Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર સિક્યુરિટી:સસ્તી OTT ઑફર અને ડિવાઇસ ફાર્મિંગનો ખેલ

    3 days ago

    કેવલ ઉમરેટિયા આ જકાલ આપણે બધા આપણો મોટાભાગનો સમય ઇન્ટરનેટ પર વિતાવીએ છીએ. નવી ફિલ્મો જોવી હોય, વેબ સિરીઝની મજા માણવી હોય કે પછી ઓનલાઇન શોપિંગ કરવું હોય, બધું જ ફોનની સ્ક્રીન પર હાજર છે. જ્યાં આટલી સગવડ છે ત્યાં સાયબર ગઠિયાઓ પણ છેતરપિંડીના નવા-નવા કીમિયાઓ શોધી રહ્યા છે. હવે તેમની છેતરપિંડી કરવાની રીત એકદમ હાઈ-ટેક થઈ ગઈ છે. માત્ર ₹299માં Netflix, Prime અને Jio Hotstar? અત્યારે OTT પ્લેટફોર્મનો જમાનો છે, પરંતુ દરેક OTT પ્લેટફોર્મનું અલગ સબસ્ક્રિપ્શન લેવું ઘણું મોંઘું પડે છે. સાયબર ગઠિયાઓએ સામાન્ય લોકોની આ જ ઈચ્છાને પોતાનું હથિયાર બનાવી લીધું છે. શું તમારા વૉટ્સએપ કે ટેલિગ્રામ પર કોઈ એવો મેસેજ આવ્યો છે જેમાં માત્ર ₹299માં Netflix, Amazon Prime, Jio Hotstar, Zee5 અને Sony LIV જેવા તમામ મોટા પ્લેટફોર્મનો ‘કોમ્બો પેક’ આપવાનો દાવો કરવામાં આવ્યો હોય? આ કોઈ બમ્પર ઑફર નથી, પરંતુ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરવા માટે બિછાવેલી એક જાળ છે. ગઠિયાઓ ટેલિગ્રામ અને વોટ્સએપ પર નકલી ગ્રૂપ બનાવીને આ લોભામણી ઑફરની જાહેરાતો કરે છે. ₹299 જેવી મામૂલી રકમ જોઈને લોકો સહેલાઈથી લાલચમાં આવી જાય છે. જેવો તમે તેમને મેસેજ કરો છો કે તરત જ તેઓ તમારી પાસે મોબાઈલ નંબર, ઈમેલ અને UPI વિગતો માંગે છે. ત્યારપછી તેઓ તમને પેમેન્ટ માટે એક લિંક અથવા QR કોડ મોકલે છે. આ લિંક પર ક્લિક કરતા જ કે કોડ સ્કેન કરતા જ તમારું બેંક એકાઉન્ટ હેકર્સના નિશાના પર આવી જાય છે. ઘણીવાર આ ગઠિયાઓ ‘એક્ટિવેશન ફી’ અથવા ‘સિક્યોરિટી ચાર્જ’ના નામે વધુ પૈસાની માંગણી કરે છે. હકીકત તો એ છે કે તમને કોઈ સબસ્ક્રિપ્શન મળતું નથી. પૈસા તો જાય જ છે, સાથે-સાથે તમારો કિંમતી ડેટા પણ ચોરાઈ જાય છે. ‘ડિવાઇસ ફાર્મ’ દ્વારા ઓનલાઈન શોપિંગ ફ્રોડ જો તમને એવું લાગતું હોય કે માત્ર સામાન્ય લોકો જ છેતરાઈ રહ્યા છે, તો તમે ખોટા છો. ભારતની મોટી-મોટી ઈ-કોમર્સ કંપનીઓ પણ એક ગેંગનો શિકાર બની રહી છે. આ હાઈ-ટેક કૌભાંડને ‘ડિવાઇસ ફાર્મિંગ’ કહે છે. જેમાં સાયબર ગઠિયાઓ એક જ જગ્યાએ સેંકડો સ્માર્ટફોન કે કોમ્પ્યુટર સ્ક્રીન ગોઠવીને હજારો નકલી એકાઉન્ટ્સ બનાવે છે. આ એકાઉન્ટ્સ સિસ્ટમમાં અસલી ગ્રાહકોની જેમ જ વર્તે છે, જેથી કંપનીની સિસ્ટમ તેમને પકડી શકતી નથી. આ ઠગ આવાં નકલી એકાઉન્ટ્સનો ઉપયોગ કરીને તોતિંગ કેશબેક, રેફરલ બોનસ અને કેશ-ઓન-ડિલિવરી (COD) નો ગેરલાભ ઉઠાવે છે. તેઓ લાખો રૂપિયાની મોંઘી પ્રોડક્ટ્સ ઓર્ડર કરે છે અને બાદમાં રિટર્ન પોલિસીનો ફાયદો ઉઠાવીને કંપનીને બોક્સમાં નકલી સામાન, પથ્થર કે ખાલી ખોખાં પાછાં મોકલી આપે છે. આંકડા દર્શાવે છે કે ઈ-કોમર્સ સાઇટ્સના માત્ર 1% આવા નકલી યૂઝર્સ કંપનીઓને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા છે. દિલ્હી, નોઈડા અને બેંગ્લુરુ જેવાં શહેરોમાં આ ફ્રોડ ઝડપથી ફૂલીફાલી રહ્યો છે. સામાન્ય ગ્રાહકો પર તેની શું અસર પડે છે? કંપનીઓને આ પ્રકારનું મોટું આર્થિક નુકસાન જાય છે, ત્યારે તેઓ સાચા ગ્રાહકો માટે તેમની રિટર્ન પોલિસી ખૂબ કડક બનાવી દે છે. કેશબેક ઑફર્સ ઘટાડી દે છે અને સરવાળે પ્રોડક્ટ્સની કિંમતોમાં પણ વધારો થાય છે. આટલી વાતોની ગાંઠ બાંધી લો કોઈપણ અસલી OTT પ્લેટફોર્મ થર્ડ-પાર્ટી કોમ્બો પેક વેચતું નથી. સબસ્ક્રિપ્શન હંમેશાં તેમની ઓફિશિયલ એપ અથવા વેબસાઇટ પરથી જ ખરીદો. WhatsApp, SMS કે Telegram પર આવેલી કોઈપણ અજાણી પેમેન્ટ લિંક અથવા QR કોડને ક્યારેય સ્કેન ન કરો. અજાણી વ્યક્તિ સાથે UPI પિન, પાસવર્ડ અથવા OTP ક્યારેય શેર ન કરો. જો તમારી સાથે કોઈ છેતરપિંડી થાય, તો તરત જ તમારી બેંકને જાણ કરો. સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 અથવા cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવો. ઇન્ટરનેટ પર કોઈપણ લોભામણી ઑફર જોયા પછી એક પળ થોભો અને વિચારો. તમારી થોડીક સમજદારી અને સતર્કતા, તમારા પૈસા અને તમારી અંગત માહિતી બંનેને સુરક્ષિત રાખી શકે છે.
    Click here to Read More
    Previous Article
    આઠમી અજાયબી:બલુચિસ્તાનમાં 6150 દિવસથી ચાલતું આંદોલન
    Next Article
    મનદુરસ્તી:શું તમે ‘ગ્રીન સોશિયલ પ્રિસ્ક્રાઇબિંગ’ વિશે જાણો છો?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment