Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં મેઘતાંડવની LIVE 20 તસવીરો:ખોડિયાર અને ધાતરવડી-1 ડેમ ઓવરફ્લો થતા નદીઓમાં પૂર, રોડ-રસ્તાના ટૂકડા થયા; રાત્રે સ્થિતિ ગંભીર બની શકે

    21 hours ago

    અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસી રહેલા અતિભારે વરસાદે સમગ્ર જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત બનાવી દીધું છે. ધારી, રાજુલા, જાફરાબાદ, ખાંભા, સાવરકુંડલા અને અમરેલી તાલુકા સહિત અનેક વિસ્તારોમાં નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, ડેમો ઓવરફ્લો થયા છે અને અનેક માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની ફરજ પડી છે. જુઓ અમરેલી જિલ્લામાં મેઘતાંડવની 20 તસવીરો : 1. ધારીમાં મુશળધાર વરસાદથી ખોડિયાર ડેમના 9 દરવાજા ખોલાયા, અમરેલી-ભાવનગરના 40થી વધુ ગામોને એલર્ટ અમરેલી જિલ્લાના ધારી અને ગીર ગ્રામ્ય વિસ્તારમાં સતત મુશળધાર વરસાદને કારણે જિલ્લાના સૌથી મોટા ખોડિયાર ડેમમાં પાણીની ભારે આવક નોંધાઈ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમના 9 દરવાજા 1.52 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાં પ્રતિ સેકન્ડ 31,950 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને એટલી જ માત્રામાં પાણીની જાવક પણ કરવામાં આવી રહી છે. એકસાથે 9 દરવાજા ખોલાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી છોડવામાં આવતા અમરેલી અને ભાવનગર જિલ્લાના 40થી વધુ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. 2. અમરેલી-સાવરકુંડલા વચ્ચે સીમરણ ગામ નજીક નેશનલ હાઇવે પર ભુવો પડતા વાહનવ્યવહાર ઠપ્પ, મોટાભાગના માર્ગો બંધ અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. અમરેલી-સાવરકુંડલા વચ્ચે સીમરણ ગામ નજીક નેશનલ હાઇવે પર પાણીના ધસમસતા પ્રવાહને કારણે મોટો ભુવો પડી જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. દિવસ-રાત વાહનોથી ધમધમતા આ મહત્વના હાઇવે પર ટ્રાફિક બંધ થતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત રાજુલા-સાવરકુંડલા રોડ સહિત જિલ્લાના મોટાભાગના માર્ગો પણ વરસાદના કારણે બંધ થઈ ગયા છે, જેના કારણે અનેક ગામોનો સંપર્ક પ્રભાવિત થયો છે. તંત્ર દ્વારા લોકોને જરૂરી ન હોય તો મુસાફરી ટાળવા અને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે. 3. અમરેલીનું સોનારીયા ગામ બન્યું બેટ, શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ અમરેલી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર અને મુશળધાર વરસાદને કારણે સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયું છે. સતત વરસી રહેલા વરસાદના કારણે અમરેલી તાલુકાનું સોનારીયા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે, જ્યાં સ્થાનિક નદીના પાણી ગામમાં ફરી વળતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. બીજી તરફ અમરેલીની શેત્રુંજી નદી પણ બે કાંઠે વહેતી થઈ છે અને ઉપરવાસમાંથી સતત પાણીની આવક વધતાં નીચાણવાળા વિસ્તારો પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને અવરજવર અને દૈનિક જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા નદીકાંઠાના તેમજ નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા અને જરૂરી ન હોય તો બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. 4. નાગેશ્રીની રાયડી નદીમાં પૂરની સ્થિતિ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગામ નજીકથી પસાર થતી રાયડી નદીમાં ધસમસતો પાણીનો પ્રવાહ વહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. સતત વરસાદને કારણે આસપાસની મોટાભાગની નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેતી રાખવા તેમજ નદી-નાળાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. 5. ખાંભામાં ધાતરવડી નદીના પુલ પર પાણી ફરી વળ્યા અમરેલી-જાફરાબાદ તાલુકાના ટીંબી ગામની રુપેણી નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા ટીંબી ગામના કોઝવે પર જળબંબાકરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે ખાંભામાં ધાતરવડી નદીના પુલ પર પાણી ફરી વળ્યા છે. મોડી રાતે પાણી ખાંભા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં ઘુસી શકે છે. 6. રાજુલા-જાફરાબાદ પંથકમાં મેઘતાંડવ: પીપાવાવ ધામ સહિત અનેક ગામો જળબંબાકાર, તમામ માર્ગો બંધ અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ પંથકમાં સતત ધોધમાર વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બની ગયું છે. રાજુલાના પીપાવાવ ધામ, જોલાપુર, નીગાળા, કડીયાળી સહિત અનેક ગામોની ચારે બાજુ પાણી ફરી વળતાં સંપર્ક તૂટી ગયો છે. પીપાવાવ ધામ અને આસપાસના વિસ્તારોમાં મોટાભાગના ખેતરો જળબંબાકાર બની ગયા છે, જ્યારે સવારથી અવિરત વરસી રહેલા વરસાદને કારણે સ્થિતિ વધુ ગંભીર બની રહી છે. બચાવ અને રાહત કામગીરી માટે NDRF અને ફાયર બ્રિગેડની ટીમોને પણ સ્થળ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે, કારણ કે વિસ્તારમાં જતાં તમામ મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. 7.રાજુલા તાલુકાના વડગામ નજીક ઘાતરવડી નદીનો પાળો તૂટવાની શક્યતા ધાતારવડી ડેમ-1 ઓવરફ્લો થતા રાજુલા તાલુકાના વડગામ નજીક ઘાતરવડી નદીનું પુર વધ્યુ છે. વડગામ નજીક ઘાતરવડી નદી પરનો પાળો તૂટે તેવી શકયતા છે. તંત્રની ટીમ વડગામમાં પોહચી છે. પાળો તૂટશે તો નિચાણ વાળા વિસ્તારમાં નુકસાનની આશંકા છે. 8. રાજુલામાં ભારે વરસાદથી એસટી બસ રોડ પરથી નીચે ઉતરી, તમામ મુસાફરોનો આબાદ બચાવ અમરેલી જિલ્લાના રાજુલા વિસ્તારમાં ભારે વરસાદને કારણે એક એસટી બસ રોડ પરથી નીચે ઉતરી જતાં ક્ષણિક ગભરાટ ફેલાયો હતો. બસમાં મુસાફરી કરી રહેલા તમામ પેસેન્જરોનો સદનસીબે આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ નોંધાઈ નથી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને તંત્ર તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યારબાદ બસને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ક્રેન સહિત જરૂરી સાધનોની મદદથી કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર સર્જાયેલી જોખમી સ્થિતિ વચ્ચે આ ઘટનાએ મુસાફરોમાં ચિંતા ફેલાવી હતી. 9. રાજુલામાં આવેલો ધાતારવડી ડેમ-1 ઓવરફ્લો થયો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકા નજી ખાખબાઈ ગામ પાસે આવેલો ધાતારવડી ડેમ-1 ઓવરફ્લો થયો છે. આ ડેમ આ વિસ્તારના ખેડૂતોને ખેતી સિંચાઈ માટે તેમજ આસપાસના ગામો અને રાજુલા શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે. ધાતારવડી ડેમ-1 ડેમ ઓવરફ્લો થતા રાજુલા પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.રાજુલા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોની પાણીની જરૂરિયાતો સંતોષવા માટે આ ડેમ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. 10. રાજુલામાં ભેરાઈ ગામ નજીક 70 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં ભારે વરસાદની સ્થિતિને પગલે વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ બન્યું છે. રાજુલા ઇન્ચાર્જ પ્રાંત અધિકારી જીલ પટેલના માર્ગદર્શન હેઠળ પીપાવાવ મરીન પોલીસ સહિત વિવિધ વિભાગોની ટીમોએ ભેરાઈ ગામ નજીક બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને આશરે 70 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા તેમજ અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી જીલ પટેલે લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, પાણી જોવા કે પરિસ્થિતિ નિહાળવા માટે કોઈપણ વ્યક્તિ ઘરની બહાર ન નીકળે અને પોતાનો પરિવાર જ્યાં સુરક્ષિત હોય ત્યાં જ રહે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ટાળી શકાય. 11. અમરેલીના ચૌત્રા ગામનો સંપર્ક તૂટ્યો: રાયડી નદીમાં ધસમસતા પ્રવાહથી બ્રિજ પર પાણી ફરી વળ્યાં અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચૌત્રા ગામમાં સતત વરસાદને કારણે રાયડી નદીમાં ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. નદીના પૂરનાં પાણી ગામના મુખ્ય બ્રિજ પરથી ફરી વળતાં ચૌત્રા ગામનો અન્ય વિસ્તારો સાથેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો છે. બ્રિજ પર પાણી ફરી વળવાના કારણે અવરજવર સંપૂર્ણ બંધ થઈ ગઈ છે અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામ ચારેય તરફ પાણીથી ઘેરાઈ જતાં સ્થિતિ ચિંતાજનક બની છે, જ્યારે સ્થાનિક તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને બ્રિજ પરથી પસાર ન થવા અપીલ કરવામાં આવી રહી છે. 12. પીપાવાવ પોર્ટ ફોરવે પર માર્ગ તોડી પાણીના નિકાલની કામગીરી અમરેલી જિલ્લામાં ભારે વરસાદના કારણે પીપાવાવ પોર્ટના ફોરવે પર પાણીનો પ્રવાહ વધતા સ્થિતિ ગંભીર બની છે. ધસમસતા પાણીના કારણે પીપાવાવ પોર્ટ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે તંત્ર દ્વારા ફોરવે માર્ગનો એક ભાગ તોડી પાણીના નિકાલની તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી છે. ફોરવે ઉપર પાણી ફરી વળતાં પોર્ટમાં આવતા-જતા તમામ વાહનો અટવાઈ ગયા છે, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે પ્રભાવિત થયો છે. તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને વાહનચાલકોને વૈકલ્પિક માર્ગો અપનાવવા અપીલ કરવામાં આવી છે. 13. અમરેલી-પીપાવાવ ફોરવે પર પાણી ભરાતા વાહનચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ, પીપાવાવ મરીન પોલીસ સ્ટેન્ડબાય અમરેલી-પીપાવાવ ફોરવે માર્ગ પર ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ફરી વળતાં વાહનચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પીપાવાવ મરીન પોલીસને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે અને માર્ગ પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વાહનો જોખમી રીતે પાણીમાંથી પસાર ન થાય તે માટે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે તેમજ જરૂર પડ્યે વાહનચાલકોને વૈકલ્પિક માર્ગ અપનાવવા સૂચના આપવામાં આવી રહી છે. તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અને અનાવશ્યક મુસાફરી ટાળવાની અપીલ કરવામાં આવી છે. 14. રાજુલાના ધાતરવડી-2 ડેમના 20 દરવાજા ખોલાયા, નીચવાસના ગામોને એલર્ટ અપાયું રાજુલા તાલુકામાં આવેલા ધાતરવડી-2 સિંચાઈ યોજનામાં ભારે વરસાદને કારણે પાણીની આવક સતત વધી રહી હોવાથી ડેમના 20 દરવાજા 0.90 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાંથી અંદાજે 52,220 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ધાતરવડી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાં હજુ પણ ભારે વરસાદ ચાલુ હોવાથી તેમજ ધાતરવડી-1 સિંચાઈ યોજના પણ ઓવરફ્લોની સ્થિતિમાં હોવાથી આગામી સમયમાં વધુ દરવાજા ખોલવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વડ, હિંડોરણા, ખાખબાઈ, લોઠપુર, કોવાયા, ઉચૈયા, ભચાદર, રામપરા-2 સહિત નીચવાસના ગામોના લોકોને સાવચેત રહેવા, નદી-નાળા અને વહેતા પાણીથી દૂર રહેવા તેમજ જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે. 15. સાવરકુંડલાના ગીણીયા ગામમાં ભારે વરસાદના કારણે દીવાલ ધરાશાયી થતાં મહિલા ગંભીર રીતે ઘાયલ સાવરકુંડલા પંથકમાં સતત ધોધમાર વરસાદને કારણે જાનહાનિની ઘટના સામે આવી છે. સાવરકુંડલાના ગીણીયા ગામમાં ભારે વરસાદના કારણે એક મકાનની દીવાલ અચાનક ધરાશાયી થતાં રસોઈ બનાવી રહેલા 40 વર્ષીય કૈલાશબેન સકુરભાઈ માંગુડા દીવાલ નીચે દબાઈ ગયા હતા. ઘટનાને પગલે સ્થાનિક લોકો તરત જ બચાવ કામગીરીમાં જોડાયા અને તેમને કાટમાળમાંથી બહાર કાઢી ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારે વરસાદને કારણે સર્જાયેલી આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચિંતા અને શોકનું વાતાવરણ સર્જ્યું છે. 16. ધારાબંદરમાં પૂરનો કહેર: ધારાસભ્ય હીરા સોલંકી પાણીના પ્રવાહ વચ્ચે પહોંચ્યા, લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ધારાબંદર ગામમાં ભારે વરસાદને કારણે પાણી ઘુસી જતાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય હીરા સોલંકી મામલતદાર અને વહીવટી તંત્રની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે ખુદ પાણીના પ્રવાહ વચ્ચે જઈ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરીનું માર્ગદર્શન આપ્યું. નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢીને નજીકની શાળામાં સુરક્ષિત રીતે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરમિયાન ધારાસભ્ય હીરા સોલંકીએ લોકોને પાણી ઓસર્યા સુધી નીચાણવાળા વિસ્તારોમાં ન રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી હતી. 17. અમરેલી–રાજુલા–સાવરકુંડલા હાઇવે બંધ: અતિભારે વરસાદથી થોરડી બાયપાસ પાણીમાં ગરકાવ, મુસાફરોને રસ્તો ટાળવાની અપીલ અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા અતિભારે વરસાદને કારણે રાજુલા–સાવરકુંડલા હાઇવે પર સ્થિતિ ગંભીર બની છે. થોરડી બાયપાસ ખાતે નાળાના કામ દરમિયાન ભારે પ્રમાણમાં પાણી ભરાઈ જતાં માર્ગ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે રાજુલા, અમરેલી અને રાજકોટ તરફ અવરજવર કરતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા લોકોને આ માર્ગ પર મુસાફરી ન કરવા અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. 18. અમરેલીના રાજુલા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. રાજુલાથી ખાંભા જતાં મુખ્ય માર્ગ પર અનેક સ્થળોએ વરસાદી પાણી ફરી વળતાં વાહનચાલકોને જીવના જોખમે પસાર થવું પડી રહ્યું છે, જ્યારે કાતર, ડેડાણ સહિતના ગામોના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદનું જોર યથાવત રહેશે તો રાજુલા-ખાંભા માર્ગ સંપૂર્ણપણે બંધ કરવાની સ્થિતિ સર્જાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડુંગર ગામ પાસે આવેલી નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા પુલ ઉપરથી પાણી ફરી વળ્યું છે, જેના કારણે વાહનવ્યવહાર જોખમી બન્યો છે. ઉપરાંત તાલુકાની અન્ય નદીઓ અને નાળાઓમાં પણ ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. રાજુલા શહેરની મુખ્ય બજારમાં વરસાદી પાણી ભરાઈ જતાં વેપારીઓ અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. પ્રશાસને નાગરિકોને જરૂરિયાત સિવાય બહાર ન નીકળવા, પાણી ફરી વળેલા માર્ગો અને પુલ પરથી પસાર ન થવા તેમજ સંપૂર્ણ સાવચેતી રાખવાની અપીલ કરી છે. 19.અમરેલીમાં મેઘતાંડવ: ખાંભા ગ્રામ્ય વિસ્તારમાં 8 ઇંચ વરસાદ, ચોટીલા-ખાંભા-નાગેશ્રી નેશનલ હાઈવે બંધ અમરેલી જિલ્લાના ખાંભા ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. તોફાની સાંબેલાધાર વરસાદના પગલે અંદાજે 8 ઇંચ વરસાદ નોંધાતા ચોટીલા-ખાંભા-નાગેશ્રી નેશનલ હાઈવે પર રાણીગપરા ગામ નજીક કૂતરાખાણ પાસે આવેલા ચાલુ પુલનું ડાઇવર્ઝન ધોવાઈ ગયું છે, જેના કારણે હાઈવે સંપૂર્ણપણે વાહનવ્યવહાર માટે બંધ થઈ ગયો છે. પરિણામે ખાંભાથી નાગેશ્રી અને જાફરાબાદ તરફ જતા વાહનચાલકો રસ્તામાં અટવાઈ ગયા છે. રોડ બંધ થતાં વાસણા, ડેડાણ, ત્રાકુડા, મોટા બારમણ સહિત આશરે 20 જેટલા ગામોનો સંપર્ક ખોરવાઈ ગયો છે. મહત્વની બાબત એ છે કે મોડી રાતથી નેશનલ હાઈવે બંધ હોવા છતાં તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરવા કે વૈકલ્પિક વ્યવસ્થા માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકો અને મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 20. રાજુલાના છતડીયા રોડ પર જળબંબાકાર સૂર્યા બંગ્લોઝ સોસાયટીમાં ઘૂસ્યા વરસાદી પાણી અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે છતડીયા રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર ખોરવાયો છે અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. છતડીયા રોડ નજીક આવેલી સૂર્યા બંગ્લોઝ સોસાયટીમાં પણ વરસાદી પાણી ઘૂસી જતાં ઘરો તેમજ આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે રહેવાસીઓનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ દર વર્ષે ભારે વરસાદ દરમિયાન આ જ સમસ્યા સર્જાય છે, છતાં તેનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. વર્ષોથી યથાવત રહેલી આ સમસ્યાને લઈને સ્થાનિકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેવાસીઓએ તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા કરવા તેમજ અસરગ્રસ્ત લોકોને જરૂરી મદદ પહોંચાડવાની માંગ કરી છે. વરસાદનો દોર યથાવત રહેતાં સ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે લોકો સતર્કતા રાખી રહ્યા છે, જ્યારે તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા રાશનકીટ વિતરણ:ઘઉં, ચોખા, દાળ, તેલ, મસાલા અને અન્ય આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓ અપાઇ
    Next Article
    Focus On Indo-Pacific As PM Modi Begins 3-Nation Visit On Monday

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment