Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિકાસની વાટે:આત્મનિરીક્ષણ જવાબદારીનું ભાન કરાવે છે

    1 week ago

    હસમુખ પટેલ આપણે ત્યાં પ્રાથમિક શાળાથી પીએચ. ડી. સુધીનું શિક્ષણ માહિતીથી ભરપૂર હોય છે. શિક્ષણને કારણે વ્યક્તિની જાણકારી વધે છે. પરંતુ તેનું વ્યક્તિત્વ ઘડતર થતું નથી. મોટી ઉપાધિઓ મેળવેલી વ્યક્તિઓ જીવનના પડકારો સામનો કરી શકે તેવું જરૂરી નથી. તે ગમે તેવી મજાની વ્યક્તિ હોય તેવું ઘણીવાર બનતું નથી. તેમનામાં કંઈ કરી છૂટવાની ભાવના હોય તેવું ઘણીવાર જોવા મળતું નથી. આપણે ત્યાં તાલીમોમાં પણ જાણકારી પર ભાર હોય છે. ત્યાં ‘ડુઝ એન્ડ ડોન્ટ્સ’ આપવામાં આવે છે. ટિપ્સ આપવામાં આવે છે અથવા તો પ્રેરણાદાયક વાતો કરવામાં આવે છે. તાલીમ પૂરી થાય ત્યારે વ્યક્તિને બહુ સારું લાગે છે. પરંતુ થોડાક સમયમાં બધું ભુલાઈ જાય છે. તાલીમ કાયમી બદલાવનું કારણ બનતી નથી. આ સંદર્ભમાં આપણે શીખવાના બે પ્રકાર પાડી શકીએ. માહિતીપ્રધાન શિક્ષણ અને રૂપાંતરિત કરે તેવું શિક્ષણ. એટલે કે વ્યક્તિમાં કાયમી બદલાવ લાવે તેવું શિક્ષણ. રૂપાંતરણ થાય તે પછી વ્યક્તિ એની એ રહે જ નહીં. જેમ દૂધમાંથી દહીં બન્યા પછી ફરી દૂધ બનતું નથી. માહિતીપ્રધાન શિક્ષણની આપણે વાત કરી. હવે રૂપાંતરિત કરે તેવું શિક્ષણ જોઈએ. રૂપાંતરિત કરે તેવા શિક્ષણમાં આત્મનિરીક્ષણ પર ભાર હોય છે. વ્યક્તિ પોતાની જાતમાં જુએ છે. તેને તેની સારી અથવા નરસી બાબતો દેખાય છે. સારી બાબત દેખાય ત્યારે તે તેનો વધુ ઉપયોગ કરી તેનો લાભ લે. નરસી બાબતે દેખાય તો તેને દૂર કરી શકે. રૂપાંતરણનું લક્ષ રાખનાર પ્રશિક્ષકનું કામ છે વ્યક્તિને અહેસાસ કરાવવાનું. વ્યક્તિને જ્યારે ભાન થાય કે આ કે તે પરિસ્થિતિ માટે પોતે જવાબદાર છે, બીજું કોઈ કે સંજોગો નહીં, ત્યારે બદલાવ આવ્યા વિના રહેતો નથી. આવા પ્રશિક્ષક પોતે ઓછું બોલે છે. તાલીમાર્થીને વિચારવા સમય આપે છે, તેને વિચારવા મજબૂર કરે છે. તે સારા એવા પ્રશ્નો પૂછે છે. એવું વાતાવરણ સર્જે છે જેથી વ્યક્તિને ભાન થયા વિના રહે નહીં. પ્રશિક્ષકનું કામ છે યોગ્ય પ્રશ્નો પૂછવાનું તથા ભાન થાય તેવું વાતાવરણ ઊભું કરવાનું પણ ખરેખર ભાન થાય તે માટે પ્રયાસ તો તાલીમાર્થીએ જાતે જ કરવો પડે છે. તે સારું તેણે આત્મનિરિક્ષણ કરવું પડે. જાતમાં જોવું પડે. જાતમાં જોવાથી સામેના પક્ષમાં રહેલા સત્યની ખબર પડે. આપણા પૂર્વગ્રહો દૂર થાય અથવા ઓછા થાય. આપણા આગ્રહો અને દુરાગ્રહો ઓછા થાય. આગ્રહો, પૂર્વગ્રહો તથા દુરાગ્રહો સંબંધોમાં અંતર વધારે છે. તેમાં ઘટાડો થતાં સંબંધો સુધારવા લાગે છે. સંબંધો જ જીવનમાં સુખ આપે. સાચા અર્થમાં સુખી જવું હોય તો પોતાની જાતમાં જોઈ સતત બદલાતા રહેવું પડે. આગ્રહો તથા પૂર્વગ્રહો છોડવા પડે. કેટલીય દીકરીઓ ભાગીને લગ્ન કરે છે. સંતાનો માતા-પિતાની ઈચ્છા વિરુદ્ધ કારકિર્દી પસંદ કરે છે. પરિણામે સંબંધો પર છીણી મુકાઈ જાય છે. મા-બાપ સાથેનો મજબૂત સંબંધ દરેક વ્યક્તિ માટે શક્તિનો સ્ત્રોત છે. તેમાં ઠેકાણું ન હોય તો વ્યક્તિ જીવનના દરેક પાસામાં દરેક પળે શક્તિહીનતાનો અનુભવ કરે છે. આવી વ્યક્તિના જીવનમાં સાચો આનંદ સંભવ નથી હોતો. આવાં માતા-પિતા અને સંતાનો પોતાની જાતમાં જુએ તો સામા પક્ષે રહેલું સત્ય તેમને સમજાય ને દૂરી દૂર થાય. સાથે બેસીને સમજી વિચારીને સર્વસંમતિથી નિર્ણય લઈ શકે છે. આવું થાય ત્યારે પરિવાર સુખ, શાંતિ અને આનંદનો અનુભવ કરે છે. આત્મનિરીક્ષણ આપણામાં રહેલી અપ્રમાણિકતાનો અહેસાસ કરાવે છે. આ પ્રમાણિકતા ભણી આગળ વધવા માટેનું પહેલું પગથિયું બને છે. અપ્રમાણિક વ્યક્તિએ ઘણું છુપાવવાનું હોય છે. પોતાનું સાચું રૂપ બીજાને ખબર પડી જશે તેનો ભય તેને સતત સતાવે છે. ગમે તેવી અપ્રમાણિક વ્યક્તિને પણ તે ખટક્યા વિના ન રહે. પ્રામાણિક વ્યક્તિનું જીવન સરળ હોય છે. સરળતા સુખ આપે છે. આત્મનિરીક્ષણ આપણી માન્યતાઓને બદલે છે. આપણે સૌ માન્યતાઓથી બંધાયેલા હોઈએ છીએ. તેમાંથી મુક્ત થઈએ તો સાચી આઝાદી અનુભવાય છે. નિષ્ફળતાના કિસ્સામાં અથવા ન ગમે તેવી પરિસ્થિતિ માટે આપણે બીજાઓનો કે સંજોગોનો દોષ જોતા હોઈએ છીએ. આ સ્થિતિમાં આપણે શું કરી શકીએ તેનું ભાન આત્મનિરીક્ષણ કરાવે છે. આમ આપણને તે જવાબદારીનું ભાન કરાવે છે. તેથી આપણે ફરિયાદ કરનારાને બદલે પગલાં લેનારા બનીએ છીએ. આવું થાય ત્યારે પરિસ્થિતિ બદલાયા વિના રહેતી નથી. આત્મનિરીક્ષણ થકી બદલાવ પામીએ, રૂપાંતરિત થઈએ.
    Click here to Read More
    Previous Article
    મૉન્ટાજ:ચાર ફૂલ હૈ ઔર દુનિયા હૈ: લોકો, સંબંધો, સ્મૃતિઓ, વિચારો!
    Next Article
    શબ્દ સકળ પૃથ્વીના:તરાપાના સહારે મહાસાગર સાથે બાથ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment