Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ IPL ક્રિકેટર સામે મંગેતરની દુષ્કર્મની ફરિયાદ રદ:શિવાલિકે કહ્યું-મારી કારકિર્દી ખતમ કરવા કેસ કર્યો, બે વર્ષમાં ઘણોએ સપોર્ટ કર્યો અને દુર પણ થયાં, માતાએ કર્યા સ્ફોટક ખુલાસા

    19 hours ago

    વડોદરાના જાણીતા રણજી ક્રિકેટર અને IPLની મુંબઈ ઈન્ડિયન ટીમના પૂર્વ ખેલાડી શિવાલીક શર્મા પર પૂર્વ મંગેતરે કરેલી દુષ્કર્મની ફરિયાદ રદ્દ કરવાનો રાજસ્થાન હાઈકોર્ટે આદેશ કર્યો છે. આ અંગે શિવાલિક શર્મા અને તેના પરિવાર સાથે દિવ્ય ભાસ્કરે ખાસ વાતચીત કરી. શિવાલિકે કહ્યું કે, મારા કપરા સમયમાં હાર્દિકભાઈ, કૃણાલભાઈ(પંડ્યા બ્રધર્સ) કિરણ સર (કિરણ મોરે) અને મારી ટીમના સાથીઓનો મને ઘણો સપોર્ટ મળ્યો. વીતેલા આ બે વર્ષ મારા માટે મુશ્કેલ જરૂર હતા, પરંતુ સ્પોર્ટ્સ પર્સન હોવાના નાતે આ પરિસ્થિતિએ અમને માનસિક રીતે વધુ મજબૂત બનાવ્યા છે. અમે કંઈ જ ખોટું કર્યું ન હોવાથી ધૈર્ય રાખીને સત્ય માટે લડ્યા. આખરે કોર્ટે આ કેસ રદ કર્યો છે, જેનો મને ખૂબ ખુશી થઈ રહી છે. શું છે સમગ્ર કેસ અને કેવી રીતે શિવાલિકનો યુવતી સાથે સંપર્ક થયો હતો? રાજસ્થાનના જોધપુરના કુડી ભગતસુની હાઉસિંગ બોર્ડ પોલીસ મથકમાં એક યુવતીએ શિવાલિક શર્મા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યા હતા કે, 2023માં હું મારા મિત્રો સાથે વડોદરા ગઈ હતી. જે દરમિયાન મારી મુલાકાત શિવાલિક શર્મા સાથે થઈ હતી. ત્યારપછી હું અને શિવાલિક મોબાઈલ પર વાતચીત કરતા થયા હતા. ધીરેધીરે અમે વધારે નજીક આવ્યા હતા અને પછી અમારો પ્રેમસંબંધ બંધાયો હતો. 2023ના ઓગસ્ટમાં શિવાલિક એના માતા-પિતા સાથે જોધપુર આવ્યો હતો અને ત્યાં અમારા બંનેના પરિવારજનોની મરજીથી મારી અને શિવાલિકની સગાઈ થઈ હતી. ત્યારપછી શિવાલિકે મારી સાથે શારીરીક સંબંધ બાંધ્યા હતા, પણ પાછળથી તેણે લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો. યુવતીની ફરિયાદને આધારે જોધપુરના કુડી ભગતસુની હાઉસિંગ બોર્ડ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મનો ગુનો દાખલ કરાયો હતો. આ કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે શિવાલિક શર્મા સામેની ફરિયાદ રદ્દ કરવાનો આદેશ કર્યો છે. શિવાલિક શર્માએ પોતાની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની શરૂઆત 2018-19માં કરી હતી. રણજી ટ્રોફીની મેચમાં શિવાલીકને વડોદરાની ટીમમાં રમવાનો મોકો મળ્યો હતો. હાલ તે વડોદરા રણજી ટીમમાં રમે છે. શિવાલિકને 2024માં આઈપીએલમાં રમવાનો ચાન્સ મળ્યો હતો અને મુંબઈ ઈન્ડિયન ટીમે તેને ખરીદ્યો હતો. 'બદલો લેવાની ભાવનાથી આ કેસ કર્યો હતો' ક્રિકેટર શિવાલિક શર્માએ કેસ અંગે વધુમાં જણાવ્યું કે, સગાઈ નક્કી થયા બાદ અને IPLમાં મારી પસંદગી થયા પછી, સામેવાળા પક્ષને આર્થિક બાબતો દેખાતાં તેમનો વ્યવહાર બદલાઈ ગયો હતો. તેમણે લગ્નનો તમામ ખર્ચ અમારા પર નાખી દીધો અને અલગ ઘરમાં રહેવાની બાબતો સામે મૂકી. મને આ વર્તણૂક યોગ્ય ન લાગતા મેં લગ્ન માટે ના પાડી. આથી બદલો લેવાના અને મારી ક્રિકેટ કારકિર્દી ખતમ કરવાના ઈરાદાથી તેમણે મારી સામે આ કેસ કર્યો હતો. 'આ સમયમાં ઘણા લોકો દૂર પણ થયાં' આ સમય દરમિયાન જે લોકો મને ઓળખતા હતા તેઓ મારી સાથે જ રહ્યા, જ્યારે અન્ય લોકો દૂર થઈ ગયા. હવે ઓક્ટોબરથી રણજી ટ્રોફીની સીઝન શરૂ થઈ રહી છે, જેની મારી તૈયારીઓ ચાલી રહી છે અને હું ભવિષ્યની નવી તકો તરફ સકારાત્મક અભિગમ સાથે આગળ વધી રહ્યો છું. 'મેં દીકરાને કહ્યું હતું કે, ઈશ્વર આપણો સાથ જરૂર આપશે' શિવાલિકના માતા કિરણ શર્માએ કહ્યું કે, છેલ્લાં બે વર્ષ અમારા માટે ખૂબ જ મુશ્કેલીભર્યા રહ્યા હતા. મારા દીકરા શિવાલિક સાથે જે કંઈ પણ થયું, તેનાથી હું વ્યક્તિગત રીતે ખૂબ જ અસ્વસ્થ થઈ ગઈ હતી. તેમ છતાં, મેં તેને સતત મનોબળ અને નૈતિક ટેકો આપવાનું ચાલુ રાખ્યું હતું કે, જો આપણે સાચા હોઈશું તો ઈશ્વર હંમેશાં આપણી સાથે રહેશે અને પરિણામ પણ આપણી તરફેણમાં જ આવશે. આજે મને એ વાતનો ગર્વ અને ખુશી છે કે, અમે આ કેસમાંથી સંપૂર્ણપણે નિર્દોષ જાહેર થઈને બહાર આવ્યા છીએ. હવે પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે અને ખૂબ જ સારું લાગી રહ્યું છે. મને પૂરી આશા છે કે શિવાલિક ભવિષ્યમાં પણ સારું પ્રદર્શન કરશે અને ખૂબ સારો ક્રિકેટર બનશે. અમારું એક જ સપનું છે કે, તે ભારત દેશનું પ્રતિનિધિત્વ કરે, IPLમાં રમે અને પોતાના તમામ લક્ષ્યો હાસિલ કરવામાં સફળ થાય. 'પૈસા કઢાવવાના હેતુથી જ અમારા પર ખોટા આરોપો લગાવ્યા હતા' તેઓએ વધુમાં ઉમેર્યું કે, સામેવાળા પક્ષના વર્તન પરથી મને શરૂઆતથી જ સમજાઈ ગયું હતું કે તેમની દાનત યોગ્ય ન હતી. તેઓ મારા દીકરાની કારકિર્દીને દાવ પર લગાવીને મોટો આર્થિક લાભ મેળવવા માગતા હતા. મેં તેમની સાથે આમને-સામને બેસીને વાજબી ખર્ચ ચૂકવીને મામલો ઉકેલવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ પછી અમે નમતું આપવાને બદલે કોર્ટમાં કાયદાકીય લડાઈ લડવાનો નિર્ણય કર્યો. મને આપણી ન્યાયપ્રણાલી પર સંપૂર્ણ વિશ્વાસ હતો કે સત્યની જ જીત થશે. કોર્ટે જે નિર્ણય આપ્યો છે, તેનાથી સાબિત થાય છે કે દેશમાં આજે પણ ન્યાય જીવંત છે. ઘણા લોકોએ અમારાથી અંતર બનાવી લીધું હતું: પિતા શિવાલિકના પિતા સુનિલભાઈ શર્માએ જણાવ્યું કે, જ્યારે સોશિયલ મીડિયા પર આ બધું આવ્યું ત્યારે લોકોની ટીકાઓ શરૂ થઈ ગઈ હતી. વ્યક્તિગત રીતે મારા માટે પણ આ સમય ઘણો કઠિન રહ્યો હતો, પરંતુ હવે જ્યારે કોર્ટનો ચુકાદો આવ્યો છે ત્યારે ખૂબ જ આનંદ થાય છે. અમને ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ હતો, કારણ કે શિવાલિક પર જે આરોપો લગાવવામાં આવ્યા હતા તે તદ્દન પાયાવિહોણા હતા. કેસની કાર્યવાહી દરમિયાન જ અમને ખાતરી થઈ ગઈ હતી કે નિર્ણય અમારા પક્ષમાં જ આવશે. 'શિવાલિક માનસિક રીતે અસ્વસ્થ થયો હતો' તેઓએ વધુમાં કહ્યું કે, આ મુશ્કેલ સમયમાં પણ શિવાલિકે હિંમત રાખીને ક્રિકેટ પર ફોક્સ કર્યું અને રમવાનું ચાલુ રાખ્યું. અમે તેને સતત આશ્વાસન અને મનોબળ આપ્યું કે, આપણે કંઈ પણ ખોટું નથી કર્યું એટલે પરિણામ પણ સારું જ આવશે. આ સમયગાળા દરમિયાન ઘણા લોકોએ અમને અનેક પ્રશ્નો પૂછ્યા હતા અને અમે તેમને પરિસ્થિતિ વિશે સત્ય સમજાવ્યું હતું. હવે કોર્ટે પોતાનો સ્પષ્ટ ચુકાદો આપીને તમામ પ્રશ્નોના જવાબ આપી દીધા છે.
    Click here to Read More
    Previous Article
    મણિપુરમાં 2 નાગા સમુદાયના નાગરિકોની હત્યા, કુકી પર આરોપ:CM બોલ્યા- કાયરતાપૂર્ણ હરકત, સપ્ટેમ્બરમાં 13 તો 7 મહિનામાં 50 લોકોનાં મોત
    Next Article
    ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કર્યાનો ખોટો સ્ક્રીનશોટ બતાવી ઠગાઈ આચરતો:વડોદરામાં CDM મશીન પર રોકડ જમા કરાવવા આવતા લોકોને નિશાન બનાવતો ઠગ ઝડપાયો, પોલીસે 15,500 રૂપિયા જપ્ત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment