Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્વચ્છતામાં અવ્વલ શહેરનો ગંદકીથી ખદબદતો વિસ્તાર:નંદઘર પાસે જ ઉકરડો અને રસ્તા પર ગટરના પાણી, લોકોએ કહ્યું- 'હવે તો નળમાં પણ ગટરનું પાણી આવે છે'

    1 week ago

    સુરત શહેરને સ્માર્ટ સિટી અને સ્વચ્છતામાં મોખરે ગણાવતા વહીવટી તંત્રના દાવાઓની પોલ વોર્ડ નંબર 9ના ઉગત સાઈટ એન્ડ સર્વિસ વિસ્તારમાં ખુલ્લી પડી ગઈ છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે આ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે ત્યાં નર્કાગાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. આ વિસ્તારમાં રહેતા હજારો શ્રમજીવી પરિવારો આજે પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. સૌથી ચોંકાવનારી અને દુઃખદ બાબત તો એ છે કે, જ્યાં દેશના ભવિષ્ય સમાન નાના બાળકો શિક્ષણ લેવા જાય છે, તે આંગણવાડીની હાલત અત્યંત દયનીય છે. નંદઘર પાસે જ ખુલ્લી ગટર અને ગંદકીનું સામ્રાજય આંગણવાડીના મુખ્ય પ્રવેશદ્વાર પર જ ગટરનું ઢાંકણું તૂટી ગયું છે, જેના કારણે સતત અકસ્માતનો ભય રહે છે. આ તૂટેલા ઢાંકણામાંથી નીકળતી ગટરની અસહ્ય દુર્ગંધ અને આસપાસ ફેલાયેલી ગંદકીના કારણે નાના બાળકોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે. આંગણવાડીની બાજુની ગલીઓમાં તો પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ત્યાં ગંદકીના ઢગલા ખડકાયેલા છે અને ગલીઓનું ગંદું પાણી સીધું આ તૂટેલી ગટરમાં જઈ રહ્યું છે. આવી નર્ક જેવી સ્થિતિમાં બાળકો કેવી રીતે અભ્યાસ કરી શકે અને તેમનું બાળપણ કેવી રીતે સુરક્ષિત રહી શકે તે એક મોટો સવાલ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે ઊભો થયો છે. શિવમંદિર પાસે પણ ગટરના પાણી ભરાયેલા રહે માત્ર આંગણવાડી જ નહીં, પણ આખા વિસ્તારમાં રોડ અને રસ્તાની સમસ્યા એટલી વિકટ છે કે લોકોનું ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. લોકોના ઘર આંગણે ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે અને કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાયેલું છે. ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમાન ભગવાન શંકરના મંદિરની સામે પણ ગટરના ગંદા પાણી ભરાયેલા રહે છે, જેના કારણે ભક્તોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પવિત્ર સ્થળોની આસપાસ પણ જ્યારે આવી ગંદકી જોવા મળે ત્યારે તંત્રની કામગીરી પર ફિટકાર વરસે તે સ્વાભાવિક છે. પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત સ્થાનિક રહીશોની સૌથી મોટી પીડા એ છે કે અહીં ગટરનું ગંદું પાણી હવે પીવાના પાણીની પાઈપલાઈનમાં ભળી રહ્યું છે. લોકોના ઘરોમાં જે નળ આવે છે તેમાં ગટરની દુર્ગંધવાળું પાણી આવતા લોકોમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. આ વિસ્તારમાં મોટે ભાગે મજૂર વર્ગ રહે છે, જેઓ માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવે છે. આવી સ્થિતિમાં શુદ્ધ પાણી માટે તેમને દરરોજ મોંઘા ભાવની બિસલેરી કે પાણીના કેન લાવવા મજબૂર થવું પડે છે. પોતાની રોજની મજૂરીમાંથી પાણી પાછળ આટલો મોટો આર્થિક બોજો સહન કરવો આ ગરીબ પરિવારો માટે અશક્ય બની રહ્યો છે. ટેક્સ વસૂલવામાં ઉત્સાહિત પાલિકા સમસ્યાના નિરાકરણમાં નિરસ સ્થાનિક લોકોમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની બેધારી નીતિ સામે પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો અમે ટેક્સ કે વેરો ભરવામાં સહેજ પણ મોડું કરીએ તો તંત્રના માણસો તરત જ નળ કનેક્શન કાપવા અથવા તાળા મારવા પહોંચી જાય છે. વેરો વસૂલવામાં આટલી સક્રિયતા બતાવતું તંત્ર જ્યારે સુવિધાઓ આપવાની વાત આવે છે ત્યારે કેમ મૂંગું મોઢું કરીને બેસી જાય છે? અત્યાર સુધી આ વિસ્તારની મુલાકાત લેવા કે લોકોની સમસ્યા સાંભળવા માટે કોઈ પણ કોર્પોરેટર ડોકાયા નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓની આ ઉદાસીનતા હવે લોકોમાં આક્રોશમાં બદલાઈ રહી છે. આ વિસ્તારનાલોકોએ હવે મક્કમ નિર્ધાર કર્યો છે કે જે પક્ષ કે જે નેતા તેમનું કામ કરશે અને તેમને આ નર્ક જેવી જિંદગીમાંથી મુક્તિ અપાવશે, તેમને જ તેઓ આગામી સમયમાં પોતાનો કિંમતી મત આપશે. જો વહેલી તકે આંગણવાડીનું સમારકામ કરવામાં નહીં આવે, ગટરની લાઈનો સાફ કરવામાં નહીં આવે અને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં નહીં આવે, તો આગામી ચૂંટણીમાં મતદાન ઓછું થવાની શક્યતા રહેલી છે. દારૂબંધીના ધજાગરા ઉડતા જોવા મળ્યા વિસ્તારની વરવી વાસ્તવિકતા તપાસતા દિવ્યભાસ્કરના કેમેરામાં ખુલ્લેઆમ દારૂની મહેફીલ માણતા વીડિયો પણ કેદ થયા છે ત્યારે દારૂબંધીના કાયદા સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કે જાહેરમાં જ આ વિસ્તારમાં લોકો દારૂની મહેફીલ માણતા દેખાઈ રહ્યા છે. સ્થાનિકોએ પાલિકા તંત્ર સામે બળાપો કાઢ્યો સ્થાનિક સોનમતીએ જણાવ્યું હતું કે, અમારી તો સમસ્યા એ છે કે અમારે ત્યાં ગટર ઉભરાઈ રહી છે વર્ષોથી. બે દિવસ સાફ કરે અને ત્રીજા દિવસે પાછું એવું ને એવું જ થઈ જાય. મ્યુનિસિપાલિટીવાળાને અરજીઓ કરી કરીને થાકી ગયા છીએ. અમે 10-20 લોકો સાથે મળીને જઈએ છીએ તો તેઓ કહે છે - 'બહાર નીકળો, બહાર નીકળો!' અમે શું નકામા બેઠા છીએ? તેઓ કહે છે કે તમારી આ જગ્યા વિવાદિત છે અને તમે અહીં જબરદસ્તીથી રહો છો. તો સરકારે જ મીરાનગર અને સુભાષનગરના ઝૂંપડા તોડીને અમને અહીં રહેવા માટે આપ્યું છે. સરકારે તોડ્યું ત્યારે જ અમે અહીં આવ્યા છીએ ને! હવે અહીં રોડ પર પણ પાણી ભરાય છે. હમણાં ચોમાસું આવશે તો એટલું પાણી ભરાઈ જશે કે અમારે જીવવું મુશ્કેલ થઈ જશે. ગંદકીને કારણે બાળકો બીમાર પડે છે, મારી તબિયત વારંવાર ખરાબ થઈ જાય છે. અમે જઈએ ક્યાં? તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી આવે એટલે બધા મોઢું બતાવીને આવી જાય છે, પણ તેમને અમારી સમસ્યા દેખાતી નથી. કહેશે કે તમારી જગ્યા વિવાદિત છે. જો જગ્યા વિવાદિત છે તો અમારી પાસે વોટ માંગવા શું કામ આવે છે? અમે લાઈટ બિલ અને વેરો ભરીએ છીએ તો અમારી જગ્યા વિવાદિત કઈ રીતે? લાઈટ બિલ અમે ભરીએ છીએ, વેરો ભરીએ છીએ. જો એક-બે વર્ષ ન ભરીએ તો તાળા લગાવી દે છે, ત્યારે જગ્યા વિવાદિત નથી હોતી? ત્યારે તો એ સરકારની જગ્યા થઈ જાય છે! જે ઓફિસમાં એવું બોલ્યા હતા એ જ લોકો અત્યારે મોઢું લટકાવીને આવશે. જો જગ્યા વિવાદિત છે તો તાળા કેમ મારે છે? અમે આ નાનાં બાળકોને લઈને ક્યાં જઈશું? માણસને પોતાની ફેમિલી તો હોવી જોઈએ ને? જો કોઈ એકલું હોય તો દુનિયા ટોણા મારે છે, પણ જેમને પરિવાર છે શું તેઓ આ ગંદકીમાં મરી જાય? વોટ આપવાની લઈને તેમને જણાવ્યું હતું કે, અમે તો બિલકુલ વોટ નહીં આપીએ. રોડ ખોદી નાખ્યો છે, અમે માટી નાખીને જે ઊંચું કર્યું હતું એ પણ બગાડી નાખ્યું. અત્યારે અહીં મોહલ્લામાં લોકો અંદરોઅંદર લડે છે. ભાઈ-ભાઈ લડે છે. પાડોશીઓ સાથે જેવો સંબંધ રાખવો જોઈએ એના બદલે ગાળાગાળી થાય છે. નેતાઓ તો વોટ લઈને જતા રહે છે, પણ પાડોશી જે ભાઈ કે દીકરા સમાન હોય તેની સાથે સંબંધ બગડે છે. તો કયા આધારે વોટ આપીએ? અમે બાળકો પેદા કરીએ છીએ કે તેઓ મોટા થઈને અમારો સહારો બનશે. અમે નેતાઓને પણ એટલે જ વોટ આપીએ છીએ કે મુસીબતના સમયે તેઓ અમારો સાથ આપશે. જેમ સંતાનો ઘડપણમાં નથી પૂછતા, એમ જ આ નેતાઓ પણ છે. કોઈ સાથ આપવા નથી આવતું. બસ આવીને કહેશે કે 'આ કરીશું, તે કરીશું...' અને પછી અંગૂઠો બતાવીને ચાલ્યા જાય છે. અમે શું પાગલ છીએ? અમે ઝૂંપડપટ્ટીમાં રહીએ છીએ તો શું અમને કોઈ સમજણ નથી? શું અમારી કોઈ ઇજ્જત નથી? અમારી કોઈ કિંમત નથી? સ્થાનિક ગુડ્ડુ સાહનીએ જણાવ્યું હતું કે, ગટરનો ચાર-પાંચ વર્ષથી પ્રોબ્લેમ છે. આવે છે લોકો કામ કરે છે અને ફરી પાછું એવું ને એવું જ થઈ જાય છે. અને પીવાનું તો એટલું વાસ મારે છે કે પૂછો જ નહીં. બે-બે, ચાર-ચાર દિવસ પછી પાણી આવે છે. ક્યારેક-ક્યારેક, પહેલા ઠીક હતું પણ અત્યારે એક-બે વર્ષથી બહુ જ પ્રોબ્લેમ છે, પાણીનો અને ગટરનો. એ તો બહુ જ વધારે તકલીફ છે. અને અમે સમસ્યા પણ લઈને જઈએ છીએ ઝોન ઓફિસમાં, તો બે માણસને મોકલે છે, પછી આવે છે અડધો કલાક કામ કરે છે અને ફરી પાછી જેવી ને તેવી જ સમસ્યા રહે છે. કોઈ નિરાકરણ આવતું નથી. જેમ કે અમે સમજો કે ગટરમાં રહેતા માણસ હોઈએ, કોઈ સાંભળતું જ નથી કંઈ કરવા માટે. તેમણે જણાવ્યું હતું કે કોઈ નેતા પ્રચાર માટે આવશે તો અમે ત્યાં શું કે પહેલા અમારી સમસ્યાનું નિરાકરણ લાવો પછી તમને વોટ આપી છું જોકે જ્યારે ચૂંટણી આવે ત્યારે તે લોકો કહે છે કે અમે તમારી આ સમસ્યાનું નિરાકરણ લાવીશું પરંતુ પછી કોઈ આવતું નથી.
    Click here to Read More
    Previous Article
    ચાંદખેડા વોર્ડની ચૂંટણીમાં ભાઈ-બહેન આમને-સામને:કોંગ્રેસના રાજશ્રી કેસરી સામે ભાજપે કૌટુંબિક ભાઈ યશ જાદવને મેદાને ઉતાર્યા, એકબીજાને હરાવવા રણનીતિ ઘડી
    Next Article
    ‘હિન્દી અમારા પર બોજ, તમિલ અમારી માતા’:સ્ટેશનના નામ પર કાળી શાહી, તમિલ લોકો બોલ્યા- જે હિન્દી લાદશે, તમિલનાડુ તેને રિજેક્ટ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment