Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: NEET-NATમાં છીંડા ને માફિયાઓને મોજ:12 વર્ષમાં 4 પેપર ફૂટ્યાં, 30-50 લાખમાં હરાજી ને કૌભાંડની 3 કોમન લિંક; ગોલમાલ રોકવાની ચાવી ચીન પાસે?

    10 hours ago

    સીકરનું એક અંધારું છવાયેલું સેફ હાઉસ, ટેબલ પર પડેલી NEETના પેપરની એ માસ્ટર કોપી અને સામે બેઠેલા પરસેવે રેબઝેબ 22 લાખ વિદ્યાર્થીઓના સપના... જેની કિંમત બોલાઈ રહી હતી 5થી 30 લાખ રૂપિયા! તમે જેને દેશની સૌથી અઘરી પરીક્ષા સમજો છો, એ NEET હકીકતમાં લીક માફિયાઓ માટે કરોડોનો બિઝનેસ બની ગઈ છે. 12 મે 2026ના એ કાળા મંગળવારે જ્યારે NTAએ પેપર લીક થયાની કબૂલાત કરી, ત્યારે માત્ર સિસ્ટમ જ નહીં પણ આખા દેશના ભરોસાના ધજાગરા ઉડી ગયા. પણ અસલી ખેલ તો પડદા પાછળ રમાયો હતો. નાસિકના પ્રિન્ટિંગ પ્રેસથી શરૂ થયેલું આ સર્જિકલ ઓપરેશન કેરળ અને સીકર થઈને વોટ્સએપ પર એ રીતે ફેલાયું કે પરીક્ષાની રાતે પેપરના ભાવ કોઈ શેરબજારની જેમ તૂટવા લાગ્યા. GPS ટ્રેકિંગ અને AI મોનિટરિંગના મોટા-મોટા દાવાઓ વચ્ચે જ્યારે પરીક્ષા કેન્દ્રોના સીસીટીવી કેમેરા જાણીજોઈને બ્લેન્ક કરી દેવામાં આવે તેવા આરોપ લાગે, ત્યારે સમજવું કે આ ભૂલ નથી, પણ શાર્પ અને મગજ લગાવેલું પ્રોફેશનલ ઓપરેશન છે. માટે આજે આપણે નાસિકથી સીકર સુધી ફેલાયેલા આ એજ્યુકેશન માફિયાના ડર્ટી નેટવર્કની એ ક્રોનોલોજી સમજીશું, જેણે છેલ્લા 5 વર્ષમાં અંદાજે 1.7 કરોડ યુવાનોની મહેનતની હરાજી કરી નાખી છે. નમસ્કાર… કૌભાંડના મૂળ મહારાષ્ટ્રના નાશિકમાં આવેલા એક ખાનગી પ્રિન્ટિંગ પ્રેસમાં છે. આક્ષેપો મુજબ એપ્રિલ 2026ના છેલ્લા અઠવાડિયામાં જ્યારે પ્રશ્નપત્રો છપાઈ રહ્યા હતા, ત્યારે ત્યાંના ઇનસાઇડર સ્ટાફરે માસ્ટર કોપીની એક્સેસ મેળવવામાં આવી હતી. આ એ જ તબક્કો હતો જ્યાં NTAની પહેલી સુરક્ષા લાઇન તૂટી હતી. NEET પેપર લીક થવાની ક્રોનોલોજી ચોંકાવનારી વાત એ છે કે આ લીક થયેલું મટીરીયલ સૌથી પહેલા કેરળની એક મેડિકલ કોલેજમાં પહોંચ્યું. 1 મે 2026ના રોજ, રાજસ્થાનના ચુરુ જિલ્લાનો એક વિદ્યાર્થી જે કેરળમાં MBBS કરી રહ્યો હતો તે આ નેટવર્કની મુખ્ય કડી બન્યો. તેણે પ્રશ્નોને એક કાગળમાં લખી લીધા જેના લીધે ડિજિટલી પેપર પકડી ન શકાય. રાજસ્થાનનું સીકર હવે માત્ર કોચિંગ હબ નથી રહ્યું, પણ ગેરરીતિનું એપીસેન્ટર બની ગયું છે. 2 મે 2026ની રાત્રે, એટલે કે પરીક્ષાના 42 કલાક પહેલા, રાકેશ કુમાર માંડવરિયા નામના કાઉન્સેલર પાસે આ પેપર પહોંચ્યું. અહીંથી ગેસ પેપરના નામે સોદો શરૂ થયો. ખાનગી માફિયા નામના ટેલિગ્રામ ગ્રુપમાં આ પેપર વાયરલ થયું અને તેની કિંમત શરૂઆતના સમયમાં 5થી 30 લાખ રૂપિયા સુધી બોલાવાઈ. પેપર લીક થયાની જાહેરાતમાં રાહ કેમ? શું દેશની ઈન્ટેલિજન્સ સિસ્ટમ પાસે એવું કોઈ સોફ્ટવેર નથી જે ટેલિગ્રામ કે વોટ્સએપ પર ફરતા આવા પેપરને રિયલ-ટાઇમમાં ટ્રેક કરી શકે? કારણ કે જો 8 મેના રોજ ઇનપુટ્સ મળી ગયા હતા, તો રદ કરવાની જાહેરાત માટે 12 મે સુધી કેમ રાહ જોવામાં આવી? આ 4 દિવસનો ખાલીપો કોને બચાવવા માટે હતો? ત્યારે આ માફિયાઓ કેવી રીતે કામ કરે છે, તે સમજવું જરૂરી છે. તેઓ માત્ર પેપર વેચતા નથી, પણ ગેરંટી સાથે એડમિશન અપાવવાની ઇકોસિસ્ટમ ચલાવે છે. જૂના પેપર ફૂટવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે તે મુજબ… જ્યારે આપણે સમાચારમાં પેપર લીક વાંચીએ છીએ, ત્યારે તે માત્ર એક વહીવટી ખામી લાગે છે. પણ જરા એ બાપ વિશે વિચારો જેણે પોતાની નિવૃત્તિની મૂડી દીકરા કે દીકરીના કોચિંગ પાછળ ખર્ચી નાખી છે. એ વિદ્યાર્થી વિશે વિચારો જેણે બે વર્ષ સુધી દિવસના 15 કલાક લાયબ્રેરીમાં વિતાવ્યા છે. પેપર લીક થાય ત્યારે ગરીબ બાપ પર શું વીતે? જ્યારે એક વિદ્યાર્થીને ખબર પડે છે કે તે જે સીટ માટે લોહી-પરસેવો એક કરી રહ્યો હતો, તે સીટ કોઈ પૈસાદારે પરીક્ષા પહેલા જ બુક કરી લીધી છે, ત્યારે તેને કેવું થતું હશે? આવા કિસ્સાઓમાં નબળા હ્રદયના વિદ્યાર્થીઓના આપઘાતના પણ બનાવો સામે આવે છે. આ અન્યાયની લાગણી જ યુવા પેઢીને સિસ્ટમ સામે બળવાખોર અથવા હતાશ બનાવે છે. NEET 2026નું રદ થવું એ માત્ર 22 લાખ ઉમેદવારોની પરીક્ષા નથી, પણ ભારત સરકારની એ ખાતરીની કસોટી છે કે, શું મહેનતનું મૂલ્ય છે ખરું? NTA ની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) વાંચીએ તો લાગે કે અહીં એજ્યુકેશન માફિયા તો શું? પક્ષી પણ પાંખ ન મારી શકે! પરંતુ જમીન પર હકિકત કંઈક અલગ છે. ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ સિસ્ટમમાં ક્યાં છીંડા હોઈ શકે છે તેની વાત કરીએ. અત્યારે NEET અને જેને પહેલા AIPMT કહેવાતી તે પરીક્ષાનો ઇતિહાસ તપાસીએ તો એક પેટર્ન જોવા મળે છે. દર 3-4 વર્ષે સિસ્ટમમાં એક મોટું ગાબડું પડે છે, હોબાળો થાય છે, કમિટી બને છે અને ફરી બધું બેક ટુ નોર્મલ થઈ જાય છે. NEET કૌભાંડમાં 3 કોમન લિંક આ બધા જ કિસ્સાઓમાં 3 લિંક જોવા મળી રહી છે જે રિપિટ થઈ રહી છે. રાજસ્થાનનું સિકર, કોટા અને બિહારનું પટના હંમેશા આ કૌભાંડોના એપીસેન્ટર રહ્યા છે. આ શહેરોમાં ચાલતું ગળાકાપ કોમ્પિટિશનનું માર્કેટ માફિયાઓને બગાસું ખાતા પતાસું આપે છે. જેમના સામે કાર્યવાહી થઈ છે તેમાં પકડાયેલા આરોપીઓમાં મોટાભાગના એવા સ્ટુડન્ટ્સ હોય છે જે અગાઉ મેડિકલ કોલેજમાં જ ભણતા હોય. ટૂંકમાં જે ડોક્ટર બનવા આવ્યા હતા તે એજ્યુકેશન એજન્ટ્સના ભાડૂતી સોલ્જર બની જાય છે. NTA પોતાની પરીક્ષા લેવા માટે જે ખાનગી IT કંપનીઓ અને પ્રિન્ટિંગ પ્રેસ પર ભરોસો કરે છે, તે જ સુરક્ષાની સૌથી નબળી કડી સાબિત થાય છે. પેપર લીકથી ઉઘરાણીનું ગણિત સમજો તમને જાણીને નવાઈ લાગશે કે પેપર લીક એ હવે માત્ર ગુનો નથી, પણ એક લો-રિસ્ક, હાઈ-રિટર્ન બિઝનેસ મોડેલ બની ગયું છે. એક અંદાજ લગાવીએ તો, NEET જેવી રાષ્ટ્રીય પરીક્ષામાં જ્યારે પેપર લીક થાય છે, ત્યારે તેનું ટર્નઓવર લગભગ 1 હજાર કરોડ રૂપિયાને પાર કરી જાય છે. કારણ કે એક કન્ફર્મ સીટ માટે માફિયાઓ વિદ્યાર્થી પાસેથી 5-30 લાખ રૂપિયા પડાવે છે. જો દેશભરમાંથી 2 હજાર સ્ટુડન્ટ્સ પણ પેપર ખરીદે તો આરામથી 1 હજાર કરોડ રૂપિયા થઈ જાય છે. આટલી કમાણી કરવા માટે શિક્ષણના પેપર માફિયાઓ પહેલા પ્રિન્ટિંગ પ્રેસના અંદરના કર્મચારીઓને 2-5 કરોડ આપીને ફોડી લે છે અને પછી બાકીનો બધો નફો વ્હાઈટ કોલર માફિયાઓના ખિસ્સામાં જાય છે. આ વખતે CBI તપાસમાં કડકથી ઈન્વેસ્ટિગેશન થાય તો આ અંદાજાઓ સાચા પણ સાબિત થઈ શકે છે. અમુક અંદાજાઓ તો એવા પણ છે કે એજ્યુકેશન માફિયાઓ પર એટલા માટે કાર્યવાહી નથી થતી કારણ કે તેઓ રાજકીય પાર્ટીઓને ચૂંટણીમાં બિલ્ડર્સને વચ્ચે રાખીને ફંડ આપે છે. આવું પણ એટલા માટે કારણ કે તે સીધી રીતે પિક્ચરમાં ક્યાંય ન આવે. આ માત્ર અંદાજાઓ હોઈ શકે પણ પોલીસના હાથ આવા માફિયાઓ સુધી નથી પહોંચતા તે અંદાજાઓને પણ મજબૂત બનાવે છે. ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું પેપર લીક પેપર લીક હવે માત્ર કોઈ એક રાજ્યની સમસ્યા નથી, પણ નેશનલ ઈમરજન્સી બની ગયું છે. 2021થી 2026 વચ્ચે નેશનલ લેવલની પરીક્ષાઓમાં જે રીતે પેપર ફૂટ્યા છે તેના આંકડા ડરાવી દે તેવા છે. રાજસ્થાન REET 2021માં પેપર ફૂટવાના બનાવના કારણે અંદાજે 16 લાખ વિદ્યાર્થીઓને અસર થઈ હતી. છેલ્લે સરકારે કડક કાયદો લાવવો પડ્યો. યુપી પોલીસ કોન્સ્ટેબલ 2024માં પેપર ફૂટવાના કારણે પરીક્ષા જ રદ કરવી પડી હતી. આ સમયે અંદાજે 48 લાખ વિદ્યાર્થીઓને ફટકો પડ્યો હતો. કહેવાય છે કે યુપી પોલીસ કોન્સ્ટેબલ લીક તો ભારતનું છતું થનાર સૌથી મોટું પેપર લીક છે. તેલંગાણા અને મધ્યપ્રદેશની વાત કરીએ તો અહીં પણ પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષાઓમાં ટેક્નિકલ હેકિંગ અને ઈનસાઈડર લીકના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. આંકડાઓને ધ્યાને લઈએ તો આ બધુ કહી જાય છે કે છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે 1.7 કરોડથી વધુ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થયા હોઈ શકે છે. આ આંકડો ઓસ્ટ્રેલિયા કે યુરોપના કોઈ દેશના ટોટલ પોપ્યુલેશન કરતા પણ વધારે છે. પણ આ બધુ થાય ત્યારે સવાલ થાય કે કોઈ પકડાતું કેમ નથી કે કડક કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી? નાની માછલી જ પકડશો કે મોટા મગર સુધી પણ પહોંચશો? 2024માં જ્યારે નીટ પેપર લીકનો મામલો સામે આવ્યો હતો ત્યારે કેન્દ્ર સરકારે પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ નામનો એક એક્ટ અમલમાં મૂક્યો હતો જેમાં 1 કરોડનો દંડ અને 10 વર્ષની જેલની સજા થઈ શકે છે. છતાં 2026માં નીટનું પેપર લીક થઈ ગયું. આવું એટલા માટે થાય છે કારણ કે ડિજિટલ માફિયાઓ ડિજિટલ ફૂટપ્રિન્ટના પુરાવા જ ખતમ કરી નાખે છે જેથી ઓનલાઈન પેપર લીક થવાની ખબર જ નથી પડતી. જ્યાં સુધી સાયબર એક્સપર્ટ પેપર સુધી પહોંચે ત્યાં સુધીમાં તો પેપર જ ડિજિટલ દુનિયામાંથી ગાયબ થઈ ગયું હોય છે. બીજું એ કે પોલીસ એવા લોકોને જ પકડે છે જે વિદ્યાર્થી કે વચેટિયા હોય છે. મોટી માછલી કે માસ્ટર માઈન્ડ તો પોતાની જાળ બિછાવી કરોડો કમાવીને નીકળી જતા હશે. આ માફિયાઓ પણ કરોડોમાં કમાતા હશે માટે તેમના માટે 1 કરોડ કોઈ મોટી રકમ નથી હોતી. તેમના માટે તો આ 1 કરોડ બિઝનેસ કોસ્ટ હશે. કે. રાધાકૃષ્ણ કમિટીના સૂચનોની તાતી જરૂર પણ પેપર લીકની ગંભીરતાને ધ્યાને રાખીને ઈસરોના પૂર્વ ચીફ કે. રાધાકૃષ્ણની અધ્યક્ષતામાં બનેલી સમિતીએ કેટલાક સૂચનો આપ્યા હતા. જો કે તે આજની તારીખે પણ અમલમાં નથી આવ્યા તે વાત અલગ છે પણ આપણે નાગરિક કે વાલી તરીકે તેને જાણવા તો જોઈએ જ. આ જ મામલે NTA અને સરકારનું બહાનું છે નોર્મલાઇઝેશનની ગુંચવણ અને ગામડાઓ જેવા સેન્ટર્સમાં ઇન્ટરનેટની સુવિધા. પણ શું 22 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય આ ટેકનિકલ બહાનાઓ કરતા નાનું છે? સરકાર કેમ ખાનગી સંસ્થાઓના ભરોસે? તપાસમાં બહાર આવ્યું છે કે લીક થયેલા ઘણા કેન્દ્રો પર પરીક્ષાના સમયે જ CCTV કેમેરા ટેકનિકલ ખામીને કારણે બંધ હતા. આ કોઈ અકસ્માત નથી, પણ આયોજિત કાવતરું હોઈ શકે છે. ખાનગી શાળાઓને સેન્ટર આપવાથી ત્યાંના સ્થાનિક સ્ટાફને લાલચ આપીને માફિયાઓ પોતાનું કામ કઢાવી લે છે. શું આપણે નેશનલ લેવલની સેન્સિટિવ પરીક્ષાઓ માટે ગવર્નમેન્ટ ઓન્લી સેન્ટર્સ ન બનાવી શકીએ? કેન્દ્રીય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયો જેવા સુરક્ષિત કેન્દ્રો હોવા છતાં ખાનગી શાળાઓ પર નિર્ભરતા કેમ? પેપર લીકનો સડો ગુજરાતમાં પણ અત્યાર સુધી આપણે NEET 2026 ના કૌભાંડની રાષ્ટ્રીય સ્તરે ચર્ચા કરી. પણ હવે વાત કરીએ આપણા પોતાના રાજ્ય, ગુજરાતની. ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં જે રીતે પેપર લીક થવાનો સિલસિલો ચાલ્યો છે, તે કહી જાય છે કે આ કોઈ છૂટીછવાઈ ઘટના નથી, પણ એક કેન્સર જેવો રોગ છે. ગુજરાત, જે તેના મજબૂત વહીવટ માટે જાણીતું છે, ત્યાં પણ પેપર લીક માફિયાઓએ મજબૂત ભરડો લીધો છે. વર્ષ 2014થી 2026 સુધીની ઘટનાઓ પર નજર કરીએ તો ચિત્ર અત્યંત ચિંતાજનક છે. ગુજરાત સરકારે 2023માં દેશનો સૌથી કડક ગણાતો પેપર લીક વિરોધી કાયદો બનાવ્યો. તેમ છતાં, આરોપીઓ જામીન પર છૂટી જાય છે અથવા તપાસ વચેટિયાથી આગળ વધીને પ્રિન્ટિંગ પ્રેસના માલિક કે મોટા રાજકીય આશીર્વાદ ધરાવતા લોકો સુધી પહોંચતી નથી. સિસ્ટમમાં બેઠેલા ઇનસાઇડર્સને પકડવા માટે જે ઈચ્છાશક્તિ જોઈએ, તેની કમી અહીં પણ ચોખ્ખું દેખાય છે. પેપર લીક થવા પર ચીનમાં મૃત્યુદંડ દુનિયાના બીજા દેશો પણ લાખોની સંખ્યામાં પરીક્ષાઓ લે છે, પણ ત્યાં આવી ઘટનાઓ ભાગ્યે જ બને છે. તો સવાલ થાય કે આપણે ક્યાં પાછળ છીએ? જો આપણે ખરેખર પેપર લીક અટકાવવા હોય, તો આપણે જુગાડ છોડીને કાયમી ટેકનિકલ ઉકેલ લાવવો પડશે. આપણે દર વર્ષે વિદ્યાર્થીઓને તણાવમુક્ત રહેવાની સલાહ આપીએ છીએ, પણ પેપર ફૂટ્યા પછી સિસ્ટમથી આપવામાં આવતું ટેન્શન સૌથી ખતરનાક છે. NCRB ના આંકડા મુજબ, ભારતમાં દર વર્ષે 13 હજારથી વધુ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે. જેમાં મોટો હિસ્સો સ્પર્ધાત્મક પરીક્ષાઓની નિષ્ફળતા અને સિસ્ટમમાં થતા અન્યાયનો છે. જ્યારે એક 20 વર્ષનો યુવાન વર્ષોની મહેનત પછી રસ્તા પર ઉતરીને ન્યાય માંગે છે, ત્યારે આપણે સમજી લેવું જોઈએ કે આપણી એજ્યુકેશન સિસ્ટમ વેન્ટિલેટર પર છે. 2024 થી 2026 સુધીના આંકડા દર્શાવે છે કે 1.7 કરોડથી વધુ યુવાનોનો વિશ્વાસ તૂટ્યો છે. અને છેલ્લે... આપણે 5G અને વિશ્વગુરુ બનવાના હોંકારા ભણીએ છીએ પણ શિક્ષણ મામલે બનાસકાંઠાથી સમાચાર આવ્યા છે તે ફફડાવી દે તેવા છે. માત્ર 5 કિલોમીટરના રસ્તાના કારણે 37 હજાર માસૂમ બાળકોના સપનાઓએ દમ તોડી દીધો છે. ડ્રોપઆઉટની સૂળીએ ચઢેલા આ બાળકોની હાર એ એમની ગરીબી નથી, આપણી સિસ્ટમની નાલેશી છે! કારણ કે બાળકનું ભણતર સ્કૂલ દૂર છે તેના લીધે અટકી રહ્યું છે. સોમવારથી શુક્રવાર રોજ રાતે 8 વાગે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    Re-NEET UG 2026 के Batch का ऐड देख Coaching वालों पर भड़क गए लोग | Social List
    Next Article
    રોયલ સત્યમેવ જયતે ગ્રુપના BCAમાં ગેરવહીવટના ગંભીર આક્ષેપ:ડૉ. બેંકરે કહ્યું: BCAના પૈસાનો વેડફાટ, કોઈ એવું કહે કે, :'હું BCAનો પ્રેસિડેન્ટ છું', તો એ મમતા દીદી જેવું કરે છે, અમે હાઇકોર્ટમાં જઈશું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment