Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor’s View: ગુજરાતીઓનાં ડોલરિયાં સપનાં રોળાશે!:અમેરિકામાં H-1B વિઝા પર 3 વર્ષની રોકનો કારસો, સ્ટુડન્ટ્સ અને નોકરિયાત રડારમાં, ફાયરિંગ પછી ટ્રમ્પે નવો ઝટકો આપ્યો

    10 hours ago

    શું તમે કલ્પના કરી શકો છો દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ, 2,600 જેટલા VIP મહેમાનો, સો-સો સિક્રેટ સર્વિસ એજન્ટો… અને છતાં મોત ડિનર ટેબલ સુધી પહોંચી ગયું? તારીખઃ 25 એપ્રિલ, 2026. સ્થળઃ વોશિંગ્ટન હિલ્ટન, અમેરિકા. સ્ટેજ પર જાદુગર જાદુ બતાવી રહ્યો હતો અને ત્યાં જ એકાએક ધડાધડ ગોળીઓ ગૂંજી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ત્યાં જ હાજર હતા. ફાયરિંગના કારણે ટ્રમ્પ સ્ટેજ નીચે છૂપાઈ ગયા. તરત જ સિક્રેટ સર્વિસના લોકો આવ્યા અને તેમને બચાવી ભાગવા લાગ્યા, દોડતા સમયે ટ્રમ્પ લપસ્યા, અમેરિકાની ક્રીમ ઓડિયન્સ પણ 5 મિનિટ ટેબલ નીચે ભરાઈ ગઈ. ગોળી ચલાવનાર હુમલાખોર કોઈ ગેંગસ્ટર નહીં પણ ટીચર ઓફ ધ મન્થ એન્જિનિયર અને કેલટેકનો ગોલ્ડ મેડાલિસ્ટ નીકળ્યો. ફાયરિંગ કરનારના ભાઈએ પોલીસને વોર્નિંગ આપી હતી પણ સિસ્ટમ ઉંઘતી રહી અને અમેરિકાના રાષ્ટ્રપતિ પર ફરીવાર ગોળીબાર થતા-થતા રહી ગયો. આ કોઈ સામાન્ય ભૂલ ન હતી પણ અમેરિકાની સિક્યોરિટી સિસ્ટમની ફેલ્યોર હતી. અને આના કેવા સમયે થયું? અમેરિકાએ H-1B વિઝા પર 3 વર્ષનો ફ્રીઝ લગાવી દીધો. આના કારણે મહેસાણાથી સિલિકોન વેલી સુધીના હજારો ગુજરાતી પરિવારોના અમેરિકન ડ્રિમ્સના ફુગ્ગા ફૂટી ગયા. આજે આપણે તેની વાત કરીએ... નમસ્કાર... અમેરિકાના ઇતિહાસમાં 25 એપ્રિલ, 2026ની તારીખ સુવર્ણ અક્ષરોમાં નહીં, પણ લોહીના ડાઘ અને સુરક્ષા એજન્સીઓની નિષ્ફળતાના કાળા અક્ષરોમાં લખાશે. વોશિંગ્ટન DCની હિલ્ટન હોટલ, જે સામાન્ય રીતે રાજકીય મુદ્દાઓ પર હળવા મજાક અને વ્હાઈટ હાઉસ કરેસ્પોન્ડન્ટ્સ ડિનરની ઝાકમઝોળ માટે જાણીતી છે તે અમેરિકાના આઘાતનું કેન્દ્ર બની ગઈ. આ હુમલો ડોનાલ્ડ ટ્રમ્પ પર નહીં પણ દુનિયાની સૌથી શક્તિશાળી લોકશાહીના સિક્યોરિટી સ્ટ્રક્ચર પર હતો. વોશિંગ્ટન હિલ્ટનમાં શાંતિ પહેલાનું તોફાન તે રાત્રે હોટલના મુખ્ય બોલરૂમમાં 2,600થી વધુ મહેમાનો હાજર હતા. જેમાં દેશના ટોચના પત્રકારો, હોલીવુડના કલાકારો, કેબિનેટ સભ્યો અને વિદેશી રાજદૂતોનો વગેરે હતાં. આ કાર્યક્રમની સુરક્ષા માટે સિક્રેટ સર્વિસે મહિનાઓ પહેલેથી પ્લાનિંગ કર્યું હતું. વોશિંગ્ટન હિલ્ટન હોટલ સિક્રેટ સર્વિસ માટે કોઈ નવી જગ્યા નહોતી; દાયકાઓથી અહીં પ્રમુખો આવતા રહ્યા છે. સ્ટેજ પર ડોનાલ્ડ ટ્રમ્પ, મેલાનિયા ટ્રમ્પ અને જેડી વાન્સ સ્મિત સાથે બિરાજમાન હતા. પ્રખ્યાત મેજિશિયન ઓઝ પર્લમેન જ્યારે પોતાની ટ્રીક બતાવી રહ્યા હતા, ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આગામી સેકન્ડમાં જાદુ નહીં પણ મોતનો ખેલ ખેલાશે. મિનિટ ટુ મિનિટ મોતનો ખેલ રાતના સાડા આઠ વાગ્યે ડિનર સર્વ કરવાની શરૂઆત થઈ હતી. બરાબર ચાર મિનિટ પછી, જ્યારે આખું હોલ મનોરંજનમાં ડૂબેલું હતું, ત્યારે મુખ્ય સિક્યુરિટી ચેકપોઈન્ટ પાસેથી ગોળીબારના અવાજો આવ્યા. 8 વાગીને 35 મિનિટે જ્યારે શૉટ્સ ફાયર્ડની બૂમો પડી, ત્યારે આખા હોલમાં અફરાતફરી મચી ગઈ. સિક્રેટ સર્વિસના એજન્ટોએ પ્રોટોકોલ મુજબ ટ્રમ્પને ઘેરી લીધા, પણ અહીં એક મહત્ત્વનો ફેલ્યોર પોઈન્ટ જોવા મળ્યો. લાચાર અને ગભરાયેલા ટ્રમ્પ લપસ્યા ટ્રમ્પ જ્યારે સ્ટેજ પરથી ઉતરવાની ટ્રાય કરી રહ્યા હતા, ત્યારે તેઓ લપસી પડ્યા. આ એક એવી ક્ષણ હતી જ્યાં અમેરિકન પ્રમુખની લાચારી અને સુરક્ષા એજન્સીઓની ગભરામણ સ્પષ્ટ દેખાઈ આવતી હતી. 2,600થી વધુ મહેમાનો, જેઓ દેશની ક્રીમ ગણાય છે, તેઓ જીવ બચાવવા માટે ટેબલો નીચે છુપાઈ ગયા હતા. 8 વાગીને 45 મિનિટે હુમલાખોર કોલ થોમસ એલનને કાબૂમાં લેવામાં આવ્યો ત્યારે ખબર પડી કે તેની પાસે 12-ગેજની કિલર શૉટગન અને પોઈન્ટ 38 કેલિબરની હેન્ડગન હતી. એક શૂટર આટલા હાઈપ્રોફાઈલ કાર્યક્રમમાં આટલા હથિયારો સાથે કેવી રીતે પહોંચી ગયો? તે પ્રશ્ન જ 2026ની સૌથી મોટી સુરક્ષા નિષ્ફળતા છે. અમેરિકાની સુરક્ષા વ્યવસ્થામાં છીંડા? તપાસમાં જે સૌથી ચોંકાવનારી વાત બહાર આવી તે એ હતી કે હુમલાખોર કોલ એલન શુક્રવારથી જ તે હોટલમાં મહેમાન તરીકે રોકાયો હતો. સુરક્ષા એજન્સીઓએ બહારના લોકો માટે કડક ચેકિંગ રાખ્યું હતું, પરંતુ હોટલના ઈન્ટરનલ ગેસ્ટ લિસ્ટ અને તેમના હિલચાલ પર કદાચ પૂરતું ધ્યાન અપાયું નહોતું. હોટલના રૂમમાં હથિયારો છુપાવવા અને પછી તેને ફર્સ્ટ લેવલ સિક્યોરિટી એટલે કે મેગ્નેટોમીટર સુધી લઈ જવા એ સૂચવે છે કે હુમલાખોરે પોતાના પ્લાનને અંજામ આપવા માટે સ્ટડી કરી હશે. પોલીસનો અતિ આત્મ વિશ્વાસ કારણ? આ ઘટના પર ઘણા એક્સપર્ટે કહ્યું કે આ એક સેકન્ડની ચૂક નહીં પણ પૂરી સિસ્ટમેટિક ફેલ્યો હતી. જો સિક્રેટ સર્વિસ પાસે એડવાન્સ ઇન્ટેલિજન્સ હોત કે એક વ્યક્તિ જેનો રેકોર્ડ શંકાસ્પદ છે તે હોટલમાં રોકાયો છે, તો કદાચ આ ઘટના ટળી શકી હોત. આ ઘટનાએ એ સાબિત કરી દીધું કે 2026માં ટેકનોલોજી અને AIના જમાનામાં પણ, હ્યુમન ફેલ્યોર અને અતિ આત્મવિશ્વાસ કોઈ પણ સુરક્ષાના અભેદ્ય કિલ્લાને ભેદી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ ફાઈટરથી ફ્રાઈટન્ડ હુમલાના 2 કલાક પછી, રાત્રે બરોબર સાડા દસ વાગ્યે ટ્રમ્પ વ્હાઇટ હાઉસથી લાઈવ દેખાયા. તેમણે ફરીથી તે જ ફાઈટર લુક અપનાવ્યો હતો જે 2024માં બટલર પેન્સિલવેનિયાના હુમલા વખતે જોવા મળ્યો હતો. પરંતુ અહીં વિશ્લેષણ એ કરવાનું છે કે શું આ ઈમેજ રિયાલિટી સાથે મેળ ખાય છે? જ્યારે ગોળીઓ ચાલી રહી હતી, ત્યારે જે ડર અને અફરાતફરી વીડિયો ફૂટેજમાં દેખાય છે, તે ટ્રમ્પની અજેય નેતાની છબી સાથે વિરોધાભાસ પણ છતો થાય છે. ટ્રમ્પનું તે નિવેદન કે તેમણે સિક્રેટ સર્વિસને થોડા ધીમા થવા કહ્યું હતું જેથી તેઓ જોઈ શકે કે શું થઈ રહ્યું છે, તે અત્યંત ગંભીર બાબત છે. એક રાષ્ટ્રીય નેતા જ્યારે પોતાની પર્સનલ ક્યુરિયોસિટીને સુરક્ષા પ્રોટોકોલ કરતા ઉપર રાખે, ત્યારે તે માત્ર પોતાનો જ નહીં પણ આસપાસના હજારો નિર્દોષ લોકોનો જીવ જોખમમાં મૂકે છે. આ કહી જાય છે કે ટ્રમ્પ સુરક્ષાને એક પોલિટિકલ પર્ફોર્મન્સ તરીકે જુએ છે, જે લાંબાગાળે દેશની સિક્યોરિટી ઓર્ગેનાઈઝેશન્સના મનોબળને તોડી શકે છે. રાજકીય હિંસાનો વધતો ગ્રાફ (2024-2026) આ હુમલો કોઈ અચાનક બનેલી ઘટના નહોતી. જો આપણે 2024 થી 2026ના ગાળાને જોઈએ, તો અમેરિકામાં રાજકીય હિંસાની એક નવી પેટર્ન ઉભરી આવી છે. US હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના મેજોરિટી લીડર સ્ટીવ સ્કેલિસ પર થયેલો હુમલો હોય, ટ્રમ્પના દોસ્ત અને કટ્ટર સમર્થક ચાર્લી કિર્ક પર ગોળીબાર હોય કે જસ્ટિસ્ટ બ્રેટ કેવેનોના ઘર પાસે થયેલી ઘટના, અમેરિકન રાજનીતિ હવે સંવાદથી હટીને હિંસા તરફ વળી રહી છે. 25 એપ્રિલની ઘટના એ વાતની પુષ્ટિ કરે છે કે હવે અમેરિકામાં કોઈ પણ પક્ષના નેતા સુરક્ષિત નથી. પોલિટિકલ પોલેરાઈઝેશન એટલું વધી ગયું છે કે સામાન્ય માણસો હવે મતની જગ્યાએ બંદૂકથી પોતાનું જોર દેખાડવા લાગ્યા છે. એન્જિનિયર એસેસિન કેમ બન્યો? જ્યારે પણ કોઈ હુમલો થાય છે, ત્યારે લોકો સૌથી પહેલા હુમલાખોરનું નામ અને ધર્મ શોધે છે. પરંતુ 25 એપ્રિલના હુમલાખોર કોલ થોમસ એલનની પ્રોફાઈલે અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સીઓના હોશ ઉડાવી દીધા છે. 31 વર્ષના એલન કોઈ હાંસિયામાં ધકેલાયેલો કે અભણ ગુનેગાર નહોતો. તે કેલિફોર્નિયાના ટોરન્સનો રહેવાસી અને વિશ્વ વિખ્યાત કેલ્ટેક જેવી સંસ્થામાંથી સ્નાતક થયેલો મિકેનિકલ એન્જિનિયર હતો. જે હાથોએ મશીનોની ડિઝાઇન બનાવવી જોઈતી હતી, તે હાથોમાં શૉટગન કેવી રીતે આવી? આ પ્રશ્ન જ 2026ના અમેરિકાની સૌથી મોટી કરૂણતા છે. અમેરિકન મિડલ ક્લાસમાં વધતી કટ્ટરતા એલન એક ફેમસ ટીચર પણ હતો અને તેને ટીચર ઓફ ધ મન્થનો એવોર્ડ પણ મળ્યો હતો. તેની આ ઈમેજ કહી જાય છે કે રેડિકલાઈઝેશન એટલે કે કટ્ટરતા હવે ખાલી ગરીબ વસ્તીમાં જ નહીં અમેરિકાના મિડલ ક્લાસ સુધી પણ પહોંચી ગઈ છે. મિડલ ક્લાસ લોકો હવે નાર્સિસિસ્ટિક ઈન્ફેમી એટલે કે ખરાબ કામ કરીને અમર થવાના વૈચારિક ઝેરનો શિકાર બની રહ્યા છે. જ્યારે સમાજમાં ખૂબ જ પોલેરાઈઝેશન હોય, ત્યારે એલન જેવા શિક્ષિત યુવાનોને લાગે છે કે તેઓ સિસ્ટમને સુધારવા માટે હિંસાનો માર્ગ અપનાવીને ઇતિહાસમાં અમર થઈ જશે. ટ્રમ્પ પર ગોળીઓ ચલાવતા પહેલા તેણે એક મેનિફેસ્ટો પણ લખ્યું હતું જેનું ટાઈટલ હતું ફ્રેન્ડલી ફેડરલ એસેસિન. તેણે આ મેનિફેસ્ટો તેના ભાઈને પણ આપ્યો હતો જેણે આ ડોક્યુમેન્ટ પોલિસીને આપ્યું હતું પણ પોલીસે આ વાતનું ધ્યાને પણ લીધું ન હતું. ડોક્યુમેન્ટમાં તેણે પોતાને હત્યારો નહીં પણ સુધારક ગણાવ્યો છે. તેણે ટ્રમ્પ સરકારના કામોને દેશદ્રોહી ગણાવ્યું છે. ચોંકાવનારી વાત તો અહીં એ છે કે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર એન્ટી ટ્રમ્પ કન્ટેન્ટ સિવાય એન્ટી ક્રિશ્યન સેન્ટિમેન્ટ પણ મળી આવ્યા છે. ટૂંકમાં આ કોઈ સરકારનો કે પોલિટિકલ પાર્ટીના વિરોધી સિવાય સિસ્ટમનો જ દુશ્મન બની ગયો હતો. FBI ડાયરેક્ટર કાશ પટેલ હવે કહી રહ્યા છે કે મેનિફેસ્ટો મામલે તપાસ થશે પણ પણ હકીકત એ છે કે લોહી વહી ચૂક્યું છે. જ્યારે તેણે મેનિફેસ્ટો લખ્યો હતો અને તેના ભાઈએ તેને પોલિસને આપ્યો હતો ત્યારે જ કડક પગલા લીધા હોત તો આજે દુનિયા સામે અમેરિકાની થું-થું ન થઈ હોત કે ન ટ્રમ્પ પર ગોળીઓ ચાલી હોત. શું અંદરનો કોઈ ષડયંત્રમાં જોડાયેલો હતો? વોશિંગ્ટન હિલ્ટન જેવી સુરક્ષિત જગ્યાએ, જ્યાં સિક્રેટ સર્વિસનો દાયકાઓનો અનુભવ છે, ત્યાં એક શૂટર શૉટગન સાથે ચેકપોઇન્ટ સુધી પહોંચી જાય તે વાત કોઈના ગળે ઉતરતી નથી. આ જ કારણ છે કે અમેરિકાના પોલિટિકલ સર્કલમાં ઇનસાઇડ જોબની થિયરીઓ જોર પકડી રહી છે. શું કોઈ સુરક્ષા કર્મચારીએ તેને મદદ કરી હતી? અથવા શું સુરક્ષા પ્રોટોકોલ્સ જાણીજોઈને ઢીલા મૂકવામાં આવ્યા હતા? જોકે સિક્રેટ સર્વિસ ડાયરેક્ટર સીન કરન આ વાતોને ફગાવી રહ્યા છે,પણ 2,600 મહેમાનોની સુરક્ષામાં આટલો મોટો ગાબડો શંકાને સ્થાન આપે જ છે. આપણને એવું થાય કે ટ્રમ્પ પર હુમલો થાય તો આપણે શું લેવાદેવા? તો હવે આ સાંભળો... જેવો હુમલો થયો કે કલાકોમાં જ ટ્રમ્પ સરકારે એન્ડ H-1B વિઝા એબ્યુઝ એક્ટ 2026 રજૂ કર્યો. એક્સપર્ટ્સનું કહેવું છે કે આવા હુમલાઓની આડમાં ટ્રમ્પ પોતાના રાજકીય ફાયદા માટેના કામો કરાવી લે છે એટલે કે જ્યારે લોઢુ ગરમ છે ત્યારે જ હથોડો લાગી જાય. જ્યારે દુનિયા અને અમેરિકા હુમલાની ચર્ચામાં વ્યસ્ત છે ત્યારે પાછલા બારણેથી વિદેશીઓ અમેરિકાની ધરતી પર ન આવે તેવા કાયદાઓ પાસ કરાવીને ઈમિગ્રેશનની ટ્રમ્પની થીયરીને વધુ મજબૂત બનાવી શકાય જેથી આવનાર ચૂંટણીમાં તેને વધુમાં વધુ ફાયદો થઈ શકે. અહીં એક ચોંકાવનાર વાત એ છે કે હુમલાખોર પોતે અમેરિકન હતો છતાં તેને બહારના જોખમ કહીને ઈમિગ્રેશન પર કડક પ્રતિબંધો મૂકવો એ માસ્ટરસ્ટ્રોક લેવલની પોલિટિક્સ છે. આ કાયદાને સાવ સિમ્પલ રીતે સમજીએ તો આ નવો કાયદો ભારતીયો માટે અમેરિકાના દરવાજા પર મસમોટું તાળું છે. જો આ લાગુ થાય, તો 2029 સુધી નવા વર્ક વિઝા એટલે કે H-1B મળવાના બંધ થઈ જશે. બીજો ફટકો એ છે કે વિદેશી એન્જિનિયરને નોકરી પર રાખવા માટે કંપનીએ તેને કરોડોમાં પગાર એટલે કે 2 લાખ ડોલર પગાર આપવો પડશે, જે કોઈ કંપનીને પોસાય નહીં. જેના કારણે, ભારતીયોને અમેરિકામાં નોકરી મળવી અશક્ય થઈ જશે. જેમને અમેરિકામાં ભણવું છે તે સ્ટુડન્ટ્સની વાત કરીએ તો તેમના માથે લટકતી આ સૌથી મોટી તલવાર છે. કારણ કે OPT પ્રોગ્રામ એટલે કે ભણ્યા પછી ત્યાં રહીને નોકરી કરવાની છૂટ બંધ થઈ જશે. એટલું જ નહીં, હવે તમે તમારા પરિવાર કે પત્ની-બાળકોને H-4 વિઝા પર સાથે પણ નહીં લઈ જઈ શકો. ટ્રમ્પનો સીધો પ્લાન છે કે ભારતથી આવતા IT એન્જિનિયર્સનો રસ્તો રોકી, સિલિકોન વેલીની તમામ નોકરીઓ ફક્ત અમેરિકનો માટે જ રિઝર્વેશનમાં રાખવી. ગ્લોબલ પોલિટિકલ એક્સપર્ટ ઈયાન બ્રેમરે આ ઘટના પર કહ્યું છે કે, "અમેરિકા હવે તે નિયમો પ્રમાણે રમવા નથી માંગતું જે તેણે પોતે બનાવ્યા હતા. અમેરિકા હવે ગ્લોબલ પોલીસ મટીને આઇસોલેશનિઝમ એટલે કે એકલતા તરફ જઈ રહ્યું છે." અધૂરામાં પૂરું અમેરિકાના નેતાઓ ખુદ સ્વીકારે છે કે તેઓને હવે 20મી સદીમાં હતા તેવા નેતા નથી રહેવું. અને એટલા માટે જ લગભગ H-1B વિઝા જેવા પ્રોગ્રામ્સને નિશાન બનાવી રહ્યા છે, જે ખરેખર એક સમયે અમેરિકાની તાકાત ગણાતા હતા. ડિનર ટેબલ સુધી પહોંચેલું અમેરિકન ગન કલ્ચર અમેરિકામાં ગન વાયલન્સ હવે માત્ર શાળાઓ કે મેટ્રો સ્ટેશન સુધી લિમિટેડ નથી રહ્યું. આ લોન વુલ્ફ હુમલાએ સાબિત કર્યું છે કે જ્યાં દેશના સૌથી શક્તિશાળી લોકો બેઠા હોય, ત્યાં પણ મોત ગમે ત્યારે દસ્તક દઈ શકે છે. કોલ એલન જેવા લોન વુલ્ફ હુમલાખોરો કોઈ ઓર્ગેનાઈઝેશન સાથે જોડાયેલા હોતા નથી, પણ દેશની અંદર જ સરકારના કારણે પેદા થાય છે. "ધ વાઈડ અવેક્સ" અને "નો કિંગ્સ" જેવા આંદોલનો અમેરિકામાં અરાજકતાવાદી વિચારધારાના ઉદયનું મૂળ છે, જે લોકશાહીના પાયા હચમચાવી રહ્યા છે. શું હવે અમેરિકન ડ્રીમ્સ પર કાતર ફરશે? ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ કોઈ દેશ આઘાતમાં હોય છે, ત્યારે સત્તાધીશો એવા નિર્ણયો લે છે જે સામાન્ય સંજોગોમાં અશક્ય હોય છે. 25 એપ્રિલના હુમલા બાદ અમેરિકામાં પણ આવું જ થયું. પ્રમુખ પર થયેલા હુમલાના તરત બાદ'ઈમિગ્રેશન' વિરુદ્ધના શસ્ત્ર તરીકે કરવામાં આવ્યો. એરિઝોનાના કોંગ્રેસમેન એલી ક્રેન અને બ્રાન્ડન ગિલ જેવા નેતાઓએ રજૂ કરેલો એન્ડ H-1B વિઝા એબ્યુઝ એક્ટ એ માત્ર એક કાયદો નથી, પણ વિદેશી પ્રતિભા સામેની દીવાલ છે. આ બિલમાં 3 વર્ષનો સંપૂર્ણ વિઝા ફ્રીઝ અને લઘુત્તમ વેતન 2 લાખ ડોલર કરવાની જે જોગવાઈ છે, તે સીધી રીતે ભારતીય IT એન્જિનિયર્સને અમેરિકાની બહાર રાખવાનું સમજેલું અને વિચારેલું કાવતરું છે. પણ સિલિકોન વેલીના ટેક જાયન્ટ આ કરારને અમેરિકન કોર્ટમાં ચેલેન્જ આપી શકે છે કારણ કે જો તેમને ભારતનું ટેલેન્ટ નહીં મળે તો આવનાર સમયમાં ટેક જાયન્ટ અમેરિકા નહીં પણ ચીન બની શકે છે. જે અમેરિકા કોઈ પણ ભોગે સહન નહીં કરી લે. ટૂંકમાં ગૂગલ, માઈક્રોસોફ્ટ કે એપલ જેવી મોટી કંપનીઓ ભારતીય મગજ પર ટકેલી છે. જો કે ભારત સરકાર અમેરિકાને આ વિષય પર કેવી રીતે જવાબ આપશે તે જોવાનું રહ્યું. અમેરિકાનો નાગરિક બનવો હવે એક સપનું? જો આ વિઝા પર બેન લાગી જાય તો તેની સૌથી મોટી ખોટ ગુજરાતના એ લોકો પર થશે જે અમેરિકા જઈને ડોલરમાં કમાવવાના સપના જુએ છે. આ વિઝા પ્રતિબંધની સૌથી ઊંડી અને ગંભીર અસર ગુજરાત પર થવાની છે. ગુજરાતના મહેસાણા, આણંદ, અમદાવાદ અને ગાંધીનગર જેવા જિલ્લાઓ દાયકાઓથી અમેરિકામાં કામ કરવા માટે લોકો જાય છે. H-1B વિઝા એ ગુજરાતના મિડલ ક્લાસના વ્યક્તિ માટે માલામાલ થવાની ઓપોર્ચ્યુનિટી હોય છે. પણ 2026માં આ કાયદો લાગુ થઈ જાય તો લાખો લોકોના ડોલરિયા સપના પર પાણી ફરી વળશે. ઓપીટી પ્રોગ્રામ રદ થવાથી હજારો ગુજરાતી વિદ્યાર્થીઓ જેઓ લાખોની લોન લઈને અમેરિકા ભણવા ગયા છે, તેઓ હવે ડિગ્રી બાદ ત્યાં કામ કરી શકશે નહીં. આ એક આખું એજ્યુકેશનલ ઈન્વેસ્ટમેન્ટ ડૂબી જવા જેવી સ્થિતિ છે. ટ્રમ્પના કારણે યુવાનો વાંઢા થશે? ગુજરાતી સમાજમાં NRI વરરાજાનું હમણા એક પ્રકારનું ચલણ વધ્યું છે. પણ નવા કાયદા મુજબ જો H-4 પર બેન મુકાય, તો H-1B હોલ્ડર્સ પોતાની લાઈફ પાર્ટનર કે બાળકોને અમેરિકા સાથે રાખી શકશે નહીં. આ જોગવાઈ ગુજરાતના લગ્ન બજારમાં ભૂકંપ પણ લાવી શકે છે. હવે પરિવારો અમેરિકામાં રહેતા યુવાનોને બદલે કેનેડા કે ઓસ્ટ્રેલિયાના જઈ ત્યાં વસેલા નિવાસીઓને પ્રાયોરિટી આપી શકે. ગ્રીન કાર્ડની આશા પર ટકેલા હજારો પરિવારોનો હવે વારો ચડી શકે એમ છે કારણ કે લગભગ તેમને પાછું ભારત આવવાના પણ એંધાણ આવી શકે છે. આ સામાજિક વિઘટન ગુજરાતના ગામડાઓ અને શહેરોમાં જોવા મળી શકે છે. ગુજરાતમાં ડોલરિયો પ્રવાહ ઘટી શકે ગુજરાતમાં મોટા ભાગના લોકો અમેરિકા કે વિદેશમાં વસીને ત્યાં રૂપિયા કમાવીને ભારત મોકલતા હોય છે. આ વિદેશથી આવતા રૂપિયાને રેમિટન્સ કહેવાય છે. વિદેશમાં કમાવીને ઘણા ગુજરાતીઓ રિયલ એસ્ટેટ જેવા માર્કેટમાં રૂપિયા રોકતા હોય છે. જો વિઝા જ બંધ થઈ જાય અને 2 લાખ ડોલરના વધુમાંમાં વધુ પગારની શરત પણ લાગુ થઈ જાય તો ભારતીય કે ગુજરાતી સોફ્ટવેર એન્જિનિયરનો પાછો પ્રવાહ ચાલુ થશે. જે લોકોએ અમેરિકાના ન્યૂ જર્સી કે શિકાગોમાં ઘર લીધેલા છે તેમને પોતાની મિલકત છોડીને આવવું લોઢાના ચણા ચાવવા જેવું થશે. ટૂંકમાં આ એક પ્રકારનું ચેઈન રિએક્શન છે જેની અસર બધા માર્કેટમાં જોવા મળશે. ભારત સર્વિસ પ્રોવાઈડર નહીં પ્રેડક્ટ મેકર! જો કે આપણે સિક્કાની બીજી બાજુ પણ જોવી પડશે. જો અમેરિકામાં આ કરાર લાગુ થઈ જાય તો રિવર્સ બ્રેન ડ્રેન થશે. ટૂંકમાં ભારતની એઆઈ અને ટેક ઈકોસિસ્ટમને બુદ્ધિશાળી મગજ મળશે તો દુનિયાની સૌથી મોટી ટેક કંપની ભારતમાં પણ બની શકે. ભારત સ્કિલ્ડ પ્રોફેશનલ્સને આવકારવા તૈયાર જ છે. જે ટેલેન્ટ અત્યાર સુધી અમેરિકાને ટેક્સ આપીને મજબૂત બનાવતું હતું તે હવે ભારતનું જીએસટી કલેક્શન વધારશે. જો ટ્રમ્પનો પ્લાન સફળ થઈ જાય તો ભારત સર્વિસ પ્રોવાઈડરમાંથી પ્રોડક્ટ મેકર બની જશે. પોલિટિકલ રિસ્ક રિસર્ચ અને કન્સલ્ટિંગ ફર્મ યુરેશિયા ગ્રુપના ફાઉન્ડર ઈયાન બ્રેમરનું કહેવું છે કે, "અમેરિકા હવે ખુલ્લી સરહદો નથી ઈચ્છતું જે દુનિયાભરના લોકોનું સ્વાગત કરતી હતી." આ બદલાતું અમેરિકા ભારત માટે ચેતવણી પણ છે અને બોધપાઠ પણ. અને છેલ્લે,,, થોડા સમય પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ ટ્રુથ પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે ભારત અને ચીનના લોકોને ગેંગસ્ટર્સ વિથ લેપટોપ કહ્યા હતા. ટ્રમ્પની આ પોસ્ટ સુપર બ્રેઇન માટે જ હતી. હકિકતમાં આ લોકો ગેંગસ્ટર્સ નથી.એમના પર હુમલો કરનાર વ્યક્તિ હતો એ ગેંગસ્ટર નીકળ્યો. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
    Click here to Read More
    Previous Article
    AAP से BJP में गए Raghav Chadha को लाखों ने किया Unfollow, वीडियो में किसे कहा Toxic? | Social List
    Next Article
    સુરત SBIમાં બંદૂકની અણીએ 13 મિનિટમાં 50 લાખની લૂંટ,એક્સક્લૂઝિવ CCTV:કેશવાનની 40 મિનિટ રાહ જોઈ, 6 લૂંટારાઓએ કર્મચારીઓને બંધક બનાવ્યા; સ્પોર્ટ્સ બાઈક પર રફૂચક્કર

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment