Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણમાં ખીલ્યું ગુલાબ:તેં જગ્યા રાખી’તી મારી, બે સ્ટેશનનની વચ્ચે, કિન્તુ મેં પ્રવાસની વચ્ચે તારી જગ્યા રાખી છે

    1 week ago

    પોલીસ સ્ટેશનનો લેન્ડ લાઇન ફોન ગર્જી ઊઠ્યો. આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચૌહાણસાહેબે રિસિવર ઉઠાવ્યું. પછી કડક અવાજમાં પૂછ્યું, ‘કોણ બોલે છે? કોનું કામ છે?’ ‘સામેથી ગભરાયેલો અવાજ સંભળાયો, ‘હું વિઠ્ઠલ બોલું છું.’ પછી એણે પોતાના વિસ્તારનું નામ આપ્યું, પછી ઉમેર્યું, ‘અહીં જમણી બાજુના પાંચમા મકાનમાં રહું છું. સાહેબ, મારી ઘરવાળીએ આપઘાત કરી લીધો છે. આપ સાહેબ જલદી આવો. એ પંખા સાથે સાડલો બાંધીને લટકી ગઇ છે. સાહેબ, મને સૂઝતું નથી કે હું શું કરું!’ આ સાંભળીને ચૌહાણસાહેબ વીજળીક ગતિએ ખુરશીમાંથી ઊભા થઇ ગયા. એક હેડ કોન્સ્ટેબલ અને બે કોન્સ્ટેબલ્સને સાથે લઇને સાહેબ જીપમાં બેઠા. ડ્રાઇવરને સૂચના આપી, જીપ દોડવા લાગી. લગભગ અઢી દાયકા પહેલાંની સત્ય ઘટના. પોલીસની જીપ પોરબંદરના વાંકા-ચૂકા, કાચા-પાકા રસ્તાઓ પર થઇને ચાર-પાંચ જગ્યાએ વળાંકો લઇને આખરે એક ગરીબ, મહેનતકશ પરિવારોની વસ્તીમાં પ્રવેશીને એક પહોળી ચોરસ જગ્યા પર જઇને ઊભી રહી ગઇ. વજનદાર બૂટના અવાજોથી વાતાવરણ થથરી ઊઠ્યું. એ. એસ. આઇ. ચૌહાણસાહેબ માનવીય અભિગમ ધરાવતા પણ ગુનેગારો માટે કાળ સમાન ગણાતા સખ્ત પોલીસ અધિકારી હતા. ઘર શોધવાની જરૂર ન પડી. બે હારમાં આવેલા સાવ સામાન્ય મકાનોની પંગતમાં જમણી બાજુના પાંચમા મકાનના ઓટલા પાસે જ વિલાયેલું મોં લઇને વિઠ્ઠલ ઊભો હતો. ખાખી વર્દીવાળા સાહેબને જોતાવેંત એણે પોક મૂકી, ‘સાહેબ, આમાં મારો કોઇ વાંક નથી. હું મારી રાધાને જીવથીય વધારે પ્રેમ કરતો હતો. એણે જે કર્યું એના માટે હું જવાબદાર નથી. સાહેબ, મને મારતા નહીં.’ ચૌહાણસાહેબ યુવાન હતા પણ અલગ મિજાજના અધિકારી હતા. કોઇ પણ અપરાધી ઘટના બને ત્યારે દંડો ચલાવવા કરતાં દિમાગ ચલાવવાનું વધારે પસંદ કરતા હતા. એમાં પણ આ સમયે તો એમની સૌથી મહત્ત્વની પ્રાથમકિતા પંખા પરથી લટકી રહેલી લાશને નીચે ઉતારવાની હતી. એમણે બેડરૂમમાં એક સર્વગ્રાહી નજર ફેરવી લીધા પછી પૂછ્યું, ‘વિઠ્ઠલ, મારા આવ્યા પહેલાં આ કમરામાં કોણ-કોણ આવ્યું હતું?’ ‘કોઇ નહીં, સાહેબ. મેં બંધ બારણાંને ધક્કો માર્યો, બારણું ખાલી જ વાસેલું હતું એટલે ખૂલી ગયું. મેં મારી રાધાની લાશ જોઇ. મને છાપાં વાંચવાની ટેવ છે એટલે મને એટલી તો ખબર છે કે આવું બને ત્યારે ઓરડામાંની એક પણ ચીજને અડાય નહીં. બીજા કોઇને અંદર પગ પણ મૂકવા ન દેવાય. લાશને ઉતારતા પહેલાં જ પોલીસને જાણ કરી દેવી જરૂરી છે. સાહેબ, એટલે જ મેં પહેલું કામ તમને ફોન કરવાનું કર્યું.’ ચૌહાણસાહેબે જાતે પલંગ પર ચડીને બે હવાલદારની મદદથી રાધાની લાશને નીચે ઉતારી. એમને એક બાબતની નવાઇ લાગી, ‘રાધાના ગળામાં ફસાયેલો ગાળિયો પૂરેપૂરો ચુસ્ત રીતે બેઠો ન હતો. એની જાડી ગાંઠના કારણે રાધાની શ્વાસનળી પૂરી દબાઇને બંધ થઇ ન હોવી જોઇએ એવું એમને લાગ્યું. એમણે ફર્શ પર સુવડાવેલી રાધાનો હાથ પોતાના હાથમાં લઇને નસ પકડવાનો પ્રયત્ન કર્યો. બહુ ઊંડી, બહુ ધીમી પલ્સ ચાલતી હોય એવું એમને લાગ્યું. ચૌહાણસાહેબે કોન્સ્ટેબલને સૂચના આપી, ‘રાધા હજી મરી નથી. એને તાબડતોબ સરકારી હોસ્પિટલ ભેગી કરો. હું જરૂરી વિધિ પતાવીને આવું છું.’ બાકીના સ્ટાફ સાથે ચૌહાણસાહેબે વિઠ્ઠલની પૂછપરછ શરૂ કરી. વાતચીતમાં જે જાણવા મળ્યું તે આઘાત પમાડનારું હતું. વિઠ્ઠ‌લ અને રાધા બંને આર્થિક, સામાજિક દૃષ્ટિએ પછાત જ્ઞાતિનાં હતાં. સાથે મજૂરીકામ કરતાં કરતાં બંને વચ્ચે પ્રેમ થઇ ગયો. આ પ્રેમ સાચો હતો, ઉત્કટ હતો અને ભેળસેળ વગરનો હતો. વિજાતીય દેહનાં અંગ-ઉભારોને જોઇને ક્ષણાર્ધમાં ઊઠેલી વાસના ન હતી. જો આની સાથે પરણવા મળે તો સાથે મ‌ળીને મજૂરી કરીને કાચા ઝૂંપડામાં સૂરજનું અજવાળું પાથરવાની પવિત્ર ઇચ્છામાંથી જન્મેલો એ ભાવ હતો. બંનેની જ્ઞાતિ, જાતિ, સમાજ એક હોવા છતાં નસીબની કઠણાઇ જુઓ તે બંનેનાં પરિવારજનોએ આ સંબંધનો જોરદાર વિરોધ કર્યો. શરૂઆત મનાવવાથી થઇ જે અંતમાં મારામારી સુધી પહોંચી ગઇ. રાધાને દિવસો સુધી એક ઓરડીમાં પૂરી દેવામાં આવી. એક દિવસ લાગ જોઇને એ નાસી ગઇ, બંનેએ લગ્ન કરી લીધાં. લગ્ન કરી લીધાં પછી પણ ક્યાં શાંતિ હતી? વિઠ્ઠલનાં માતા-પિતાએ રાધાની કનડગત કરવામાં કોઇ કચાશ ન રાખી. બંને જુદા રહેવા ગયા તો ત્યાં જઇ-જઇને વિઠ્ઠ‌લની ગરહાજરીમાં એની મા રાધાની સાથે ઝઘડી આવતી. સુખી સંસારનું રેશમી સપનું જોઇને વિઠ્ઠલને વરેલી રાધા સંજોગોના આ આકરા ઉનાળાનો તાપ સહી ન શકી. એક દિવસ પંખે લટકી ગઇ. પાડોશીઓએ પણ વિઠ્ઠલે ચૌહાણસાહેબને જણાવેલી આ માહિતી ઉપર અનુમોદનની મહોર મારી. સરકારી હોસ્પિટલમાં તાકીદની સઘન સારવાર મળી ગઇ એટલે રાધા બચી તો ગઇ પણ એના મગજના કેટલાક ભાગમાં કાયમી નુકસાન પહોંચી ગયું હતું. ગળે ફાંસો લાગવાને કારણે દિમાગના કોષોને ઓક્સિજન ન મળ્યો એટલે એ કોષો કાયમને માટે મરી ગયાં. રાધા એક જીવતી લાશ બની ગઇ. વિઠ્ઠલ જીવતી મરેલી પત્નીને લઇને ઘરે આવ્યો. ચૌહાણસાહેબને આ ગરીબ માણસનાં વાણી-વર્તનમાં રસ પડ્યો હતો. થોડા થોડા દિવસોનાં અંતરે તેઓ જાતે વિઠ્ઠલના ઘરે જઇને એના હાલચાલ જાણી આવતા. ક્યારેક પાડોશીઓને પોલીસ સ્ટેશનમાં બોલાવીને ખબર-અંતર પૂછી લેતા. ચૌહાણસાહેબને જે જાણવા મળતું હતું એ અ‌વિશ્વસનીય, અકલ્પ્ય હતું. વિઠ્ઠલની જિંદગી અંતવિહીન તપ સમાન બની ગઇ હતી. રાધાને ઊંચકીને બાથરૂમમાં લઇ જવી, એને સ્નાન કરાવવું, પથારીમાં એનાં મળ-મૂત્ર સાફ કરવાં, કપડાં બદલવાં, હેતુપૂવર્ક અર્ધપ્રવાહી ખોરાક આપવો, વચ્ચેથી સમય કાઢીને સો-બસો રૂપિયાનું કામ કરી આવવું અને આખો દિવસ રાધાની સાથે પ્રેમભરી વાતો કરવી. વાતચીત એકતરફી જ રહેતી, રાધા ફક્ત સાંભળતી, સામે કંઇ બોલી શકતી નહીં. એક દિવસ ચૌહાણસાહેબે પૂછ્યું, ‘વિઠ્ઠલ કેટલા દિવસ સુધી તું રાધાની સેવા-ચાકરી કરતો રહીશ? એ હવે તને પત્નીસુખ આપી શકે એટલી સાજી ક્યારેય નથી થવાની. એની આળપંપાળ છોડી દે.’ કેવી રીતે છોડું, સાહેબ? રાધા મારા માટે એની દુનિયા છોડીને આવી હતી. એ જીવશે ત્યાં લગી હું એની ચાકરી કરીશ.’ વિઠ્ઠલની આંખોમાં દૃઢ નિશ્ચયાત્મક ચમક અંજાઇ જતી. ‘તારા પાડોશીઓ પણ કહે છે કે તારે બીજાં લગ્ન કરી લેવાં જોઇએ, જેથી તું કમાવામાં ધ્યાન આપી શકે અને નવી પત્ની રાધાનું ધ્યાન રાખે.’ ચૌહાણસાહેબે એક વાર દાણો ચાંપી જોયો. વિઠ્ઠલે કરુણ સ્મિત કર્યું, ‘સાહેબ, તમે તો દુનિયા જોયેલી છે. બીજી પત્ની તો એવું ઇચ્છેને કે રાધા જેમ બને તેમ વહેલી મરી જાય! આ બધું શરીરનાં સુખ માટે ઉપજાવી કાઢેલાં બહાનાં જેવું છે. હું ક્યારેય બીજાં લગ્ન નહીં કરું. એ પાપ મારાથી નહીં થઇ શકે, સાહેબ.’ આજકાલ કરતા પંદર વર્ષ વીતી ગયાં. ચૌહાણસાહેબને પ્રમોશન મળતું ગયું, ટ્રાન્સફર થતી રહી. એ. એસ. આઇ.માંથી પી. એસ. આઇ., પછી પી. આઇ., પછી ડી. એસ. પી. એમ હોદ્દાઓ અને સત્તા વધતાં ગયાં. પણ તેમનું પોસ્ટિંગ ગમે તે શહેરમાં હોય ત્યાંથી તેઓ વિઠ્ઠલ-રાધાના સમાચાર મેળવતા રહ્યા. છેલ્લે 2015માં તેઓ રૂબરૂ મળવા ગયા ત્યારે પણ પથારીમાં પડેલી હાડપિંજર જેવી રાધાને પ્રેમપૂર્વક સાચવી રહેલા વિઠ્ઠલને તેમણે જોયો હતો. હાલમાં તેઓ ગુજરાત રાજ્યના ‘લૉ એન્ડ ઓર્ડર’ વિભાગના આઇ. જી. પી.ના હોદ્દા પર બિરાજમાન છે, અપરાધીઓ સાથે તેમનો રોજનો પનારો છે. કારકિર્દીમાં પ્રેમના નામ પર થયેલા હજારો અપરાધોના તેઓ સાક્ષી રહ્યા છે, પણ એક ગરીબ પુરુષના ઝૂંપડામાં ખીલેલા પ્રેમના ગુલાબને તેઓ આજે પણ ભૂલ્યા નથી. (શીર્ષક પંક્તિ: સ્નેહી પરમાર)
    Click here to Read More
    Previous Article
    દેશ-વિદેશ:અમેરિકા માટે નાટો સંગઠન કાગળનો વાઘ છે?
    Next Article
    સ્ટ્રેઇટ ડ્રાઇવ:પ્રેરણાનું પોસ્ટર

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment