Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: ભારતની જમીન પર નેપાળનો કબજો:PM બાલેનના ધડાકાથી દિલ્હી સુધી ભૂકંપ!, કૈલાશ યાત્રા પહેલાં નવો મમરો, જાણો સરહદ વિવાદ અને ચીનની ચાલની અસલી કહાની

    16 hours ago

    "ભારતે જ નહીં, નેપાળે પણ ભારતની જમીન દબાવી છે!" આ શબ્દો છે નેપાળના રેપર અને જેનઝી પ્રધાનમંત્રી બાલેન શાહના. વાત જાણે એમ હતી કે 31 મેના રવિવારે જ્યારે દુનિયા આરામ ફરમાવી રહી હતી ત્યારે કાઠમાંડુની સંસદમાં પીન ડ્રોપ સાયલેન્સ હતું. એવામાં નેપાળના સાંસદ આરેન રાયે ભારત-નેપાળ બોર્ડર ડખાની વાત છેડી દીધી. આ સાંભળતાની સાથે જ 36 વર્ષના પીએમ બાલેન માઈક સંભાળે છે અને તેણે જે વાત કરી તેનાથી નેપાળ સહિત દિલ્લીના સાઉથ બ્લોક સુધી ડિપ્લોમેટીક ભૂકંપ આવી ગયો. પણ આપણે વિશ્વના એક બૌદ્ધિક નાગરિક તરીકે પડદા પાછળની વાત પણ સમજવી પડે. કારણ કે બે દેશની માટીના ડખામાં ચીનની ચાલાકી અને બ્રિટનની બદમાશી પણ હોઈ શકે. સીતા માતાના સમયથી ચાલ્યા આવતા ભારત-નેપાળના રોટી-બેટીના વેવારથી અત્યાર સુધીના ડખા સુધીની આખી ટાઈમ લાઈનની વાત કરીએ. નમસ્કાર... નેપાળની સંસદમાં સાંસદોના સવાલોના જવાબ આપતી વખતે 36 વર્ષના વડાપ્રધાન બાલેન શાહે એક મોટો અને ઐતિહાસિક દાવો કરી દીધો. તેમણે ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે માત્ર ભારતે જ નેપાળની જમીન પર અતિક્રમણ નથી કર્યું, પણ નેપાળે પણ અમુક જગ્યાએ ભારતની જમીન દબાવી છે! વિચારો, કોઈ પાડોશી દેશનો વડાપ્રધાન સંસદમાં ઊભો રહીને ખુલ્લેઆમ આવું કહે તે કેટલી મોટી વાત કહેવાય? સામાન્ય રીતે નેતાઓ પોતાની ભૂલોને દબાવી દેતા હોય છે પણ આ એવા નેતા છે જેણે પોતાની ભૂલ પણ નિખાલસતાથી કહી દીધી અને બંને દેશોના સરહદી વિવાદને એક નવો જ વળાંક આપી દીધો છે. ભારત-નેપાળ મુદ્દામાં ચીન અને બ્રિટનની એન્ટ્રી? તેમણે સ્પષ્ટ કર્યું કે આ જમીનના વિવાદનો ઉકેલ લાવવા માટે નેપાળ માત્ર ભારત કે ચીન સાથે જ નહીં, પણ બ્રિટન એટલે કે યુનાઈટેડ કિંગડમ સાથે પણ વાતચીત કરી રહ્યું છે. હવે તમે જ વિચારો, બે પાડોશી દેશોના વિવાદમાં કોઈ ત્રીજા દેશને વચ્ચે લાવવો કેટલો યોગ્ય છે? એક સ્વતંત્ર દેશ પોતાની મરજીથી કોઈ જૂના અંગ્રેજ શાસક દેશની દખલગીરી ખુલ્લેઆમ માંગે, તે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં બહુ જ આશ્ચર્યજનક ઘટના છે. તીર છૂટ્યા પછી નેપાળી વિદેશ મંત્રાલયનો ડેમેજ કન્ટ્રોલ જો કે બાલેને આ નિવેદન આપીને પોતાના જ પગ પર કુહાડી મારી છે. નેપાળ હંમેશા પોતાને વિક્ટિમ ગણાવતું આવ્યું છે, પણ હવે પોતે જ કબજો કર્યાનું સ્વીકારતા તેમની કૂટનીતિક સ્થિતિ નબળી પડી છે. નેપાળના પૂર્વ ડેપ્યુટી PM કમલ થાપા અને વિપક્ષી નેતાઓએ આક્ષેપ કર્યો છે કે બાલેને આ બિનજવાબદાર નિવેદન સંસદના રેકોર્ડમાંથી હટાવવું જોઈએ. બાલેન શાહના નિવેદન પછી નેપાળના વિદેશ મંત્રાલયે તાત્કાલિક ડેમેજ કંટ્રોલ કરવા સફાઈ આપવી પડી કે વડાપ્રધાન લશ્કરી કબજાની નહીં, પણ ક્રોસ-બોર્ડર ઓક્યુપેશનની વાત કરી રહ્યા હતા. ભારત-નેપાળ બોર્ડર પર 10 ગજની જમીન નો-મેન્સ લેન્ડ તરીકે ખાલી રાખવાની હોય છે. ખુલ્લી સરહદ હોવાથી બંને દેશના ખેડૂતો ત્યાં ઝૂંપડા બાંધી દે છે અથવા ખેતી કરે છે. બાલેને આ નાની ટેકનિકલ બાબતને જમીન પચાવી પાડી એવો મોટો શબ્દ આપી દીધો. સીતા માતાથી રોટી-બેટીના સંબંધથી લઈને આજ સુધી ભારત અને નેપાળનો સંબંધ કોઈ સામાન્ય પાડોશીઓ જેવો નથી. આ સંબંધ બે દેશોની સરહદોથી બહુ ઉપર છે. તે હજારો વર્ષ જૂનો, આધ્યાત્મિક અને લોહીનો સંબંધ છે. આપણે ત્યાં સામાન્ય બોલચાલમાં આને રોટી-બેટી કા રિશ્તા કહેવામાં આવે છે. આ સંબંધની શરૂઆત ક્યાંથી થાય છે? સીધી રામાયણ કાળથી. ભારતના અયોધ્યાના રાજા ભગવાન રામ અને નેપાળના જનકપુરની રાજકુમારી માતા સીતાના લગ્ન આ અતૂટ સંબંધનો સૌથી મોટો પુરાવો છે. તે બતાવે છે કે આપણી સંસ્કૃતિ અને ભૂગોળ કેવી રીતે એકબીજા સાથે એકદમ મજબૂતીથી જોડાયેલા છે. આજે પણ આ સાંસ્કૃતિક વારસો જીવતો છે. દર વર્ષે યોજાતી મિથિલા મધ્ય પરિક્રમા હોય કે પછી હમણાં જ થયેલી દેવશિલા યાત્રા, આ બધું બતાવે છે કે બંને દેશના લોકોના દિલ આજે પણ જોડાયેલા છે. દશેરા, દિવાળી અને છઠ પૂજા વખતે સરહદની બંને બાજુ એકસરખો માહોલ હોય છે. રાજકીય સરહદો ક્યારેય લોકોના દિલને વહેંચી શકી નથી. ભારતના ઉત્તર પ્રદેશ, બિહારના લોકો અને નેપાળના મધેશી કે પહાડી સમુદાયો વચ્ચે ભાષા, સંસ્કૃતિ અને પારિવારિક ઈતિહાસ બધું જ સરખું જોવા મળે છે. એક નોલેજ પોઈન્ટ અહીં લેવા જેવો છે કે નેપાળના પીએમ બાલેન શાહ પણ મધેશી સમાજમાંથી જ આવે છે અને આ સમાજના તેઓ પહેલા નેપાળી પ્રધાનમંત્રી છે. સંબંધોમાં આવેલી કડવાશના કારણો હવે સમજીએ આ રોટી-બેટી શબ્દનો અર્થ. રોટી એટલે આર્થિક સંબંધો અને રોજગારી. ભારત અને નેપાળ વચ્ચે 1750 કિલોમીટર લાંબી એકદમ ખુલ્લી સરહદ છે. લાખો નેપાળી ભાઈઓ ભારતમાં કોઈ પણ વિઝા વગર આવે છે, કામ કરે છે અને સેનામાં જોડાય છે. બેટી, એટલે બે દેશો વચ્ચે થતા લગ્ન સંબંધો. પણ સમયની સાથે હવે આ પારિવારિક સંબંધોમાં ઓટ આવી રહી છે. તેના પણ અમુક કારણો છે: જ્યારે ભારતીય દીકરી નેપાળમાં પરણીને જાય છે, ત્યારે તેને પૂરા હકો મળતા નથી. આ જ કારણથી હવે ભારતીય પરિવારો પોતાની દીકરીઓને નેપાળ પરણાવતા અચકાય છે. આ બતાવે છે કે કઈ રીતે રાજકીય તણાવ હવે સીધા જ સામાન્ય લોકોના ઘરો પર અસર કરી રહ્યો છે. બ્રિટિશ સમજની સુગૌલી સંધિથી શરૂ થયેલો વિવાદ ચાલો, હવે થોડા ઈતિહાસમાં જઈએ. આખો વિવાદ, કૈલાશ માનસરોવરના રસ્તાનો ડખો અને બાલેન શાહ જે અંગ્રેજોને વચમાં લાવવાની વાત કરે છે, તેનું મૂળ 19મી સદીની સુગૌલી સંધિમાં છુપાયેલું છે. 18મી સદીના અંતમાં નેપાળના ગોરખા શાસકો બહુ તાકાતવર અને આક્રમક હતા. તેમનું રાજ પૂર્વમાં તિસ્તા નદીથી લઈને પશ્ચિમમાં સતલજ નદી સુધી ફેલાયેલું હતું. આને આજે કેટલાક નેપાળી લોકો ગ્રેટર નેપાળ પણ કહે છે. પણ આ સામ્રાજ્ય વધારવાના ચક્કરમાં તેમનો સામનો અંગ્રેજો એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની સાથે થયો. નવેમ્બર 1814માં બંને વચ્ચે ભયંકર યુદ્ધ ફાટી નીકળ્યું. ગોરખાઓએ શરૂઆતમાં અંગ્રેજોને બરાબરની ટક્કર આપી અને ભારે નુકસાન પહોંચાડ્યું. પણ છેવટે અંગ્રેજ સેના સામે તેમને હાર માનવી પડી. 1816માં બિહારના સુગૌલી ગામે બંને વચ્ચે એક સમજૂતી થઈ. નેપાળના લોકો આજે પણ આને અસમાન સંધિ કહે છે કારણ કે તેમાં માત્ર નેપાળને જ સૌથી મોટું નુકસાન વેઠવું પડ્યું હતું. આ સંધિમાં નેપાળને શું નુકસાન થયું? મહાકાલી નદીનું મૂળ ક્યાં? નકશાની મોટી ગેમ આ સુગૌલી સંધિમાં એવું તો નક્કી થઈ ગયું કે મહાકાલી નદી પશ્ચિમની સરહદ રહેશે. પણ પહાડોમાં નદી કોઈ એક ચોક્કસ જગ્યાએથી નથી નીકળતી. નાના નાના ઝરણાઓ ભેગા થઈને આગળ નદી બને છે. અંગ્રેજોએ સંધિના કાગળમાં નદી ક્યાંથી શરૂ થાય છે તેનું કોઈ ચોક્કસ લોકેશન લખ્યું જ નહોતું. બસ, આ જ સૌથી મોટી ખામી હતી! અને આજનો આખો વિવાદ આના પર જ ટકેલો છે. ભારત અને નેપાળ બંને મહાકાલી નદીના અલગ અલગ શરૂઆતના પોઈન્ટ બતાવીને કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા પર પોતાનો દાવો ઠોકી રહ્યા છે. આ કોઈ નાનોસૂનો વિવાદ નથી, પણ લગભગ 372 ચોરસ કિલોમીટરની ખૂબ જ મહત્વની અને સેન્સિટિવ જમીનનો મામલો છે. કાળી નદીની બે ધારાઓ મહાકાલી નદી કોઈ એક જગ્યાએથી નથી નીકળતી. પહાડી નદી હોવાથી તેની બે ધારાઓ છે જે આગળ જઈને એક થાય છે. ભારત પૂર્વીય ધારાને નદીનું ઉદ્ગમ માને છે, જ્યારે નેપાળ પશ્ચિમી ધારાને (લિમ્પિયાધુરા) ઉદ્ગમ માને છે. આ બે ધારાઓ વચ્ચેનો જે વિસ્તાર છે, તે જ આખો વિવાદ છે. નેપાળ અને ભારત બંનેના અલગ અલગ દાવાઓ શું છે? નેપાળનું કહેવું છે કે મહાકાલી નદીનું અસલી મૂળ લિમ્પિયાધુરા પહાડમાંથી નીકળે છે. એટલે જો એને મૂળ માનીએ, તો તેની પૂર્વમાં આવેલો કાલાપાની અને લિપુલેખ પાસનો આખો વિસ્તાર નેપાળનો જ કહેવાય. નેપાળીઓ દલીલ કરે છે કે 1857 ના બળવા પહેલાના અંગ્રેજોના નકશામાં આજ વાત સાચી બતાવવામાં આવી હતી. પણ પછી જ્યારે અંગ્રેજોને કાલાપાનીનું લશ્કરી મહત્વ સમજાઈ ગયું, ત્યારે એમણે ચાલાકી વાપરીને 1879માં નકશા જ બદલી નાખ્યા. એમણે નદીનું ઉદ્ગમ સ્થાન પૂર્વ તરફ ખસેડી દીધું જેથી કાલાપાની વિસ્તાર ભારતીય હદમાં રહે. બીજી બાજુ, ભારતનો પક્ષ એકદમ અલગ અને બહુ મજબૂત છે. ભારત સ્પષ્ટ કહે છે કે કાળી નદી ત્યાંથી જ શરૂ થાય છે જ્યાં કાલાપાની ગામ પાસે અલગ અલગ ઝરણા ભેગા થાય છે. ભારત પાસે 1830ના દાયકાના પાકા રેકોર્ડ અને મહેસૂલી દસ્તાવેજો છે. આ કાગળો સાબિત કરે છે કે સદીઓથી આ વિસ્તાર ઉત્તરાખંડના પિથોરાગઢનો જ વહીવટી ભાગ રહ્યો છે. અહીં હંમેશા ભારતનું જ એકધારું અને કાયદેસર નિયંત્રણ રહ્યું છે. પરસ્પર અતિક્રમણવાળો દાવો અને તેની પાછળનું સત્ય હવે બાલેન શાહે સંસદમાં જે બોમ્બ ફોડ્યો કે "ભારતે અને નેપાળે બંનેએ એકબીજાની જમીન દબાવી છે", તેની પાછળનું ટેકનિકલ ફેક્ટ સમજીએ. જ્યારે બે દેશ વચ્ચે કોઈ નદી સરહદ હોય, ત્યારે એક કુદરતી પ્રોસેસ થાય છે. સમય જતાં પૂર આવે એટલે નદી પોતાનો રસ્તો બદલે છે. ભારત અને નેપાળ વચ્ચે એવું નક્કી થયું છે કે ભલે નદી રસ્તો બદલે, પણ સરહદ તો 1816માં જ્યાં હતી ત્યાં જ ફિક્સ રહેશે. આના લીધે થાય એવું કે કેટલાક ખેડૂતો ખેતી કરતા હોય પણ કાગળ પર એ જમીન બીજા દેશમાં બોલતી હોય. આને જ રાજદ્વારી ભાષામાં ક્રોસ-બોર્ડર ઓક્યુપેશન કહેવાય. આ કોઈ સેનાએ કરેલો લશ્કરી કબજો નથી, પણ માત્ર નદીઓ ખસવાને કારણે ઊભી થયેલી ટેકનિકલ સમસ્યા છે. બિહારના સુસ્તા વિસ્તારમાં ગંડક નદીને લઈને પણ આવો જ એક કુદરતી ડખો ચાલી રહ્યો છે. બાલેન શાહે સંસદમાં આ નાની ખેતીવાડીની સમસ્યાને જમીન પચાવી પાડવા સાથે સરખાવી દીધી છે! કાલાપાની અને લિપુલેખ: ભારત માટે કેમ મહત્વના? હવે સમજીએ કે આ કાલાપાની અને લિપુલેખ પાસ માત્ર કોઈ બરફવાળા પહાડો કે માટીના ટુકડા નથી. ભારતની નેશનલ સિક્યોરિટીની નજરે આ જગ્યા ભારત, નેપાળ અને ચીન તિબેટને જોડતું બહુ જ અગત્યનું ટ્રાઈ-જંક્શન છે. આ વિસ્તાર ભારત માટે જીવાદોરી સમાન છે. 1950ના દાયકામાં જ્યારે ચીને તિબેટ પર કબજો જમાવ્યો અને પછી 1962માં ભારત-ચીનનું ભયંકર યુદ્ધ થયું, ત્યારથી આ લિપુલેખ પાસ ભારત માટે હિમાલયની કરોડરજ્જુ બની ગયો છે. આ પાસ સમુદ્રની સપાટીથી લગભગ 17,000 ફૂટની ઊંચાઈ પર આવેલો છે. આટલી ઊંચાઈ પર ભારતીય ITBP અને SSB સેના બેઠી હોવાથી, ત્યાંથી ચીનની સેના શું હિલચાલ કરે છે તે ચોખ્ખું દેખાય છે. તિબેટના ઉચ્ચપ્રદેશ પર બાઝ નજર રાખવા માટે આ જગ્યા બેસ્ટ છે. જો ભારત આ જગ્યા ગુમાવે, તો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને છેક દિલ્હી સુધીના મેદાની વિસ્તારોમાં ચીનનો ખતરો સીધો આવી પડે. આ વિસ્તાર પર ભારતનો 100 ટકા અસલી અને કાયદેસર કંટ્રોલ છે અને 1956થી અહીં ભારતની પોલીસ પોસ્ટ ઊભી છે. એક બહુ ઈન્ટ્રેસ્ટિંગ વાત એ પણ છે કે ચીને પણ 2015માં આ વિસ્તારને ભારતનો જ હિસ્સો માન્યો હતો અને વેપાર માટે કરાર પણ કર્યા હતા. પણ હવે ચીન પત્તા બદલીને નેપાળને ઉશ્કેરી રહ્યું છે. કૈલાશ માનસરોવર યાત્રાનો વિવાદ લિપુલેખ પાસ એ ભારત અને તિબેટ વચ્ચેનો બહુ જૂનો વેપારી અને તીર્થ યાત્રાનો રસ્તો છે. 1954થી ભારતીય ભક્તો કૈલાશ માનસરોવર યાત્રા માટે આ જ રસ્તે જાય છે. પણ આ રસ્તો બહુ જ અઘરો હતો અને અઠવાડિયાઓ સુધી પહાડોમાં ચઢાણ કરવું પડતું. એટલે, મે 2020માં ભારત સરકારે ઉત્તરાખંડના ધારચુલાથી લિપુલેખ પાસ સુધી એક સરસ નવો 80 કિલોમીટર લાંબો રસ્તો બનાવી દીધો. આનાથી યાત્રાનો સમય એકદમ ઘટી ગયો. પણ આ રસ્તો બનતા જ કાઠમંડુમાં જાણે રાજકીય વાવાઝોડું આવી ગયું. તે વખતના નેપાળી વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ ભારે હોબાળો કર્યો. તેમણે નવો નકશો બહાર પાડી દીધો જેમાં આ આખો વિસ્તાર નેપાળનો બતાવી દીધો અને તેને બંધારણમાં પણ જોડી દીધો! ભારતે આનો સખત વિરોધ કર્યો. હવે ફરી આ જ વિવાદ ભડક્યો છે. ભારતે ચીનના મદદથી યાત્રાની જાહેરાત કરી, તો નેપાળના વિદેશ મંત્રાલયે તરત જ વાંધો ઉઠાવ્યો કે આ વિસ્તારમાં ભારત કશું જ ના કરી શકે. કૈલાશ માનસરોવરનો આ રૂટ હવે માત્ર આસ્થાનો વિષય નથી રહ્યો, પણ રાષ્ટ્રવાદ અને સાર્વભૌમત્વનો સૌથી મોટો અખાડો બની ગયો છે. બાલેન શાહનો ઉદય અને યુવા પેઢીનો આક્રોશ આ આખી રમત સમજવા માટે બાલેન શાહ કોણ છે અને તેઓ કેમ આટલું આક્રમક વલણ લઈ રહ્યા છે તે જાણવું જરૂરી છે. બાલેન શાહ 1990માં જન્મેલા એક યુવા સ્ટ્રક્ચરલ એન્જિનિયર અને બહુ જ પોપ્યુલર રેપર છે. રાજકારણમાં આવતા પહેલા તેઓ પોતાના રેપ સોંગથી નેપાળના ભ્રષ્ટાચાર અને યુવાનોની હતાશાનો અવાજ ઉઠાવતા હતા. નેપાળ છેલ્લા 30 વર્ષથી ભયંકર રાજકીય ઉથલપાથલમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યાં બેરોજગારી અને સગાવાદ એટલી હદે વધી ગયા છે કે સપ્ટેમ્બર 2025માં યુવાનોનો જ્વાળામુખી ફાટ્યો. જ્યારે સરકારે 26 સોશિયલ મીડિયા એપ્લિકેશન બંધ કરાવી, ત્યારે હજારો યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા. આ આંદોલન એટલું હિંસક બન્યું કે 76 લોકોના મોત થયા અને સરકારને રાજીનામું આપવું પડ્યું. આ બધાની વચ્ચે કાઠમંડુના લોકપ્રિય મેયર બાલેન શાહ યુવાનો માટે જાણે એક મસીહા બની ગયા. તે માર્ચ 2026માં નેપાળી નેશનલ ઈલેક્શનમાં ભારે બહુમતીથી ચૂંટણી જીત્યા અને માત્ર 36 વર્ષની ઉંમરે નેપાળના 47મા વડાપ્રધાન બનીને ઈતિહાસ રચી દીધો. હવે સત્તા પર આવ્યા પછી, તેમની સામે આર્થિક મુશ્કેલીઓ અને આંદોલનમાં માર્યા ગયેલા લોકોને ન્યાય અપાવવાનું મોટું દબાણ છે. આ આંતરિક દબાણથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે જ તેઓ આવા નિવેદનો આપી રહ્યા છે, બરાબર તેમ જ, જેમ તેમના અગાઉના નેતાઓએ કર્યું હતું. ભારતને ઘેરવાની ચીનની મોટી રમત હવે આ આખા વિવાદની પાછળની અસલી રમત સમજો. દક્ષિણ એશિયાના જીઓપોલિટિક્સનું એનાલિસિસ કરીએ તો ચોખ્ખું દેખાય છે કે બાલેન શાહ જે કંઈ પણ બોલી રહ્યા છે, તેની પાછળ ચીન એટલે કે બેઇજિંગનો બહુ મોટો અને છૂપો હાથ હોઈ શકે છે. આ માત્ર ભારત અને નેપાળ વચ્ચેનો સીધો સરહદી ડખો નથી, પણ હકીકતમાં ચીન નેપાળના ખભા પર બંદૂક રાખીને ભારત સામે એક મોટો પ્રોક્સી વોર એટલે કે છદ્મ યુદ્ધ ચલાવી રહ્યું હોઈ શકે છે. ચીનની એક બહુ જૂની અને જાણીતી નીતિ છે જેને સ્ટ્રિંગ ઓફ પર્લ્સ કહેવાય છે. ચીનની આ ખતરનાક નીતિનો મુખ્ય હેતુ શું છે? બાલેન શાહે સંસદમાં જાતે જ કબૂલાત કરી કે નેપાળે કાલાપાની મુદ્દે ચીન સાથે પણ વાતચીત શરૂ કરી છે. ચીન પોતાની બેલ્ટ એન્ડ રોડ યોજના હેઠળ નેપાળમાં મોટા પાયે રોકાણ કરવાની વાત રાખી ચૂક્યું છે. જ્યારે 2015માં ચીને લિપુલેખ પાસને વેપારી રોડ તરીકે માન્યો હતો, ત્યારે તેણે એક રીતે ભારતનું સાર્વભૌમત્વ માની જ લીધું હતું. પણ હવે લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં ભારત ચીનને બરાબરની આંખ બતાવી રહ્યું છે, એટલે ચીન બદલો લેવા માટે બાલેન શાહની નવી સરકારનો હાથો બનાવીને રમત રમી રહ્યું છે. બ્રિટનની દખલગીરી: આંતરરાષ્ટ્રીયકરણનો એક નિષ્ફળ પ્રયાસ આ વિવાદનો સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે વડાપ્રધાન બાલેન શાહે બ્રિટન એટલે કે યુનાઈટેડ કિંગડમની દખલગીરી માંગી. તેમનો તર્ક એવો છે કે નેપાળની સરહદો તો અંગ્રેજોના શાસન વખતે નક્કી થઈ હતી, એટલે બ્રિટને પોતાના જૂના નકશાઓ અને દસ્તાવેજો આપીને આમાં મધ્યસ્થી કરવી જોઈએ. આ માટે નેપાળના અધિકારીઓએ બ્રિટિશ રાજદૂત રોબ ફેન સાથે મુલાકાત પણ કરી લીધી હતી. પણ તમે જ વિચારો, બે પાડોશી દેશોના ડખામાં કોઈ ત્રીજા દેશને વચ્ચે લાવવો એ બાલેન શાહની કેટલી મોટી રાજકીય ભૂલ છે? જો કે આ મુદ્દાને ઈન્ટરનેશનલ મામલે ચગાવવાનો બાલેનનો દાવ ઊંધો પડ્યો. કારણ કે બ્રિટિશ રાજદૂત રોબ ફેને બાલેનના સલાહકાર સાથે મુલાકાત કરી હતી, ત્યારે સ્પષ્ટ કહી દીધું કે આ બે દેશોનો દ્વિપક્ષીય મામલો છે અને બ્રિટન આમાં કોઈ જ દખલગીરી કરવા માંગતું નથી. બ્રિટન શું કામ નેપાળનો સાથ આપે? આવી એક્ચ્યુઅલ સિચ્યુએશનમાં બ્રિટન ક્યારેય ભારત જેવા તાકાતવર અને વિશાળ દેશને નારાજ કરીને જૂના કાગળિયાંના આધારે નેપાળનો પક્ષ નહીં લે. જો કે આગળ શું થાય તે કંઈક અત્યારે કહેવું અતિશક્યોક્તિ કહેવાશે. ભારતનો જડબાતોડ જવાબ અને રદ થયેલો પ્રવાસ બાલેન શાહની આ માઇક્રોફોન ડિપ્લોમસી અને આંતરરાષ્ટ્રીય દેખાડા સામે ભારતે અત્યાર સુધી કોઈ જવાબ નથી આપ્યો. કારણ કે 98% સરહદનો ઉકેલ આવી ચૂક્યો છે. આ ડેમેજ કંટ્રોલ કરવા માટે જ બાલેનની પાર્ટીના અધ્યક્ષ રબી લામિછાને તાજેતરમાં 5 દિવસના ભારત પ્રવાસે આવ્યા છે, જેથી બગડતા સંબંધોને સંભાળી શકાય. જો કે આ મામલો થોડા સમય પહેલા પણ વિવાદમાં આવ્યો હતો જ્યારે કૈલાશ માનસરોવર યાત્રા શરૂ થઈ હતી. ત્યારે ભારતના વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો હતો. વિદેશ મંત્રાલયે નેપાળના બધા જ પાયાવિહોણા દાવાઓને અત્યંત કડક શબ્દોમાં ફગાવી દીધા છે. ભારતના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહી દીધું હતું કે નેપાળ જાણીજોઈને પોતાનો નકશો મોટો બતાવી રહ્યું છે. ભારતે કહ્યું હતું કે વિવાદિત વિસ્તાર ઉત્તરાખંડનો ભાગ છે અને આ વાતને વાતચીતથી બંને દેશોએ પતાવવો જોઈએ. જો કે ત્યારે ભારતે એવું નથી કહ્યું કે નેપાળે ભારતના કોઈ વિસ્તારમાં ઘૂસણખોરી કરી હોય. પણ સંબંધોમાં થોડું ઉપર નીચે થયું છે તે કહી શકાય કારણ કે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરી ગયા મહિને નેપાળ પ્રવાસે જવાના હતા અને નેપાળી પીએમ બાલેન શાહને નરેન્દ્ર મોદી તરફથી દિલ્લી આવવાનું આમંત્રણ આપવાના હતા. પણ બાલેન શાહે તેમને મળવાનો સમય ન આપ્યો અને મિસરીને પોતાનો નેપાળ પ્રવાસ રદ કર્યો. આના ઘણા કારણોમાં કૈલાશ માનસરોવર યાત્રા વિવાદ પણ માનવામાં આવી રહ્યો છે. જોકે, પડદા પાછળ ભારતે સંતુલન જાળવવા નેપાળના નેતા રબી લામિછાનેને દિલ્હી બોલાવીને રાજદ્વારી રસ્તો ખુલ્લો પણ રાખ્યો છે. ભારતની નેબરહુડ ફર્સ્ટ નીતિ બાલેન શાહ સરકારના આ વર્તન પછી દિલ્હીએ પોતાની પાડોશી પહેલો નીતિ પર ફરીથી ગંભીર વિચાર કરવો પડશે. ઐતિહાસિક રીતે ભારતે હંમેશા નેપાળને મોટા ભાઈની જેમ મદદ કરી છે. ભૂકંપ વખતની રાહત હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ હોય કે વેપારમાં છૂટછાટ, ભારતે હંમેશા પોતાનો સોફ્ટ પાવર વાપર્યો છે. પણ જ્યારે કોઈ પાડોશી દેશ ચીનને ખોળે બેસીને ભારતની સુરક્ષા સામે ખતરો ઊભો કરે, ત્યારે આ નરમાઈ કામ ના આવે. ભારતની હાર્ડ પાવર તાકાત શું છે? જો ભારત માત્ર પોતાની સરહદ પર થોડીક જ કડકાઈ લાવી દે અથવા વેપારના નિયમો કડક કરે, તો પહેલેથી જ બેરોજગારી અને મોંઘવારીથી પીડાતા નેપાળનું આખું અર્થતંત્ર પત્તાના મહેલની જેમ પડી ભાંગશે. ભારતે સ્પષ્ટ મેસેજ આપવો જ પડશે કે અમારી સદભાવનાને ક્યારેય અમારી નબળાઈ ના સમજવી. જો કે સામેની બાજુ એક ડર એ પણ છે કે જો ભારત આવું કોઈ પણ પગલું લે તો નેપાળ ચીનના ખોળે બેસી શકે તેમ છે. અને છેલ્લે... નેપાળના જેનઝી પ્રધાનમંત્રીથી હટીને હવે ભારતના જેનઝી પર આવીએ. તો આપણે જાણીએ છીએ કે હમણા કોક્રોચ જનતા પાર્ટીનો દેશમાં ફુગ્ગો ફૂલ્યો છે. જેમાં એક અપડેટ એવી આવી છે કે CJP બનાવવા પાછળનું ભેજું એટલે કે અભિજીત દીપકે અમેરિકાથી 6 જૂને ભારત આવશે અને નીટ પેપર લીક મામલે શિક્ષણમંત્રીનું રાજીનામુ લેવા દિલ્લીના જંતર મંતરે જોરદાર વિરોધ કરવાના છે. નેપાળમાં તો જેનઝીએ સત્તા પડાવી જોઈએ ભારતમાં શું પડઘા પડી શકે સોમવારથી શુક્રવાર, રોજ રાતે 8 વાગે જોતા રહો એડિટર્સ વ્યૂ આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    Teams can shift from red ball to pink in Test to deal with bad light
    Next Article
    અમદાવાદમાં દાઉદ અને લશ્કર-એ-તોઈબાના નામે બ્લાસ્ટની ધમકી:સરદાર પટેલ સ્ટેડિયમ પાસેની સ્પોર્ટસ ક્લબના રૂમમાંથી ચિઠ્ઠી મળી, રૂમમાં 3 વિદેશી વેપારી રોકાયા હતા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment