Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શું IIT કેમ્પસ આત્મહત્યા ફેક્ટરી બની રહ્યાં છે:3 જિંદગીઓ-કહાની એક જેવી, 5 વર્ષમાં 75 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી

    11 hours ago

    ‘એક બાળકને નથી સંભાળી શકતાં? અમને જુઓ, અમે 12 હજાર બાળકોને સંભાળી રહ્યા છીએ. અમે IITમાં આવા બાળકોને નથી રાખતા.’ IIT દિલ્હીના ડીને જ્યારે ઋષિકેશની માતાને આ શબ્દો કહ્યા, ત્યારે તે પોતે ત્યાં જ હાજર હતો. આ શબ્દો તેના હૃદયમાં ઉતરી ગયા અને તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ભારે આક્રોશ સાથે માતાને કહ્યું— ‘ચાલો, હવે વધુ અપમાન સહન નથી થતું.’ આ ઘટનાના થોડા જ દિવસો બાદ ૨૨ ઓગસ્ટે ઋષિકેશે હોસ્ટેલના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી. તેના ભાઈ અભિષેકનો ગંભીર આરોપ છે કે મુશ્કેલ સમયમાં સંસ્થાએ સાથ ન આપ્યો, નહીં તો તેનો જીવ બચી ગયો હોત. આ બનાવના 28 દિવસ બાદ 19 સપ્ટેમ્બરે IIT બોમ્બેમાં પણ આવી જ હૃદયદ્રાવક ઘટના બની. અહીં સાહિલ રવિન્દ્ર નામના વિદ્યાર્થીએ હોસ્ટેલમાં આપઘાત કરી લીધો, જેમાં પ્રોફેસર પર જ ઉશ્કેરણીનો આરોપ લાગ્યો છે. આ માત્ર બે છૂટીછવાઈ ઘટનાઓ નથી. છેલ્લાં પાંચ વર્ષમાં IITના 75 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી ચૂક્યા છે. આખરે આવું કેમ બની રહ્યું છે? શું આ ભણતર અને પર્ફોર્મન્સનું દબાણ છે કે પછી કોઈ અન્ય કારણ? આ સચ્ચાઈ જાણવા માટે ભાસ્કરની ટીમે પીડિત પરિવારો, વર્તમાન વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને નિષ્ણાતો સાથે વિસ્તૃત વાતચીત કરી. પહેલી કહાણી: ઋષિકેશ કુમાર, IIT દિલ્હી ‘બધાનો લાડકવાયો હતો, મેન્ટલ હેલ્થ બગડતાં જ સૌ દુશ્મન બની ગયા’ 31 વર્ષનો ઋષિકેશ IIT દિલ્હીમાંથી ફિઝિક્સમાં M.Sc. કરી રહ્યો હતો. પિતાનું અવસાન થઈ ચૂક્યું હતું અને પરિવાર પર આશરે ₹40 લાખનું દેવું હતું. ઋષિકેશ માતાને હંમેશાં ધરપત આપતો કે, ‘થોડાં વર્ષોમાં હું બધું દેવું ચૂકવી દઈશ.’ ભાઈ અભિષેકે જણાવ્યું કે, ‘IITમાં એડમિશન મળ્યા બાદ તે ખૂબ ખુશ હતો. બધું સરસ ચાલી રહ્યું હતું. આ દરમિયાન IITમાં જ હોળીના ઉત્સવ વખતે મિત્રોએ તેને ભાંગ પીવડાવી દીધી. નશાની હાલતમાં તેની જૂની પીડાદાયક યાદો ફરી સપાટી પર આવી ગઈ. વાસ્તવમાં પિતાના અવસાન બાદ તે ડિપ્રેશનની દવા લઈ રહ્યો હતો, પરંતુ તે સંપૂર્ણપણે સાજો થઈ ચૂક્યો હતો. ભાંગના નશા બાદ ડિપ્રેશન તેના પર ફરી હાવી થવા લાગ્યું.’ ‘ઋષિકેશને IITની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને તેનું કાઉન્સેલિંગ થયું. ત્યાંથી જણાવાયું કે તે અજીબ અને હાઇપર બિહેવિયર કરી રહ્યો છે, જેથી તેની સારવાર બહાર કરાવવી પડશે. અમે IIT દિલ્હીની પાર્ટનર હોસ્પિટલ VIMHANSમાં તેની સારવાર કરાવી. તબીબોએ તેને અભ્યાસ માટે ફિટ (Fit for study) જાહેર કર્યો, છતાં મુશ્કેલીઓનો અંત ન આવ્યો.’ અભિષેક આગળ જણાવે છે કે, ‘કોઈ વિદ્યાર્થી પર એક વાર મેન્ટલ હેલ્થનું ટેગ લાગી જાય, પછી IIT તેને હોસ્ટેલમાં રાખવા માંગતી નથી. તેઓ ઇચ્છે છે કે આવા વિદ્યાર્થીઓ બહાર રહે. ભારે મથામણ બાદ ઋષિકેશનો કેસ કાઉન્સેલરથી HOD અને ત્યારબાદ ડીન સુધી પહોંચ્યો. આ મીટિંગમાં જ ઋષિકેશની સામે તેની માતાનું અપમાન કરવામાં આવ્યું હતું.’ અભિષેક ઉમેરે છે કે, ‘આપઘાત કરતાં પહેલાં ઋષિકેશે પરિવારને કહ્યું હતું કે, જ્યાં સુધી હું સ્વસ્થ હતો ત્યાં સુધી બધાનો લાડકવાયો હતો, ક્લાસ રિપ્રેઝન્ટેટિવ (CR) હતો. પરંતુ મારી માનસિક સમસ્યાની જાણ થતાં જ બધા મને અલગ નજરે જોવા લાગ્યા. પ્રોફેસરો વાત પણ નહોતા કરતા. જાણે મને જીવવાનો કોઈ અધિકાર જ ન હોય!’ સંસ્થા સામે સવાલો ઉઠાવતાં અભિષેક કહે છે, ‘છેલ્લા અઢી વર્ષમાં IIT દિલ્હીમાં આપઘાતના 8 કિસ્સા બન્યા છે, જે સત્તાવાર રેકોર્ડ પર છે. આ જ સમયગાળા દરમિયાન 28 વિદ્યાર્થીઓએ આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો, જેનો કોઈ સત્તાવાર રેકોર્ડ નથી. આ તમામ વિગતો અમને કેમ્પસના વિદ્યાર્થીઓ પાસેથી મળી છે. જો દેશની સર્વોચ્ચ પ્રીમિયમ સંસ્થાઓમાં આવું બનતું હોય, તો શું આ લોકો તેને "સુસાઇડ ફેક્ટરી" બનાવવા માંગે છે?’ બીજી કહાણી: પ્રકાશ, IIT મદ્રાસ જીવન તો બચી ગયું, પરંતુ કેમ્પસ પાછો ન ફરી શક્યો પ્રકાશ (નામ બદલ્યું છે)નો કિસ્સો આનાથી થોડો અલગ છે. તેઓ IIT મદ્રાસમાં 2019ની બેચના વિદ્યાર્થી હતા અને યમુના હોસ્ટેલમાં રહેતા હતા. નામ અને ઓળખ ગુપ્ત રાખવાની શરતે તેમણે પોતાની આપવીતી જણાવી. પ્રકાશની મુશ્કેલીઓ IITથી શરૂ નહોતી થઈ. સપ્ટેમ્બર 2018માં જ્યારે તેમના માતા-પિતાના છૂટાછેડા થયા, ત્યારે તેઓ 23 વર્ષના હતા. પ્રકાશ જણાવે છે કે, ‘તે મારા જીવનનો સૌથી ખરાબ તબક્કો હતો, કારણ કે હું બંનેની ખૂબ નજીક હતો. તેના પછીના જ વર્ષે 2019માં મારું IITમાં એડમિશન થઈ ગયું, પરંતુ મારું મન ભણવામાં લાગતું નહોતું. ઓરિએન્ટેશનમાં બધાના પરિવારજનો આવ્યા હતા, પરંતુ મારા ઘરેથી કોઈ નહોતું આવ્યું. પરિણામે ફર્સ્ટ સેમેસ્ટરમાં અપેક્ષા મુજબ માર્ક્સ પણ ન આવ્યા.’ ‘ધીમે-ધીમે હું અંતર્મુખી બનવા લાગ્યો અને શાંત રહેતો હતો. ઊંઘ ઓછી થવા લાગી, એટલે ઘણીવાર છુપાઈને ઊંઘની ગોળીઓ લઈ લેતો. એક દિવસ સ્થિતિ એટલી વણસી કે મેં ઊંઘની 6-7 ગોળીઓ એકસાથે ગળી લીધી. સવારે મોડે સુધી હું ન ઊઠ્યો, એટલે મિત્રએ વોર્ડનને જાણ કરી. મને IITની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. મારો જીવ તો બચી ગયો, પરંતુ કરિયર બરબાદ થઈ ગયું.’ ‘બીજા દિવસે મારું કાઉન્સેલિંગ થયું. મેનેજમેન્ટે તેને આત્મહત્યાનો પ્રયાસ ગણાવીને બહાર સારવાર લેવાની સલાહ આપી. આશરે બે મહિના પછી મારી તબિયતમાં સુધારો થયો. મને લાગ્યું કે હવે હું IIT પાછો ફરી શકું છું. મેં હોસ્ટેલમાં રહેવાની પરવાનગી માંગી, તો સાયકોલોજિસ્ટનું ફિટનેસ સર્ટિફિકેટ માંગવામાં આવ્યું.’ સર્ટિફિકેટ રજૂ કર્યા પછી પણ પ્રકાશને ફરી હોસ્ટેલમાં રહેવાની મંજૂરી ન મળી. કેમ્પસ બહાર રહેવાનો ખર્ચ ઘણો વધારે હતો, પરિણામે પ્રકાશે લાચાર બનીને IITનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દેવો પડ્યો. ત્રીજી કહાણી: શશાંત શેખર, IIT દિલ્હી નાનાજીના અવસાન પર ટોણો માર્યો- ‘દાદા-દાદીને 10-10 વાર મારો છો’ IIT દિલ્હીના પૂર્વ વિદ્યાર્થી શશાંત શેખરે 15 વર્ષ જૂનો કડવો અનુભવ જણાવ્યો. 2011માં નાનાજીના નિધન બાદ શશાંત અંતિમ સંસ્કાર માટે પટના ગયા હતા. પરત ફર્યા ત્યારે તેમની બે નાની પરીક્ષાઓ ચૂકાઈ ગઈ હતી. રી-એક્ઝામ આપવાની વિનંતી માટે તેઓ પ્રોફેસરને મળ્યા. શશાંતના જણાવ્યા મુજબ, પ્રોફેસરે તેમને સીધું સંભળાવી દીધું કે— ‘તમે લોકો બિહારથી અનામત (રિઝર્વેશન) પર આવો છો, પ્રેશર સહન નથી કરી શકતા. પછી બહાના બનાવો છો અને દાદા-દાદીને દસ-દસ વાર મારો છો. ડેથ સર્ટિફિકેટ લઈને આવો.’ શશાંત તે સમયે માત્ર 20 વર્ષના હતા. તેઓ કહે છે, ‘નાનાજી મારી ખૂબ નજીક હતા. હું ઊંડા આઘાતમાં હતો, પરંતુ સંસ્થાએ મારા દુઃખને માત્ર કાગળના ટુકડા સુધી સીમિત કરી દીધું. ચોક્કસપણે IITએ મને જીવનમાં આગળ વધવાનું પ્લેટફોર્મ આપ્યું છે, પરંતુ સંસ્થામાં જે ખોટું થઈ રહ્યું છે તે ઉજાગર કરવું પણ મારી નૈતિક જવાબદારી છે. જે ઋષિકેશ સાથે બન્યું, તે જ મારી સાથે બન્યું હતું. આવું અનેક વિદ્યાર્થીઓ સાથે બન્યું છે. આ સતત દબાણમાં જે માનસિક રીતે નબળા પડે છે, તેઓ આખરે ભાંગી પડે છે.’ IITમાં દર અઠવાડિયે નવી ડેડલાઇન, દબાણ ક્યારેય ઘટતું નથી ઋષિકેશના મોતના પગલે સંસ્થા સામે સૌથી પ્રખર અવાજ ઉઠાવનાર સક્ષમ ભારદ્વાજ IITમાં B.Tech.નો વિદ્યાર્થી છે. તે જણાવે છે કે, ‘અહીં પ્રેશર કોઈ એક પરીક્ષા પૂરતું નથી હોતું, આખા સેમેસ્ટર દરમિયાન ચાલતું રહે છે. એક સેમેસ્ટરમાં અનેક કોર્સ હોય છે. દરેક કોર્સમાં અસાઇનમેન્ટ, ક્વિઝ અને લેબ વર્ક સતત ચાલ્યા કરે છે. ઘણીવાર એક જ અઠવાડિયામાં બે-ત્રણ ક્વિઝ, અસાઇનમેન્ટ સબમિશનની ડેડલાઇન અને લેબ વર્ક બધું ભેગું આવી જાય છે. હજુ તો એક સેમેસ્ટર પૂરું થાય ત્યાં જ બીજા સેમેસ્ટર, ઇન્ટર્નશિપ અને નોકરીની ચિંતા માથે આવી જાય છે.’ ‘જો કોઈ એક-બે વિષયમાં ગુણ ઓછા આવે, તો ઓવરઓલ ગ્રેડ બગડવાનો સતત ડર સતાવે છે. જ્યારે આસપાસના મોટાભાગના વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન કરી રહ્યા હોય, ત્યારે પોતાની મૂંઝવણ કોને કહેવી? વ્યક્તિ ખુદને દોષ આપવા લાગે છે કે જ્યારે બાકીના બધા સંભાળી શકે છે, તો હું કેમ મેનેજ નથી કરી શકતો?’ દરેક હોસ્ટેલમાં કાઉન્સિલર ખરા, પણ વાત કરતાં ડરે છે વિદ્યાર્થીઓ હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જો ઋષિકેશનું યોગ્ય કાઉન્સેલિંગ થયું હોત, તો શું તેનો જીવ બચાવી શકાયો હોત? જોકે આંકડા કંઈક જુદી જ વાસ્તવિકતા દર્શાવે છે. IITsમાં મેન્ટલ હેલ્થને લઈને કાઉન્સેલિંગની વ્યવસ્થા પહેલાં કરતાં વધી છે, છતાં આત્મહત્યાના કિસ્સા અટક્યા નથી. IIT દિલ્હીના સક્ષમના જણાવ્યા અનુસાર, ‘દિલ્હીમાં દરેક હોસ્ટેલમાં કાઉન્સિલર ઉપલબ્ધ છે. તેમની કેબિન પણ છે, પરંતુ વિદ્યાર્થીઓ અને કાઉન્સિલરો વચ્ચે મોટો સંવાદ-અભાવ (Distancing) છે. મેન્ટલ હેલ્થ હજુ પણ સમાજમાં એવો વિષય છે કે વિદ્યાર્થીઓ પોતાની સમસ્યાઓ શેર કરતાં ખચકાય છે. તેમને ડર રહે છે કે જો કાઉન્સિલરને કંઈપણ અંગત વાત કહીશું, તો તે કેમ્પસમાં ચર્ચા અને મજાકનો વિષય બની જશે.’ બીજી તરફ, ગ્લોબલ IIT એલ્યુમનાઈ સપોર્ટ ગ્રૂપના ફાઉન્ડર ધીરજ સિંહનું કહેવું છે કે, ‘અહીં કાઉન્સિલરોની ભરતી પ્રક્રિયા અને વિદ્યાર્થીઓ સાથેનું તેમનું કનેક્શન પણ મોટી અડચણ છે. ઘણીવાર કોઈ પ્રોફેસરના પતિ કે પત્નીને જ હોદ્દા પર કાઉન્સિલર બનાવી દેવામાં આવે છે, તેથી વિદ્યાર્થીઓ તેમની પાસે જતાં સંકોચ અનુભવે છે.’ 50માંથી 47 કાઉન્સિલરોને તાલીમ જ નથી મળી IITમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને લઈને સમયાંતરે માર્ગદર્શિકાઓ અને સમિતિઓ રચવામાં આવી છે. સૌથી પહેલાં 2012માં IITs દ્વારા આપઘાત રોકવા માટે ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી હતી. જોકે, જ્યારે અમે IIT દિલ્હીને પૂછ્યું કે આ ટાસ્ક ફોર્સે શું કામગીરી કરી, ત્યારે તેમની પાસે કોઈ ઉત્તર નહોતો. તેમને આવી કોઈ ટાસ્ક ફોર્સ અસ્તિત્વમાં હોવાની પણ જાણ નહોતી! 2017માં ‘વેલનેસ સેન્ટર’ જેવી વ્યવસ્થા પર ભાર મુકાયો, જે હાલમાં લગભગ તમામ IITમાં કાર્યરત છે. ૨૦૨૩માં કેન્દ્ર સરકારે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અંગે નવી ગાઇડલાઇન બહાર પાડી. ૨૦૨૫માં સુપ્રીમ કોર્ટના આદેશથી ફરી નેશનલ ટાસ્ક ફોર્સ (NTF) બનાવવામાં આવી. આમ છતાં, 40થી વધુ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી ચૂક્યા છે. નવા નિયમો ચોક્કસ બન્યા, પરંતુ મૂળ પ્રશ્ન એ છે કે તેનો વાસ્તવિક લાભ વિદ્યાર્થીઓ સુધી કેમ નથી પહોંચતો? તેનો જવાબ NTFના સત્તાવાર અહેવાલમાંથી મળે છે. NTFએ માત્ર કાઉન્સેલિંગની વ્યવસ્થા જ નથી તપાસી, પરંતુ કટોકટીના સમયે સમગ્ર વહીવટી તંત્ર કેટલું સજ્જ છે તેનું મૂલ્યાંકન પણ કર્યું હતું. દેશની 23 IITsમાંથી માત્ર 4 સંસ્થાઓ પાસે મેન્ટલ હેલ્થ અંગેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) ઉપલબ્ધ હતી. એટલે કે, મોટાભાગની IITsમાં એવી કોઈ લિખિત માર્ગદર્શિકા જ નથી કે જ્યારે કોઈ વિદ્યાર્થી ગંભીર માનસિક સંકટમાં હોય ત્યારે તાત્કાલિક કોણે શું પગલાં ભરવાં. દેશની માત્ર 4 IITs એવી છે જેમણે પોતાના અધ્યાપકો (ફેકલ્ટી)ને મેન્ટરશિપ માટે ઔપચારિક તાલીમ આપી છે. બીજી તરફ, કાઉન્સેલિંગ સાથે જોડાયેલા 50માંથી 47 કાઉન્સિલરોને કોઈ વિધિવત તાલીમ અપાઈ નહોતી. સૌથી મોટી ખામી આપઘાત પછીની વ્યવસ્થામાં સામે આવી. કોઈપણ IIT પાસે એવો નિશ્ચિત પ્રોટોકોલ નહોતો કે વિદ્યાર્થીના સુસાઇડ બાદ કેમ્પસમાં કઈ પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ. IIT મદ્રાસ બની શકે છે ઉદાહરણ ગ્લોબલ IIT એલ્યુમનાઈ સપોર્ટ ગ્રૂપના ફાઉન્ડર ધીરજ સિંહ કહે છે, ‘એમાં કોઈ શંકા નથી કે IITs પાસે તમામ સંસાધનો ઉપલબ્ધ છે. પરંતુ તે કઈ રીતે કાર્ય કરે છે અને કેટલું અસરકારક સાબિત થાય છે, તે તેના પરિણામો પરથી નક્કી થાય છે. જો સંસ્થા જવાબદારી સ્વીકારે, તો ઉત્તરદાયિત્વ નક્કી થાય અને પરિણામ પણ દેખાય, પરંતુ સામાન્ય રીતે આવું બનતું નથી.’ ‘2023માં IIT મદ્રાસ ખાતે એક Ph.D.ના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. પરિવારે તેના ગાઇડ/સુપરવાઇઝરને જવાબદાર ગણાવી એકેડેમિક હેરેસમેન્ટનો ગંભીર આરોપ લગાવ્યો હતો. આ મામલે એક્સટર્નલ ઇન્ક્વાયરી કમિટી (બાહ્ય તપાસ સમિતિ) રચવામાં આવી. તપાસમાં તમામ આરોપો સાચા સાબિત થયા. પરિણામે સંબંધિત પ્રોફેસરને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાયા.’ ‘આ કડક કાર્યવાહી બાદ આગામી બે-ત્રણ વર્ષ સુધી IIT મદ્રાસમાં એકપણ વિદ્યાર્થીના આપઘાતનો કિસ્સો નોંધાયો નથી. આ પહેલો એવો કિસ્સો હતો જ્યાં દોષિત સામે તાત્કાલિક કડક પગલાં લેવાયાં હોય. જો દરેક સ્તરે આવી કડકાઈથી જવાબદારી નક્કી કરવામાં આવે, તો આપઘાતના દરમાં ચોક્કસપણે નોંધપાત્ર ઘટાડો લાવી શકાય તેમ છે.’
    Click here to Read More
    Previous Article
    BJPના નેતાઓ એકસરખી સ્ક્રીપ્ટ વાંચી ગયા!:ગાંધીનગરની ચૂંટણીમાં ‘સાહેબ’ બનીને ફરતા નેતા ફસાયા; સુરતમાં કોંગ્રેસી કાર્યકરોની ઘસડપટ્ટી, જુઓ VIDEO
    Next Article
    અમેરિકામાં ગોલ્ડી બરાડ પર ₹10 કરોડનું ઇનામ:FBIની ટોપ 10 મોસ્ટ વૉન્ટેડ યાદીમાં સામેલ, લૉરેન્સ ગેંગ સાથે જોડાયેલો, નિજ્જરની હત્યા કરાવવાનો આરોપ

    Related Video Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment