Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી:કોંગ્રેસના ઉમેદવારો ઢોલ-નગારા સાથે ઘોડા પર સવાર થઈને તો 'આપ'ના ઉમેદવારોએ સાદગીપૂર્વક રીતે ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી

    14 hours ago

    રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાના શ્રીગણેશ થયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને પગલે શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે અને વિવિધ વોર્ડના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે ચૂંટણી અધિકારીની કચેરીએ પહોંચી રહ્યા છે. આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષો દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા. ચૂંટણીના જંગની સત્તાવાર શરૂઆત થતા જ રાજકીય પક્ષોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 8 ના કોંગ્રેસના કોર્પોરેટર રણજીત મુંધવા આજે પરંપરાગત શૈલીમાં ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. ચૂંટણીના ઢોલ-નગારાના ગડગડાટ સાથે તેઓ ઘોડી પર સવાર થઈને ફોર્મ ભરવા આવ્યા હતા, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. તેમની સાથે મેહુલ મકવાણા અને પુષ્પાબેન સહિતના અન્ય ઉમેદવારોએ પણ આ મિશનમાં જોડાઈને પોતાની દાવેદારી નોંધાવી હતી. ઉમેદવારોએ વિજય વિશ્વાસ સાથે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે. વોર્ડ નંબર 8માં કોંગ્રેસના ઉમેદવાર રણજીત મૂંધવાએ જણાવ્યું હતું કે તેઓ વોર્ડ નંબર 8ની જનતાની પાયાની સમસ્યાઓને વાચા આપવા માટે રણમેદાનમાં ઉતર્યા છે. તેમણે ભાજપના શાસનથી ત્રસ્ત થયેલા લોકોને કોંગ્રેસના ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરી હતી. કોંગ્રેસના મેનિફેસ્ટો અંગે વાત કરતા જણાવ્યું હતું કે, જો કોંગ્રેસ સત્તા પર આવશે તો કોર્પોરેશનના બાળકો માટે પ્રાઈવેટ જેવી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો બનાવવામાં આવશે. ઉપરાંત જનતાના આરોગ્યને પ્રાધાન્ય આપીને નાના ક્લિનિકો સંપૂર્ણપણે ફ્રી કરી આપવાનું વચન પણ તેમણે આપ્યું હતું. રોડ-રસ્તા અને અન્ય માળખાગત સુવિધાઓમાં સુધારો કરવાની સાથે જનતાની વચ્ચે રહીને તમામ પ્રશ્નોના નિકાલની ખાતરી તેમણે આપી હતી. વોર્ડ નંબર 8 માંથી કોંગ્રેસના ઉમેદવાર મેહુલ મકવાણાએ જણાવ્યું હતું કે જનતાના પાયાના પ્રશ્નો અને પાયાની સવલતો પૂરી કરવા માટે તેઓ કટિબદ્ધ છે. છેલ્લા સમયમાં કોર્પોરેશનમાં જે ભ્રષ્ટાચાર અને કૌભાંડો સામે આવ્યા છે અને તેના કારણે જે આમ જનતાને ભોગ બનવું પડ્યું છે, તે પ્રશ્નોને વાચા આપવા માટે તેઓ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ઘોડા પર સવાર થઈને ફોર્મ ભરવા જવા પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે, આ ચૂંટણી તેમના માટે એક યુદ્ધ સમાન છે. જે રીતે કોર્પોરેશનમાં અનેક કૌભાંડો બહાર આવ્યા છે તેની સામે લડવા માટે યુદ્ધના મેદાનની જેમ જ રણનીતિ સાથે તેઓ આગળ વધી રહ્યા છે. આ ભ્રષ્ટાચાર સામે લડવા માટે અને લોકોના અધિકારો માટે તેઓ ઘોડા સાથે ચૂંટણીના જંગમાં જોડાયા છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે કમર કસી છે. વોર્ડ નંબર 4 માંથી ગુજરાત પ્રવક્તા અને વિધાનસભા 68 ના અધ્યક્ષ રાહુલ ભુવા દ્વારા ઉમેદવારી પત્રક ભરવામાં આવ્યું હતું. રાહુલ ભુવાએ કોઈપણ પ્રકારના ભપકા વિના અત્યંત સાદગીપૂર્વક પોતાનું ફોર્મ રજૂ કર્યું હતું. તેમની સાથે આ જ વોર્ડમાંથી હાર્દિક રાબડિયા, અવની જાગાણી અને રિદ્ધિ મેટારીયાએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો હાજર રહ્યા હતા, જેમણે ઉમેદવારોના વિજય માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાહુલ ભુવાએ ફોર્મ ભર્યા બાદ જણાવ્યું હતું કે, તેઓ લાંબા સમયથી જનસેવાના કાર્યો સાથે જોડાયેલા છે અને વિસ્તારના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહેશે. તેમણે મતદારોને પારદર્શક અને જવાબદાર શાસન આપવાની ખાતરી આપી હતી. આમ આદમી પાર્ટી આ વખતે સ્વચ્છ રાજકારણ અને વિકાસના એજન્ડા સાથે મેદાનમાં ઉતરી છે. રાજકોટમાં એક તરફ ઢોલ-નગારા અને વાજતે-ગાજતે ઉમેદવારી નોંધાવવાની પરંપરા જોવા મળી, તો બીજી તરફ સાદગી સાથે જનસંપર્ક પર ભાર મૂકતા ઉમેદવારો પણ જોવા મળ્યા છે. આગામી દિવસોમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા વધુ ઝડપી બનશે અને રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચશે તેવું જણાઈ રહ્યું છે. તમામ પક્ષો અત્યારે પોતપોતાના મજબૂત ગઢ સાચવવા અને નવા વિસ્તારોમાં પગપેસારો કરવા માટે વ્યૂહરચના બનાવી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ભાજપના 54 ઉમેદવારના નામ લગભગ નક્કી, જુઓ લિસ્ટ:જોધપુર વોર્ડના ઉમેદવારોને ફોન આવ્યો, કોંગ્રેસ ઉમેદવારોને સીધા મેન્ડેટ આપશે
    Next Article
    નડિયાદ મનપાના 13 વોર્ડના 52 ઉમેદવારો જાહેર:ભાજપે ઉમેદવારોના નામની યાદી જાહેર કરી, 26 એપ્રિલે મતદાન, 28મીએ મતગણતરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment