Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ​ગિરનાર પર જૈન સમાજનો લાડુ નિર્વાણ ઉત્સવ:મહિલા PIની નજર ચૂકવી મહિલાઓએ 30 સીડી પર લાડુ ચડાવ્યા; વિવાદ વકરતા સનાતનની દૂધધારા યાત્રા સ્થગિત

    2 days ago

    ગિરનાર પર્વત પર એક તરફ ભારે આસ્થા અને બીજી તરફ વહીવટી તંત્રના કાયદાકીય પ્રતિબંધો વચ્ચે ભારે ગરમાવો જોવા મળ્યો છે. પવિત્ર ગિરનાર ક્ષેત્રમાં જૈન ધર્મના પવિત્ર લાડુ નિર્વાણ દિવસ નિમિત્તે ભગવાન નેમીનાથના દર્શન કરવા માટે દેશભરમાંથી હજારોની સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. વહીવટી તંત્ર દ્વારા ગિરનાર પર્વતની શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા માટે પર્વત પર કોઈ પણ પ્રકારના ધાર્મિક સૂત્રોચ્ચાર કે નવી પૂજા વિધિ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવતું કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેનો ચુસ્ત અમલ કરાવવા માટે ભવનાથ તળેટીમાં પોલીસનો મોટો કાફલો તહેનાત કરી દેવાયો છે. ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ગિરનાર પર્વત પહોંચ્યા છે જેમાં કુલ 425 પોલીસ કર્મચારીઓ, 20 પીઆઈ અને 35 પીએસઆઈ તહેનાત છે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એલસીબી અને એસઓજીની મળીને 4 ખાસ ટીમો, એસઆરપીની 1 કંપની તથા ગિરનારના ઇતિહાસમાં પહેલીવાર એસડીઆરએફની 1 ટીમ તહેનાત કરવામાં આવી છે. જોકે આટલી સુરક્ષા વચ્ચે મહિલાઓ ભવનાથ પીઆઇની નજર ચૂકવી લાડુ લઇને ભવનાથ પગથિયે પહોંચી હતી અને ત્યાંથી ગિરનારની 30 સીડી પર લાડુ ચડાવ્યા હતા. વહીવટી તંત્રએ રોકતા દૂધધારાનો કાર્યક્રમ સ્થગિત રાખ્યો: ભગવતીદાસ બાપુ આ અંગે ભરતવન-શેષાવન જગ્યાના મહંત ભગવતીદાસ બાપુએ જણાવ્યું હતું કે જે પ્રકારનું વાતાવરણ ઊભું થયું છે અને અમને જે જાણવા મળ્યું છે, તેને ધ્યાનમાં રાખીને બધાના માન ખાતર આજનો અમારો દૂધધારાનો કાર્યક્રમ સ્થગિત રાખવાનો નિર્ણય લીધો છે. આ કાર્યક્રમ ગિરનારના પહેલા પગથિયાથી શરૂ થઈને છેક દત્ત શિખર સુધી થવાનો હતો. ત્યાંથી આગળ વધીને શેષાવન સુધી જઈને ત્યાં આ કાર્યક્રમની પૂર્ણાહુતિ થવાની હતી. પરંતુ વહીવટી તંત્ર દ્વારા આગળ જતા રોકી દેવામાં આવ્યા હોવાથી આ નિર્ણય લેવો પડ્યો છે. ‘​અમારી માંગ છે કે અમારું આ પવિત્ર દૂધ જ્યાં સુધી પહોંચાડવાનું છે ત્યાં સુધી પહોંચાડી દેવામાં આવે. જે મહિલાઓએ તંત્રના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, તેમની સામે ગુનો દાખલ કરવો જોઈએ. પ્રશાસનનો આટલો કડક બંદોબસ્ત હોવા છતાં, તે મહિલાઓ પોલીસની હાજરીમાં જ છૂપી રીતે થાળીઓ અને લાડુની સામગ્રી લઈને પર્વત પર નીકળી ગઈ હતી, જે અમે નજરે જોયું છે.’ જુનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો જુનાગઢ રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે 20 જુલાઈના રોજ ગિરનાર પર્વત પર મોટી સંખ્યામાં યાત્રાળુઓનો ધસારો રહે છે. તમામ યાત્રાળુઓ પોતાની પરંપરાગત આસ્થા મુજબ પૂજા-અર્ચના કરવા માટે પર્વતની અલગ-અલગ ટૂક અને છેક દત્તાત્રેય ટૂક સુધી જતા હોવાથી જુનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વર્ષે તંત્ર દ્વારા પહેલીવાર યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ખાસ રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરાઈ છે. જેથી તંત્ર પાસે ઉપર ગયેલા અને પરત આવેલા લોકોનો ચોક્કસ આંકડો રહેશે, જે ભવિષ્યમાં કોઈ ઈમરજન્સીના સમયે લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરીમાં ખૂબ ઉપયોગી સાબિત થશે. ​ગિરનાર પર્વત પર 18 તારીખથી જ પોલીસ ફોર્સ, ફોરેસ્ટ વિભાગ અને અન્ય વહીવટી કર્મચારીઓ રાત-દિવસ એક કરીને ફરજ બજાવી રહ્યા છે. પર્વત પર વારંવાર ચડવા-ઉતરવાની મુશ્કેલીને કારણે પોલીસ જવાનો વરસી રહેલા વરસાદમાં પણ 15-15 કલાકની કપરી શિફ્ટમાં છેક દત્તાત્રેય ટૂક સુધી કાર્યરત છે, જેથી વિવિધ સંપ્રદાયના લોકો ધાર્મિક માહોલમાં પોતાના ઉત્સવો શાંતિપૂર્વક ઉજવી શકે. ગિરનારના પગથિયે લાડુ ચડાવવાના વિવાદ અને જાહેરનામાના ઉલ્લંઘન અંગે આઈજીએ સ્પષ્ટતા કરી કે આ બાબતની ચોક્કસ તપાસ ચાલુ છે. જૈન સંપ્રદાયના દેરાસરો સુધી જવા માટે કયા પ્રકારનું જાહેરનામું અમલમાં છે તે તમામ બાબતોની ચકાસણી કર્યા બાદ જ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગિરનાર પર્વત પર લાડુ ચડાવવાનું વિશેષ ધાર્મિક મહત્વ ​જૈન સમાજ માટે અત્યંત પવિત્ર ગણાતા લાડુ નિર્વાણ દિવસના પર્વ નિમિત્તે ગિરનારની તળેટી અને પર્વત પર કેસરિયા માહોલ છવાયો છે. ભારતના જુદા-જુદા રાજ્યોમાંથી હજારોની સંખ્યામાં આવેલા જૈન સમાજના લોકો અને શ્રદ્ધાળુઓ વરસાદી વાતાવરણ વચ્ચે પણ ભગવાન નેમીનાથના ચરણોમાં શીશ ઝુકાવવા અને દર્શન કરવા માટે ગિરનાર સર કરી રહ્યા છે. જૈન પરંપરા અનુસાર આજના વિશેષ દિવસે મોક્ષ કલ્યાણકની ઉજવણીના ભાગરૂપે ગિરનાર પર્વત પર લાડુ ચડાવવાનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. જેને પગલે પર્વત પર યાત્રિકોનો ભારે ઘોડાપૂર ઉમટ્યો છે. ગિરનાર પર જતા પ્રવાસીઓ માટે 'ઇન-આઉટ' પ્રક્રિયા શરૂ ​આ વિશાળ ભીડ અને સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ગિરનાર પર્વત કે ભવનાથ તળેટીમાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે ગિરનાર પર જતા પ્રવાસીઓ માટે ખાસ 'ઇન-આઉટ' પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ નવી વ્યવસ્થા અંતર્ગત ગિરનાર પર્વત પર જતા દરેક પ્રવાસી માટે ઓનલાઇન અથવા ઓફલાઇન માધ્યમથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું સર્વથા ફરજિયાત કરવામાં આવ્યું છે. આ ડીજીટલ રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો મુખ્ય હેતુ એ છે કે ચોક્કસ જાણી શકાય કે કેટલા પ્રવાસીઓ ગિરનાર પર્વત ઉપર ગયા છે અને કેટલા પ્રવાસીઓ ગિરનાર પર્વત પરથી સહીસલામત નીચે ઉતરી ગયા છે, જેથી પહાડ પર હાજર લોકોની ચોક્કસ સંખ્યા પર દેખરેખ રાખી શકાય. ગિરનાર પર્વત પર કાયદાનું સરેઆમ ઉલ્લંઘન ​જો કે, પોલીસના આટલા ચુસ્ત બંદોબસ્ત અને તંત્રના કડક જાહેરનામા છતાં ગિરનાર પર્વત પર કાયદાનું સરેઆમ ઉલ્લંઘન થતું હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા ગિરનારના પ્રવેશ દ્વારથી જ પૂજા-વિધિની સામગ્રી ઉપર લઈ જવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી હોવા છતાં, ત્રણ મહિલાઓ પોલીસની પ્રત્યક્ષ હાજરીમાં જ પૂજાવિધિનો સામાન અને લાડુ લઈને પર્વત પર પ્રવેશવામાં સફળ રહી હતી. આ મહિલાઓએ તંત્રના જાહેરનામાનો ભંગ કરીને ગિરનારની સીડીઓ પર જ લાડુ ચડાવ્યા હતા, જેને પગલે તંત્રની કડક ચેકિંગ પ્રક્રિયા અને પોલીસ બંદોબસ્તની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. આ પણ વાંચો: ગિરનારમાં IN/OUT ઓનલાઈન રજીસ્ટ્રેશન ધબડકા બાદ ફરી શરૂ રૈયવત સમિતિની દૂધધારા અભિષેક યાત્રાને પોલીસે અટકાવી ​તો બીજી તરફ, ગિરનારના ઇતિહાસમાં પ્રથમ વખત રૈયવત સમિતિ દ્વારા એક ભવ્ય અને પરંપરાગત દૂધધારા અભિષેક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, આ યાત્રા ગિરનારના પ્રવેશ દ્વાર પાસે પહોંચતા જ પોલીસ પ્રશાસન દ્વારા તેને અટકાવી દેવામાં આવી હતી. પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ જાહેરનામાનું ભંગ થતું હોવાનું કારણ આગળ ધરીને ગિરનાર ઉપર પવિત્ર દૂધ લઈ જવાની ચોખ્ખી મનાઈ કરી દીધી હતી. જો કે રૈયવત સમિતિનો દાવો છે કે તેઓએ યાત્રામાં સામેલ તમામ લોકોનું નિયમ મુજબ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, તેમ છતાં પ્રશાસન દ્વારા હાલ આ આખી યાત્રાને ગિરનારની સીડીઓ પાસે રોકી દેવામાં આવતા સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ‘ગિરનારના ઈતિહાસમાં પ્રથમવાર દૂધધારા યાત્રાનું આયોજન’ આ સમગ્ર મામલે રૈવતક સમિતિના સભ્ય અરવિંદભાઈ સોલંકીએ ભારે આક્રોશ અને દુઃખ સાથે જણાવ્યું હતું કે આજે અષાઢ સુદ સાતમના પવિત્ર દિવસે ગિરનારના ઇતિહાસમાં સર્વપ્રથમ વાર એક અત્યંત અલૌકિક અને દિવ્ય ઘટના બનવા જઈ રહી હતી. સામાન્ય રીતે દર વર્ષે ગિરનારની પરિક્રમા તો યોજાય જ છે અને દૂધધારા તેમજ દુગ્ધાભિષેક પણ થતા આવ્યા છે. આ વર્ષે પણ ગિરનારી મહારાજની જ એવી દિવ્ય ઈચ્છા હોય તેવું લાગી રહ્યું છે કે સમગ્ર હિન્દુ સમાજમાં, આપણા ભારત દેશમાં અને પવિત્ર ગિરનાર ક્ષેત્રમાં એક નવી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય અને તમામ નકારાત્મક ઉર્જાઓનો નાશ થાય. આ ઉમદા હેતુ માટે જ આ ભવ્ય દૂધધારા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવનાથ મહાદેવના મંદિરથી દૂધધારાની શરૂઆત આ આયોજન ખૂબ જ ટૂંકા ગાળામાં કરવામાં આવ્યું હતું, છતાં પણ ગિરનારના પરમ પૂજ્ય સાધુ-સંતો અને સનાતન હિન્દુ ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં એકસાથે મળીને આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા આગળ આવ્યા છે. દત્ત પાદુકા ઉપર દુગ્ધાભિષેક કરીને યાત્રા પૂર્ણ થવાની હતી આ યાત્રા સીડીઓ ચડીને છેલ્લે શ્રી ગુરુ દત્તાત્રેય ભગવાનના પરમ પવિત્ર દત્ત શિખર પર આવેલા દત્ત પાદુકા ઉપર દુગ્ધાભિષેક કરીને પૂર્ણ થવાની હતી, જે ગિરનારના ઇતિહાસનો એક અભૂતપૂર્વ અને અલૌકિક ધાર્મિક કાર્યક્રમ બની રહેવાનો હતો. ​તેમણે ભૂતકાળનો ઉલ્લેખ કરતા એમ પણ કહ્યું કે, ગિરનારના ઇતિહાસમાં તેમના જાણવા મુજબ અત્યાર સુધી આવો ભવ્ય અને સળંગ પગથિયે પગથિયે અભિષેક કરવાનો કાર્યક્રમ ક્યારેય યોજાયો નથી. આ સર્વપ્રથમ અને ઐતિહાસિક કાર્યક્રમ હોવાથી વિશાળ સંખ્યામાં સનાતન હિન્દુ ધર્મની જનતાને આ યાત્રામાં જોડાવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓ સહભાગી થવા તળેટીમાં પહોંચ્યા વહીવટી તંત્રના કેટલાક પ્રતિબંધો અને અમુક અનિવાર્ય કારણોસર ભલે યાત્રિકોની સંખ્યા સીમિત રાખવામાં આવી છે, છતાં પણ દેશભરમાંથી દરેક શ્રદ્ધાળુઓ આ પવિત્ર કાર્યમાં સહભાગી બનવા માટે અત્યારે તળેટીમાં વિશાળ સંખ્યામાં ઉમટી રહ્યા છે, પરંતુ પોલીસ દ્વારા આ ધાર્મિક યાત્રાને રોકવામાં આવતા શ્રદ્ધા અને કાયદા વચ્ચે મોટો ગજગ્રાહ સર્જાયો છે. જૈનો અને સનાતનીઓ વચ્ચે શું છે વિવાદ? ગિરનાર પર્વત પર દર વર્ષે ભગવાન શ્રી નેમીનાથજીના મોક્ષ કલ્યાણક નિમિત્તે જૈન સમાજ દ્વારા ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. જૈન પરંપરા અને માન્યતા અનુસાર, ભગવાન શ્રી નેમીનાથજીને ગિરનાર પર્વત પર જ મોક્ષ પ્રાપ્ત થયો હતો. આથી, ગિરનાર પર્વત જૈન સમુદાય માટે અત્યંત પવિત્ર અને આસ્થાનું મોટું કેન્દ્ર ગણાય છે. દર વર્ષે આ પવિત્ર મોક્ષ કલ્યાણક મહોત્સવમાં ભાગ લેવા દેશ અને વિદેશમાંથી ખૂબ મોટી સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ પધારે છે. ​આ મહોત્સવ દરમિયાન યોજાતા મુખ્ય ધાર્મિક કાર્યક્રમોમાં હજારો જૈન શ્રદ્ધાળુઓ ગિરનાર પર્વત ચડીને ભગવાનના દર્શન અને પૂજા-અર્ચના કરે છે. આ દરમિયાન પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતોના માંગલિક પ્રવચનો અને વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાય છે. ખાસ કરી આ સમગ્ર મહોત્સવનું મુખ્ય આકર્ષણ ભગવાનને 'નિર્વાણ લાડુ' અર્પણ કરવાની પવિત્ર વિધિ હોય છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે. ​બીજી તરફ, પર્વત સાથે લાંબા સમયથી એક ધાર્મિક વિવાદ પણ જોડાયેલો છે, જે મુખ્યત્વે પાંચમી ટૂક (દત્તાત્રેય શિખર અથવા નેમીનાથ નિર્વાણ ભૂમિ) તરીકે ઓળખાતા સ્થાનને લઈને છે. જૈન સમાજનો દાવો છે કે આ પાંચમી ટૂક એ ભગવાન નેમીનાથની પવિત્ર નિર્વાણ ભૂમિ છે, તેથી ત્યાં જૈન પરંપરા મુજબ પૂજા-અર્ચના કરવાના તેમના અધિકારો અબાધિત રહેવા જોઈએ. ​જ્યારે સામે પક્ષે હિંદુ ધાર્મિક પરંપરામાં આ શિખરને ભગવાન દત્તાત્રેય સાથે જોડાયેલું અત્યંત પવિત્ર સ્થાન માનવામાં આવે છે. આ સ્થળની માલિકી, પૂજા કરવાના હકો અને તેના મૂળ ધાર્મિક સ્વરૂપને લઈને વર્ષોથી બંને પક્ષો વચ્ચે મતભેદો પ્રવર્તે છે. આ સંવેદનશીલ મુદ્દે અનેક કાયદાકીય વિવાદો સર્જાયા છે અને હાલમાં પણ આ સમગ્ર મામલો કોર્ટના આધીન છે. તો બીજી તરફ આ મામલે સનાતન ધર્મના અનેક સાધુ સંતો પણ ગિરનાર પર લાડુ નિર્માણ લઇ નિવેદનો આપી ચૂક્યા છે અને ગિરનાર પર લાડુ નિર્માણ કાર્યક્રમ ન યોજવા તંત્રને પણ રજૂઆત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ભારતમાં પહેલી ડેન્ગ્યુ રસી QDENGAને મંજૂરી:કોઈપણ તપાસ વિના 4 થી 60 વર્ષ સુધીના લોકો ડોઝ લઈ શકશે, દેશમાં જ બનશે
    Next Article
    બોટાદમાં ઝાલાવાડી સઈ સુથાર દરજી જ્ઞાતિનો કાર્યક્રમ:શિક્ષણ-રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર યુવાનોને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment