Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: ગુજરાતમાં બે મોટા અપસેટ:અમદાવાદમાં ખાડિયાની હાર ભાજપ માટે એલાર્મિંગ, કૉંગ્રેસ વિપક્ષને લાયક, ચૈતરે AAPની લાજ રાખી, 6 પોઇન્ટમાં સટિક એનાલિસિસ

    12 hours ago

    1924માં સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા. એ વખતનું અમદાવાદ એટલે ખાડિયા. આ વિસ્તારમાં સૌથી વધારે સમસ્યા હતી તો એ પાણીની હતી. ગંદુ પાણી આવે, ગટર નહોતી એટલે રસ્તા પર ગંદકી વહ્યા કરતી. ફરિયાદ સરદાર પટેલ પાસે પહોંચી એટલે પોતે ખાડિયા ગયા. બે દિવસ સુધી લોકોને મળી સમસ્યા જાણી. તાબડતોબ સરદાર પટેલે ઘરે ઘરે નળ પહોંચાડવા અને ગટર નાખવાનો આદેશ આપ્યો. અમદાવાદ શહેરમાં સૌથી પહેલા પાણીનાં નળ ખાડિયામાં નાખવામાં આવ્યાં હતાં, સૌથી પહેલી ગટર લાઇન પણ આ વિસ્તારમાં નાખવામાં આવી. આ ખાડિયામાં 70 વર્ષથી ભાજપનો દબદબો છે. ખાડિયા અને ભાજપ પર્યાય બની ગયા છે. આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આવ્યા તેમાં ક્યાંક ક્યાંક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની જીતના સમાચાર ભાજપને હળવા આંચકા આપતી રહી. પણ ભાજપને મોટો ઝડકો ત્યારે લાગ્યો જ્યારે ભાજપના ગઢ ખાડિયામાં કોંગ્રેસની પેનલ જીતી. ખાડિયામાં ભાજપનો જન્મ થયો હતો તે પાણીની સમસ્યા દૂર થઈ એટલે થયો હતો. હવે ભાજપે ખાડિયા ગુમાવી દીધું છે તેનું કારણ પણ અત્યારે વકરેલી પાણીની સમસ્યા છે. નમસ્કાર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં કોને કેટલી સીટ મળી તેના સચોટ આંકડા આજે મોડી રાત સુધીમાં આવશે. આપણે આંકડામાં નથી પડવું પણ અત્યાર સુધીનું જે ચૂંટણી ચિત્ર આપણી સામે આવ્યું છે. તેની વાત કરવાની છે. ભાજપની લેબોરેટરી ગણાતા ગુજરાતે પક્ષોને વિચારતા કરી દે તેવું મતદાન કર્યું છે. ભલે સત્તા ભાજપના જ હાથમાં રહી છે પણ ગુજરાતે વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટીને જાકારો આપ્યો છે. સુષુપ્ત થઈ ગયેલી કોંગ્રેસને વિપક્ષમાં રહેવાની તક મળી છે. કોંગ્રેસે ભવિષ્યમાં મજબૂત બનવું હશે તો ગુજરાતમાં મજબૂત વિપક્ષ તરીકે ઊભરવું પડશે. જે રીતે વોટિંગ થયું તે જોતાં એક વાત તો સ્પષ્ટ છે કે લોકોને ભાજપ પર વિશ્વાસ તો છે પણ કોંગ્રેસ પરથી સાવ વિશ્વાસ ગુમાવ્યો નથી. પરિણામો જોતાં આ ચૂંટણીમાં EVM પણ વગોવાયું નથી. 2027ની વિધાનસભાની ફાઈનલ ચૂંટણી પછી આજની સેમિફાઈનલ ચૂંટણીના પરિણામોમાંથી પાંચ પરિમાણો ઊભરીને સામે આવ્યા છે. તેના પરથી એવું લાગે છે કે આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલાં દરેકે મનોમંથન કરવું પડશે. ભાજપે, કોંગ્રેસે અને મતદાર તરીકે આપણે સૌએ. ચૂંટણી પરિણામો પછીના છ સૂચિતાર્થો… 1. ખાડિયામાં 70 વર્ષ પછી કોંગ્રેસ, ભાજપે પોતાના જ ઉદ્દભવ સ્થાનમાં ક્યાં થાપ ખાધી? શરૂઆતમાં વાત કરી તેમ, પાણી જેવી સિવિક સમસ્યાના કારણે ખાડિયા પછાત વિસ્તાર રહ્યો. વિફરેલા મતદારોએ ભાજપની વિરૂદ્ધમાં મતદાન કરીને મોટો આંચકો આપ્યો. ખાડિયા એટલે આમ તો ભાજપનું ઉદ્દભવ સ્થાન. ખાડિયા ગોલવાડની એક ઇમારતમાં 1972માં જનસંઘ અને એ પછી 1980માં ભાજપનું પહેલું ગુજરાત પ્રદેશ કાર્યાલય કાર્યરત થયું હતું. ભાજપ પ્રદેશ કાર્યાલયનું સ્થળાંતર થતાં આ ઇમારત દાયકાઓ સુધી ખંડેર સ્થિતિમાં મૂકાઈ હતી. જોકે, તેને 'વસંત સ્મૃતિ' તરીકે જાળવી રાખવામાં આવી અને 2015માં તેનું ભાજપે રિનોવેશન કરાવ્યું હતું. 1977માં તત્કાલીન વિદેશ મંત્રી અટલ બિહારી વાજપેયીએ દીપ પ્રગટાવી 'વસંત સ્મૃતિ'નું ઉદ્ઘાટન કર્યું હતું. ત્રણ દાયકા સુધી ખાડિયા બેઠક પરથી ભાજપના અશોક ભટ્ટ સતત વિજેતા થતા રહ્યા. ને હરીન પાઠકે સંસદમાં આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું. ખાડિયામાં ભાજપે 2017માં વિધાનસભા બેઠક ગુમાવી. આ પક્ષ માટે મોટો ઝટકો હતો. 42 વર્ષ બાદ ખાડિયા ભાજપના હાથમાંથી સરકીને કોંગ્રેસના હાથમાં આવી ગયું. કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન ખેડાવાલાએ ખાડિયા બેઠક જીતી ધારાસભ્ય બન્યા. આ પહેલાં 1971માં કોંગ્રેસના ઉમેદવાર ડૉ. અજીત પટેલની જીત થઈ હતી. પણ મનપામાં વર્ષો સુધી, સાત દાયકાથી ભાજપની જ પેનલ ચૂંટાતી હતી. 70 વર્ષ પછી ખાડિયામાં કોંગ્રેસની પેનલ જીતી છે. સવાલ એ છે કે ભાજપે ખાડિયા જીતવામાં ક્યાં થાપ ખાધી? છેલ્લા પાંચ વર્ષમાં સૌથી મોટી સમસ્યા પાણીની છે. દૂષિત પાણીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. ગટરો ઉભરાવવાની સમસ્યા છે. રસ્તા યોગ્ય રીતે કરવામાં આવતા નથી અને કોટ વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની છે. વર્ષોથી ટ્રાફિકનો ઉકેલ આવ્યો નથી. ખાડિયા વોર્ડમાં નાની મોટી પોળો છે. જેમાં સવારે માંડ બે કલાક પાણી આવે છે. તેમાં પણ શરૂઆતની 30 મિનિટ દૂષિત પાણી મળે છે. પછી પાણીનું પ્રેશર ઓછું થઈ જાય. રોજેરોજની સમસ્યાથી લોકો હેરાન હતા. ભાજપના કોર્પોરેટરો પાણીની સમસ્યાના ઉકેલ માટેના વચનો આપ્યા કરતા, પણ નિરાકરણ થયું એટલે મતદારોએ જ રસ્તો કરી નાખ્યો. 2. ઓક્સિજન પર રહેલી કોંગ્રેસમાં એકાએક પ્રાણ કેમ ફૂંકાયા? ભાજપને કેટલાક મુદ્દા નડી ગયા છે. એક, લોકોની પાયાની સમસ્યાઓ દૂર થઈ નથી. ઘણા ગામડાંઓમાં, શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટનો અભાવ છે. બીજું, વિકાસ થઈ રહ્યો છે. ના નથી. પણ અમેરિકા-ઈરાન યુદ્ધ પછી લોકો ગેસના બાટલા માટે જે રીતે હેરાન થયા તેના કારણે ક્યાંક ને ક્યાંક લોકોમાં ભારોભાર રોષ હતો. આ આક્રોશ ઈવીએમ સુધી પહોંચ્યો. તેનો ફાયદો કોંગ્રેસને મળ્યો. ત્રણ-ત્રણ દાયકા સુધી ગુજરાતમાં સત્તામાં હોવા છતાં ભાજપે જે રીતે શહેરોનો વિકાસ કર્યો છે તેવો વિકાસ તાલુકાઓ કે ગામડાં સુધી પહોંચ્યો નથી. ચૂંટણી પ્રચાર વખતે ભાજપના ઉમેદવારો ગયા ત્યાં અનેક સ્થળોએ તેમનો વિરોધ થયો. આ બધા પાસાં જોઈએ તો લોકોએ બીજા ઓપ્શન તરીકે કોંગ્રેસ પર કળશ ઢોળ્યો છે. આમ આદમી પાર્ટી પાસે ઈસુદાન ગઢવી ને ગોપાલ ઈટાલિયા સિવાય કોઈ એવો ચહેરો નથી. ઈટાલિયાનો બેફામ વાણી વિલાસ લોકોએ સ્વિકાર્યો નહીં. બીજું, રાઘવ ચઢ્ઢા હમણાં જ આપ છોડીને ભાજપમાં ગયા, તે પણ લોકોએ માર્ક કર્યું. આ બધી બાબતો આમ આદમી પાર્ટીને નડી ગઈ. કોંગ્રેસે આ વખતે એડ કેમ્પેન કર્યું તે અસરકારક રહ્યું. AIની મદદથી રસ્તા, પાણી, ગટરના મુદ્દા ઉઠાવ્યા ને નવું સૂત્ર 'હવે તો સમજો, લઈ આવો પંજો..' પણ લોકો સુધી પહોચ્યું. એટલે જ ધાર્યા ઉમેદવાર હાર્યા ને અણધાર્યા ઉમેદવાર જીતી ગયા. 2021ની સાપેક્ષમાં આ વખતે એકાદ-બે તાલુકા પંચાચત અને નગર પાલિકામાં કોંગ્રેસનું શાસન આવ્યું છે. 3. હિન્દુ- મુસ્લિમ કાર્ડને મુસ્લિમ મતદારોનો જાકારો ગુજરાતમાં જ્યાં મુસ્લિમ મતદારોની વસ્તી વધારે છે ત્યાં ભાજપને તકલીફ પડી છે. એવી ઘણી બેઠકો છે જ્યાં ભાજપને જાકારો મળ્યો છે ને કોંગ્રેસ તરફી વોટિંગ થયું છે. રાજકોટ પણ ભાજપનો ગઢ ગણાય. છતાં મુસ્લિમ વિસ્તારમાં કોંગ્રેસની પેનલ જીતી. ગુજરાતમાં મુસ્લિમ ડોમિનેટેડ વિસ્તારમાં જે ઊલટફેર થયો એવી ત્રણ ઘટના બની. જંગલેશ્વર : રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર. આખો વિસ્તાર મુસ્લિમોનો. ગયા મહિને બહુ મોટાપાયે ડિમોલિશન થયું. વિસ્તાર ખાલી થઈ ગયો. મુસ્લિમ બહુમતીવાળા આ વિસ્તારના મતદારોએ ડિમોલિશનનો રોષ EVMમાં ઠાલવ્યો. ભાજપના ગઢ ગણાતા રાજકોટમાં કોંગ્રેસની પેનલ જીતે તેે ભાજપ માટે અપસેટ ગણાય. જામનગર : હવે વાત જામનગરની. જામનગરમાં રીવાબાના કહેવાથી વોર્ડ-1માં ભાજપે ત્રણ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી, તે ત્રણેય જીતી ગયા. નવાઈની વાત એ છે કે વોર્ડ-1માં મુસ્લિમ વસ્તી વધારે છે ને આઝાદી પછી આ વોર્ડમાં ભાજપ આવ્યો નથી. આ વખતે પહેલીવાર ભાજપે જીત મેળવી તે પણ મુસ્લિમ ઉમેદવારોના જોરે. પણ જામનગરમાં વોર્ડ-12ના મુસ્લિમ ઉમેદવારોએ ભાજપને વિચારતો કરી દીધો છે. ચૂંટણી પહેલા આપના અસલમ ખીલજી અને કોંગ્રેસના અલ્તાફ ખફી સામે ગુજસીટોકનો ગુનો નોંધી જેલભેગા કરાયા હતા. બંને જેલમાંથી વોર્ડ-12માં લડ્યા ને જીતી ગયા. આ વોર્ડમાં મુસ્લિમ મહિલા ઉમેદવારો આપના જેનબબેન ખફી અને કોંગ્રેસના સહારાબેન મકવાણાનો વિજય થયો છે. એટલે આ વિસ્તારના મતદારોએ ભાજપ સામે રોષ ઠાલવ્યો છે. બહિયલ : દહેગામ જિલ્લા પંચાયતની એક બેઠક છે- બહિયલ. અહીંયા 7 મહિના પહેલાં કોમી રમખાણ થયા હતા. ઉત્તરપ્રદેશના કાનપુરમાં 'I Love Muhammad' લખાયેલા બેનર લાગ્યાં. તેની આગ બહિયલ સુધી પહોંચી. નવરાત્રિમાં ચાલુ ગરબીમાં પથ્થરમારો થયો ને તોફાન ફેલાયાં. આ ગામમાં કાયમ કોંગ્રેસ જ જીતે. બહિયલમાં ક્યારેય ભાજપનો ગજ વાગ્યો નથી. આ વખતે પહેલીવાર બહિયલમાં ભાજપની જીત થઈ. ગોધરા : 100% મુસ્લિમ વસ્તી ધરાવતા ગોધરામાં અપસેટ થયો છે. અહીં વોર્ડ 7 માંથી અપક્ષ હિન્દુ મહિલા ઉમેદવાર અપેક્ષાબેન સોની જીતી ગયા છે. આનો મતલબ એવો થયો કે મતદારોએ આ ચૂંટણીમાં ઉમેદવારનો ચહેરો પણ જોયો છે, જે કામ કરી જાણે. 4. આદિવાસી વિસ્તારની જિલ્લા પંચાયતમાં AAPની એન્ટ્રી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય છે અને આદિવાસી વિસ્તારમાં, આદિવાસીઓના હક્ક માટે લડતા આવ્યા છે. છેલ્લા એક વર્ષથી ચૈતર વસાવાએ કવાંટ આસપાસના 28 ગામોના વિસ્થાપિતોનો મુદ્દો ઉઠાવ્યો હતો. ડેમ બાંધવાના પગલે 28 ગામોના સ્થળાંતરનો વિરોધ સતત થતો આવ્યો છે. ચૈતર વસાવાએ ગ્રાઉન્ડ ઝીરોએ જઈ આ મુદ્દો ઉપાડ્યો હતો અને તેનું પરિણામ એ આવ્યું કે નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીએ કબજે કરી છે. નર્મદાનું મથક રાજપીપળા છે અને હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના વિસ્તારમાં આપનો દબદબો વધી રહ્યો છે. આદિવાસીઓની વાત કરીએ તો આદિવાસીઓ વર્ષોથી કોંગ્રેસની વોટબેન્ક રહ્યા છે પણ કવાંટ પંથક ભાજપનો ગઢ રહ્યો છે. છતાં આ વખતે ભાજપનો આ ગઢ તૂટ્યો છે ને આપની એન્ટ્રી થઈ છે. આ વિસ્તારના જીતેલા આપના ઉમેદવારે મીડિયાને કહ્યું કે, જેવું અયોધ્યામાં થયું હતું, તેવું કવાંટમાં થયું. બંને જગ્યાએ ભાજપની હાર થઈ. 5. 2027માં ભાજપે માઈક્રોપ્લાનિંગ કરવું પડશે 2027માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તૈયારી માટે એક વર્ષ બહુ ઓછો સમય ગણાય. તેના વર્ષ પહેલાં આ સેમિફાઈનલ જેવી ચૂંટણીમાં ભાજપને 2021 કરતાં થોડી મ્હાત મળી. કેટલીક પંચાયત, પાલિકામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ. ખાડિયા જેવી કેટલીક જગ્યાએ ભાજપની આખી પેનલ હારી. ભાજપને આ ચૂંટણીમાં ક્યાંક ઘારાં પડ્યાં. ભાજપે એ ન ભૂલવું જોઈએ કે જો આ ઘારાંનો ઈલાજ કરવામાં નહીં આવે તો ઘા ઊંડો થઈ શકે છે. ચૂંટણી પહેલાં સુરતમાં હવા ઊભી થઈ હતી કે આમ આદમી પાર્ટી જીતે છે ને ભાજપ હારે છે. ચૂંટણી પ્રચારમાં આમ આદમી પાર્ટી બાજી મારી ગઈ. જનમેદની જોઈને ભાજપના નેતાઓના કપાળે સળ પડી. અધૂરામાં પૂરું પાટીદાર સગીરાની છેડતીનો મુદ્દો ભારે ચગ્યો. આ બધા વચ્ચે પરિણામો આવ્યા તેમાં આમ આદમી પાર્ટીનું સુરતમાં સૂરસૂરિયું થઈ ગયું. ગઈ ચૂંટણીમાં AAPએ સુરતમાં 27 બેઠકો જીતી હતી. આ વખતે વોર્ડ-16માં માંડ 4 બેઠક જીતી. આમ આદમી પાર્ટીના ગુજરાતના મહામંત્રી મનોજ સોરઠિયા પણ હાર્યા. ભાજપ માટે કેટલીક જગ્યાએ અપસેટ સર્જાયો પણ સૌથી મોટો અપસેટ ખાડિયામાં સર્જાયો છે. આનો મતલબ એ થયો કે ગુજરાતના મતદારોની માનસિકતા બદલાઈ છે. ભાજપથી થોડા વિમુખ થયા છે. 2027માં ભાજપે મનોમંથન કરવું પડશે, માઈક્રોપ્લાનિંગ કરવું પડશે. કારણ કે કોંગ્રેસમાં નવો સંચાર થયો છે એટલે તે પણ 2027ની તૈયારી અત્યારથી કરશે. 6. પોલિટિકલ લાભ લેવા માગતા હાર્યા આ ચૂંટણીમાં ઘણા યૂટ્યૂબર અને ઈન્ફ્લુએન્સર, ગાયકો, IPS ઓફિસરો એવા હેતુથી ચૂંટણી લડતા હતા કે જો જીતી જવાય તો પોલિટિકલ લાભો લઈ શકાય. પાયાથી શરૂઆત કરીને ક્યાંક તો આગળ પહોંચી શકાય. પણ આમાંથી જે પોલિટિકલ લાભ લેવાના હેતુ જ ચૂંટણી લડ્યા હતા તેમની હાર થઈ છે. જેમ કે, પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી જૂનાગઢ જિલ્લા પંચાયતની સીટ હાર્યા. આપના મહામંત્રી મનોજ સોરઠિયા પાટીદાર ગઢ ગણાતા વોર્ડ 12માં હાર્યા. શામળાજી ઓડની ભાજપની બેઠક પરથી IPS મનોજ નીનામાની 2700 મતથી હાર થઈ છે. તો સુરતમાં આપ નેતા પાયલ સાકરિયાની હાર થઈ છે. રાજકોટમાં કોંગ્રેસી ઉમેદવાર ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબાની હાર થઈ છે. નયનાબાની હાર થવાના બે કારણો છે. એક તો કોંગ્રેસમાંથી લડતાં હતા અને ભાજપના ગઢ રાજકોટથી લડતા હતા. બીજું, રાજકોટ માટે આયાતી ઉમેદવાર ગણાય, કારણ કે નયનાબા જામનગરના છે. જેના દીકરા સામે પોલીસે એક્શન લીધા તે લોકગાયક માયાભાઈ આહિરની દીકરી સોનલ ડેર ભાજપમાંથી લાઠી તાલુકા પંચાયતની સીટ પર લડતાં હતાં પણ તેની ય હાર થઈ છે. લોકોએ માયાભાઈના નામ પર પણ મત આપ્યા નથી. જેમણે ભાજપ સામે બળવો કર્યો, એ પણ જીત્યા વાપી પાલિકામાં વોર્ડ-12માં તમામ ચાર અપક્ષ ઉમેદવારો જીત્યા. ભાજપે ટિકિટ ન આપતાં જીતુભાઈ માયાવંશીની આગેવાનીમાં પેનલ લડી ને જીતી. સુરતની કડોદરા પાલિકામાં ભાજપે ટિકિટ ન આપતાં બળવો કરીને અપક્ષ લડેલા ભોળા ભરવાડની જીત થઈ. અહીં અપસેટ સર્જાયો.. ગીર-સોમનાથના મતદારોનો ઝુકાવ કોંગ્રેસ તરફ ગીર-સોમનાથના મતદારોનો મિજાજ પારખી શકાય તેમ નથી. ઘણીવાર ભાજપ તો ઘણીવાર કોંગ્રેસ તરફ ઝુકાવ વધારે રહે છે. આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો પણ આશ્ચર્યજનક આવ્યા. તાલાલા તા.પંચાયતને ભાજપને 9, આપને 7, કોંગ્રેસને 2 સીટ મળી. કોઈ પક્ષને બહુમતી મળી નથી. બહુમતી માટે 10 સીટની જરૂર પડે. ભાજપ અને વિપક્ષ બંને પાસે 9-9 સીટ છે. હવે આગળ શું થાય છે તે જોવાનું રહ્યું. ગીર સોમનાથના એક બનાવમાં પોલીસે પગલાં લીધાં ને ભાજપને નડી ગયાં. થયું એવું કે તાલાલાની ચિતાવડ બેઠક આપના મહિલા ઉમેદવારના પતિને મતદાનની પૂર્વ રાત્રે દારૂ સાથે પકડી લીધા હતા. માહોલ એવો હતો કે આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવારના પતિ દારૂ સાથે પકડાય તો છાપ ખોટી પડે. પણ થયું ઊલટું, લોકોએ પોલીસ સામે આક્રોશ કાઢી આપના મહિલા ઉમેદવારને જીતાડી દીધા. વેરાવળ પાલિકામાં પણ 19 સીટ કોંગ્રેસના ફાળે ગઈ છે. આવું એટલા માટે થયું, કારણ કે ગુજરાતમાં કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય વિમલ ચૂડાસમા સોમનાથના છે. તેણે પરિણામ લાવી બતાવ્યું છે. તાલાલા, જૂનાગઢ ને વેરાવળમાં ભાજપ વિરોધી આક્રોશ મતપેટીમાં દેખાયો છે. છેલ્લે, મતદારોએ કોમનમેન પર વધારે પસંદગી ઉતારી છે. એક તરફ પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી કે પૂર્વ IPS ઓફિસર મનોજ નીનામા જેવા પહોંચેલા નેતા હારી ગયા છે તો મહેસાણામાં ભાજપના પટાવાળા, વડોદરામાં સ્કૂલવાન ચાલક અને બહુચરાજીમાં બંગડી વેંચનાર મહિલા ભાજપની ટિકિટ પર કોર્પોરેટર બની ગયા છે. (એનાલિસિસ : યશપાલ બક્ષી)
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પનો દાવો- ઈરાન પતનના આરે પહોંચ્યું:વહેલી તકે હોર્મુઝ સ્ટ્રેટ ખોલાવવા માંગે છે; ઈરાને કહ્યું- ટ્રમ્પનું દબાણ સહન નહીં કરીએ
    Next Article
    નવસારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ:મનપા, નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં ભગવો લહેરાયો, ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment