Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોટેલ-રેસ્ટોરાં સહિતને તાત્કાલિક PNG કનેક્શન અપાશે:CMની સૂચના, ગેસ પુરવઠા મુદ્દેની બેઠકમાં નિર્ણય; લાકડાના મોટા ચૂલા સળગ્યા, વેપારીઓ પરેશાન

    1 day ago

    ઘરેલું ગેસનો પુરવઠો રાજ્યભરમાં ખોરવાઇ ગયો છે. ખાસ કરીને કોમર્શિયલ ગેસની બોટલો મળતી નથી અને મળે તો કાળા બજારમાં 3થી 4 હજાર રૂપિયામાં મળે છે. જેને પગલે ખાણીપીણીનો ધંધો કરતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કેટલાક વેપારીઓને તો ગેસની બોટલ ના મળતા ધંધો બંધ કરવો પડ્યો છે. તો કેટલાક વેપારીઓ ગેસ સિલિન્ડરના બદલે કોલસાના ચૂલાથી વ્યવસાય કરી રહ્યા છે. જોકે કોલસાના ચૂલાથી ફૂડ તૈયાર કરવામાં ખૂબ વાર લાગતી હોવાથી ધંધો ખૂબ ઓછો થઈ રહ્યો છે. જેને કારણે વેપારીઓ હવે ઝડપથી ગેસ સિલિન્ડર મળે એવી માંગ કરી રહ્યા છે. ગેસ પુરવઠા મુદ્દે CMની બેઠક, સંસ્થાઓને PNG કનેક્શન આપવા નિર્ણય મુખ્યમંત્રી નિવાસસ્થાને ગેસ પુરવઠા અને બળતણ સંબંધિત પરિસ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યની હાલની સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો. બેઠકમાં રાજ્યમાં ગેસ પુરવઠા અથવા બળતણ અંગે કોઈપણ પ્રકારની સમસ્યા ઊભી ન થાય તે માટે આગોતરા અને લાંબા ગાળાનું આયોજન કરવા મુખ્યમંત્રીએ અધિકારીઓને સૂચના આપી હતી. સાથે જ કેન્દ્ર સરકાર તરફથી આવતી વિવિધ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા તેમજ ઉર્જા ક્ષેત્રે સચોટ આયોજન કરવા પર ભાર મૂકાયો હતો. બેઠકમાં સંસ્થાઓને PNG કનેક્શન આપવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં માંગણી મુજબ PNG કનેક્શન આપવામાં આવશે. હોટેલ, રેસ્ટોરેન્ટ, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સહિતને જરૂરી જગ્યાએ તાત્કાલિક કનેક્શન આપવાની પણ સૂચના આપવામાં આવી છે, જેથી ગેસ પુરવઠા વ્યવસ્થામાં કોઈ વિક્ષેપ ન આવે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઊર્જામંત્રી ઋષિકેશ પટેલ, અન્ન નાગરિક પુરવઠામંત્રી રમણ સોલંકીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રાકૃતિક ગેસ પુરવઠાની વર્તમાન સ્થિતિ અંગેની સમીક્ષામાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં પ્રાકૃતિક ગેસ પુરવઠો (PNG)ના ડોમેસ્ટિક ઉપયોગ માટે ઘરે ઘરે પાઈપલાઈન દ્વારા ગેસ પુરવઠો મેળવી રહેલા નાગરિકો માટે હાલ રાજ્યમાં પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ગેસ એજન્સીઓ પર લોકોની લાંબી કતારો તો બીજી તરફ વડોદરાની વિવિધ ગેસ એજન્સીઓ ઉપર સવારથી જ લોકોની લાંબી કતારો લાગી છે. તો અમદાવાદના મણીનગરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરનું ભોજનાલય પણ ગેસના પુરવઠાની અછતના કારણે બંધ કરી દેવાયું છે. તો AMCમાં છાણાંની ઈન્કવાયરી શરૂ થઈ ગઈ છે. તો સુરતમાં પણ ખાણીપીણીના ધંધાર્થીઓએ હવે લાકડાના મોટા ચૂલા સળગાવવાની શરૂઆત કરી દીધી છે. '10-15 દિવસ લારી બંધ રહેશે તો અમે શું કરીશું?' વેપારી અરવિંદભાઈ મહતોએ જણાવ્યું હતું કે, મારી ઓમલેટની લારી છે સાહેબ, અત્યારે ગેસ સિલિન્ડર નથી મળી રહ્યા. તેના કારણે મારી લારી બંધ થઈ ગઈ છે. મારી આ લારી પર મારો 5 સભ્યોનો પરિવાર નભે છે. અત્યારે લારી બંધ હોવાથી મારા બાળકોના ભણતર અને ઘરનો ખર્ચ ક્યાંથી કાઢીશ? સાહેબ, અત્યારે બહુ તકલીફ છે. જો 10-15 દિવસ લારી બંધ રહેશે તો અમે શું કરીશું? 10-15 દિવસ સુધી બોટલ નહીં મળે. જો આટલા દિવસ કામ નહીં મળે તો અમે શું ખાઈશું? મારી પાસે અત્યારે બીજો કોઈ ધંધો નથી અને બાળકોની ફી ભરવાના પણ પૈસા નથી. '30 વર્ષમાં આવું પહેલીવાર બન્યું છે' તેઓએ કહ્યું કે, લગભગ 30 વર્ષથી ચલાવું છું પણ આવું પહેલીવાર બન્યું છે. અમે તો એટલું જ ઈચ્છીએ છીએ કે અમને ગેસ મળી રહે, જેથી અમારો ધંધો ચાલુ થાય અને મારા પાંચ સભ્યોના પરિવારનું પેટ ભરી શકાય. અત્યારે બહુ તકલીફ છે. મારે રોજનો 200 રૂપિયા જેટલો ખર્ચ તો ચા-પાણી અને બાળકોના સ્કૂલ-રીક્ષા ભાડામાં જ થાય છે. એ બધું ક્યાંથી કાઢવું? મારો પૂરો પરિવાર આના પર જ નિર્ભર છે. આજે લારી બંધ છે તો અમને ખાવા-પીવાની પણ તકલીફ પડી રહી છે. 'પહેલા એક કલાકમાં 20 ઓર્ડર નીકળતા હવે 5 ઓર્ડર માંડ નીકળે છે' વેપારી મયુર માછીએ જણાવ્યું હતું કે, સાહેબ બહુ જ તકલીફ પડી રહી છે. અમે ગરીબ માણસ છીએ. દિવસનો માંડ 1000-2000નો ધંધો થાય છે અને એમાં અમારે ઘર ચલાવવાનું હોય છે. દુકાનનું 5000 રૂપિયા તો ભાડું આપવાનું હોય છે. હવે અત્યારે ગેસના બોટલ મળતા નથી એટલે મજબૂરીમાં અમારે લાકડા અને કોલસાના ચૂલા પર ધંધો કરવો પડે છે. પહેલાં 2000-3000 રૂપિયાની ઘરાકી રહેતી હતી પણ અત્યારે ધંધો સાવ ઠપ થઈ ગયો છે. 'હું બોટલ લેવા ગયો ત્યારે મને 4500 ભાવ કહેવામાં આવ્યો' તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી હાલત બહુ ખરાબ છે. ઘરનું 7000 રૂપિયા જેવું ભાડું ચડી ગયું છે. એક લાખ રૂપિયાની લોન ચાલી રહી છે, જેના હપ્તા પણ બાઉન્સ થઈ રહ્યા છે. ગેસની આ કન્ડિશનને કારણે ફેમિલી ચલાવવું હવે મુશ્કેલ બની ગયું છે. હું જ્યારે બોટલ લેવા ગયો ત્યારે મને 4500 રૂપિયા જેવો ભાવ કહેવામાં આવ્યો હતો. બ્લેકમાં પણ ત્રણ ગણા ભાવ વસૂલવામાં આવે છે. અત્યારે જો અમે બુકિંગ કરાવીએ તો પણ 1800-2000 રૂપિયા જેવો ભાવ માંગે છે. આટલા મોંઘા ભાવે બોટલ લઈને ધંધો કરવો અમારા જેવા નાના વેપારીઓ માટે શક્ય નથી. 'અત્યારે અમે કોલસા નાખીને ચૂલાથી કામ ચલાવીએ છીએ' વેપારી યશકુમારે જણાવ્યું હતું કે, હવે શું કરીએ ભાઈ ગેસ સિલિન્ડર મળતા નથી, બ્લેકમાં મળવાનું પણ બંધ થઈ ગયું છે અને કોમર્શિયલ પણ નથી મળતા એટલે અત્યારે અમે કોલસા નાખીને ચૂલાથી કામ ચલાવીએ છીએ. બહુ જ મુશ્કેલી પડે છે. કામ બહુ ધીમે થાય છે. પહેલા જેવો ધંધો થતો હતો, એના કરતા અત્યારે ઘણો ઓછો ધંધો થાય છે. ધંધામાં બહુ મોટી અસર પડી છે. ગેસ કરતા ચૂલામાં સમય ઘણો વધારે લાગે છે. જે કામ ગેસ પર 5-10 મિનિટમાં થઈ જતું હતું, એમાં હવે અડધો કલાક કે તેથી વધુ સમય જાય છે. ઘણા ગ્રાહકો રાહ નથી જોતા અને આગળ નીકળી જાય છે. અત્યારે તો અમે આ ચૂલો ચાલુ કર્યો છે પણ ધીમે-ધીમે આ લાઈનમાં બધાએ જ આવું કરવું પડશે કારણ કે, બોટલ તો ખતમ થઈ જશે. અમારી પાસે જે હતા એ પૂરા થઈ ગયા છે અને નવા મળતા નથી. 'ગેસ નહીં મળે તો પછી કોલસાની ભઠ્ઠી કે એવું કંઈક લાવવું પડશે' વેપારી ઉપેન્દ્રભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, અત્યારે તો બહુ જ તકલીફ છે, પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે હવે ધંધો બંધ કરવો પડે એમ છે. અત્યારે મારી પાસે એક પણ ગેસની બોટલ નથી. હું અત્યારે ગેસની બોટલ જ શોધી રહ્યો છું. જો ગેસ નહીં મળે તો પછી કોલસાની ભઠ્ઠી કે એવું કંઈક લાવવું પડશે. અત્યારે તો એ જ વિચારી રહ્યા છીએ કે આગળ શું કરવું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે-ત્રણ દિવસથી આ તકલીફ છે. અમે બોટલ લેવા ગયા હતા પણ એમણે સાફ ના પાડી દીધી છે કે, અત્યારે કોમર્શિયલ ગેસ મળી રહ્યો નથી. કાળા બજારમાં પણ ક્યાંય ગેસ મળતો નથી. અમારી તો એક જ માંગણી છે કે વહેલી તકે ગેસના બોટલની વ્યવસ્થા કરવામાં આવે. જો કોમર્શિયલ ગેસ નહીં મળે તો અમારો ધંધો બંધ થઈ જશે. મારા પરિવારમાં ચાર સભ્યો છે અને આખો પરિવાર આ ધંધા પર જ નભે છે. આ ઉપરાંત, મારી સાથે કામ કરતા ચાર માણસોની રોજીરોટી પણ આના પર જ આધારિત છે. અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે, જો એ બંધ થાય તો જ ગેસની સપ્લાય સરખી થાય એવું લાગે છે, બાકી તો શું થઈ શકે? રેસ્ટોરન્ટ અને હોટેલોમાં થાળીમાં 4 શાકના બદલે માત્ર 2 જ શાકના વિકલ્પ ગુજરાતમાં હાલમાં વેસ્ટ એશિયાના સંઘર્ષ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વિક્ષેપને કારણે એલપીજી (ગેસ સિલિન્ડર)ની સપ્લાયમાં તંગી જોવા મળી રહી છે. ઘણા એજન્ટો કહી રહ્યા છે કે બાટલાની ટ્રકો આવી રહી નથી, જેથી બુકિંગ થતી નથી અને ડિલિવરીમાં વિલંબ થઈ રહ્યો છે. આ સમસ્યા મુખ્યત્વે કોમર્શિયલ સિલિન્ડરોને અસર કરી રહી છે, જેના કારણે રેસ્ટોરન્ટ અને હોટેલોમાં થાળીમાં 4 શાકના બદલે હવે માત્ર 2 જ શાકના વિકલ્પ આપવામાં આવી રહ્યા છે અને કેટલીક જગ્યાએ ઓપરેશન્સ પણ અટકી ગયા છે. તંગીને કારણે લોકો ઇન્ડક્શન સ્ટવ તરફ વળ્યા છે બીજી તરફ, ઘરગથ્થુ ઉપયોગ માટે સરકારે ઔદ્યોગિક ગેસનું 50% કાપ કરીને પ્રાથમિકતા આપી છે, પરંતુ પેનિક બુકિંગને રોકવા બુકિંગ વચ્ચેનો ગેપ 25 દિવસ સુધી વધારી દેવામાં આવ્યો છે. આ તંગીને કારણે લોકો ઇન્ડક્શન સ્ટવ તરફ વળ્યા છે, જેથી ઇલેક્ટ્રોનિક દુકાનો અને ઓનલાઈન પ્લેટફોર્મ પર ઇન્ડક્શન સગડીઓનો સ્ટોક ઝડપથી ખાલી થઈ રહ્યો છે અને સેલ્સમાં અચાનક ધમાકો થયો છે. જોકે, પેટ્રોલ પંપ પર કોઈ હાડમારી કે લાંબી કતારો જોવા મળી રહી નથી કારણ કે, પેટ્રોલ-ડીઝલની સપ્લાય હજુ સ્થિર છે અને ફક્ત અફવાઓથી કેટલીક જગ્યાએ અસ્થાયી રશ જોવા મળ્યો હતો. સરકાર અને તેલ કંપનીઓ વધુ પ્રોડક્શન અને વૈકલ્પિક સ્ત્રોતો દ્વારા સ્થિતિ સુધારવાના પ્રયાસ કરી રહી છે, પરંતુ હાલમાં ઘરેલુ રસોડાઓમાં ચિંતા વધી રહી છે.
    Click here to Read More
    Previous Article
    Pakistan vs Bangladesh 2nd ODI, LIVE Cricket Score: Litton-Hridoy resume for BAN 41/3 vs PAK in Dhaka
    Next Article
    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ:રાજ્યની 394 પાલિકા-પંચાયતો માટે 26 માર્ચે કાર્યક્રમ જાહેર થવાની શક્યતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment