Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિડન ટ્રુથ:જેનેટ પલંગ પરથી હવામાં ઊંચકાતી

    1 week ago

    જયેશ દવે ભાનામતિ એટલે કે અદૃશ્ય શક્તિનો ઉત્પાતમાં મહદ્અંશે કોઈ એક વ્યક્તિ કેન્દ્ર સ્થાને હોય તેવું જોવા મળે છે. આ વ્યક્તિની ઉપસ્થિતિમાં ઉત્પાત, તોડફોડ, વિચિત્ર અવાજો આવવા, દુર્ગંધ આવવી સહિતની ઘટનાઓ બનતી હોય છે. ઈંગ્લેન્ડમાં બનેલી ઘટનાઓ ડરામણી છે. લંડનના એનફિલ્ડમાં 1977-79ના સમયમાં બનેલી આ ઘટનાઓ ભારે ચર્ચામાં રહી છે. એનફિલ્ડના કાઉન્સિલ હાઉસમાં હોડ્સન પરિવારની માતા પેગી અને તેના 4 બાળકો રહેતા હતાં. આ ચાર પૈકી 11 વર્ષની જેનેટ અને 13 વર્ષની માર્ગારેટ સાથે વિચિત્ર ઘટનાઓ બનવા લાગી. તે હાજર હોય તેવા સમયે બાળકોના ઓરડામાં કબાટ આપમેળે ખસીને આગળ-પાછળ થતા, રમકડાં હવામાં ઊડવા લાગતાં. દીવાલો પર પણ જોરથી ટકોરા પડતા જાણે કોઈ દરવાજો ખટખટાવતું હોય! જેનેટ અને માર્ગારેટ પલંગ પરથી હવામાં ઊંચકાતી તો ક્યારેક પલંગ પરથી જોરથી નીચે ફેંકાતી. બે વર્ષ સુધી સતત આવી ઘટનાઓ બનતી રહી. આ દરમિયાન ‘સોસાયટી ઓફ સાઇકિક રિસર્ચ’ના સભ્યોએ મહિનાઓ સુધી સંશોધન કર્યું. અનેક ફોટોગ્રાફ્સ લીધા અને ઓડિયો રેકોર્ડિંગ કર્યાં. આ દરમિયાન 11 વર્ષની જેનેટનો અવાજ ક્યારેક ભારે અને ડરામણો થઈ જતો અને તે પોતે ‘બિલ વિલ્કન્સ’ હોવાનું કહેતી. આ બિલ વિલ્કન્સ આ ઘરમાં વર્ષો પહેલાં મૃત્યુ પામ્યો હતો.‌ જ્યારે તપાસકર્તાઓએ બિલના પુત્ર (ટેરી વિલ્કન્સ) નો સંપર્ક કર્યો, ત્યારે તેણે પુષ્ટિ કરી કે જેનેટે જે રીતે તેના પિતા બિલના મૃત્યુનું વર્ણન કર્યું તે સો ટકા સાચું હતું. એસ. આર. પી. ટીમના સદસ્યે પોતાની નોંધમાં એ પણ જણાવ્યું છે કે, જેનેટ જ્યારે બિલ તરીકે બોલતી ત્યારે તેના ગળાના સ્નાયુઓનું હલનચલન જોવા ન મળતું. શરીર વિજ્ઞાન મુજબ આ અશક્ય છે અને સ્પીચ થેરપિસ્ટ્સનું પણ માનવું હતું કે કોઈ નાની છોકરી માટે કલાકો સુધી આવો ઘેરો અને ગંભીર પુરુષનો અવાજ કાઢવો શારીરિક રીતે અશક્ય છે. લંડનના જાણીતા અખબાર અને સમાચાર સંસ્થા દ્વારા આ ઘટનાઓ પ્રસિદ્ધ થઈ હતી. આ દરમિયાન જેનેટે એ કબૂલ્યું હતું કે, તપાસ કરનાર નિષ્ણાતો પકડી શકે છે કે નહીં તે જાણવા કેટલીક ઘટનાઓ તેમણે જાતે કરી હતી, જ્યારે મોટા ભાગની ઘટનાઓ કોઈ અદૃશ્ય તાકાત દ્વારા થઈ છે. ‘કૉન્ઝરિંગ -2’ ફિલ્મ આ ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં ભયાનકતા દર્શાવવા કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે, પરંતુ 2015માં ત્રણ એપિસોડની એક બ્રિટિશ મિની સિરીઝ આવી હતી જેમાં આ સત્ય ઘટનાઓ અને તેની તપાસને વધુ પ્રામાણિક રીતે જોઈ શકાય છે. જેનેટની આ ઘટનામાં મૃતક બિલ વિલ્કન્સનો સંદર્ભ મળતા આત્મા જેવી બાબતનું જોડાણ મળે છે પરંતુ અનેક ઘટનાઓમાં આવો સંદર્ભ પણ હોતો નથી. આવી એક ઘટનાની વાત કરીએ જેમાં પણ એક 13 વર્ષની છોકરી કેન્દ્રમાં છે. પોલેન્ડના સાસ્નોવિક શહેરમાં રહેતી એક 13 વર્ષની છોકરીની ઉપસ્થિતિમાં બનતી ઘટનાઓએ આશ્ચર્ય સર્જ્યું હતું. 1980માં બનેલી આ ઘટનાઓમાં આ છોકરી જે રૂમમાં સૂતી હતી ત્યાં વહેલી સવારે ત્રણ વાગ્યા આસપાસ રૂમમાંની વસ્તુઓ આમ તેમ ફંગોળાવા લાગી. અવાજ આવતા તેનાં માતા પિતા દોડી ગયાં અને જોયું તો ટેબલ અને ખુરશી ફરસ પર આમથી તેમ ફરી રહ્યાં હતાં, કાચની વસ્તુઓ આપોઆપ ઊછળીને દીવાલ સાથે અથડાઈને કટકા થઈ જતી હતી. સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે મેચ બોક્સમાંથી દીવાસળી આપોઆપ બહાર નીકળી સળગી અને હવામાં આમ તેમ ફંગોળાઈ હતી. ‘પોલ્ટર્જીસ્ટ’ નામથી જ બનેલી ફિલ્મમાં આ ઘટનાઓ બતાવવામાં આવી છે. આવી ઘટના સતત બનતા પરિવારે લશ્કરના અધિકારી, તબીબો તથા બુદ્ધિજીવીઓને બોલાવ્યા. આ તમામની ઉપસ્થિતિમાં અને પરીક્ષણ હેઠળ પણ આવી ઘટનાઓ બની. આ સમયે તે છોકરીના શરીરનું ઉષ્ણતામાન ખૂબ વધી જતું અને હૃદયના ધબકારા પણ ખૂબ વધી જતા હતા. જે રૂમમાં આ ઘટના બનતી તેનું તાપમાન પણ આ સમય ખૂબ વધી જતું હતું. પત્રકારોએ રૂબરૂ નિહાળ્યા બાદ પોલેન્ડના અખબારમાં પણ આ અંગે વિગતે અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. વસ્તુઓ અહીંથી અહીં ફેંકાવી કે પછી પત્થરમારો થવો જેવી ઘટનાઓ જ નહીં વસ્તુઓ સળગી જવી, દુર્ગંધ આવવી, ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકસાન થવું આવી ઘટનાઓ પણ બનતી હોય છે. ઉત્પાત દરમિયાનની ઘટનાઓ અને વાતાવરણમાં થતો ફેરફાર અદૃશ્ય શક્તિની માનસિકતા તો ક્યારેક વ્યક્તિની મનોસ્થિતિ પણ વ્યક્ત કરે છે.
    Click here to Read More
    Previous Article
    અમલપિયાલી:રોકી લેવાની મથામણ અને મુક્ત થઈ જવાની તાલાવેલી
    Next Article
    દેશ-વિદેશ:અમેરિકા માટે નાટો સંગઠન કાગળનો વાઘ છે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment