Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    Editor's View: બંગાળમાં 83 વર્ષે હિન્દુ પોલિટિક્સ:મોદી-શાહનું 'મિશન મમતા' આ રીતે પાર પડ્યું, તમિલનાડુમાં 6 દાયકા પછી મોટો અપસેટ, કૉંગ્રેસનો છેલ્લો ગઢ કેરળ

    10 hours ago

    ચૂંટણી પહેલાં બંગાળનાં આ ત્રણ નિવેદનો ચર્ચામાં રહ્યા હતા... - મમતા બેનર્જીએ કહ્યું હતું - સાપ પર વિશ્વાસ કરી શકાય, પણ ભાજપ પર નહીં. સમાજમાં ભાગલા પાડતી પાર્ટીઓથી બચવું જોઈએ. - અમિત શાહે કહ્યું હતું - મતદાન દરમિયાન મમતાના ગુંડાઓએ કોઈ દખલ કરી તો ઊંધા લટકાવીને સબક શીખવીશું. - PM મોદીએ કહેલું- બંગાળમાં ભાજપની જીત પછી મીઠાઈ પણ વહેંચાશે, ઝાલમુરી પણ વહેંચાશે બંગાળમાં મમતા દીદીના 15 વર્ષના શાસનનો અંત આવ્યો છે. જોડાફૂલ કરમાયું છે ને પદ્મફૂલ ખીલ્યું છે. બંગાળમાં ભાજપના આગમન સાથે 83 વર્ષ પછી હિન્દુ પોલિટિક્સની એન્ટ્રી થઈ છે. બંગાળમાં કેસરિયો લહેરાવાની સાથે જ હિન્દુત્વની રાજનીતિનો નવો યુગ શરૂ થયો છે. બીજી તરફ તમિલનાડુમાં 6 દાયકા પછી નવી પાર્ટીનો ઉદય થયો છે. એક પછી એક રાજ્યોમાંથી ફેંકાતી જતી કોંગ્રેસને કેરળે બચાવી લીધી છે. આજે પાંચ રાજ્યોની ચૂંટણીના પાસાંની વાત.. નમસ્કાર, બીજા ચાર રાજ્યો તમિલનાડુ, કેરલ, આસામ અને પુડ્ડુચેરીની ચૂંટણીની વાત કરીએ તો તમિલનાડુમાં અણધાર્યું પરિણામ આવ્યું છે. 60 વર્ષથી જયલલિતા અને પલાનીસ્વામીની પાર્ટી AIDMK (ઓલ ઈન્ડિયા દ્રવિડ મુનેત્ર કઝગમ) અને કરૂણાનિધિ- સ્ટાલિનની પાર્ટી DMK (દ્રવિડ મુનેત્ર કઝગમ)નું વારાફરતી રાજ આવ્યું છે. અત્યારે DMK સત્તામાં છે. તમિલનાડુમાં હવે આ બંને પાર્ટીનો યુગ પૂરો થઈ ગયો છે. એક્ટર થલાપતિ વિજયની પાર્ટી TVK (તમિલગા વેત્રી કઝગમ)નો ઉદય થયો છે. આ તમિલનાડુની બે જાયન્ટ પાર્ટી માટે મોટો અપસેટ છે. કેરલમાં પણ બે ટર્મ પછી ઊલટફેર દેખાય છે. કેરળ વિધાનસભાની ચૂંટણીમાં કાયમ બે પાર્ટી વચ્ચે હરિફાઈ રહી છે. લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF). છેલ્લી બે ટર્મથી LDFની સરકાર છે. આ વખતે UDFને બહુમતી મળે તેમ છે. ડૂબતી કોંગ્રેસની નાવડી કેરલ બચાવી શકે તેમ છે. આસામમાં તો અપેક્ષિત જ હતું કે ભાજપ રિપિટ થશે, પુડ્ડુચેરીમાં પણ NDA સરકાર આગળ છે. 1. બંગાળ : ખેલા હો ગયા.. 83 વર્ષ પછી હિન્દુ પોલિટિક્સ, બંગાળના હિન્દુ મતદારો ભાજપ તરફ વળ્યા 1941માં કૃષક પ્રજા પાર્ટી અને હિન્દુ મહાસભાના નેતૃત્વમાં પ્રગતિશીલ ગઠબંધને બંગાળમાં સરકાર બનાવી. જે 1943 સુધી ચાલી. ત્યારથી કોંગ્રેસ, ડાબેરીઓ અને ટીએમસી રાજ્યમાં સત્તા પર રહ્યા છે. હવે ભાજપની સરકાર સાથે 83 વર્ષ પછી હિન્દુ પોલિટિક્સ બંગાળમાં પરત ફરશે. મમતા દીદી અત્યાર સુધી જીતતાં હતાં તે મુસ્લિમ વોટરના જોરે જીતતા હતાં. બંગાળમાં કુલ 294 સીટ છે. મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ છે તેવી 112 સીટ છે. મુસ્લિમ મતદારો ઓછા છે તેવી 182 સીટ છે. મમતાની જીતનો આધાર મુસ્લિમો રહ્યા છે. આ વખતે પણ મુસ્લિમ વોટર્સના જોરે જીતી જશે, એવું માનતાં હતાં પણ એવું થયું નહીં. સવાલ એ છે કે મુસ્લિમ મતદારો TMCથી વિમુખ થયા છે કે SIRના કારણે આવું થયું છે? આ બાબતના પાંચ સૂચિતાર્થો સામે આવે છે. બંગાળમાં માછલીના જોરે હિન્દુ મતોનું ધ્રુવીકરણ!! મમતા બેનર્જીએ પુરુલિયામાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, જો ભાજપ સત્તામાં આવશે તો માછલી, માંસ અને ઈંડા ખાવાનું બંધ થઈ જશે. તેમણે ચેતવણી આપી હતી કે ભાજપ "માછે-ભાત બંગાળી" (માછલી અને ભાત ખાનારા બંગાળી) ની ઓળખનો નાશ કરશે. આનો સામનો કરવા માટે ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે જાહેરમાં માછલી ખાધી. ભાજપના કેટલાક ઉમેદવારોએ માછલી સાથે પ્રચાર કર્યો. અમિત શાહે એમ પણ કહ્યું હતું કે જે વ્યક્તિ માછલી અને ભાત ખાય છે તે જ બંગાળનો મુખ્યમંત્રી બનશે. ઉત્તર ભારતમાં હિન્દુત્વ ઘણીવાર શાકાહાર અને સાત્વિકતા સાથે સંકળાયેલું છે. પરંતુ બંગાળમાં 'શાક્ત પરંપરા' (શક્તિની પૂજા) સર્વોપરી છે. જેમાં માછલીને 'મહાપ્રસાદ' માનવામાં આવે છે. ભાજપે મેસેજ આપ્યો કે તેનું હિન્દુત્વ બંગાળની માટી અને થાળીને અનુરૂપ છે. 'માછલી-ભાત' એ દરેક બંગાળીનો અધિકાર છે, પછી ભલે તે કોઈપણ પક્ષને મત આપે. બીજું, મમતાએ મુસ્લિમોને જે રીતે છુટ આપી હતી તે જોતાં હિન્દુઓ મનના એક ખૂણે ભય અનુભવતા હતા, એટલે ભાજપનું હિન્દુ-મુસ્લિમ કાર્ડ બંગાળમાં ચાલી ગયું. પશ્ચિમ બંગાળનું ચૂંટણીચિત્ર 2021માં હિન્દુવોટ 216માં હિન્દુવોટ બંગાળની ચૂંટણીમાં TMCને મુસ્લિમ મત બંગાળમાં મતોના ધાર્મિક ધ્રુવીકરણનું ગણિત વાત ગઈ ચૂંટણીની કરીએ. 2021ની. બંગાળમાં 25%થી વધુ મુસલમાનોની વસ્તી છે તેવી 112 સીટ છે. 2021માં TMCએ આમાંથી 106 જીતી ને ભાજપને માત્ર 5 સીટ મળી. તો હિન્દુ બહુમતી વિસ્તારો છે ને મુસ્લિમો ઓછા છે તેવી 182 સીટ છે તેમાંથી TMCને 109 અને ભાજપને 72 સીટ મળી હતી. 2026માં ઘણું બદલાયું છે. મુસ્લિમ મતોનું તુષ્ટિકરણ થયું છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર થયા, સંદેશખાલીના જહાંગીર ખાને હિન્દુઓને પરેશાન કર્યા, હુમાયૂં કબીરે બાબરીની પહેલ કરી. આ બધું જોતાં હિન્દુ ને મુસ્લિમોએ ભાજપને વોટ આપ્યો છે. આનો અર્થ એ કે બંગાળમાં ધાર્મિક ધ્રુવીકરણનું મતદાન થયું છે. બંગાળમાં ભાજપની જીતનાં સૂચિતાર્થો ભાજપે મમતાની મહિલા વોટેબન્કમાં ગાબડું પાડ્યું બંગાળમાં મુસ્લિમ પછી TMCની મોટી વોટબેન્ક હોય તો એ મહિલા વોટબેન્ક છે. મમતા બેનર્જીએ મુખ્યમંત્રી તરીકે પોતાની મહિલા વોટ બેંક બનાવી. મમતા બેનર્જીએ મહિલાઓ માટે નવ વચનો આપ્યા હતા. સૌથી મોટું વચન લક્ષ્મી ભંડાર યોજનામાં ₹500નો વધારો કરવાનું હતું, જેમાં સામાન્ય કેટેગરીની મહિલાઓને ₹1,500 અને SC/ST મહિલાઓને ₹1,700 દર મહિને આપવામાં આવશે. 2.4 કરોડ મહિલાઓને આ રકમ મળે છે. ભાજપે દર મહિને ₹3,000 આપવાનું વચન આપ્યું. ઢંઢેરામાં મહિલાઓને લગતા 15 વચનો આપ્યા હતા. જેમ કે સરકારી નોકરીઓમાં 33% અનામત અને મફત બસ સેવા. નવેમ્બર 2023 થી 11 રાજ્યોમાં ચૂંટણી પહેલાં મહિલાઓને રોકડ રકમ પૂરી પાડવા માટેની યોજનાઓ લાગુ કરવામાં આવી છે અથવા વચન આપવામાં આવ્યું. બીજું, સંદેશખાલી અને આરજી કર મેડિકલ કોલેજની ઘટનાઓએ બંગાળમાં મહિલાઓની સલામતી પર પ્રશ્નો ઉભા કર્યા. આ નેરેટિવને આગળ વધારવા માટે ભાજપે આ કેસોમાં સામેલ વ્યક્તિઓને ટિકિટ આપી. સંદેશખાલી આંદોલનનો ચહેરો બનેલી રેખા પાત્રાને હિંગળગંજ બેઠક આપવામાં આવી હતી અને આરજી કર બળાત્કાર કેસમાં પીડિતાની માતા રત્ના દેબનાથને પાનિહાટી બેઠક આપવામાં આવી હતી. આમ તો ટીએમસી પાસે 9 મહિલા સાંસદો અને 39 મહિલા ધારાસભ્યો પણ છે. છતાં આ વખતે મહિલાઓ TMC કે મમતાની વાતોમાં આવી નહીં ને 2021 કરતાં મહિલાઓનું વોટિંગ વધ્યું. 2021માં 81% મહિલાઓએ વોટિંગ કર્યું હતું જ્યારે 2026માં 93% મહિલાઓએ વોટિંગ કર્યું. બંગાળમાં SIR કામ કરી ગયું, ભાજપને આખું રાજ્ય અપાવી દીધું ચૂંટણી પહેલા બંગાળમાં સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) કરવામાં આવ્યું હતું. જેમાં 91 લાખ મતદારોના નામ દૂર કરાયા હતા. પહેલા તબક્કામાં 64 અને પછી તાર્કિક વિસંગતતાના નામે બીજા 27 લાખ. મતદારોની કુલ સંખ્યા 7.66 કરોડથી ઘટીને 6.75 કરોડ થઈ ગઈ. દૂર કરાયેલા નામોમાંથી 57.47 લાખ હિન્દુ હતા એટલે 63% અને 31.1 લાખ મુસ્લિમ હતા એટલે 34%. SIR ને કારણે બંગાળમાં મુસ્લિમ મતદારોની ઘટેલી સંખ્યાએ પણ ભાજપની જીતમાં ભૂમિકા ભજવી છે. મતગણતરી પછી ચોક્કસપણે SIR ચર્ચાનો મોટો મુદ્દો બનશે. SIRમાં સૌથી વધુ મતદારોના નામ મુર્શિદાબાદ (4.55 લાખ), ઉત્તર 24 પરગણા (3.25 લાખ) અને માલદા (2.39 લાખ) જેવા જિલ્લાઓમાંથી કપાયા છે. જ્યાં મુસ્લિમ બહુમતી છે અને TMCનો ગઢ છે. ભાજપે આ રદ કરવા માટે ગેરકાયદેસર ઘુસણખોરો અને બ્લેક વોટ્સ માટે જવાબદાર ગણાવ્યા હતા. તેણે દલીલ કરી હતી કે SIR એક 'શુદ્ધિકરણ અભિયાન' હતું. બંગાળમાં ગુજરાત જેવું ભાજપનું બૂથ મેનેજમેન્ટ કામ કરી ગયું રાજ્ય કબજે કરવા ભાજપ પ્રચંડ પ્રચાર કરે છે. ભાજપે આ વખતે બંગાળમાં એવું જ કર્યું. પીએમ મોદીએ 19 રેલીઓ અને રોડ શો કર્યા, જ્યારે અમિત શાહે 30 થી વધુ, રાજનાથ સિંહે છ, યોગી આદિત્યનાથે 11, સ્મૃતિ ઈરાનીએ 13 અને હિમંતાએ આઠ રેલીઓ કરી. ભાજપ પ્રમુખ નીતિન નવીને પણ 10 રેલીઓ કરી. અમિત શાહે સમગ્ર ચૂંટણીનો હવાલો વ્યક્તિગત રીતે સંભાળ્યો. તેમણે ચૂંટણીના છ મહિના પહેલા બંગાળ પ્રવાસ શરૂ કર્યો હતો. ચૂંટણી દરમિયાન તેમણે 15 દિવસ બંગાળમાં પડાવ નાખ્યો હતો. તેમણે રોજ સવારના 3 વાગ્યા સુધી મેરેથોન બેઠકો યોજી હતી. તેમની ટીમ સાથે તેમણે 80 હજાર મતદાન મથકોના ડેટાનું વિશ્લેષણ કર્યું અને બૂથની ત્રણ કેટેગરી બનાવી: મજબૂત, મીડિયમ અને નબળા. મીડિયમ બૂથ એવા હતા જ્યાં 2021માં જીત કે હારનું માર્જિન ખૂબ ઓછું હતું. મતદાન પહેલાં શાહે એક સ્ટ્રેટેજિક મિટિંગ યોજી હતી અને દરેક બેઠક પર ભાજપના વોટ શેરમાં 20 હજારનો વધારો કરવાનો ટાર્ગેટ નક્કી કર્યો હતો. આ ટાર્ગેટ 2021 અને 2024માં બૂથ-લેવલના પ્રદર્શન અને સ્વિંગ મતદારોની ગણતરી પર આધારિત હતું. ભાજપે બંગાળમાં ઉત્તર પ્રદેશના સફળ મોડેલનું પુનરાવર્તન કર્યું. "પેજ પ્રમુખ" સિસ્ટમ લાગુ કરવામાં આવી, જે હેઠળ એક કાર્યકરને 30-60 મતદારોની જવાબદારી સોંપવામાં આવી. ભાજપે પેજ પ્રમુખ સિસ્ટમ ગુજરાતથી શરૂ કરી હતી. 2. તમિલનાડુ : AIDMK અને DMKની છ દાયકાની ABCD વિખાઈ ગઈ તમિલનાડુમાં અણધાર્યું પરિણામ આવ્યું. નવી જન્મેલી પાર્ટી જાયન્ટ બની ગઈ. 60 વર્ષથી તમિલનાડુ બે પાર્ટી વચ્ચે પિસાતું હતું. AIDMK અને DMK. હવે નવી જ પાર્ટી બની ને તેની સરકાર બને તેવા એંધાણ મળી રહ્યા છે. તમિલનાડુમાં 234 સીટ છે. બહુમતી માટે 118ની જરૂર છે અને થલાપતિ વિજયની પાર્ટી TVKને 105 સીટ આસપાસ મળે તેમ છે. તેમને સરકાર બનાવવા નવા 13-14 ધારાસભ્યોની જરૂર પડશે. જો TVKની સરકાર બને તો AIDMKનો સાથ લઈ શકે છે. કારણ કે DMKની દુશ્મન પાર્ટી છે. 2021ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો ત્યારે TVKનો જન્મ પણ નહોતો. એ વખતે DMKને 133 સીટ મળી હતી તો AIADMKને 66 સીટ મળી હતી. કોંગ્રેસને 18 ને ભાજપને માત્ર 4 સીટ મળી હતી. તમિલનાડુના ઈન્ટરેસ્ટિંગ ફેક્ટ વાંચો... તમિલનાડુની ચૂંટણીમાં સ્ટારડમ ચાલે છે, આ વખતે ગોલ્ડની લાલચે જીત અપાવી એમ.જી.રામચંદ્રન : MGRએ ટ્રેન્ડ શરૂ કર્યો MGR એટલે M.G. રામચંદ્રન એવા પ્રથમ સ્ટાર હતા જેમણે રાજકારણમાં પ્રવેશવાનો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. તેઓ તમિળ ફિલ્મોના સુપરસ્ટાર હતા અને તમિલનાડુના મુખ્યમંત્રી પણ હતા. જ્યારે એમજીઆર હીરો હતા ત્યારે તેમની ફિલ્મો રેકોર્ડ બ્રેક કમાણી કરતી હતી.પછી તેઓ રાજકારણમાં આવ્યા અને મુખ્યમંત્રી બન્યા. એમજીઆર 1953માં કોંગ્રેસનો ભાગ બન્યા હતા. એમજીઆરના વિશાળ ફેન ફોલોઈંગના કારણે દરેક રાજકીય પક્ષ તેમને પોતાની પાર્ટીમાં સામેલ કરવા માગતો હતો. ફિલ્મ લેખકમાંથી રાજકારણી બનેલા સી.એન.અન્નાદુરાઈએ એમજીઆરને તેમની પાર્ટી 'દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)'માં જોડાવા માટે રાજી કર્યા. એન.ટી.રામારાવ : 300થી વધુ સાઉથ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા NTRએ રાજકારણમાં પણ લાંબી ઇનિંગ્સ રમી હતી. તેઓ એટલા લોકપ્રિય હતા કે લોકો તેમને ભગવાન માનતા હતા. આનો ફાયદો તેમને તેમની રાજકીય કરિયરમાં પણ મળ્યો. NTRએ 1982માં 'તેલુગુ દેશમ પાર્ટી' બનાવી અને રાજકારણમાં પ્રવેશ કર્યો. બહુ ઓછા દિવસો મુખ્યમંત્રી રહ્યા, કારણ કે તેના જમાઈ ચંદ્રબાબુ નાયડુએ જ તેમને દગો આપ્યો. જયલલિતા : જે. જયલલિતા એ સૌથી સફળ સ્ટાર્સમાંથી એક છે જેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હોય. 24 જૂન 1991ના રોજ તેઓ પ્રથમ વખત રાજ્યના મુખ્યમંત્રી બન્યા. તેઓ તમિલનાડુના પ્રથમ મહિલા મુખ્યમંત્રી હતા. તેઓ 6 વખત મુખ્યમંત્રી બન્યા છે. રજનીકાન્ત : સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે પણ 2017માં રાજકારણમાં એન્ટ્રી કરી હતી. તેમણે 'રજની મક્કલ મંદરામ' (RMM) નામની પાર્ટી બનાવી હતી, પરંતુ તેમની રાજકીય સફર 26 દિવસમાં પૂરી થઈ ગઈ હતી. 2021માં તેમણે પાર્ટીનું વિસર્જન કર્યું. થલાપતિ વિજય : સાઉથ સુપર સ્ટાર થલપતિ વિજય સ્ટારડમના કારણે ચૂંટણી જીત્યા પણ તેમની ગોલ્ડની સ્કીમે તેમને વધારે સીટ અપાવી હોવાનું મનાય છે. ભારતનું સૌથી વધુ આશરે 28% ઘરેલું સોનું એકલા તમિલનાડુના લોકોની તિજોરીઓ અને કબાટોમાં રાખેલું છે. વજનમાં આશરે 6,720 ટન. આ અમેરિકાના કુલ સરકારી ગોલ્ડ ભંડાર (8000 ટન)ની આસપાસ છે. જર્મની, ઇટાલી અને રશિયા જેવા દેશોના રાષ્ટ્રીય ભંડાર કરતા ક્યાંય વધારે. થલાપતિ વિજયે જીતવા પર દુલ્હનોને 8 ગ્રામ સોનું અને નવજાત બાળકોને સોનાની વીંટી આપવાનું વચન આપ્યું છે. સોનાની આ લાલચે વ્યાપક અસર કરી છે. 3. આસામ : ભાજપનો ગઢ બની ગયું આ પૂર્વોત્તર રાજ્ય અરૂણોડોઈ યોજના ને મામા-મિયાં શબ્દની રમત.. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસવા સરમા જાહેરમાં ઘણીવાર વિવાદાસ્પદ નિવેદનોથી ચર્ચામાં રહ્યા. મુસ્લિમ વ્યકિત સામે બંદૂક તાંકીને ઊભેલા હિમંતાનો વીડિયો વાયરલ થયો ને ખળભળાટ મચી ગયો. પણ આસામમાં હિમંતાની લોકપ્રિયતાનો ગ્રાફ વધતો ગયો. તેનું સૌથી મોટું કારણ એ છે કે આસામમાં લોકોને રોજગારી મળતી થઈ. વિકાસ થવા લાગ્યો. હિમંતા ગરીબ લોકો માટે નવી નવી યોજના લાવ્યા તેના કારણે તે પોપ્યુલર થયા. મહિલાઓમાં હિમંતાનો દબદબો છે. હિમંતાને બે બાબત તારી ગઈ. એક અરૂણોડોઈ યોજના અને બીજું, મામા-મિયાં શબ્દની રમત. અરૂણોડોઈ યોજના હેઠળ 60 લાખ મહિલાઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા. દર મહિનાની 10 તારીખે 37 લાખ મહિલાઓના ખાતામાં 1250 રૂપિયા ટ્રાન્સફર થાય છે. આસામમાં 2016થી ભાજપની સરકાર છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તત્કાલીન મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલના નેતૃત્વમાં ચૂંટણી લડી હતી. ભાજપને 60 અને સહયોગી પક્ષોને 15 બેઠકો મળી હતી. કોંગ્રેસ ગઠબંધન 50 બેઠકો પર સમેટાઈ ગયું હતું. ચૂંટણી પછી ભાજપે હિમંતાને મુખ્યમંત્રી બનાવ્યા. પાર્ટી તેમના નેતૃત્વમાં આ પહેલી ચૂંટણી છે. ઇટાલીમાં જ્યારે કોઈ "મામા મિયા" કહે છે, ત્યારે તમે સમજો છો કે તે આશ્ચર્યચકિત થઈ જાય છે. જેમ આપણે "ઓઈ મા" કહીએ છીએ. પરંતુ આસામમાં હિમંતા બિસ્વા શર્માએ આ બે શબ્દોનો અર્થ બદલી નાખ્યો છે. હિમંતાએ બે શબ્દોને અલગ કરી નાખ્યા. 'મામા' અને 'મિયાં'. એક તરફ હિમંતા રાજ્યની મહિલાઓના સંતાનોના "મામા" બની ગયા છે. આ એક સફળ ઈમોશનલ કાર્ડ બની ગયું છે. અરૂણોડોઈ યોજના શરૂ થઈ ત્યારે હિમંતાએ કહ્યું હતું કે, હું તમારા બાળકોનો મામા છું. હું મારી બહેનોનું ધ્યાન રાખીશ. પહેલાં અરૂણોડોઈ યોજના આવી. પછી અરૂણોડોઈ.2 આવી. જેમ જેમ ચૂંટણીઓ નજીક આવતી ગઈ, તેમ તેમ આ યોજનાઓનું બજેટ અને વ્યાપ બંનેનો વિસ્તાર થતો ગયો. બીજી બાજુ "મિયાં" પોલિટિક્સના કારણે કોંગ્રેસને તકલીફ પડી છે. આ બે શબ્દોએ ફરી એકવાર આસામમાં ભાજપને સત્તાની ચાવી આપી. આસામની વસ્તી અને બાંગ્લાદેશી ઘૂસણખોરી જૂના અને સંવેદનશીલ મુદ્દાઓ છે. હિમંત બિસ્વા શર્માએ આ મુદ્દા પર "કોઈ સમાધાન નહીં" ની ઈમેજ ઊભી કરી. તેમણે તેમની રેલીઓમાં "મિયાં પોલિટિક્સ" પર સ્પષ્ટપણે નિશાન સાધ્યું, તેને બાંગ્લાદેશી મિયાંઓને આસામી સંસ્કૃતિ માટે ખતરો ગણાવ્યો. તેમણે મદરેસા બંધ કરવાથી લઈને જમીન જેહાદ સામે મજબૂત વલણ અપાનવીને હિન્દુ અને આદિવાસી આસામી મતદારોને ભાજપ તરફ વાળ્યા. આ પીચ પર કોંગ્રેસ સંપૂર્ણપણે પરાજિત થઈ ગઈ. 4. કેરળ : કોંગ્રેસનો છેલ્લો ગઢ બચ્યો, લેફ્ટનો છેલ્લો ગઢ ગયો કેરળ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની આગેવાની હેઠળના UDF ગઠબંધને બહુમતીનો આંકડો વટાવી દીધો છે. 10 વર્ષથી સત્તામાં રહેલા ડાબેરી પક્ષો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. ભાજપે કેરળમાં આ વખતે પણ ખાતું ખોલાવ્યું છે. કેરળમાં 140 સીટ છે ને બહુમતી માટે 71 સીટ જોઈએ. આ વખતે કેરળ વિધાનસભા ચૂંટણી કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) અને બે ટર્મથી સત્તા પર રહેલા લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) વચ્ચે સીધી સ્પર્ધા છે. કોંગ્રેસે 2024ની લોકસભા ચૂંટણી અને તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં સારું પ્રદર્શન કર્યું હતું. LDFની હાર સાથે 1960 ના દાયકા પછી પહેલીવાર એવું બનશે જ્યારે કોઈ ડાબેરી પક્ષ કોઈપણ રાજ્યમાં સત્તામાં નહીં હોય. પણ LDF ઊણી ક્યાં ઉતરી? સૌથી મોટો મુદ્દો એન્ટી ઈન્કમ્બન્સીનો છે. કેરળમાં બે મહિના પહેલાં નગરપાલિકાની ચૂંટણીઓ થઈ. કેરળના ત્રિવેન્દ્રમમાં 45 વર્ષ પછી ભાજપના મેયર આવ્યા છે. ત્યારથી લોકોનો મૂડ પરિવર્તન હોય એવું દેખાતું હતું. LDFના પિનરાય વિજયન 10 વર્ષથી મુખ્યમંત્રી છે. તેમની સામે સત્તા વિરોધી લહેર છે. સીએમ વિજયન પછી સેકન્ડ કેડરમાં કોઈ મોટું માથું નથી. ઘણા નેતાઓ ભાજપ અને કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસ મુખ્યમંત્રીના ચહેરાને લઈને ઝઘડામાં ફસાયેલી છે. પાર્ટી રાહુલ ગાંધીના નામે ચૂંટણી લડી રહી છે અને ખ્રિસ્તી અને મુસ્લિમ સમર્થન પર આધાર રાખી રહી છે. તે સબરીમાલા મુદ્દા પર પણ સરકારને ઘેરી રહી છે. હિન્દુ વોટ બેંકને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ જીતવા છતાં ભાજપ ફક્ત 20 થી 25 બેઠકો પર જ ચૂંટણી લડી રહી છે. કારણ કે ભાજપ જાણે છે કે કેરળમાં પગ જમાવવો તાત્કાલિક સંભવ નથી. કેરળમાં રાજકારણ ખૂબ જ અલગ છે. છેલ્લા 24 કલાકમાં ચિત્ર બદલાય છે. 2021 માં આવું જ બન્યું હતું. ત્યારે મોટાભાગની સીટ પર UDF આગળ હતું ને એવું જ લાગતું હતું કે સરકાર બનાવશે પણ છેલ્લી ઘડીએ ચિત્ર પલટાઈ ગયું. છેલ્લે, મમતા બેનર્જીએ બંગાળના મુસ્લિમ મતદારોની વોટબેન્ક ઊભી કરી હતી. તેના જોરે જ તે 15 વર્ષ સત્તામાં રહ્યાં. મમતા મુસ્લિમ વોટબેન્કની સ્ટ્રેટેજી બરાબર જાણે છે. કારણ કે તેમણે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી 'ઈસ્લામિક હિસ્ટ્રી'માં મેળવી છે. આ વખતે તેમની આ ડિગ્રી કામ ન લાગી. બંગાળના મુસલમાનો પણ સમજી ગયા છે કે પગભર બનવું હશે તો પરિવર્તન કરવું પડશે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)
    Click here to Read More
    Previous Article
    લખનઉએ 229 રનનો ટાર્ગેટ આપ્યો:મુંબઈની બીજી વિકેટ પડી, રિકેલ્ટન બાદ રોહિત શર્મા આઉટ, 84 રન બનાવ્યા
    Next Article
    France had no men’s badminton player in the top 10. Then they changed one thing.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment