Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હું નીકિતાને કોઇપણ ભોગે સાસરે જવા દેવાની નથી':દાદી સાસુના એક લાફાનો બદલો પાવડાથી લીધો, લાશ ઘરમાં મૂકીને જમાઇ-પૌત્રી ગાયબ થઇ ગયા

    5 days ago

    ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે જાણ્યું કે ગોરાડ ગામે પામુબેન નામના એક વૃદ્ધા રહેતા હતા. તેનો પુત્ર જોરૂભાઇ ભાવનગરમાં નોકરી કરતો હતો. જોરૂભાઇની પુત્રી નીકિતાના લગ્ન ત્રાસદ ગામે રહેતા મુમણ સાથે થયા હતા. જ્યારે મુમણની બહેનના લગ્ન નીકિતાના કાકા સાથે થયા હતા. લગ્ન બાદ નીકિતાના કાકી તેના કાકા સાથે રહેતા નહોતા એટલે પરિવાર નીકિતાને મુમણને છોડીને ગોરાડ રહેવા આવી જવા માટે કહેતો હતો પણ નીકિતા તે માટે તૈયાર નહોતી. એક દિવસ પામુબેનના ખબર અંતર પૂછવા માટે નીકિતા અને તેનો પતિ મુમણ ગોરાડ ગામે આવ્યા હતા. જ્યાં પામુબેને નીકિતાને રોકાઇ જવા માટે કહ્યું હતું. જેના પછી મુમણ અને પામુબેન વચ્ચે રકઝક ચાલુ થઇ હતી. હવે આગળ વાંચો.... રકઝક બાદ પામુબેનનો અવાજ ઊંચો થયો. પામુબેનઃ હું નીકિતાને કોઈપણ ભોગે ત્રાસદ જવા દેવાની નથી. મુમણે સામે બૂમ પાડી- નીકિતાને ગોરાડ રાખશો તો જોયા જેવી થશે. એકાદ માણસ ઓછું થશે તો પણ હું એને ત્રાસદ લઇ જવાનો છું. આ રકઝક જોરૂભાઇએ ફોન પર સાંભળી લીધી. તે આગળ વધુ કંઇ સાંભળે તે પહેલાં તો મુમણે પામુબેનના હાથમાંથી ફોન લઇને કટ કરી નાખ્યો. હવે અહીં પામુબેન અને મુમણ વચ્ચેનો ઝઘડો વધતો જતો હતો. શબ્દોની ગરમાગરમી થપ્પડ સુધી પહોંચવાની હતી. પામુબેને ગુસ્સામાં આવીને જમાઇ મુમણને લાફો ઝીંકી દીધો. પામુબેનની આ હરકતથી મુમણ અને નીકિતા ડઘાઇ ગયા. આવું કંઇ બનશે તેવી બન્નેને કલ્પના જ નહોતી. પતિને પડેલી થપ્પડે અત્યાર સુધી શાંત ઊભેલી નીકિતાનું મૌન તોડ્યું. તે ત્રાડુકી.... બા, તમે લાફો કેમ માર્યો? આ તરફ મુમણનો ગુસ્સો પણ સાતમા આસમાને પહોંચી ગયો હતો. દાદી સાસુના આવા અણધાર્યા પ્રહારથી તે સમસમી ગયો. પગ પછાડતો ઘરની બહાર નીકળીને ભેંસ રાખવાની ગમાણ તરફ ગયો. ત્યાં જઇને આમ તેમ જોયું તો તેની નજરમાં પાવડો આવી ગયો. મુમણ પર ઝનૂન સવાર હતું. તે બીજું કંઇ વિચારવાની ક્ષમતા ગુમાવી ચૂક્યો હતો. તેણે ઝડપથી પાવડો ઉપાડ્યો અને ઘર તરફ દોટ મુકી. ઘરનો દરવાજો ઓળંગીને અંદર આવ્યો ત્યારે નીકિતા પામુબેનની બાજુમાં જ ઊભી હતી. મુમણે નીકિતાને બાજુમાં હડસેલી દીધી અને નીકિતા કે પામુબેન કંઇ સમજે-વિચારે તે પહેલાં જ પોતાના હાથમાં રહેલો પાવડો જોરથી પામુબેનના માથામાં ફટકારી દીધો. પામુબેન વૃદ્ધ હતા વળી, મુમણે અચાનક દોડી આવીને આ રીતે હુમલો કર્યો હતો એટલે તે પોતાને બચાવી શકે તેવી સ્થિતિમાં જ નહોતા. માથામાં પાવડો પડતાં જ પામુબેન લોહીલુહાણ થઇને જમીન પર ફસડાઇ પડ્યા. ગુસ્સાની આગમાં પળવારમાં એવું બની ગયું જે મુમણ અને નીકિતાની જિંદગીને અંધકારમાં ધકેલી દેવાનું હતું. પામુબેન ત્યાં જ તરફડીને મૃત્યુ પામ્યા. બીજી તરફ જોરુભાઇ સાથે એક વાર ફોનમાં વાત થઇ હતી. જેથી તેમને ચિંતા થતી હતી. તેમણે માતા પામુબેનને ફોન કર્યો પણ ફોન બંધ આવતો હતો. હવે જોરૂભાઇએ દીકરી નીકિતા અને જમાઇ મુમણને પણ ફોન કર્યો પરંતુ બન્નેના ફોન પણ બંધ હતા. જેથી જોરૂભાઇ વધુ ટેન્શનમાં આવી ગયા. ન રહેવાતા થોડીવાર બાદ તેમણે લીંબાસી ગામે રહેતા ભાણિયા જયપાલે ફોન જોડ્યો. જોરૂભાઇઃ જયપાલ, ઘરે જા. ત્યાં મમ્મી અને જમાઇ ઝઘડતા હતા. હવે બન્નેના ફોન બંધ આવે છે. તુ ત્યાં જઇને જો અને જે હોય તે મને કહેજે. આ વાત થયાને અંદાજે અડધા કલાકમાં જોરૂભાઇના નાનાભાઇ વિરલે તેમને ફોન કર્યો અને કહ્યું કે જયપાલે આપણા ફળિયામાં રહેતા નિકુલને ફોન કરીને બાના ઘરે મોકલ્યો હતો. નિકુલ ગયો તો બા લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. બા મરી ગયા છે. ભાઇના આ શબ્દો સાંભળીને જોરૂભાઇના પગ નીચેથી જમીન સરકી ગઇ. તે ભાવનગરથી સીધા ગોરાડ જવા નીકળી ગયા. તેમને ચિંતા એટલી હતી કે રસ્તામાંથી પણ મુમણને ફોન લગાવ્યો પણ ફોન બંધ આવતો હતો. જેમતેમ કરીને જોરૂભાઇ ઘરે પહોંચ્યા પણ ત્યાંનો માહોલ જોઇને અવાચક થઇ ગયા. ઘરની બહાર ટોળું ઊભું હતું. પોલીસની વાન પડી હતી અને ઘરની અંદર માતાની લાશ હતી. પોલીસે જોરૂભાઇને વિગતો પૂછી તો તેમણે જણાવ્યું કે મારી દીકરી અને જમાઇ આવ્યા હતા અને પછી બોલાચાલી થઇ હતી. હવે દીકરી-જમાઇના ફોન બંધ આવે છે. આના પછી પોલીસે જોરૂભાઇ પાસેથી બન્નેના નંબર લીધા અને ફોન લગાવવાનો પ્રયત્ન કર્યો. આ સમયે પણ બન્નેના ફોન સ્વીચ ઓફ જ હતા. નીકિતા અને મુમણની ઓળખ માટે હવે પોલીસ પાસે ફક્ત એક જ રસ્તો હતો, તેનો ફોટો. પોલીસે જોરૂભાઇ પાસે નીકિતાનો ફોટો માંગ્યો. જોરૂભાઇઃ મારી પાસે નીકિતાનો ફોટો નથી. પોલીસઃ કોઇ જૂના આલ્બમમાં હોય તો જુઓ. જોરૂભાઇઃ ના, મારી પાસે છે જ નહીં. પોલીસ માટે ઘાસની ગંજીમાં સોય શોધવા જેવું કામ આવ્યું. આરોપીનો જૂનો ફોટો હોય તો પણ ઓળખ થઇ જાત. જો કે નસીબે પોલીસનો સાથ આપ્યો. છેવટે નીકિતાનો ફોટો મળી ગયો પણ મુમણનો ફોટો ન મળ્યો. પોલીસે બન્નેની તપાસનું પગેરૂં સગાસંબંધીઓના ઘર સુધી લંબાવ્યું પણ ત્યાંથી કંઇ મળ્યું નહીં. અન્ય કેટલાક લોકોની પૂછપરછ કરી. જેમાંથી નિમેશ પ્રજાપતિ નામના યુવકે કહ્યું કે મુમણે બપોરે એક વાગ્યે મારી પાસે બાઇક માંગ્યું હતું પણ મારે નોકરી પર જવાનું હતું એટલે મેં ન આપ્યું. સાંજે ભૂલથી મેં મુમણને મિસકોલ કરતાં તેણે સામે ફોન કર્યો હતો પણ મેં વાત નહોતી કરી. બીજા દિવસે મુમણે ફરી ફોન કરીને પૂછ્યું હતું કે તુ મારા ઘર તરફ ગયો હતો? મારા ભાઇઓ ક્યાં છે? મેં તેને કહ્યું હતું કે હું એ તરફ નથી ગયો, તારા ભાઇઓની મને ખબર નથી. આ વાતચીત બાદ મુમણે દરેક સાથેનો સંપર્ક કાપી નાખ્યો હતો. પોલીસે મુમણના ગામ ત્રાસદમાં તપાસ કરી પણ બન્ને ગોરાડથી નીકળ્યા બાદ ત્રાસદ પહોંચ્યા જ નહોતા. પરિવારની પૂછપરછ કરી તો એ પણ આ બન્ને વિષે કંઇ જાણતો નહોતો. મુમણ અને નીકિતા જ્યારે ગોરાડથી બાઇક લઇને નીકળ્યા હતા ત્યારે મુમણે પાવડો સાથે લઇ લીધો હતો. જે રસ્તામાં ફેંકી દીધો હતો. પાવડો ફેંકતી વખતે બન્નેએ હોંશિયારી વાપરીને ફોન સ્વીચ ઓફ કરી દીધા હતા. ફોન કરવા હોય ત્યારે ભીડભાડવાળા વિસ્તરમાં જઇને ફોન કરી લેતા. મુમણ પરિવાર સાથે કોન્ટેક્ટમાં હતો. અઠવાડિયે એક વાર તે ઘરે ફોન કરી લેતો. બીજીતરફ પોલીસ પણ એને પકડવા તત્પર હતી. બન્ને પર વોચ ચાલુ જ હતી. એક દિવસ અચાનક મુમણના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન મળ્યાં. તપાસ કરી તો લોકેશન ચંદીગઢનું આવ્યું. હકીકતમાં મુમણ ત્યાં જઇને જે કંપનીમાં નોકરી કરતો હતો તે કંપનીએ મુમણનો પગાર જમા કરાવ્યો હતો. મુમણે ચંદીગઢમાં ખર્ચ કર્યો હોવાની એન્ટ્રી પણ તેના એકાઉન્ટમાંથી મળી હતી. આના પરથી એટલું તો સ્પષ્ટ હતું કે મુમણ ચંદીગઢમાં જ હોવો જોઇએ. પોલીસની ટીમ ચંદીગઢ પહોંચી ગઇ અને મુમણનું લોકેશન શોધ્યું. પોલીસને જોતાવેંત જ મુમણ અને નીકિતા ચોંકી ગયા. હવે તેમની પાસે કહેવા માટે કંઇ નહોતું અને સરેન્ડર કર્યા સિવાય છૂટકો નહોતો. પોલીસ બન્નેને પકડીને ગુજરાત લાવી. પૂછપરછ કરી તો ખુલાસો થયો કે મુમણ તેના પરિવારના સંપર્કમાં હતો. દૂરના મામા-મામી સાથે વાત કરીને કેસનું અપડેટ જાણી લેતો હતો. ચંદીગઢ પહોંચીને તેણે નવી જિંદગી શરૂ કરી હતી.એક ઘર ભાડે રાખ્યું હતું અને નવું સીમકાર્ડ ખરીદીને નવો મોબાઇલ નંબર પણ લીધો હતો. પોતે મજૂરી કરવા જતો. નીકિતા અને મુમણ જાહેર જગ્યાએ જઇને સોશિયલ મીડિયામાં એ પણ જોઇ લેતા હતા કે પોલીસની તપાસ કેટલે પહોંચી છે. જો આ કેસમાં મુમણ એકલો જ ભાગી ગયો હોત તો નીકિતા આરોપી ન પણ બનત પણ બન્ને સાથે મળીને ભાગ્યા અને પુરાવાનો નાશ પણ કર્યો એટલે નીકિતા પણ આરોપી બની. હાલમાં આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. પૌત્રીની નજર સામે જ પતિએ કરી દાદીની હત્યા, વાંચો પાર્ટ-1
    Click here to Read More
    Previous Article
    યુદ્ધ વિરામની માર્કેટ પર જબરદસ્ત અસર:ક્રૂડ ઓઈલના ભાવ એક ઝાટકે ઘટ્યા; સેન્સેક્સ 2600 પોઈન્ટ વધ્યો, સોનું 4 વધીને 1.53 લાખ; ચાંદીમાં 13 હજારનો ઉછાળો
    Next Article
    સુરેન્દ્રનગરમાં 12 મસાલા પેઢીઓ પર દરોડા, 45 નમૂના જપ્ત:લાયસન્સ વિનાની પેઢીઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment