથી માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી હતી. નાનો દીકરો આશાનો બિઝનેસ મેનેજર હતો વાત હવે આશા ભોસલેના નાના દીકરા આનંદની કરીએ તો તેણે મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તે માતાનો બિઝનેસ મેનેજર હતો. આનંદે 1983માં અનુજા ચિત્રે સાથે લગ્ન કર્યા હતા. તેમને દીકરી જનાઈ તથા દીકરો રણજય છે. દીકરી જનાઈ દાદીની જેમ જ સંગીતમાં આગળ વધી રહી છે. તે અવાર-નવાર દાદી સાથે ગીતો ગાતી હતી. એપ્રિલ, 2022માં આનંદ દુબઈ સ્થિત ઘરમાં અચાનક જ પડી ગયો હતો અને તેને ઈજાઓ પણ થઈ હતી. આનંદને ICUમાં થોડા દિવસો એડમિટ કરવામાં આવ્યો હતો. કોણ છે જનાઈ ભોસલે? આશાતાઇના અવસાન બાદ પૌત્રી જનાઈ રડી રડીને બેહાલ જોવા મળી હતી. તેની આંખમાંથી આંસુ સૂકાતા નહોતા. જનાઈ દાદીની ઘણી જ નિકટ હતી. 2002માં જન્મેલી જનાઈને નાનપણથી જ સંગીતમાં રસ હતો ને સાત વર્ષની ઉંમરથી ક્લાસિકલ ઇન્ડિયન મ્યૂઝિકની તાલીમ લેવાની શરૂઆત કરી. આ ઉપરાંત જનાઈએ વેસ્ટર્ન ઓપેરામાં ટ્રેનિંગ લીધી છે. તેણે સ્વિટ્ઝરલેન્ડની ઇન્સ્ટિટ્યૂટ લે રોઝીમાંથી અભ્યાસ કર્યો છે. જનાઈ એક્ટિંગ ડેબ્યૂ કરશે જનાઈ 'ધ પ્રાઇડ ઑફ ભારતઃ છત્રપતિ શિવાજી મહારાજ'થી એક્ટિંગ ડેબ્યૂ કરવાની છે. આ ફિલ્મમાં જનાઈ શિવાજીની પહેલી પત્ની રાણી સાઇ ભોસલેના રોલમાં જોવા મળશે. સંદિપ સિંહની આ ફિલ્મમાં રિષભ શેટ્ટી લીડ રોલમાં જોવા મળશે. હિંદી, કન્નડ, તમિળ, તેલુગુ, મરાઠી, મલયાલમ તથા બંગાળી ભાષામાં આ ફિલ્મ 21 જાન્યુઆરી, 2027માં રિલીઝ થશે. ફિલ્મ ડેબ્યૂ પહેલા જનાઈએ 'મૈં હીર તેરી', 'આદતેં, કહેંદી હૈ' જેવા સોંગ્સ ગાયાં છે. આ ઉપરાંત 'તેરા હી અહેસાસ'નું રીમિક્સ વર્ઝન ગાયું છે. ભારતના પહેલા ટ્રાન્સજેન્ડર બેન્ડનું ગીત ગાયું જનાઈ સિક્સ પેક બેન્ડમાં જોડાઈ છે. આ બેન્ડ ભારતનું પહેલું ટ્રાન્સજેન્ડર બેન્ડ છે. આ બેન્ડના સભ્યો મ્યૂઝિક ઇન્સ્ટ્રૂમેન્ટ તરીકે હાથ-પગ, બોક્સ, બાલ્ટી, બોટલ, ચાના પેક, કપ, ચમચી તથા સિટીનો ઉપયોગ કરે છે. આ બેન્ડનું પહેલું ગીત 'હિલા પૂરી હિલા..' જનાઈએ ગાયું હતું અને તેમાં સલામ બોમ્બે ફાઉન્ડેશનના 26 બાળકો જોવાં મળ્યાં હતાં. પ્લેયર ને ડાન્સર પણ છે જનાઈ આધ્યાત્મિક ગુરુ રવિશંકરની અનુયાયી છે. સિંગર હોવાની સાથે સાથે તે બાસ્કેટબોલ ખેલાડી પણ છે. જનાઈ દાદી આશા ભોસલે સાથે લાઇવ સિગિંગ શો ને ઇવેન્ટમાં ભાગ લેતી હતી. ગાયિકા, એક્ટ્રેસ, પ્લેયર ઉપરાંત જનાઈ સારી ડાન્સર પણ છે. 2017માં જનાઈએ મુંબઈમાં iAzure સ્ટોર શરૂ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ‘હિન્દી અમારા પર બોજ, તમિલ અમારી માતા’:સ્ટેશનના નામ પર કાળી શાહી, તમિલ લોકો બોલ્યા- જે હિન્દી લાદશે, તમિલનાડુ તેને રિજેક્ટ કરશે
    Next Article
    Bhooth Bangla Movie Review and Release Live Updates: Akshay Kumar film ‘challenges your finer sensibilities to just chill’, say early reviews

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment