Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેઈનબો:બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય : રાષ્ટ્રહિતથી રાષ્ટ્રગીત સુધી

    9 hours ago

    રક્ષા શુક્લ તા જેતરમાં ટીએમસીના સાંસદે ગુજરાતી માટે વિરોધનું વિષ ઓક્યું. મહારાષ્ટ્ર બાદ બંગાળમાંથી આ પવન ફૂંકાયો. મોટાબહેન, આઝાદીમાં ગુજરાતીનું પ્રદાન બહુ નથી એમ કહો છો, તો એ કહો જોઈએ કે આઝાદીની લડાઈનું નેતૃત્વ કરનાર ગુજરાતી હતા કે નહીં? આજે પણ દેશનું નેતૃત્વ ગુજરાતી જ કરે છે. મૂળમાં ગુજરાતીની સતત ગતિ-પ્રગતિ જોઈ બેહિસાબ બળતરા થઇ રહી છે. જે હોય તે પણ આપણે તો બંગાળીને વધાવીશું. સૌના સંસ્કાર અને સૌની સરકાર સૌને મુબારક... બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની નાનકડી દીકરીએ એકવાર પૂછેલું, ‘જે માતૃભૂમિની તમે ઘણી સ્તુતિ કરો છો, એ કેવી છે તે મને કહો ને!’ પ્રત્યુત્તર રૂપે પિતાએ જે કાવ્ય રચ્યું તે ‘વંદે માતરમ્.’ એવું પણ નોંધાયું છે કે બ્રિટિશ સરકારે હુકમનામું બહાર પાડ્યું કે ભારતમાં દરેક સરકારી કાર્યક્રમમાં ‘ગોડ સેવ ધ ક્વીન’ ગીત ગાવું ફરજિયાત રહેશે. ત્યારે બંકિમચંદ્ર આ ફિરંગી ફરમાનથી ખૂબ જ ગુસ્સે થયા હતા. તેમણે ભારતની પ્રશંસા કરતું એક ગીત લખવાનું નક્કી કર્યું અને 1876માં ‘વંદે માતરમ્’ ગીતની રચના થઈ. આ રાષ્ટ્રીય ગીત બંકિમચંદ્ર દ્વારા મૂળ સંસ્કૃતમાં રચાયું હતું, જે સ્વદેશી ચળવળ દરમિયાન અગ્રણી બન્યું હતું. તાજેતરમાં આ ગીતનાં 150 વર્ષ પૂર્ણ થવાથી ભારત સરકાર દ્વારા ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ. બંકિમચંદ્ર ‘બંગદર્શન’ માસિક ચલાવતા હતા. આ સામયિકમાં ‘આનંદમઠ’ શીર્ષકથી તેમની ધારાવાહિક નવલકથા હપ્તાવાર પ્રસિદ્ધ થતી હતી. તેમાં એક પ્રસંગને અનુરૂપ સમૂહપ્રાર્થના રૂપે આ ગીત સૌપ્રથમ પ્રકાશિત થયું. ‘બંગદર્શન’ના વાચકોમાં આ ગીત તત્ક્ષણ અત્યંત પ્રિય બન્યું. ‘આનંદમઠ’ નવલકથાના નાટ્યરૂપાંતરમાં પણ આ રચના સમાવાઈ. અને આમ ‘વંદે માતરમ્’ ગીત ભારતનું પ્રથમ રાષ્ટ્રગીત બન્યું. આ નવલકથામાં જ સ્વરાજ્યનો પ્રથમ શંખધ્વનિ ફૂંકાયો. બંકિમચંદ્રને શ્રી અરબિંદોએ ‘ઋષિ બંકિમચંદ્ર’ તરીકે નવાજ્યા. બંગાળીમાં સાહિત્ય સમ્રાટ ગણાતા ચટ્ટોપાધ્યાયે બાંગ્લા ભાષામાં ચૌદ નવલકથાઓ અને અનેક ગંભીર વ્યંગ્યાત્મક, વૈજ્ઞાનિક અને વિવેચનાત્મક ગ્રંથો લખ્યા છે. તેમનો જન્મ એક રૂઢિચુસ્ત બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા સરકારી અધિકારી હતા. ત્રણ ભાઈઓમાંના એક સંજીવચંદ્ર ચટ્ટોપાધ્યાય નવલકથાકાર હતા અને તેમના પુસ્તક ‘પલામૂ’ માટે જાણીતા હતા. બંકિમચંદ્ર અને તેમના મોટાભાઈ બંનેએ સરકારી જિલ્લા શાળા હુગલી કૉલેજિયેટમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં બંકિમચંદ્રએ તેમની પ્રથમ કવિતા લખી હતી. શાળામાં રાષ્ટ્રપ્રેમની કવિતા સાંભળી સહુ શિક્ષકોના પ્રિય અને વિદ્યાર્થીના લાડકા બની ગયા હતા. શિક્ષણ હુગલી મોહસિન કૉલેજમાં અને ત્યાર બાદ પ્રેસિડેન્સી કોલેજ, કલકત્તામાં થયું હતું. 1859માં વિનયન વિષયોમાં આર્ટ્સની ડિગ્રી સાથે ગ્રેજ્યુએશન કર્યું હતું. બાદમાં તેમણે કલકત્તા યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો હતો. ભાઈઓમાં સૌથી નાના બંકિમબાબુએ કાયદાની પદવી મેળવી હતી. પિતાના પગલે બંકિમચંદ્ર ગૌણ કાર્યકારી સેવામાં જોડાયા. 1858માં તેમને જેસોરના ડેપ્યુટી મેજિસ્ટ્રેટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એ પછી આ સેવાઓનું વિલિનીકરણ કર્યા બાદ, તેઓ ડેપ્યુટી મેજિસ્ટ્રેટ અને ડેપ્યુટી કલેક્ટર બન્યા હતા. 1859માં તેમનાં પત્નીનું અવસાન થતાં તેમણે રાજલક્ષ્મીદેવી સાથે બીજા લગ્ન કર્યાં, જે જીવનભર તેમની સાથે રહ્યાં. 1891માં તેમને રાય બહાદુરનું બિરુદ મળ્યું હતું. તેમણે દર્શન, ધર્મ, ઇતિહાસ, રાજકારણ અને વિજ્ઞાન– એમ અનેક વિષયોની છણાવટ ‘વિવિધ પ્રબંધ’ નામક નિબંધસંગ્રહમાં કરી છે. ‘કૃષ્ણચરિત્ર’ તેમનો સંશોધનગ્રંથ છે. ‘કમલાકાન્તેર દફતર’ નામની હાસ્યકથાને તેમણે ‘કમલકાન્તા’ તરીકે વિકસાવી હતી. ‘લોકરહસ્ય’ તેમના કટાક્ષભર્યા નિબંધોનો સંગ્રહ છે. ‘રાજસિંહ’ તેમની એકમાત્ર ઐતિહાસિક નવલકથા છે. ‘સીતારામ’ તેમની છેલ્લી નવલકથા છે. તેમની પ્રથમ પ્રકાશિત નવલકથા અંગ્રેજી ભાષામાં લખાયેલી ‘રાજમોહન્સ વાઇફ’ હતી. ‘દુર્ગેશનંદિની’ તેમની પ્રથમ બંગાળી નવલકથા હતી. તેમનો નિબંધ ‘શકુંતલા’ બંગાળી ભાષાના વિવિધ સાહિત્યના તુલનાત્મક વિશ્લેષણના પ્રથમ પ્રયાસ તરીકે ગણવામાં આવે છે. 1946માં ગાંધીજીએ આઝાદ હિંદ ફૌજના અફસરોને કહ્યું હતું કે ‘જય હિંદ તો ઠીક છે, પણ વંદે માતરમ્ ન ભૂલતા’ એકવાર દુર્ગાપૂજાના દિવસો પૂર્ણ થતા રવીન્દ્રનાથ ટાગોરે તેમના એક લાગણીસભર પ્રવચનમાં કહ્યું કે, ~વંદે માતરમ્’ દરેકે દરેક કંઠમાંથી ઉચ્ચારિત હો અને દેશના ખૂણે ખૂણે તેનો પ્રતિઘોષ ઊઠો.’ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે ‘જનગણમન’ ગીતને અધિકૃત રાષ્ટ્રગીત જાહેર કરતા જણાવ્યું કે ‘વંદે માતરમ્ કો, જિસને ભારતીય સ્વતંત્રતાસંગ્રામ મેં ઐતિહાસિક ભૂમિકા નિભાઈ, ‘જનગણમન’ કે સાથ હી સમાન આદર દિયા જાયેગા, ઉસકો સમાન માન્યતા પ્રાપ્ત હોગી.’ ‘વંદે માતરમ્’ના આટલા વિસ્તરતા પ્રભાવને રોકવા 1905માં પૂર્વ બંગાળના મુખ્ય સચિવ પી. સી. લોયને જાહેરમાં આ ગીત ગાવાની કે તેની ઘોષણા કરવાની મનાઈ ફરમાવતો પરિપત્ર કમિશનરને મોકલ્યો. રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્રને તેમના સાહિત્યિક પથદર્શક અથવા ગુરુ સમાન માનતા હતા. જ્યારે ટાગોર યુવાન હતા, ત્યારે બંકિમચંદ્રની કૃતિઓ અને તેમના રાષ્ટ્રવાદી વિચારોએ ટાગોરના મન પર ગાઢ અસર છોડી હતી અને તેમને સાહિત્ય સર્જનમાં પ્રેરણારૂપ બન્યા. તેઓ કહેતા ‘બંકિમચંદ્ર બંને હાથમાં સમાન શક્તિ હતી, તેઓ સાચા સવ્યસાચી હતા. તેમણે એક હાથે ઉત્કૃષ્ટ સાહિત્યિક કૃતિઓનું સર્જન કર્યું હતું; અને બીજા હાથે યુવાન અને મહત્ત્વાકાંક્ષી લેખકોને માર્ગદર્શન આપ્યું. એમણે એક હાથે સાહિત્યિક જ્ઞાનનો પ્રકાશ પ્રગટાવ્યો; અને બીજા હાથે, અજ્ઞાનતા અને ખોટી કલ્પનાઓના ધુમાડા અને રાખને ઉડાવી દીધી.’ ઇતિ જીવનમાં બે દિવસ અતિ મહત્ત્વના હોય છે. એક તમે જન્મો છો એ અને બીજો તમે શોધી કાઢો છો કે શા માટે જન્મ્યા છો. - માર્ક ટ્વેઈન
    Click here to Read More
    Previous Article
    રિફ્લેક્શન:ગોસિપિંગ કોનો જન્મસિદ્ધ અધિકાર છે?
    Next Article
    ઓફબીટ:પ્રેમ : બે હૃદયનું એકાંત અને વગડાનો ‘અલગારી’ વૈભવ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment