Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આસારામને જોધપુરથી અમદાવાદ લાવનાર જ હું':પૂર્વ IPS મનોજ નિનામાએ 8 વાર GPSCની પરીક્ષા આપી, સીનિયર્સે કહ્યું હતું- નાની ઉંમર છે, ઘણો આગળ વધીશ

    13 hours ago

    મનોજ નિનામા... ગુજરાત પોલીસ વિભાગના એ અધિકારી જેના નામની આગળ IPS લાગતું પણ 7મી તારીખથી સંજોગો બદલાયા છે. હવે તેમના નામની આગળ પૂર્વ IPS લખવું પડે કેમ કે સરકારે તેમનું સ્વૈચ્છિક રાજીનામું સ્વીકારી લીધું છે. નિનામા 31મી મેએ રિટાયર થવાના હતા. અત્યારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે તેવામાં નિનામાએ વહેલાં નિવૃત્તિ લઇ લેતાં તેઓ રાજકારણમાં ઝંપલાવશે તેવી અટકળો તેજ બની છે. આસારામ કેસમાં રચાયેલી SIT હોય કે પછી વડોદરાના હરણીકાંડમાં રચાયેલી SIT, સરકારે હંમેશા નિનામા પર ભરોસો કર્યો છે. સરકારનો આ ભરોસો તેમને ટિકિટના રૂપમાં ફળે તો નવાઇ ન પામતા. જો આવું થયું તો અત્યાર સુધી ગુનેગારોને દંડા મારીને સીધા દોર કરનારા આ અધિકારી હવે ગલીએ-ગલીએ મત માંગતા નજરે પડશે. મનોજ નિનામા કોણ છે? તેમણે શું અભ્યાસ કર્યો? પરિવારમાં કોણ છે? પોલીસ અધિકારી તરીકેની કારકિર્દી દરમિયાન કયો કેસ યાદગાર રહ્યો? આ તમામ સવાલોના જવાબ મેળવવા દિવ્ય ભાસ્કરે તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. અમે જ્યારે તેમની સાથે વાત કરી ત્યારે તેઓ પોતાના વતનમાં હતા. વતનમાં શાળા નહોતી મનોજ નિનામાનું મૂળ વતન શામળાજી તાલુકાનું જાબ ચિતરિયા ગામ છે. આ ગામ અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે. અહીંથી રાજસ્થાન ફક્ત 2 કિલોમીટર જ દૂર થાય છે. એ સમયે તેમના વિસ્તારમાં શાળાની વ્યવસ્થા નહોતી. તેમણે આશ્રમ શાળાથી અભ્યાસ શરૂ કર્યો હતો અને ધો. 1થી 4 સુધીનું શિક્ષણ મેળવ્યું હતું. ગાંધીનગરથી LLBનો અભ્યાસ કર્યો ધો.12 પછી 1985માં તેમને ક્લાર્કની નોકરી મળી હતી છતાં તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો હતો અને ગાંધીનગરની સરકારી વાણિજ્ય કોલેજમાંથી B.com કર્યું હતું બાદમાં ગાંધીનગરની લૉ કોલેજમાંથી LLB કર્યું હતું. 1996માં Dysp તરીકે નિમણૂક બાદ તેઓ ટ્રેનિંગ માટે જૂનાગઢ ગયા હતા. એ પછી ઘણા જિલ્લા અને યુનિટમાં કામ કર્યું ત્યારબાદ SP, DIGથી સુધીની સફર રહી. પોલીસ વિભાગમાં તેમણે 42 વર્ષ સુધી ફરજ બજાવી છે. 8 વખત GPSCની પરીક્ષા આપી મનોજ નિનામાએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, અમારા સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હતું. હું ટ્રાઇબલ એરિયામાંથી આવતો હતો. ઘણી મુશ્કેલીઓ હતી જેમ કે ટ્રાન્સપોર્ટેશન નહોતું, સ્કૂલ નહોતી. હું કોઇ કોન્વેન્ટ સ્કૂલનો નહીં પણ આશ્રમ શાળાનો વિદ્યાર્થી હતો. માધ્યમિક સ્કૂલ માટે 8 કિમી ચાલીને જવું પડતું. 12માં ધોરણ પછી સરકારી હોસ્ટેલમાં જતો રહ્યો હતો. ગાંધીનગર અને અમદાવાદ શિફ્ટ થયો ત્યારે હોસ્ટેલની વ્યવસ્થા સરકાર તરફથી મળી. જેથી એજ્યુકેશન આગળ વધ્યું. અમુક મિત્રોનું પ્રોત્સાહન મળ્યું એટલે GPSC અને અન્ય પરીક્ષાઓ આપવાની શરૂ કરી. મેં વર્ષ 1988થી 1995 સુધી 8 વખત GPSCની પરીક્ષા આપી હતી. તેઓ જ્યારે ક્લાર્ક હતા ત્યારે અધિકારીઓએ ઘણું પ્રોત્સાહન આપ્યું હતું કે તારી નાની ઉંમર છે, ઘણો આગળ વધી શકીશ. ગ્રેજ્યુએશન પૂરું કર. એ પછી GPSC કર. આમ તેઓ આગળ વધ્યા હતા. બહેન સરકારી શાળામાં શિક્ષિકા તેમના પિતાનું નામ લલ્લુભાઇ અને માતાનું નામ વિલુબેન છે. મનોજ નિનામા કહે છે કે, મારા માતા-પિતા તો ભણેલા નહોતા. અશિક્ષિત હોવાથી એમને શું ખબર પડે? પરિવાર ખેતી સાથે જોડાયેલો હતો. હું એક પુત્ર હતો. મારી એક બહેન છે. હું ભણ્યો એ પછી બહેન પણ ભણ્યા. જે અત્યારે અમદાવાદમાં સરકારી શાળામાં શિક્ષિકા છે. ભૂકંપ સમયે તંબૂમાં રહીને કામ કર્યું તેમણે અમદાવાદમાં ઝોન-2 DCP તરીકે પણ ફરજ બજાવી છે. તેઓ IBમાં પણ હતા. 2001ના ભૂકંપ વખતે તેમનું પોસ્ટિંગ કચ્છમાં હતું. તેમણે અઢી વર્ષ સુધી તંબૂમાં રહીને કામ કર્યું હતું. તોફાનો કન્ટ્રોલ કરવાના સમયને તેઓ કપરો સમય માને છે. તેમની કારકિર્દીના યાદગાર કેસોની તપાસના લિસ્ટમાં આસારામ કેસ પણ છે. તેમણે કહ્યું કે, લાઇફમાં યાદ રાખી શકાય એવા ઇન્વેસ્ટિગેશન હોય તો આસારામ રેપ કેસનું ઇન્વેસ્ટિગેશન હતું. એ ઇવેસ્ટિગેશન મેં કરેલું. મારી આગેવાનીમાં SIT રચાઇ હતી. કાનન દેસાઇ, દિવ્યા રવિયા, તોરલ પટેલ, કે.પી.જાડેજા અને પીઆઇ ગોહિલ તેમાં હતા. આસારામને જોધપુરથી અમદાવાદ લાવનાર હું જ છું. એ સમયે આ બહુ ચકચારી કેસ હતો અને મેં તેની કસ્ટડી લીધી હતી. આસારામ આશ્રમમાં 12 લાખ લોકોને જોયેલા 'તપાસ દરમિયાન એક તો શું પણ ઘણી મુશ્કેલીઓ આવી હતી. એ વખતે આસારામનું વર્ચસ્વ કેટલું હતું? તેના આશ્રમમાં ગુરૂ પૂર્ણિમાના દિવસે 12 લાખ લોકોને મેં જોયેલા છે. આ તેની તાકાત હતી. તેની ધરપકડ કરવી એ સરકાર અને અમારી સામે પડકાર હતો પણ મેં એ પડકાર ઝીલી લીધો. અમે તેની ધરપકડ કરીને લઇ આવ્યા. તપાસ પૂરી કરીને ચાર્જશીટ કરી હતી. કેસ પણ ચાલ્યો હતો અને આસારામને જન્મટીપ થઇ હતી.' 'એ વખતે પોલીસ અધિકારીઓને ધમકી નહોતી મળતી પણ સાક્ષીઓને ધમકી મળતી હતી. અમે તેમનું ઘણું ધ્યાન રાખ્યું હતું તેમ છતાં 2-3 લોકો પર પાછળથી હુમલા થયા હતા.' 3.5 વર્ષ સુધી લાજપોર જેલના સુપરિન્ટેન્ડન્ટ નિનામાએ સુરતની લાજપોર જેલના સુપરિન્ટેન્ડન્ટ તરીકે 3.5 વર્ષ સુધી ફરજ બજાવી હતી. એ સમયે કેદીઓની પરિસ્થિતિ ખરાબ હતી. કેદીનો પરિવાર કેવી મુશ્કેલીમાં મુકાઇ જાય તેનો અનુભવ થયા પછી તેમણે કેદીઓની જીવનશૈલી સુધારવા માટે કામ શરૂ કર્યું હતું. જેલમાં હીરા ઘસવાના મશીન લાવ્યા તેમણે સુરતની ડાયમંડ કંપનીઓ સાથે ટાઇઅપ કરીને હીરા ઘસવાના 60 મશીન જેલમાં વસાવ્યા હતા. જેમાં 120 કેદીઓ કામ કરતા હતા. એક કેદીને મહિને ઓછામાં ઓછા 7 હજાર અને વધુમાં વધુ 20 હજાર રૂપિયા મળતા હતા. કેદીઓને મળતા ભોજનની ગુણવત્તા સુધારવા માટે તેમણે સ્થાનિક NGO અને દાતા સાથે મળીને 1 કલાકમાં 1 હજાર રોટલી આપે તેવા મશીન જેલમાં વસાવ્યા હતા. આ મોડલ જોઇને ગુજરાત સરકારે દરેક જેલમાં મશીનોની ફાળવણી કરી હતી. તેમણે કેદીઓના સ્વાસ્થ્ય માટે જેલમાં જ જિમ બનાવ્યું હતું. આ ઉપરાંત સ્પોર્ટસ કોમ્પ્લેક્સ પણ બનાવ્યું હતું જેમાં કેદીઓ વોલીબોલ, ક્રિકેટ, ટેબલ ટેનિસ વગેરે જેવી રમત રમતા હતા. કેદીના બાળકોની ફીની વ્યવસ્થા કરી તેમણે કેદીઓ માટે ગાર્ડનિંગ પણ શરૂ કર્યું હતું. સરકાર તથા સંસ્થાઓને વચ્ચે રાખીને ટેક્સટાઇલ મશીનો વસાવ્યા હતા. કેદીને જે કમાણી થાય તેમાંથી 50% વેલ્ફેર ફંડમાં જતી અને બાકીની 50% રકમ કેદીને મળતી. જો કોઇ કેદીના બાળકની ફી ભરી ન ભરી શકાય તો સામાજિક સંસ્થાઓની મદદ લઇને ફી ભરી આપતા હતા. સુરતમાં આવેલી સવાણી ગ્રુપની યુનિવર્સિટી થકી જેલમાં ઓનલાઇન શિક્ષણ શરૂ કરાવ્યું. ધો. 8-9 સુધી ભણેલા કેદીઓને 10માં અભ્યાસ કરાવ્યો. 70થી વધુને SSC, 20થી વધુને HSC સુધીનો અભ્યાસ કરાવ્યો હતો. જેલમાં લાયબ્રેરી અને ગૌશાળા બનાવી તેઓ કહે છે કે, પહેલાં તો જેમ શોલે ફિલ્મમાં બતાવી છે તેવી જેલ હતી પણ મેં લાયબ્રેરી શરૂ કરી. અત્યારે તેમાં 18 હજાર પુસ્તકો છે. 2 ગાય લાવીને ગૌશાળા શરૂ કરી હતી. અત્યારે 60 ગાયો અને 40 વાછરડા છે. એનું તમામ દૂધ ફક્ત કેદીઓ માટે જ વપરાય છે. કોરોના આવ્યો ત્યારે સુરતની એક જ જેલ એવી હતી કે જ્યાં એકપણ કેસ નહોતો આવ્યો. સુરતની જેલમાં કામગીરી બાદ તેમને DIG તરીકે પ્રમોશન મળ્યું હતું. રાજકારણમાં જોડાવાનો સંકેત નિનામાએ ઉમેર્યું કે, રાજકારણમાં જોડાવાનું હજુ નક્કી નથી. 42 વર્ષ સરકારને આપ્યા છે. હવે સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરવાની છે. શિક્ષણ અને આરોગ્ય માટેની પ્રવૃત્તિ ચાલે છે એમાં સમય આપીશ. એવું લાગશે કે આ કામગીરી કરવા કોઇ પ્લેટફોર્મની જરૂર છે, કોઇ રાજકીય પક્ષ મારા વિચારો સાથે સંમત થાય છે તો હું તેમાં જોડાઇશ. ઉલ્લેખનીય છે કે નિનામાએ રાજીનામું આપ્યું ત્યારે તેઓ સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચમાં IGP હતા.
    Click here to Read More
    Previous Article
    3 રાજ્યોની 296 બેઠકો પર મતદાન:સવારે 9 વાગ્યા સુધી આસામમાં 17.87%, કેરળમાં 16.23% અને પુડુચેરીમાં 17.41% મતદાન થયું; પુડુચેરીમાં CM બાઈક પર મતદાન કરવા પહોંચ્યા
    Next Article
    Goyal inaugurates north India’s first central pivot irrigation system at PAU

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment