Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: ટ્રમ્પના ઝેરના ઘૂંટડા પી જજો બાપુ!:ભારત-ચીનને નરકનો દ્વાર કહેવાનું અસલી કારણ! USAમાં ભારતનો ભભકો અને ચીનની ચમક, 150 વર્ષ જૂના કાયદાની કહાની

    15 hours ago

    તારીખ હતી 22 એપ્રિલ 2025. અમેરિકાના સૌથી સુરક્ષિત ગણાતા વ્હાઈટ હાઉસની ઓવલ ઓફિસમાં ટ્રમ્પ બેઠા-બેઠા મોબાઈલમાં મથી રહ્યા હતા. સાંજના પોણા છ વાગ્યા આસપાસ તેમને એક પોસ્ટ વાંચી અને પછી કંઈક એવું લખ્યું કે અમેરિકામાં રહેતા લાખો ભારતીયોના શ્વાસ અધ્ધર થઈ ગયા. ટ્રમ્પે લખ્યું, “અમેરિકામાં જન્મ સાથે જ બાળક નાગરિક બની જાય છે. પછી એ ભારત, ચીન કે દુનિયાનાં કોઇપણ નરકમાંથી આખો પરિવાર લાવે છે.” પણ તમને જાણીને નવાઈ લાગશે કે અમેરિકાની તીજોરીમાં જમા થતા દર 100 ડોલરમાંથી 6 ડોલર એવા લોકો આપે છે જેમને ટ્રમ્પ અત્યારે નરકમાંથી આવેલા ગણી રહ્યા છે. આજે આપણે ભારતની અને ભારતીયોની કરવી છે. એક બાજુ ટ્રમ્પ ભારતને હેલહોલ કહીને બદનામ કરે છે અને બીજી બાજુ તેમની ભાષામાં કહીએ તો નરકમાંથી આવેલા 54 લાખ ભારતીયો અમેરિકાના ઈકોનોમીમાં જીવ પૂરી રહ્યા છે. ટ્રમ્પને આંકડાઓનો ખેલ સમજાવીએ તો ભારતીયો અમેરિકાની કુલ વસ્તીના માંડ દોઢ ટકો છે, પણ ઈન્કમ ટેક્સનો અધધ 6 ટકા હિસ્સો તેમના નામે લખાય છે. ટૂંકમાં અમેરિકા જે ડોલર પર તાગડધિન્ના કરે છે, તેનો મોટો ભાગ તે જ નરકવાળા ભારતીયોના ખિસ્સામાંથી જ આવે છે જે ટ્રમ્પ ભૂલી રહ્યા છે. પણ આ ખાલી નિવેદનબાજી નથી, પડદા પાછળ એક મસમોટી ગેમ રમાઈ રહી છે. ટ્રમ્પને અમેરિકાના દોઢસો વર્ષ જૂના બર્થ રાઈટ કાયદા પર કાતર ચલાવીને લાખો કાયદેસર ભારતીયોના બાળકોને સ્ટેટલેસ બનાવવાની તૈયારી છે. એટલે આજે આપણે વાત કરીએ ટ્રમ્પના એક વક્ત મેં જીંદગી બદલદી, જઝ્બાત બદલ દીએ વાળા સ્વભાવની કે કેમ ઉગમણું જવાનું કહીને આથમણા નીકળે છે. નમસ્કાર.... આખા મુદ્દાની વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર રેડિયો હોસ્ટ અને પોલિટિકલ કોમેન્ટેટર માઈકલ સેવેજનું એક લખાણ શેર કર્યું હતું જેમાં અમેરિકાના લિબલર ઈમિગ્રેશન કાયદાને ફટકાર લગાવવામાં આવી હતી. સેવેજે એવું કહ્યું હતું કે અમેરિકા હવે મેલ્ટિંગ પોટ એટલે કે જ્યાં બધી જ સંસ્કૃતિઓ ભળે છે તે મટીને ચેમ્બર પોટ એટલે કે જ્યાં બધો કચરો ભેગો થાય તે વાસણ બની ગયું છે. ભારત અને ચીન નરક સમાનઃ ટ્રમ્પ માઈકલ સેવેજના માનવા મુજબ ભારત અથવા ચીન જેવા નરક સમાન જગ્યાઓથી લોકો એટલા માટે અમેરિકા આવે છે કે તેમનું બાળક અહીં જન્મી જાય અને તેમના બાળકને તાત્કાલિક અહીંની નાગરિકતા મળી જાય. જો આવું થાય તો બાળકના આધારે માતાપિતાને પણ અમેરિકાની નાગરિકતા મળી જાય. ટ્રમ્પ આને ચેઈન ઈમિગ્રેશન કહે છે અને તેનો વિરોધ કરે છે. જે વાતને ટ્રમ્પે શેર કરી અને વિવાદ ઉભો થઈ ગયો. રાજકારણ માટે ટ્રમ્પે ભારતને બદનામ કર્યું? 2026ના વર્ષમાં જ્યારે અમેરિકા તેના મિડટર્મ ઇલેક્શન તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે વ્હાઇટ હાઉસથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી એક જ મુદ્દો ગુંજી રહ્યો છે : 'અમેરિકન નાગરિકતા અને ઈમિગ્રન્ટ્સનું યોગદાન'. એક બાજુ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને ચીન જેવા દેશોને હેલહોલ કહીને સંબોધિત કરી રહ્યા છે, તો બીજી તરફ અમેરિકાની તિજોરી આ જ હેલહોલમાંથી આવેલા લોકોના ટેક્સથી ભરાઈ રહી છે. આ માત્ર પોલિટિકલ નિવેદનબાજી નથી, પણ એક એવું આર્થિક અને સામાજિક વિરોધાભાસ છે જે અમેરિકાના ભવિષ્યને નક્કી કરશે. અમેરિકાના 100 ડોલરમાં 6 તો ભારતીયોના ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકા ફર્સ્ટ એજન્ડામાં ઈમિગ્રન્ટ્સને ઘણીવાર બોજ તરીકે જોવામાં આવે છે, પણ હકિકત કંઈક અલગ જ વાર્તા કહે છે. અમેરિકામાં ભારતીય મૂળના લોકોની વસ્તી કુલ વસ્તીના માત્ર 1.5% એટલે કે 54 લાખ જ છે. આ એક નાનકડો સમુદાય હોવા છતાં, અમેરિકાના કુલ ઇન્કમ ટેક્સમાં તેમનો હિસ્સો 6% જેટલો માતબર છે. અમેરિકનથી ત્રણ ગણું કમાવે છે ભારતીય આ આંકડો એટલા માટે મહત્વનો છે કારણ કે તે સાબિત કરે છે કે ભારતીય અમેરિકનો તેમની વસ્તીના હિસ્સા કરતાં ચાર ગણો ટેક્સ ભરે છે. જો આપણે તેને રૂપિયામાં જોઈએ તો, ભારતીય મૂળના લોકોએ ટેક્સ તરીકે અમેરિકાની તિજોરીમાં અંદાજે 26 લાખ કરોડ રૂપિયા જમા કરે છે. આ રકમ દુનિયાના અનેક નાના દેશોના કુલ જીડીપી કરતાં પણ વધારે છે. અમેરિકામાં ભારતનો ભભકો હવે ટ્રમ્પના નિવેદનને સાઈડમાં મૂકીને આપણે અમેરિકામાં ભારતીયોની તાકાત સમજીએ. અમેરિકામાં ભારતીય લોકો વર્ષે સવા કરોડ રૂપિયા કમાવે છે. ચીની અમેરિકન 80-90 લાખ, અમેરિકન પરિવાર ₹73.15 લાખ, એક અમેરિકન ₹53.20 લાખ કમાવે છે. ટૂંકમાં એક ભારતીય અમેરિકન ત્યાંના વ્યક્તિ કરતા 2-3 ગણો વધુ પગાર કમાવે છે અને 4 ગણો વધુ ટેક્સ ભરે છે. ટૂંકમાં ટ્રમ્પ જેને હેલહોલ કહે છે ત્યારે તે ભૂલે છે કે જેના રૂપિયે તે તાગડધિન્ના કરે છે તેમાં મોટા ભાગનો હિસ્સો ભારતીયોનો જ છે. અમેરિકાના એન્જિનનો આર્થિક ગ્રોથ ભારતીય અમેરિકનમાં છે તેવું કહીએ તો પણ ચાલે. અમેરિકામાં ચીનની ચમક ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે ચીનની પણ વાત કરી છે માટે આપણે તેને પણ સમજવું જોઈએ કે ચીન અમેરિકામાં કેટલું કમાવે છે અને કેટલું પાછું અમેરિકાને આપે છે. અમેરિકામાં હાલ 50 લાખ જેટલા ચીની અમેરિકન રહે છે. જે કૂલ અમેરિકન વસ્તીના 1.7 ટકા જેટલા લોકો છે. ચીની મૂળના લોકો દર વર્ષે અંદાજે 4.6 લાખ કરોડ રૂપિયાથી વધુનો ટેક્સ ભરે છે. તેમનો સ્પેન્ડિંગ પાવર 10.8 લાખ કરોડથી વધુ છે. આંકડાઓને સહેલા બનાવીને સાવ સાદી રીતે સમજીએ તો ચીની અમેરિકન મૂળ અમેરિકન કરતા વધુ રૂપિયા કમાવે છે, ટેક્સ આપે છે અને ઉડાવે છે. ટ્રમ્પ આવા ફાકાં કેમ મારે છે? તો એક સવાલ થાય કે ભારત અને ચીન ખરેખર અમેરિકા માટે એટલા મહત્વના છે તો ટ્રમ્પ આવા નિવેદનો કેમ આપે છે? પોતાના પ્રચારમાં બંને દેશોને બર્થ ટુરિઝમ અને રિસોર્સ ડ્રેઈન કરનારા કેમ ચીતરી રહ્યા છે ટ્રમ્પનું રાજકારણ. તેમનું પોલિટિક્સ દેશદાઝ, કટ્ટરવાદ અને મૂડીવાદ પર ચાલે છે. ટ્રમ્પ બધું જાણે છે પણ પોતાના વોટર અટલે કે જે ટ્રમ્પને વોટ આપે છે તે અમેરિકનને ખુશ કરવા માટે આ બધું જ કરી રહ્યા છે. પણ આના લીધે અમેરિકામાં રહેતા ભારતીયોના આત્મસન્માનને ચોટ લાગી છે. આલ્ફાબેટના સુંદર પિચાઈ, માઈક્રોસોફ્ટના સત્ય નાડેલા, અને એડોબીના શાંતનુ નારાયણ જેવી મોટી કંપનીઓના વડા ભારતીય મૂળના છે. આ લોકો મૂળ ભારતના છે અને અમેરિકાનું મગજ છે. રાજરમતની કાયદાકીય પેચ પણ સમજો રાજનીતિની રમત સાથે આમાં કાયદાકીય પેચ પણ સમજવી પડે. અમેરિકાના બંધારણમાં 150 વર્ષ પહેલા એટલે કે 1868માં 14મો સુધારો કરવામાં આવ્યો હતો આ સુધારો એટલે અમેરિકામાં બર્થ રાઈટ સિટિઝનશીપ. ઈતિહાસની વાત કરીએ તો સિવિલ વોર થઈ તેના પછી ગુલામી પ્રથા નાબૂદ થઈ હતી. આ સમયે જે કાળી ચામડીના લોકો જેને અમેરિકન્સ બ્લેક કહે છે તેમને અમેરિકાની નાગરિકતા આપવાની હતી જેના માટે આ કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો. USAની ધરતી પર જન્મ એટલે અમેરિકન 14મા સુધારાની પહેલી લાઈન જ કહે છે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મેલી તમામ વ્યક્તિઓ અહીંની નાગરિક છે. છેલ્લા 150 વર્ષથી, ખાસ કરીને 1898ના વોંગ કિમ આર્ક કેસના ચુકાદા પછી એવું માનવામાં આવ્યું કે માતા-પિતા ગમે તે દેશના હોય જો બાળક અમેરિકાની ધરતી પર જન્મે છે તો તે અમેરિકાનું નાગરિક છે. પણ ટ્રમ્પને આ ચુકાદાને બદલવો છે. ટ્રમ્પના રાષ્ટ્રવાદની રાજનીતિ માટે આ ચુકાદો સારો નથી. કારણ કે ટ્રમ્પ સરકારના જસ સોલી એટલે કે જમીનના અધિકારના સિદ્ધાંતને આ કાયદો સીધો પડકારે છે. ટ્રમ્પનો માસ્ટરસ્ટ્રોક કે બંધારણીય ભૂલ? 20 જાન્યુઆરી 2025ના ટ્રમ્પે જ્યારે રાષ્ટ્રપતિ પદ માટે પાછા શપથ લીધા ત્યારે તેમણે ગણતરીના કલાકોમાં જ એક્ઝિક્યૂટિવ ઓર્ડર 14160 પર સાઈન કરી હતી. આ ઓર્ડર પાછળ આશય એવો હતો કે બર્થ ટુરિઝમ પર લગામ લગાવવામાં આવે. 20 ફેબ્રુઆરી 2025 પછીથી અમેરિકાની ધરતી પર જન્મેલા બાળકો માટે આ વટહુકમ બહાર પાડીને નિયમો થોપવામાં આવ્યા હતા. જે હતા… ટ્રમ્પની દલીલ એ છે કે આ સુધારો માત્ર અમેરિકા માટે રાજકીય વફાદારી ધરાવતા લોકો માટે હતો. તેનું માનવું છે કે ઇમિગ્રન્ટ્સ આ કાયદાનો ઉપયોગ એક ચુંબક તરીકે કરે છે જે ગેરકાયદેસર પ્રવાસીઓને અમેરિકામાં આવવા આકર્ષે છે. ત્યારબાદ ટ્રમ્પ સરકારે એવો પ્રચાર શરૂ કર્યો કે લાખો વિદેશીઓ માત્ર બાળકને જન્મ આપવા માટે જ અમેરિકા આવે છે એટલે તેમને 14મા સુધારાનો લાભ ન મળવો જોઈએ. પણ જો આપણે લેટેસ્ટ ડેટા પર નજર કરીએ, તો વાસ્તવિકતા કંઈક અલગ જ દેખાય છે: ટ્રમ્પનું ફરફરિયું પહોંચ્યું સુપ્રીમ કોર્ટ ટૂંકમાં ટ્રમ્પના નિશાન પર ખાલી બર્થ ટુરિસ્ટ જ નથી પણ એવા હજારો ભારતીય આઈટી પ્રોફેશનલ્સ પણ છે જે H-1B વિઝા પર વર્ષોથી અમેરિકામાં રહી રહ્યા છે. જો આ કાયદો કાયમી બની જાય, તો કાયદેસર રીતે રહેતા ભારતીયોના બાળકો પણ સ્ટેટલેસ એટલે કે નાગરિકતા વગરના બની જશે. પણ આ કાયદો અત્યારે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે ટ્રમ્પને બરોબરના લતાડ્યા 1 એપ્રિલ 2026ના ટ્રમ્પ વિરુદ્ધ બાર્બરા કેસની સુનાવણી શરૂ થઈ ગઈ છે. અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર કોઈ સીટિંગ પ્રેસિડેન્ટ પોતે સુપ્રીમ કોર્ટમાં દલીલો સાંભળવા હાજર રહ્યા હતા. સુનાવણી સમયે જસ્ટિસ્ટ નીલ ગોર્સચે સરકારની દલીલો સામે સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, 1868ના બંધારણીય દસ્તાવેજોમાં ક્યાંય ડોમિસાઈલ એટલે કે કેયમી રહેઠાણની શરત નથી. બીજી બાજુ જસ્ટિસ્ટ સોનિયા સોટોમેયરે ગંભીર ચેતવણી આપી હતી કે જો સરકારને વટહુકુમથી બંધારણ બદલવાની છૂટ મળી જશે તો ભવિષ્યમાં કોઈ પણ અમેરિકન રાષ્ટ્રપતિ ભૂતકાળમાં જન્મેલા લોકોની સિટિઝનશીપ રદ કરી શકશે. એટલે અમેરિકામાં એક એવો વર્ગ ઉભો થશે જેની પાસે કોઈ દેશની ઓળખ જ નહીં હોય. ઈરાન યુદ્ધથી ટ્રમ્પનું નિવેદન સમજો આપણે ટ્રમ્પના નિવેદનને દેશ લેવલે, પોલિટિક્સ લેવલે અને બંધારણીય રીતે સમજ્યું, પણ હવે તેને યુદ્ધ સાથે પણ જોડીને સમજીએ. વાત કંઈક એમ છે કે માર્ચ અને એપ્રિલ 2026માં જ્યારે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ખેલાયું ત્યારે ટ્રમ્પે ધમકી આપી હતી કે જો બંધકોને છોડવામાં નહીં આવે તો તેમના માટે નરકના દ્વાર ખૂલી જશે. આ જ નરક શબ્દનો ઉપયોગ તેમણે ભારત અને ચીન માટે પણ હેલહોલ કહીને કર્યો. એવું માની શકાય કે ટ્રમ્પના મનમાં ઈમિગ્રન્ટ્સ અને દુશ્મન દેશો વચ્ચેની લાઈન ધૂંધળી થઈ રહી છે. જ્યારે ભારત અને ચીન જેવા દેશો પોતાના માટે આવા અપમાનજનક વાક્યો કે શબ્દો સાંભળે ત્યારે આવનાર સમયમાં તેના ઘેરા પડઘા પણ પડી શકે છે. ચીન-ભારતની બદનામી ને ઈરાન વચ્ચે પડ્યું આપણા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ નિવેદનને માહિતી વગરનું અને અયોગ્ય ગણાવ્યું છે અને કહ્યું છે કે આવી માહિતી અમને મળી છે. પણ આમાં સૌથી મોટો ટ્વિસ્ટ ભારતથી નહીં પણ હૈદરાબાદના ઈરાની કોન્સ્યુલેટ તરફથી આવ્યો. તેમણે ભારત અને ચીનનો બચાવ કર્યો અને બંને દેશોને સભ્યતાના પારણા કહી દીધા છે. ઈરાને આ વિવાદને ટ્રમ્પને વંશીયવાદી કે રેસિસ્ટ ચિતરવા માટે કર્યો છે. વોટ માટે ભારત વિરોધી ઝેર ઓક્યું? હવે આ વિવાદની સૌથી ઈન્ટ્રેસ્ટિંગ સાઈડને પણ સમજીએ. આપણે સૌ જાણીએ છીએ કે 2026 પૂરું થાય તે પહેલા અમેરિકામાં મીડ ટર્મ ઈલેક્શન આવી રહ્યું છે. યુદ્ધ અને મોંઘવારીના કારણે ટ્રમ્પની લોકપ્રિયતા પહેલા જેવી નથી રહી. યુદ્ધ બાદ ટ્રમ્પનું એપ્રુવલ રેટિંગ 36 ટકાથી ધડામ થઈને 33 ટકા પર આવી ગયું છે. જો કે ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના 74 ટકા સમર્થકો હજુ પણ ટ્રમ્પની કડક નીતિ સાથે સહમત છે. સામેની બાજુ રોયટર્સ અને ઈપ્સોસના પોલ કહે છે કે 57 ટકા ઈન્ડિપેન્ડેન્ટ મતદારો માને છે કે ટ્રમ્પની નીતિઓ અમેરિકાના હિતમાં નથી. ખાસ કરીને આવા નિવેદનોથી ટ્રમ્પનો મધ્યમમાર્ગી એટલે કે જે રિપબ્લિકન પણ નથી અને ડેમોક્રેટ પણ નથી તે નારાજ થઈ શકે છે. ગણિત સાવ સિમ્પલ છે તેમને સામાન્ય અમેરિકન્સને રિઝવવાના છે જેથી તે તેમને પ્રેમ કરે અને ચૂંટણીમાં ભરીભરીને મતો આપે. માટે ઈમિગ્રેશન જેવા મુદ્દાઓ ઉઠાવીને તે પોલિટિકલ ગેમ રમી રહ્યા છે. પણ બીજી બાજુ એક્સપર્ટ્સનું માનવું છે કે ટ્રમ્પના આવા નિવેદન અને નીતિઓના કારણે અમેરિકા ઈન્ટરનેશનલ લેવલે એકલું પડી શકે છે. '100માંથી 64 ભારતીયો ટ્રમ્પની નીતિ વિરોધમાં' કાર્નેગી એન્ડોમેન્ટનો સર્વે કહે છે અમેરિકામાં રહેતા 100માંથી 64 ટકા ભારતીય અમેરિકન ટ્રમ્પની ઈમિગ્રેશન નીતિઓનો સખત વિરોધ કરી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ એવા ભારતીયો છે જેમની પાસે વોટની વધુ ક્ષમતા નથી પણ અઢળક પોલિટિકલ ફંડિંગ આપવાની કેપેસિટી છે. ટ્રમ્પના નિવેદન અને નીતિના કારણે ટેક્સાસ અને પેન્સિલવેનિયા જેવા સ્ટેટ્સમાં રિપબ્લિકન પાર્ટીને મુશ્કેલી ઉભી થઈ શકે છે. કારણ કે અહીં ઈન્ડિયન વોટર્સ નક્કી કરતા હોય છે કે કોણ નેતા બનશે અને કોણ ઘરે બેસશે. પૂર્વનું કહી પશ્ચિમે નીકળે તે ટ્રમ્પ હવે સૌથી મોટો ધડાકો કરીએ. ટ્રમ્પનું રાષ્ટ્રપતિ પદનું બીજુ ટર્મ શરૂ થયું ત્યાં એક વિચિત્ર વિરોધાભાસ જોવા મળ્યો છે. ફેબ્રુઆરી 2025માં પ્રધાનમંત્રી મોદીની મુલાકાત વખતે શરૂ થયેલ યુએસ ઈન્ડિયા કોમ્પેક્ટની એકબાજુ વખાણ થાય છે તો બીજી બાજુ વેપારી મોરચે ભારતને કોમ્પિટિટર ગણવામાં આવે છે. 2026ના રાયસીના ડાયલોગમાં અમેરિકન દૂત ક્રિસ્ટોફર લેન્ડોએ કહ્યું હતું કે અમેરિકા ભારતને ઈકોનોમિક કોમ્પિટિટર બનાવતા અટકાવશે અને હવે ટ્રમ્પનું હેલહોલવાળું નિવેદન સામે આવે છે. ટૂંકમાં ટ્રમ્પ સવારે ભારતના વખાણ કરે તો રાતે ટીકા કરે છે. આ થ્રી ઈડિયટ ફિલ્મના ડાયલોગ જેવું છે કે, "અરે કહેના ક્યાં ચાહતે હો ભાઈ." આજે, અમેરિકા એક એવા વળાંક પર ઉભું છે જ્યાં તેને નક્કી કરવાનું છે કે તે સર્વસમાવેશક લોકશાહી રહેશે કે પછી વંશીય રાષ્ટ્રવાદ તરફ વળશે. જૂન 2026માં આવનારો સુપ્રીમ કોર્ટનો ચુકાદો માત્ર કાયદાકીય ચુકાદો નહીં હોય, પણ અમેરિકાના આર્થિક અને સામાજિક પતન કે ઉત્થાનની દિશા નક્કી કરશે. અને છેલ્લે… વડાપ્રધાન મોદી હમણાં બંગાળના ઝારગ્રામ પહોંચ્યા હતા ને એક દુકાનમાંથી ઝાલમુરી ખાધી હતી. 10 રૂપિયાની ઝાલમુરીના વીડિયોને 10 કરોડ લોકો જોઈ ચૂક્યા છે. ગુગલના 22 વર્ષના ઈતિહાસમાં સૌથી વધારે સર્ચ થયેલો શબ્દ ઝાલમૂરી છે. ભારત અને બાંગ્લાદેશમાં સૌથી વધારે સર્ચ થયું છે. ગુગલ પર લોકો ઝાલમૂરીની રેસિપિ શોધે છે ને ઘરે બનાવીને ખાઈ રહ્યા છે. હવે ચૂંટણી પરિણામો કહેશે કે ઝાલમુરી કેવી લાગી, તીખી કે મીઠી? સોમવારથી શુક્રવાર, રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    RCB vs GT IPL 2026 LIVE Score: Sai Sudharsan drags Gujarat Titans to 57/0 in powerplay
    Next Article
    Editor's View: ટ્રમ્પે ખન્નસ કાઢ્યું:ભારતને નરકનું દ્વાર ગણાવ્યું, 150 વર્ષ જૂના કાયદાની કહાની

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment