Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નીલે ગગન કે તલે:અહીર કી છોહરિયાં

    1 week ago

    સુ રેન્ર્દનગરથી ધ્રુવ કંસારા નામે એક અ–વાચક સજ્જને અકસ્માતથી અમને રસખાનની એક કવિતા મોકલી છે. નક્કી છે કે એમને ખ્યાલ નથી, ને બની શકે છે કે પડી નથી, કે આ છાપામાં હમો દર અઠવાડિયે છસ્સો ને પચાસ શબ્દોમાં સાહિત્યરસિકોને ભક્તિરસથકી માલામાલ કરી દઈએ છીએ. વળી હમોએ હમારા કવિમિત્રોને તથા ગઝલગુંડાઓને વિનોદ કરાવવા જાણીજોઈને કાવ્યશત્રુ હોવાની છાપ ઉપસાવી છે. અત: આ પંક્તિઓનું અમારા કમ્પ્યુટર કમલમાં અવતરવું તે નથિંગ બટ ‘બટ ડાયલ!’ બટ બિટવિન યુ, મી એન્ડ રસખાન, કોઈ લાજવાબ કવિતા ભૂલથી ભુટકાઈ જાય તો હમ ટીન કનસ્તર પીટપીટ કર ગલા ફાડકર ચિલ્લાતે હંય કે સોભિત સોભિત સુનો સુનો! અને સામેથી સોભિત એના ઘેઘુર ઘટા ઘનઘોરઘોર સ્વરમાં ઊલળી ઊલળીને રેકોર્ડેડ જવાબ આપે છે: ‘આ કલ્પન, આ છંદ, આ ફ્લો, આ લિરિકલનેસ જે છે આ વાર્તા... યાર આપણે બધા (નોટ યૂ, પણ આપણે બધા) શું માંડીને બેઠાં છીએ, ને આ બધા કેવા દાદા થઈ ગયા છે યાર, હાય હાય હાય! અરે આના બે ટકા કે પાંચ ટકા કોઈ નિશાન રાખે ને, તોય કશે પહોંચી શકાય! કે...વી ભાષા, હાય હાય હાય! ‘છછિયાભર છાછ પે નાચ નચાવૈં.’ આહા હાય હાય! ‘છછિયાભર છાછ પે નાચ નચાવૈં.’ અરે સાલા યાર હું તો પાગલ થઈ ગયો, છછિયા, પછી છાછ, પછી નાચ નચાવૈં... આહાહાહાહા.’ અને દસ મિનિટ પછી તેના જનરલ બટ ડાયલિંગાર્થે બીજો ઓડિયો મેસેજ આવે છે: એ વાતનો મને એટલો બધો ગર્વ છે કે સાલા સવાલાહ નિવાલા ગગનવાલા સામાન્ય કવિતડાંથી ત્રાસે છે પણ કોઈ અસલી પોએટ્રી જોતાંવેંત મને મોકલે છે, ને આજે એણે મોકલી છે ચાર લીટી રસખાનની, સાંભળો सेस गनेस महेस दिनेस, सुरेसहु जाहि निरंतर गावै। जाहि अनादि अनंत अखंड, अछेद अभेद सुबेद बतावै॥ नारद से सुक व्यास रटै, पचि हारे तऊ पुनि पार न पावै। ताहि अहीर की छोहरियाँ, छछिया भरि छाछ पै नाच नचावै॥ શેષ, ગણેશ, દિનેશ, સુરેશ નિરંતર જેનું ધ્યાન ધરે છે, ... નારદ અને શુક અને વ્યાસ જેનું રટણ કરે છે તોયે જેમનો પાર પામી શકતા નથી, એને એક અહીરની છોકરીઓ એક પવાલા જેટલી છાશ માટે તેને નાચ નચાવે છે. ભઈ વાહ, ભઈ વાહ! વાહ વાહ રસખાન! ભાષાની, શિલ્પકલાની, ચિત્રકામની, સંગીતની, વાસ્તુશિલ્પની ઉત્પત્તિ થઈ ત્યારેત્યારે દુનિયાભરમાં તેની અભિવ્યક્તિ પોતપોતાના ઇષ્ટદેવ માટે કરાતી. ઉત્તમ પથ્થર આરસપહાણ હંમેશાં ધર્મસ્થાનો માટે વપરાતો, ઉત્તમ નિત્ય પ્રભુના ચરણે માણસના ઉપયોગમાં લેવાય જ નહીં. ચિત્રો પ્રભુનાં થતાં, ઇસ્ટમાં ને વેસ્ટમાં. કવિતા, નાટક, આખ્યાનો થતાં અંતરજામિની યશોગાથા ગાવા. મનુજની વાર્તા, મનુજનાં ચિત્રો, ગીતો, કથાકાવ્યો, નાટકો આદિ આવ્યાં તે પછી. આ લખનારના મત અનુસાર મનુજની ઊર્મિઓનો ઉછાળ છાતીની બહાર કાઢવા કલાકાર આશ્રય લે છે કલાનો, માટીનો, રંગોનો, પથ્થરનો, તાડપત્ર કે કાગળનો કપડાંનો કે ગુફાની ભીંતોનો. અને કલાકાર તે ‘ઉછાળ’ સંબોધે છે પરમ કલાકાર સૃષ્ટિકારને, અને ખોડે છે પોતાની દાસ્તાન તેની શ્રદ્ધાના ખિલ્લે! ગગનખાન કિશોરકાળમાં રાષ્ટ્રભાષા રત્નની પરીક્ષામાં ફેલ થયેલા ત્યારે જાણેલું કે રસખાનના સમયમાં અન્ય કવિઓ હતા તુલસી, મીરાં, જાયસી આદિ અને રાજ્યકાળ હતો અકબરનો. જન્મે સૈયદ ઇબ્રાહિમ નામના સૂફી કવિ ‘રસખાન’ના તખલ્લુસથી લખતા, એમણે દીક્ષા લીધેલી ગોસ્વામી વિઠ્ઠલનાથ પાસેથી. અને હાલ એમની એક જ પંક્તિ યાદ છે જેના ઉપર શોભિતખાન વારી વારી જાય છે ને લાલા, હમ ભી, હમ ભી! છછિયાભરી છાછ પે નાચ નાચીએ છીએ, વધુ ઉત્ખનન કરતાં જાણીએ છીએ કે તે સમય હતો આબાદીનો, અદબનો, ભાઈચારાનો. રાજ્યકાળ હતો અકબરનો. પંડિતો કહે છે કે બાદશાહ કલાઓના કદરદાન અને સર્વ ધર્મો પ્રત્યે ઉદાર હતા. અન્ય મુસ્લિમ કૃષ્ણભક્ત કવિ હતા અબ્દુર રહીમ ખાન–એ–ખાનાન, જે રહીમના નામે લખતા, વિઠ્ઠલનાથજીના અન્ય શિષ્ય, અને પખાવજના ઉસ્તાદ અલી ખાન પઠાન સાહેબે પણ ‘चौरासी वैष्णवों की नामावली’ રચી. કૈમખાની મુસ્લિમ કુટુંબની રાણી, અકબર સાથે લગ્ન કર્યા પછી કૃષ્ણભક્તિમાં લીન થઈ. તેમણે ‘गोकुलपुरा’ વસાહત સ્થાપી અને કૃષ્ણપ્રેમથી ભરેલી રચનાઓ કરી. તેમણે ગૌહત્યા પર પ્રતિબંધ મૂક્યો અને વિઠ્ઠલનાથજીને રાજકીય સન્માન આપ્યું. નીરજ કુમાર નામના કન્ટન્ટ રાઇટર જણાવે છે કે: रसखान की कृतियों में जरा भी शब्दाडंबर नहीं है। वे अपनी भाषा संवृद्धि के लिए अभिधा, लक्षणा और व्यंजना तीनों शब्द शक्तियों का प्रयोग करते हैं। अन्य कृष्ण भक्त कवियों की भांति उन्होंने परंपरागत काव्य शैली का अनुसरण नहीं किया है। અત્યારના મારાકાટી ને ધર્મકટ્ટરતાના કારમા, કરપીણ સમાંમાં કંસારા સાહેબ દ્વારા અકસ્માત મોકલાઈ ગયેલી રસખાનની કવિતા બસ હમારા દિલના દરિયામાં આવી ભરતી લઈ આવી. જય છોહરિયાં, હાય છોહરિયાં!
    Click here to Read More
    Previous Article
    ઓક્સિજન:યુદ્ધનું કારણ
    Next Article
    સહજ સંવાદ:ગુજરાત વિશેનો નાદાન ભ્રમ: કારણો એક નહિ, અનેક!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment