Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'પેટનું ઇન્ફેક્શન સમજતા રહ્યા ને બ્લડ કેન્સર નીકળ્યું':પ્રદીપ રાવતના નિધન પર દીકરાનો ખુલાસો, 'ICUમાં CPR આપ્યું ત્યારે પરિસ્થિતિનો અંદાજ આવી ગયો'

    1 day ago

    મુંબઈમાં મંગળવારે સાંજે દિગ્ગજ અભિનેતા પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે નિધન થયું. 'સરફરોશ', 'લગાન' અને 'ગજની' જેવી ફિલ્મોમાં યાદગાર અભિનય કરનાર રાવતના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ચાર દાયકાથી વધુ લાંબી કારકિર્દીમાં તેમણે હિન્દી, પ્રાદેશિક સિનેમા અને ટેલિવિઝનમાં કામ કર્યું. બુધવારે બપોરે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, જેમાં આમિર ખાન અને આશુતોષ ગોવારિકર સહિત ફિલ્મ જગતના અનેક લોકો હાજર રહ્યા. બે મહિના પહેલા રિપોર્ટ સામાન્ય હતા એક્ટરના દીકરા વિક્રમાદિત્ય રાવતે અંતિમ સંસ્કાર પછી મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, 'પરિવારને પહેલા લાગ્યું હતું કે તેમને પેટનું સામાન્ય ઇન્ફેક્શન છે. જોકે, બાદમાં ડોકટરોએ તેમને બ્લડ કેન્સર હોવાની પુષ્ટિ કરી.' વિક્રમાદિત્યએ જણાવ્યું કે, 'બે મહિના પહેલા જ પિતાનો મેડિકલ રિપોર્ટ સંપૂર્ણપણે સામાન્ય હતો.' આઈસીયુમાં સીપીઆર આપવામાં આવ્યું વિક્રમાદિત્યે પિતાની અંતિમ પળોને યાદ કરતા કહ્યું કે, '4 ઓગસ્ટે તેમના પ્લેટલેટ્સ ઘટીને 3 હજાર થઈ ગયા હતા, જ્યારે તે 3 લાખથી ઉપર હોવા જોઈએ.' તેણે જણાવ્યું કે, તે ICUની બહાર રાહ જોઈ રહ્યો હતો અને અંદર ડોકટરો પિતાને CPR આપી રહ્યા હતા. આ જોઈને તેને પરિસ્થિતિનો અંદાજ આવી ગયો હતો. તેણે કહ્યું કે, 'મને ખાતરી છે કે મારા પિતા હવે વધુ સારી જગ્યાએ છે અને આટલા લોકોને ત્યાં જોઈને તેઓ ખુશ થશે.' શરૂઆતમાં પેટનો ચેપ સમજ્યો હતો દીકરાએ કહ્યું કે, 'જ્યારે પિતા ડોક્ટર પાસે ગયા, ત્યારે તેમણે તેને પેટનો ચેપ ગણાવ્યો અને દવાઓ આપી, પરંતુ કોઈ અસર થઈ નહીં. માતાના કહેવા પર જ્યારે બ્લડ ટેસ્ટ કરાવવામાં આવ્યો, ત્યારે વ્હાઇટ બ્લડ સેલ કાઉન્ટ ખૂબ વધારે હતો. આ પછી તેમને કોકિલાબેન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોકટરોએ 99 ટકા બ્લડ કેન્સર હોવાની આશંકા વ્યક્ત કરી હતી. બીજા દિવસે તેની પુષ્ટિ થઈ ગઈ.' સલમાન ખાને શ્રદ્ધાંજલિ આપી પ્રદીપ રાવતના નિધન પર ફિલ્મ જગતના અનેક સિતારાઓએ તેમને યાદ કર્યા. સલમાન ખાને સોશિયલ મીડિયા પર તેમની સાથે એક ફોટો શેર કર્યો. તેણે લખ્યું કે, તેમની સાથે ઘણી સારી પળો વિતાવી છે અને તે તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે. એક્ટર પ્રદીપ રાવતના અંતિમ સંસ્કાર 5 ઓગસ્ટે મુંબઈની બેસ્ટ કોલોની પાસે ગોરેગાંવ (પશ્ચિમ)માં કરવામાં આવ્યા. દીકરો વિક્રમાદિત્ય પિતાનો મૃતદેહ જોઈને ભાવુક થઈ ગયો. અનેક ફિલ્મોમાં જોવા મળેલા પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે મંગળવારે સાંજે નિધન થયું. બોલિવૂડ સ્ટાર આમિર ખાન અને રજા મુરાદ સહિતના ઘણા સેલેબ્સ પ્રદીપ રાવતના અંતિમ સંસ્કારમાં સામેલ થવા પહોંચ્યા. તસવીરો જુઓ- 'હિન્દુસ્તાન ટાઈમ્સ'ના રિપોર્ટ અનુસાર, પ્રદીપ રાવતના મેનેજર સિદ્ધાર્થ તિવારીએ જણાવ્યું હતું કે, એક્ટર કેન્સરથી પીડિત હતા. તેમને આ બીમારી ફરીથી થઈ હતી. છેલ્લા એક મહિનાથી તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. મહાભારતમાં 'અશ્વત્થામા'નો રોલ ભજવ્યો હતો પ્રદીપ રાવતે એક્ટિંગ કરિયરની શરૂઆત બીઆર. ચોપરાના ટીવી શો 'મહાભારત'થી કરી હતી. તેઓ અશ્વત્થામાના રોલમાં જોવા મળ્યા હતા. પ્રદીપે આ પછી હિન્દી, તમિલ, કન્નડ, મલયાલમ, બંગાળી અને ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું. હિન્દી સિનેમામાં તેઓ 'લગાન', 'સરફરોશ', 'ગજની' અને 'ગ્રાન્ડ મસ્તી' જેવી ફિલ્મોમાં દેખાયા હતા. તેલુગુ ફિલ્મ 'સઈ' (Sye)થી તેમણે દક્ષિણ ભારતીય સિનેમામાં પગ મૂક્યો અને વિલન તરીકે ઘણા યાદગાર પાત્રો ભજવ્યા. તમિલ ફિલ્મ 'ગજની' (2005)માં તેમના ડબલ રોલને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. બાદમાં તેમણે આ જ ભૂમિકા હિન્દી રિમેક 'ગજની'માં પણ ભજવી હતી. આ ઉપરાંત તેમણે કન્નડ ફિલ્મ 'પેરોડી', મલયાલમ ફિલ્મ 'ચાઈના ટાઉન', બંગાળી ફિલ્મ 'હીરો 420' અને ભોજપુરી ફિલ્મ 'ક્રેક ફાઈટર'માં પણ અભિનય કર્યો હતો. આમિર ખાનને પ્રદીપની બહેને ઠપકો આપ્યો હતો ફિલ્મ 'લગાન'માં દેવાની ભૂમિકા પહેલા એક્ટર મુકેશ ઋષિને ઓફર થયો હતો, પરંતુ સાઉથની ઘણી ફિલ્મોમાં વ્યસ્ત હોવાને કારણે તેમણે આ ફિલ્મ ન કરી. ત્યારબાદ આ રોલ પ્રદીપ રાવતને મળ્યો હતો. ખરેખર, ફિલ્મ 'સરફરોશ'માં પ્રદીપ રાવતનું કામ જોઈને આમિર ખાન ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે અડધી રાત્રે લગભગ 12 વાગ્યે પ્રદીપના ઘરના લેન્ડલાઈન પર ફોન કર્યો. તે સમયે પ્રદીપ ઘરે નહોતા. તેમની બહેને ફોન ઉપાડ્યો. ‘હું આમિર ખાન બોલું છું’ સાંભળીને તેમણે તેને પ્રૅન્ક કૉલ સમજ્યો. તેમણે ઠપકો આપતા કહ્યું, ‘કેમ બદમાશી કરી રહ્યા છો?’ બાદમાં આમિરે લેખક ઉમાશંકર પાઠક સાથે વાત કરાવી, જેમને પરિવાર ઓળખતો હતો. ત્યારે બધાને ખાતરી થઈ કે ફોન ખરેખર આમિર ખાનનો છે. આમિરે પ્રદીપને બીજા દિવસે ઓફિસ બોલાવીને ફિલ્મનો કોન્ટ્રાક્ટ સાઈન કરાવ્યો અને સાઈનિંગ અમાઉન્ટનો ચેક આપ્યો. પછી આ રીતે તેમને ફિલ્મ 'લગાન'માં કામ મળ્યું હતું. પ્રદીપ રાવતના કારણે સલમાનને ન મળી 'ગજની' 27 માર્ચ 2025ના રોજ મુંબઈમાં ફિલ્મ 'સિકંદર'ની પ્રેસ મીટ દરમિયાન સલમાનને પૂછવામાં આવ્યું હતું કે, 'શું ખરેખર આમિર પહેલા તમને 'ગજની' મળી હતી?' આના પર એક્ટરે કહ્યું હતું, 'મેં પણ સાંભળ્યું છે. મેં આ પ્રદીપ પાસેથી સાંભળ્યું છે. અમે તેને 'ગજની' કહીએ છીએ. તે મારા મિત્ર છે. અમે 4-5 ફિલ્મો સાથે કરી છે. તેણે એકવાર કહ્યું હતું, મુરુગદાસ ('ગજની'ના ડિરેક્ટર) ખૂબ જ શિસ્તબદ્ધ છે, એટલા સિન્સિયર છે, સલમાન તેમની સાથે કેવી રીતે કામ કરી શકશે, સલમાનને ખૂબ ગુસ્સો આવે છે.' સલમાને આગળ કહ્યું, 'એટલે કે તે મારી સાથે 5 ફિલ્મો કરી ચૂક્યો છે, તે પછી તે આવું બોલે છે. તે પછી હું બિચારાને મળ્યો જ નથી. મળીશ તો તેને પૂછીશ કે હું ક્યારે ગુસ્સે થયો તારા પર.' સોનુ સૂદે પ્રદીપ રાવતને શ્રદ્ધાંજલિ આપી એક્ટર સોનુ સૂદે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પ્રદીપ રાવતની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શેર કરીને લખ્યું, ‘પ્રદીપ રાવત ભાઈ, તમારી ખોટ હંમેશા વર્તાશે. તમે હંમેશા યાદ આવશો.’ પ્રદીપ રાવતે બે લગ્ન કર્યા હતા પ્રદીપ રાવતની પર્સનલ લાઇફની વાત કરીએ, તો તેમના બે લગ્ન થયા હતા. NBTના રિપોર્ટ અનુસાર, તેમના પહેલા લગ્ન લાંબો સમય ટક્યા ન હતા અને લગભગ સાડા પાંચ મહિનામાં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. પ્રદીપ રાવતે જણાવ્યું હતું કે, પહેલી પત્નીએ તેમના પર અને તેમના પરિવાર પર ખોટા આરોપો લગાવ્યા હતા. જોકે, બાદમાં મામલો પૂરો થઈ ગયો હતો. આ પછી તેમની મુલાકાત સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી કલ્યાણી રાવત સાથે થઈ. બંનેએ થોડા સમય સુધી એકબીજાને ડેટ કર્યા અને વર્ષ 2006માં લગ્ન કરી લીધા. આ લગ્નથી તેમને એક દીકરો છે, જેનું નામ વિક્રમાદિત્ય રાવત છે.
    Click here to Read More
    Previous Article
    IGI Stadium Completely Renovated, Delhi Ready To Host Best-Ever World Championships: BAI Secretary
    Next Article
    રશિયામાં મોતના વળતર માટે લગ્ન કરતી મહિલાઓના કૌભાંડનો પર્દાફાશ:ઘાયલ સૈનિકો સાથે લગ્નના કેસ વધ્યા, હોસ્પિટલ અને સેના પર પણ મિલીભગતનો આરોપ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment